સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિવલ્લભ ભાયાણી/નર્મદા-બંધથીય પ્રચંડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મારે જે કહેવું છે તે હું એક પ્રશ્નાર્થના રૂપમાં મૂકું : એકવીસમી સદીની આ પૂર્વસંધ્યાનો નર્મદ ક્યાં છે? અર્વાચીન યુગમાં આપણે ત્યાં જેમણે સર્જક, વિચારક અને કર્મપુરુષ તરીકે પ્રબળ પુરુષાર્થ કર્યો છે, લોકોના સંસ્કારઘડતર માટે જે અવિરત મથ્યા છે એવા થોડાક અર્વાચીન સંસારપુરુષો છે, પણ આજના પ્રસંગને અનુરૂપ માત્રા નર્મદની જ વાત હું કરું. એક ક્રાંતિકારી, ઉદ્દામ વ્યક્તિત્વની છાપ ધરાવતી જે તત્કાલીન યુગચેતના નર્મદ દ્વારા અભિવ્યક્ત થઈ હતી, તેને સર્વાંગે સમુલ્લસિત કરનાર કોઈ સમર્થ ચિત્કાર હજી સુધી આપણને કેમ નથી મળ્યો? આજના આપણા સમયને લગતી એક ભારે ચિંતાકારક હકીકત એ છે કે આપણામાંથી જેઓ સાહિત્ય અને વિદ્યાના ક્ષેત્રામાં છે, લેખક-વિચારક-પત્રાકાર છે, તેનો મોટો ભાગ સમગ્રપણે સમાજની જે વર્તમાન દશા પ્રવર્તે છે તેની સાથે ખાસ કશી નિસ્બત ધરાવતો હોય એવું ક્વચિત જ દેખાય છે. વર્તમાન ઝંઝાવાતી સાંસ્કૃતિક ઊથલપાથલો પ્રત્યે, આચારવિચારને વલોવી નાખતી ઘટનાઓ પ્રત્યે, એ વર્ગના લોકોને અંદરનો લગાવ હોવાનું પ્રતીત થતું નથી. એટલું જ નહીં, અહીંનાં અને વિશ્વનાં સમકાલીન પરિબળોને લગતા આપણા ખ્યાલો પણ ઘણી બાબતમાં સારી રીતે કાચા, ધૂંધળા કે ઢાંચાઢાળ હોવાનું સતત લાગ્યા કરે છે. નર્મદના સમયથી લઈને ગાંધીયુગ સુધીના આપણા વિચારશીલ વર્ગે જે સામાજિક જાગૃતિ દાખવી હતી તેમાં છેલ્લા ત્રાણેક દાયકાથી આવેલી ભારે ઓટ મતિ મૂંઝવી નાખે તેવી છે. એક તરફ આપણા સ્વત્વને ઘસીભૂંસી નાખતો, દાવાનળ સમો ભોગવાદ પ્રવર્તી રહ્યો છે. તો સામે પક્ષે, અંદર-બહારને સૌને હલાવી દેતો નર્મદીય જોસ્સો, પડકાર, હણહણાટ ક્યાં? આર્થિક દૃષ્ટિએ ચડિયાતો, ભણેલોગણેલો જે શહેરી વર્ગ છે, તેમાં સાંસ્કારિક વિનિપાત ચેપી રોગની પેઠે ફેલાઈ રહ્યો છે. તેને રોકવા, નર્મદા— બંધથીય પ્રચંડ નર્મદ-બંધ બાંધવાની કોઈ યોજનાની કેમ આપણને ઝાંખી થતી નથી? આપણી આજની સમસ્યાઓને પારખવામાં, તેને પહોંચી વળવાની મથામણ કરવામાં નર્મદ, ગાંધીજી વગેરેના વારસદાર તરીકે આપણે અત્યારે કેવોક હિસાબ આપીએ છીએ તેને લગતી આપખોજ કેટલીક થાય છે? અતિશય પીલેલાં છતાં કૂચામાંથી બેચાર ટીપાં રસ નિચોવવા મથતાં આપણાં પરિસંવાદો અને સંગોષ્ઠીઓ જડ કર્મકાંડમાંથી છૂટીને ધરતી પર થોડાંક મુક્ત પગલાં ન માંડી શકે? નર્મદની વીરતા અને અક્ષરપુરુષાર્થ આપણને અત્યારે પ્રેરે, એનું સ્મરણ સંગ્રહાલયના પુરાતત્ત્વીય અવશેષને યોગ્ય ન બની રહે, એવી ભાવના વ્યક્ત કરી હું વિરમું છું.