સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/પારદર્શક નિખાલસતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાફકાએ એની ગદ્યકૃતિઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશકને છાપવા માટે મોકલ્યો ત્યારે સાથે એક પત્ર લખ્યો હતો એમાં એણે લખ્યું હતું, “આ સાથે, તમે જોવા માગેલા તે, કેટલાક નાના ગદ્યખંડો મોકલું છું; એક નાનકડું પુસ્તક થાય એટલા એ છે. હું જ્યારે આ હેતુથી એનું સંકલન કરતો હતો ત્યારે મારે બે રીતે પસંદગી કરવી પડતી હતી: એક તો મારી જવાબદારીની ભાવનાને સંતોષે એ રીતે, બીજું તમારાં સુંદર પુસ્તકોની શ્રેણીમાં મારું પણ પુસ્તક હોય એવી ઉત્સુકતાથી પ્રેરાઈને. આ બાબતમાં દરેક પ્રસંગે હું સ્પષ્ટ અને અસંદિગ્ધ નિર્ણય લઈ શક્યો છું એવું નથી. પણ તમને જો એથી પ્રસન્નતા થાય અને જો તમને આ છાપવા જેવું લાગે તો સ્વાભાવિક રીતે જ મને ખુશી થશે. એમાં જે નબળું રહેલું છે તે પહેલી નજરે તરત પકડી શકાય એવું નથી. દરેક સર્જક પોતાનું નબળું પોતાની આગવી રીતે પ્રચ્છન્ન રાખી શકે છે તે જ એ સર્જકની વિશિષ્ટતા નથી બની રહેતી?” આ પત્રની પારદર્શક નિખાલસતા આપણને સ્પર્શી જાય છે. એમાં પ્રસિદ્ધિ માટેની ઉત્સુકતા તથા તેથી થતા આનંદને કાફકાએ ઢાંક્યાં નથી. તેમ છતાં, બીજા સહેલાઈથી પારખી નહિ શકે તેવી, પોતાની નિર્બળતાનો એ એકરાર કરી દે છે. પછી એ જે કહે છે તે આપણને વિચાર કરતા કરી મૂકે એવું છે. કૃતિમાં ચતુરાઈ હોય તો એ કશીક નબળાઈને ઢાંકવા માટે જ હોય. વધારે પડતાં શૈલીનાં નખરાં કોઈ કરે તો તે કશીક નિર્બળતાને ઢાંકવા માટે. આ વાત સાચી લાગે છે. પ્રસિદ્ધિના ચક્રવાતમાં ફસાયા પછી, સર્જકોના જીવનમાં એવા તબક્કા આવે છે જ્યારે કશું રચી શકાતું નથી. આ ગાળો ભારે કસોટી કરનારો નીવડે છે. પ્રસિદ્ધિની આસકિત હોય તો કંઈક ને કંઈક રચી કાઢવાના ઉધામા ચાલુ રહે છે. આવી, પરાણે રચાતી કૃતિઓની નિર્બળતા પૂરેપૂરી ઢાંકી શકાતી નથી. બીજી બાજુથી વાલેરી જેવાના પણ દાખલા છે. સતત વીસ વર્ષ સુધી એક કૃતિને મઠાર્યા કરવાની એની ધીરજ એક વિરલ ઘટના છે. માલ્કમ લાવરીએ ચારેક નવલકથા લખી છે. એક વાક્યને એ શક્ય તેટલી જુદી જુદી રીતે લખી જોતો. અઢીત્રણ હજાર પાનાંનાં લખાણમાંથી બસોએક પાનાં ઉદ્ધારીને એને એ આખરી રૂપ આપતો. જૂનું લખીને રાખી મૂક્યું હોય, પોતે જ જેને પ્રસિદ્ધિને યોગ્ય નહિ ગણ્યું હોય, તેને પછીથી મળેલી પ્રસિદ્ધિને કારણે પ્રકટ કરવાના પ્રલોભનને કેટલાય લેખકો વશ થતા હોય છે. આત્મતુષ્ટિની ગર્તામાં પડ્યા પછી ઘણા એમાંથી કદી બહાર આવી શકતા જ નથી. સર્જકને તો પોતાની જાત સાથે ઝઘડ્યા કરવાનું કૌવત મેળવી લેવું ખૂબ જરૂરી છે. [‘ઇતિ મે મતિ’ પુસ્તક]