સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/એ ગુણ ગાવા ગમે છે
શ્રીકૃષ્ણ વિષ્ટિકાર બની હસ્તિનાપુર ગયા હતા. એ શાંતિના દૂત હતા. દૂતનો ઉતારો રાજાના ભવનમાં હોય. દુર્યોધને પોતાના ભાઈ દુશાસનના ભવનમાં કૃષ્ણના ઉતારા માટે સગવડ કરી હતી. પરંતુ કૃષ્ણ તો ગંગાતીરે કુટિર બાંધીને રહેતા વિદુરને ત્યાં ગયા.
અગાઉ વિદુર હસ્તિનાપુરના રાજભવનમાં જ રહેતા હતા; તે છોડીને એ વનમાં શા માટે રહેવા ગયા, તેનો ખુલાસો કરતાં ‘ભાગવત’માં શુક્રાચાર્ય ધૃતરાષ્ટ્રના ચાર પ્રકારના દોષ વર્ણવે છે: પ્રથમ તો, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાના પ્રપંચમાં ‘વિનષ્ટદૃષ્ટિ’ ધૃતરાષ્ટ્ર પણ જોડાયા હતા; બીજું, ભરી સભામાં સતી દ્રૌપદીના કેશ ખેંચવાનું પુત્રનું કુકર્મ ધૃતરાષ્ટ્રે અટકાવ્યું નહીં; ત્રીજું દ્યુતમાં કપટથી જિતાયેલા યુધિષ્ઠિરે દ્યુતની શરત પાળી પાછા ફર્યા બાદ રાજ્યનો પોતાનો હિસ્સો માગ્યો, તે આપવાની પણ ધૃતરાષ્ટ્રે ના પાડી. અને એનો ચોથો દોષ એ કે જગદ્ગુરુ કૃષ્ણનાં અમૃતતુલ્ય વચનો, થોડાં બચેલાં પુણ્યોને પણ પરવારી બેઠેલા ધૃતરાષ્ટ્રે ન સાંભળ્યાં.
આવા ધૃતરાષ્ટ્રે સલાહ લેવા માટે વિદુરને બોલાવેલા. વણમાગી સલાહ તો વિદુર આપતા નથી પણ પૂછે છે ત્યારે કહે છે કે, રાજવી, તમારા પુત્રને માટે આ બધું કરો છો; પણ એ પુત્ર નથી. પુત્ર તો કુળને સંવર્ધે, કુળનો નાશ ન કરે. પરંતુ દુર્યોધન તો કુળનો નાશ કરવા બેઠો છે, એને કઈ રીતે પુત્ર કહેવાય?
આ શબ્દો સાંભળતાં દુર્યોધન વિદુર પર રોષે ભરાય છે, તેને અપશબ્દોથી નવાજે છે અને નગરમાંથી હાંકી કાઢવાની વાત કરે છે. વિદુર તો ન પ્રશંસાથી ફુલાય છે, ન નિંદાથી ઓઝપાય છે. આ બધું જ પરમાત્માની માયાને કારણે થાય છે એ જાણનારા વિદુર હવે વ્યથારહિત થઈ, ધનુષ્યને પોતાના ઘરને દરવાજે છોડી યાત્રાએ જવા નીકળે છે. પોતે શત્રુને પક્ષેથી યુદ્ધ કરશે, એવો સંદેહ ન જાગે તે માટે જ ધનુષ્ય મૂકીને એ ચાલી નીકળે છે.
પછી સકળ તીર્થ કરીને વિદુર યમુનાતટે પાછા આવે છે ત્યારે ભગવાનના ભક્ત ઉદ્ધવનાં દર્શન કરે છે. બહુ લાંબા કાળ પછી વિદુરને કોઈ પરિચિત જનનો ભેટો થાય છે, એટલે એ સૌના કુશળ પૂછે છે. ધર્મરાજા આદિ ભાઈઓ વગેરેના કુશળના પ્રશ્નના ઉત્તરમાં ઉદ્ધવ થોડીક ક્ષણો અવાક્ બની જાય છે. યાદવાસ્થળીની હજી વિદુરને ખબર નથી. પછી ઉદ્ધવ કહે છે: શ્રીકૃષ્ણ રૂપી સૂર્ય અસ્ત પામતાં અમારાં ઘરો અત્યારે શ્રીવિહીન થઈ ગયાં છે, ત્યારે તમને કુશળ શી રીતે કહું?
કૃષ્ણની વાત પૂછનાર અને સાંભળનાર કોઈક ઉદ્ધવને ઘણા સમયે મળ્યું. તેમાંયે વિદુરના જેવા ભગવાનના ભક્ત શ્રોતા ક્યાંથી મળે? એટલે હવે ઉદ્ધવ કૃષ્ણના લીલામય ચરિત્રને વર્ણવવા બેસે છે. એ ચરિત્ર વિદુર તો જાણે જ છે. પણ કૃષ્ણના ગુણ સૌ જાણે તોય વારંવાર ગાવા ગમે છે. એટલે કૃષ્ણની બાળલીલાથી માંડી નિર્વાણ સુધીની ક્ષણો ઉદ્ધવ વર્ણવવા માંડે છે.
[‘નવનીત-સમર્પણ’ માસિક]