સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી વિવેકાનંદ/તમે તો કેવા લોકો છો?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દુ:ખી મનુષ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય કરવા માટે પ્રયત્ન કરો: આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્ષ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનિકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હૃદયે અડધી દુનિયા ઓળંગીને હું આ અજાણી ભૂમિ[અમેરિકા]માં આવ્યો. આ ભૂમિમાં ઠંડી કે ભૂખથી હું ભલે મૃત્યુ પામું; પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાત અને પીડિત લોકો માટે આવી સહાનુભૂતિ, આવો સંઘર્ષ મૂકતો જઈશ. જરૂર છે મર્દોની, સાચા મર્દોની. બીજું બધું તો થઈ રહેશે, પણ ખરેખર તો બળવાન, દૃઢ, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઊભરાતા નવયુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સૂરત પલટી જાય. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષિમુનિઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટિએ પહોંચી ગયા છે, તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભૂખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભૂખમરો વેઠી રહ્યા છે, તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે, તેનો તમને કંઈ વસવસો છે ખરો? શું એથી તમારી ઊઘ હરામ થઈ ગઈ છે ખરી? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તિ, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તિ—અને તમારો દેહ સુધ્ધાં—વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે—સૌથી પ્રથમ સોપાન. શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી પાછળ નજર નહીં કરો; ના, તમારા પ્રિયજનો અને સ્વજનોને રડતાં જુઓ તોપણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો! તમે તો કેવા લોકો છો? આ દેશમાં આટલા બધા લોકો અભણ છે, તેમને ખાવાનું નથી મળતું, તેઓ દુ:ખી છે, અને તમે આરામમાં પડ્યા છો? સૈકાઓથી તેઓને દબાવવામાં આવ્યા છે અને તેમનું શોષણ કરવામાં આવ્યું છે, અને તમે ભણેલાગણેલા ઉચ્ચ વર્ગના લોકો તેઓ પ્રત્યે તદ્દન નિષ્ઠુર અને ઉદાસીન છો? જ્યાં સુધી લાખો લોકો ભૂખ અને અજ્ઞાનમાં જીવી રહ્યા છે ત્યાં સુધી, તે લોકોના ખર્ચે જ શિક્ષિત થયેલા હોવા છતાં તેઓ પ્રત્યે ધ્યાન દેતા નથી એવા લોકોને, એવા દરેક સ્ત્રીપુરુષને હું દેશદ્રોહી ગણું છું. [‘શકિતદાયી વિચાર’ પુસ્તિકા: ૧૯૭૮]