સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સલિલ દલાલ/‘સાહિર’ લુધિયાનવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘સાહિર’નું મૂળ નામ અબ્દુલ હયી હતું. તેમણે તખલ્લુસ રાખ્યું ‘સાહિર’, જેનો અર્થ ‘જાદુગર’ થાય. શબ્દોના આ જાદુગરનો ખરો ખેલ ૧૯૫૨માં આવેલી ફિલ્મ ‘દોરાહા’થી શરૂ થયો. પણ સિનેમાનાં ગીતો લખવાં શરૂ કર્યાં તેનાં સાત વર્ષ પહેલાં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’ પ્રકાશિત થઈ ચૂક્યો હતો. લુધિયાણાની સરકારી કોલેજમાં ભણતા સાહિર સામ્યવાદ અને સમાજવાદના વિચારોથી એવા રંગાઈ ચૂક્યા હતા કે કોલેજની મૅનેજમેન્ટ સામે લડતનો ઝંડો ઉઠાવ્યો અને ડિસમિસ થઈ ગયા! સાહિર ભણવા લાહોર ગયા. ઇસ્લામિયા કોલેજમાં. લાહોરમાં પોતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’ તેમણે આપ્યો. એ જ દિવસોમાં ‘અદબે લતીફ’ અને ‘શાહકાર’ના સંપાદક બન્યા. સાહિર માટે હવેનો મુકામ મુંબઈનો ફિલ્મઉદ્યોગ હતો. કોમી તોફાનોને પગલે, ૧૯૪૮માં ‘આઝાદી કી રાહ પર’નાં મોટા ભાગનાં ગીતો લખ્યાં પછી, સાહિર થોડો સમય પાકિસ્તાન જતા રહ્યા, કારણ કે તેમનાં માતાજી તોફાનોના એ દિવસોમાં લુધિયાણા છોડીને લાહોરના રેફ્યુજી કૅમ્પમાં પહોંચી ગયાં હતાં. શોધાશોધ કરીને સાહિરે પોતાનાં અમ્મીજાનને ખોળી કાઢ્યાં. એ ત્યાંના એક દ્વિમાસિક ‘સવેરા’ના સંપાદક બન્યા. ડાબેરી વિચારો ધરાવતા સાહિરના વ્યક્તિત્વ માટે એક જ ધર્મને સર્વોપરિતા આપતા પાકિસ્તાની સમાજમાં ગોઠવાવું અસંભવ હતું. ત્યાંની સરકાર માટે પણ પ્રગતિશીલ લેખકો-કવિઓને સહન કરવા અશક્ય હતા. એટલે એવા સર્જકોની ધરપકડનો દોર ચાલ્યો. સાથી-સહકર્મીઓની ગિરફતારીઓ સામે સાહિરે ‘સવેરા’માં તે દિવસોમાં લખ્યું, દબેગી કબ તલક આવાજે-અદમ હમ ભી દેખેંગે, રૂકેંગે કબ તલક જજબાતે બરહમ હમ ભી દેખેંગે” અને સાથે સાહિરના ધગધગતા લેખ પણ શરૂ થયા. કઈ સરકાર સાંખે? શાયર સામે ધરપકડનું વોરન્ટ નીકળ્યું. સાહિર લુધિયાનવી માતાને લાહોરમાં જ રહેવા ગઈ, પોતે એકલા દિલ્હી ઊપડી ગયા. પાકિસ્તાનથી ભારત ભાગી આવ્યા પછી વરસદહાડો દિલ્હીમાં રહી સાહિરે બે ઉર્દૂ સામયિકો-‘પ્રીત લડી’ અને ‘શાહરાહ’નું સંપાદન કરેલું. ત્યારે જે પંજાબી મિત્રો સાથે પરિચય થયેલો, તે પૈકીના એક દ્વારા મુંબઈમાં મોહન સાયગલની ઓળખાણ થઈ. મોહન સાયગલે સાહિર ને એસ. ડી. બર્મનને ભેગા કર્યા અને સર્જાઈ એક યાદગાર જોડી. સાહિર મુંબઈ અને તેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેવટે સ્થાયી થયા. સાહિર અને સચીનદાની જોડીએ જ્યારે બિમલ રોયની મહત્ત્વાકાંક્ષી અને ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’ માટે કરાર કર્યો, ત્યારે સનસનાટી થઈ ગઈ. ‘દેવદાસ’ પછી સાહિર-સચીનદાએ ૧૯૫૭માં આપી ‘પ્યાસા’. ગુરુ દત્તની આ અમર ફિલ્મ માટે સાહિરે જાણે કે તેમની સઘળી શક્તિ રેડી દીધી. સાહિરનું નવા સમાજ માટેનું કમિટમેન્ટ સૌથી વધુ દેખાતું હોય તો એ ‘ફિર સુબહા હોગી’ના ટાઇટલ ગીતમાં. શોષણવિહીન સમાજનું પ્રભાત આવશે, એવા આશાવાદવાળા એ ગીતમાં છેલ્લે કવિ “વો સુબ્હા હમીં સે આયેગી એમ કહીને સામૂહિક જવાબદારીનો એહસાસ કરાવે છે.” તેમના સ્વભાવ સાથે મેળ ખાતા મિત્રો ઘટતા ગયા અને એક સમયે માત્ર અમ્મીજાન સિવાય કોઈ તેમનું સાચા અર્થમાં અંતરંગ નહોતું રહ્યું. એવામાં ૧૯૭૮માં અમ્મીજાનનું અવસાન થયું અને “જહાં મેેં ઐસા કૌન હૈ જિસ કો ગમ મિલા નહીં” એવું આશ્વાસન-ગીત આપનાર શાયર આ આઘાત બરદાસ્ત ના કરી શક્યા. બે જ વરસ પછી ૧૯૮૦માં સાહિરને છાતીમાં દુખાવો શરૂ થયો. તેમણે પોતાનાં બહેન અનવરને પોતાને ડોક્ટર કપૂરને ત્યાં લઈ જવા કહ્યું. ડો. કપૂર સાહિરના કાયમી ડોક્ટર જ નહીં, શરાબ અને પત્તાંની મહેફિલના સાથી પણ હતા. તેમની સારવારથી સાહિરને સારું લાગવા માંડ્યું. બંને મૂડમાં આવી ગયા. પત્તાં કાઢ્યાં. રમત ચાલતી જ હતી અને સાહિરને ગભરામણ થવા લાગી. ડોક્ટરમિત્ર સારવાર કરે તે પહેલાં જ સાહિર ઢળી પડ્યા. તેમનાં અમ્મીજાનની કબરની બાજુમાં સાન્તાક્રુઝના કબ્રસ્તાનમાં સાહિરને દફનાવાયા. સાહિર આખી જંદિગી અપરિણીત રહ્યા. આજીવન તેમનાં સુખદુઃખનાં સાથી તેમનાં માતા જ હતાં. સાહિરે ભલે નમ્રતાપૂર્વક એમ કહ્યું હોય કે, મૈં પલ દો પલકા શાયર હૂં, પણ એ સદીઓ સુધી ગુંજતા રહે એવા શબ્દોના જાદુગર (સાહિર) હતા. એ કહેતા કે “સમાજ એટલી હદે સુધરી જવો જોઈએ કે મારી કવિતા ઉપર ભવિષ્યના લોકો હસે, ક્યાંય શોષણ ના રહે અને મારી શાયરી અર્થહીન લાગે.” [‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક : ૨૦૦૫]