સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ભાગ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કર્તાસંદર્ભ કોશ

[સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ – અંતર્ગત, ભાગ : ૧]

સાહિત્યકોશો સામાન્ય રીતે લેખકનામના કે કૃતિનામના અકારાદિક્રમે થતા હોય છે. એથી એમાં લેખક કે કૃતિની વિગત સરળતાથી હાથવગી થાય. પરંતુ સાહિત્યનો ઈતિહાસ સમયના ક્રમે લખાય છે. તે તે સમયના યુગસંદર્ભમાં લેખકોની, એમની કૃતિઓની, એમાંથી રચાતા સ્વરૂપ-વિકાસની વિગતો ઈતિહાસ આલેખે છે. પણ આમ કરતી વખતે ઈતિહાસકારે બધું એકસાથે હાથ પર લેવું પડતું હોય છે. એથી કર્તાઓના જન્મસમયો કે કૃતિઓના પ્રકાશનસમયો એમાં એક રેખા પર આવી શકતા નથી. આ કારણે રૈખિક સમયસંદર્ભ મુજબના કોશની જરૂરિયાત હોય છે – એ પ્રયોજનથી આ કોશ તૈયાર કર્યો છે. આ કોશ અર્વાચીન ગુજરાતી સાહિત્યના, પહેલા લેખકથી લઈને સમયક્રમે આજસુધીના લેખકોને સમાવતો, ને જેમ જેમ વિગતો મળે એમ નવા લેખકોને સમાવીને સતત સંવર્ધિત થનારો કોશ છે. ૧૯મી સદીથી, દાયકાવાર લેખકવિગતો અહીં મૂકી છે જેથી કોઈ અભ્યાસીને ધારો કે ૧૯૨૧થી ૧૯૩૦ના દાયકામાં જન્મેલા, કે એને વિસ્તારીને ૧૯મી પૂર્વાર્ધના કે ૨૦મી ઉત્તરાર્ધના લેખકો વિષે કોઈ કામ કરવું હોય તો આ કોશ ઉપયોગી નીવડશે; લેખકોનાં જન્મશતાબ્દી વર્ષ અંગે કોઈ કાર્યક્રમ કે પરિસંવાદ કરનારને આ કોશ સીધી માહિતી આપશે. જૂના લેખકોની જન્મ‘તારીખો’(ને અવસાન તારીખો, વર્ષો) આ કોશમાં તરત સુલભ થશે. ટૂંકમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અભ્યાસીઓ, પત્રકારો સૌને માટે આ કોશ ઉપયોગી થશે. આ કોશ માત્ર નામ-જન્મની વિગતો આપીને અટકી નથી જતો; તે તે લેખકને નામે પહેલું કયું પુસ્તક પ્રકાશિત થયું એની વિગત પણ આપે છે. જેથી ‘લેખક’ તરીકે એનો પહેલો પ્રાદુર્ભાવ ક્યારે થયો એ ઐતિહાસિક વિગત પણ સાંપડે. આ કોશ એક બીજી સુવિધા પણ આપે છે, જન્મસમય પ્રમાણે આમાં લેખકનામો હોવાથી કોઈ લેખકનું નામ કેવી રીતે શોધવું? તો પુસ્તકને અંતે, બધાં જ લેખકોની એક સૂચી મૂકી છે. એ સૂચી લેખકની અટકના નામથી, અકારાદિક્રમે શરૂ થાય છે. કોઈને ધારો કે ભાઈશંકર પુરોહિતની વિગત શોધવી હોય તો પુરોહિતના આકારાદિક્રમે એમનું નામ તથા જન્મવર્ષ મળશે. એને આધારે કોશની મૂળ ટેક્સ્ટમાં જન્મવર્ષના ક્રમે એમની વિગતો જડશે. આનંદ એ વાતનો છે કે, નવા લેખકોની તેમજ ખૂટતાં લેખકનામોની વિગતો ઉમેરવાનું સંદર્ભવિદ્ અનંત રાઠોડે સ્વીકાર્યું છે. હું એમનો આભારી છું. એકત્રે આ પ્રકલ્પ હાથ ધર્યો એનો આનંદ વ્યક્ત કરું છું.

—રમણ સોની