સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હાજી મહમ્મદ અ. શિવજી/‘બોરોડ’થી બીવાનું નથી
મારું માનવું છે કે પ્રજાને અમુક પ્રકારનું રુચિકર વાચન જોઈએ છે. પછી તે ‘બોરોડ’ (ઉછીનું લીધેલું) હોય કે ગમે તેવું, તેની તેને દરકાર મુદ્દલ નથી. થોડાક ૧૦૦થી ૨૦૦ સાક્ષરવર્ગનાઓ જ દરકાર રાખી આ આમાંથી લીધું ને પેલું પેલામાંથી લીધું ગણે છે—જેઓ પોતે કદી દોઢિયાં ખર્ચી વાંચતા નથી. આ મારો ઉપરટપકિયો અભિપ્રાય નથી, પણ મજબૂત અનુભવ છે એમ માનશો. તમે અમુક સાક્ષરમંડળમાં બેસો-ઊઠો અને તે લોક આજે ઓલાનું ને કાલે પેલાનું બંગાળી-મરાઠી કે હિન્દી સાહિત્ય વાંચી તે ઉપરથી પકડી પાડી કહે કે આ આમાંથી છે, તો તેની દરકાર ગ્રાહકવર્ગના જનસમાજ સાથે નથી જ સરખાવવાની એ મત ઉપર હું લાંબા વિચાર અને ચાલુ મનન પછી જ આવ્યો છું.
શરૂઆતમાં તો હું પણ બધું ‘ઓરિજિનલ’ અને સ્વતંત્ર આવે એ જ વિચારનો હતો. પણ ભાઈજી, તમારે ત્યાંના સાહિત્યમાં તેવા લેખક જ ક્યાં છે? જે લોક ‘છે’ તરીકે ગણાય છે તેઓ પણ ખરેખર ‘નથી જ’. નથી તેમનું વાચન, મનન કે અધ્યયન. તેવામાં એ લોકને આશરે રહેતાં પત્તો ન ખાય.
દુનિયાના વિખ્યાત ‘સ્ટ્રેન્ડ મેગેઝીન’નાં પહેલાં પાંચ વર્ષોની ફાઈલો જોશો તો તેમાં રશિયન, ફ્રેન્ચ અને જર્મન લેખોનાં ભાષાંતર જ ભરેલાં છે! બીવાનું ‘બોરોડ’થી નથી.
[‘હાજી મહમ્મદ સ્મારકગ્રંથ’]