સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/એનું કારણ શું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક પ્રશ્ન થાય છે: આપણા સમાજમાં બુદ્ધિશીલોનું વર્ચસ્ નથી, એનું કારણ શું? રાજકારણવાળા એમને વેદિયા ગણે છે. એમને લોકસંપર્ક હોતો નથી. વિચારો કાંત્યા કરવા અને સક્રિય બનીને વર્તમાન સમસ્યાઓને ઉકેલવા આગળ આવવું નહિ, એવો કહેવાતા બુદ્ધિશીલોનો આચાર હોય છે. એનો લોકસંપર્ક એ છાપામાં એકાદ કોલમ લખતો હોય છે એટલા પૂરતો જ હોય છે. ઘણી વાર એ સત્યને ભોગે તર્ક લડાવવાની રમતમાં રાચતો હોય છે. પણ જરૂર પડે ત્યારે આ રાજકારણવાળાઓ બુદ્ધિશીલોને પોતાના સમર્થન માટે વાપરે છે. બધા જ બુદ્ધિશીલો અપરિગ્રહી, અનાસક્ત હોતા નથી. એમને આ કે તે જોઈતું હોય છે. આથી રાજકારણવાળાના ખરીતા તેઓ તૈયાર કરી આપે છે. જરૂર પડે ત્યારે દસ્તખત પણ કરે છે. પણ એથી આગળ વધીને જો એમના કારભારમાં બુદ્ધિશીલો દખલગીરી કરે, તો એમને પડતા મૂકવામાં રાજકારણવાળાઓને સહેજેય સંકોચ થતો નથી. આપણે ત્યાં બુદ્ધિશીલોની ઝાઝી આબરૂ નથી. વિદ્યાપીઠોમાં જ્ઞાનના ક્ષેત્રમાં તેઓ રાજકારણના દાવપેચ ઘુસાડે છે એવો એમના પર આરોપ છે. તેઓ પવન જોઈને પીઠ ફેરવનારા કાયર છે. આંતરિક પ્રતીતિનું સમર્થ ઉચ્ચારણ કરીને સમાજના એક વિધાયક બળ તરીકે કામ કરવાની એમની તૈયારી હોતી નથી. બુદ્ધિનિષ્ઠ અધ્યાપકને મોટો મોભો આપીને વહીવટી તંત્રનાં સૂત્રો સોંપ્યાં કે તરત જ ચોકઠામાં બરાબર ગોઠવાઈ જવા માટે જરૂરી બધાં જ સમાધાનો કરી લેવા એ તત્પર થઈ જાય છે. આથી જ શાસકો અને સમાજમાં વગ ધરાવનારો વર્ગ બુદ્ધિશીલોને પરાસ્ત કરવા બુદ્ધિશીલોનો જ ઉપયોગ કરે છે. “જે બાબતમાં બુદ્ધિશીલોની પહોંચ નહીં હોય તેમાં એમણે માથું મારવું જોઈએ નહિ. તેઓ રાજકારણના કે સમાજના ‘નાજુક પ્રશ્નો’ને સમજી શકતા નથી, કુનેહથી કામ પાર પાડવાનું જાણતા નથી. સત્યનું નામ લઈને હોબાળો મચાવી જાણે છે. બીજાં ક્ષેત્રોમાં અનધિકાર પ્રવેશની ચેષ્ટા છોડી દઈને તેઓ વિદ્યાપીઠના વર્ગોમાં, પુસ્તકાલયોમાં, પ્રયોગશાળાઓમાં પોતપોતાની રીતે વધુ વિકાસ સાધવામાં સક્રિય બને તો જ સમાજને લાભ થાય.” આવી સુફિયાણી સલાહ વિદ્યાપીઠના કોઈ ને કોઈ બૌદ્ધિક કાર્યક્રમમાં ‘ઉદ્ઘાટન’ કરવા અને ‘આશીર્વચન’ આપવા આવેલા રાજકારણીઓને મુખે ઉચ્ચારાતી આપણે સાંભળી હોય છે. બુદ્ધિશીલ હોવાનો ડોળ કરીને પાંચમી કતારિયાની જેમ બુદ્ધિશીલોના વર્ગમાં ઘૂસી જઈને એને અંદરથી તોડનારો એક નવો વર્ગ ઊભો થયો છે. એનાથી સાવધ રહેવાની ખાસ જરૂર છે. [‘ઇતિ મે મતિ’ પુસ્તક]