સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/કીર્તિ સામે ઝુંબેશ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તો ચાલો, કીર્તિ સામે ઝુંબેશ ચલાવીએ! એણે આપણા સાહિત્યનો ઘણો ભોગ લીધો છે. ખુમારીવાળા સર્જકોને યાચક બનાવ્યા છે. એણે સર્જકની દૃષ્ટિને પોતાની કૃતિના સત્ત્વ પરથી ખસેડીને પોતાના નામના ચળકાટ તરફ વાળી છે. પાઠ્યપુસ્તકોમાં સ્થાન, સંકલનોમાં સ્થાન, પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધિ—એટલેથી દોડ અટકતી નથી. પછી ચંદ્રકો અને ઇનામો: નર્મદ ચંદ્રક ને રણજિતરામ ચંદ્રક, ગુજરાત રાજ્યનાં ઇનામ, દિલ્હીનું સાહિત્ય અકાદમીનું ઇનામ અને એથી આગળ વધીને જ્ઞાનપીઠનું ઇનામ—એ ઉપરાંત સંસ્થાઓએ અસાહિત્યિક ધોરણે જાહેર કરેલાં નાનાંમોટાં ઇનામો તો જુદાં! આ ચક્કરમાં પડેલો જીવ ક્યાંથી છૂટે? તેમાં વળી આગલી હરોળમાં રહેવાનો ધખારો, પ્રવાહને નવો વળાંક આપ્યાનું શ્રેય લેવાની ઇચ્છા—આ બધું તો ખરું જ. છાપાંમાં એકાદ કોલમ હાથ આવી ચડે તો ય ભયોભયો—થાપવા-ઉથાપવાની રમત રમવાની કેવી મજા! આને ચૂંટી ખણી, તો પેલાને થાબડ્યો. ધીમે ધીમે બધું કરવાની ફાવટ આવી જાય, રીઢા થઈ જવાય, સાથે સાથે સર્જનને માટેની સાધનામાં ઊણપ આવતી જાય; પણ આત્મશોધન માટેનો સમય ક્યાંથી કાઢવો? આ પછી પરિષદ, સભા-સમિતિ, સંવાદનાં ક્ષેત્રો ખૂલે છે. પછી વિદ્યાપીઠોની કે સરકારી સમિતિઓમાં સ્થાન પામવા માટેની પડાપડી. પાઠ્યપુસ્તકો નક્કી કરનારી સમિતિમાં હોઈએ તો મિત્રોને ઉપકારક થઈ શકાય. પછી જાહેર સન્માન, માનપત્ર, ષષ્ઠીપૂર્તિ—જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કીર્તિ માટેની દોટ મૂકતો આપણો લેખક કેવો તો દયામણો લાગે છે!

*

રિલ્કેની એક કવિતામાં સોનું માનવી આગળ કાકલૂદી કરીને કહે છે: “મને ફરીથી ખાણમાં સંતાઈ જવા દો. મારી કહેવાતી અશુદ્ધિને શુદ્ધ કરવા તમે કસોટી કરી, પણ તમે જે નવી અશુદ્ધિ ઉમેરી છે તેથી તો શરમના માર્યા મારે ધરતીમાં સમાઈ ગયા વિના છૂટકો નથી. રાજાઓના સિક્કા, ધનિકોની લોભી આંગળીની છાપ, ગરીબોનાં આંસુ, હત્યારાઓએ રેડેલ લોહી—બધું મારા અંગ પરથી શી રીતે ધોઈ શકાશે?” આમ આજે સુવર્ણચંદ્રકોનું સોનું પણ અશુદ્ધિને કારણે ધરતીમાં સમાઈ જવા ઇચ્છે છે. એના પર પણ લોલુપ દૃષ્ટિના ડાઘ છે, દુરુપયોગનું કલંક છે. તો આવો, કીર્તિ સામે ઝુંબેશ ઉઠાવીએ, ચંદ્રકોને ઓગાળી નાખીએ, આત્મપ્રશંસામાં રાચતી કલમોનું લીલામ કરીએ, ‘કીર્તિ’ શબ્દના પર છેકો મૂકીએ! [‘શ્રુણવન્તુ’ પુસ્તક]