સમરાંગણ/૯ ભવિષ્ય-વાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯ ભવિષ્ય-વાણી

“સજાવવાં તે કોઈને છરી કટારી, અરે સજાવશો કે કોઈ દોધારી ચોધારી... ઈ... ઈ?” મધ્યાહ્‌ન પછીના ઢળતા બપોરે શેરીએ શેરીએ થઈને ચાલ્યા જતા આવા સાદ સાંભળવા મીઠા લાગે છે. ઘેરે અવાજે નર બોલે ને પાછી નારી એ નરનું પૂરું થતું વેણ ઝીણે સાંદે ફરીથી ઊથલાવે ત્યારે હવામાં જાણે સૂરની લેરિયા – ભાત્ય પડી જાય છે. નાગની ઉર્ફે નવાનગર બંદરના સોળસોળ દરવાજા આવા સરાણિયા-સાદે ગુંજી ઊઠ્યા. એક બુઢ્‌ઢો ને બે જુવાનડાં, ત્રણ સરાણિયાનું ઝીણું ઝૂમખડું દરવાણીઓની નજરે પડ્યું. પીપરને છાંયે જુવાન આદમીને ખભેથી વહુએ પથ્થરની સરાણ ઉતારી ખાડાં ખોદીને પગાં ખોડી દીધાં. ​ તેના ઉપર સરાણનું પૈડું બેસાર્યું. જુવાન પુરુષનાં ઓળેલાં ઓડિયાં ઉપર ફેંટાનું છોગલું નાચવા લાગ્યું, ને વહુના બાજુબંધોએ પણ સરાણનું ચક્કર ખેંચવા સાથે ફૂમતાં હીંચોળ્યાં. બુઢ્‌ઢો સજાવવાનાં હથિયાર એકઠાં કરવા શેરીઓમાં આંટા દેવા લાગ્યો. જેસા વજીરની ડેલી નજીકમાં હતી. “કોઈ સજાવો છો, બા, સમશેરું છરીઉં...” બુઢ્‌ઢાના એ સાદે એક મેડીની બારી ઊઘડાવી. “જે આશાપરા! બા, જે આશાપરા! નરવ્યાં છો ને, બા?” બુઢ્‌ઢાએ એ બારીમાંથી ડોકાતી પ્રૌઢા સ્ત્રીને બે હાથ જોડી પ્રણામ કર્યા. "કોણ, રતનું સરાણિયો?” જોમાબાઈએ ઓળખ્યો. "ભલો ઓળખ્યો મને. બા. સોળ વરસે જોયા ભેળો જ ઓળખી લીધો!” "જોયે તો નહિ, ભાઈ, પણ સાદ સાંભળ્યે પારખ્યો તુંને.” “ખમા! સાદનું તો હવે, બા, અવસ્થાના પ્રમાણમાં કાંઈ નક્કી કહેવાય છે થોડું!” “ન કહેવાય શું? સાદ તો એવો ને એવો સરવો સાચવ્યો છે તેં તો, માડી રતનું. કેમ, બધાં નરવ્યાં છે ને?” "નજરે જ જોવોને, માડી! ઓ જો સરાણ તાણે પીપરને છાંયડે.” રતનું સરાણિયે આંગળી ચીંધીને દીકરી દેખાડી. “આવડી મોટી થઈ ગઈ!” “અરે માડી, પરણાવી સોત ને!” નીચે ઊભેલો સરાણિયો અને ઊંચે ઊભેલી વજીર-પત્ની વાતો કરે છે, ત્યાં તો સરાણ તાણતી કન્યાનું મધકંઠીલું ગળું ટપક્યું : કાટેલી તેગને રે

ભરોંસે હું તો ભવ હારી 

હું તો ભવ હારી. રતનું સરાણિયે હોઠ મલકાવીને જોમબાઈને કહ્યું : “જોયું. મા? ​ એનું ગળું સાંભળ્યું?“ “નામ શું રાખ્યું છે?” “નાગબાઈ. સદાનું સંભારણું.” “માદળિયું સાચવીને રાખ્યું છે ને?” “એની ડોકમાં જ છે.” “ધૂપ?” “એકોય દિ’ ભૂલ્યો નથી હું, મા! તમારે નજરે કરવા જ તેડી લાવેલ છું. નીકર અમદાવાદમાં તો પૂરતી કમાણી હતી.” “આંહીં લઈ આવીશ ને?" “શા માટે નહિ લાવું? આ તો મારા મનમાં કે માને ગમશે કે નહિ ગમે?” “બીકાળું તો બહુ છે, ભાઈ, પણ મને જોવાની ઝાઝા દિ’થી ઝંખના હતી. એટલે હું જોઈ લઉં પછી તું એને આંહીં રહેવા દઈશ મા, હોં ભાઈ! મારા માથે હજી વે’મનું ચક્કર ફરે છે.” દરબારની વચેટ રાણીની જન્મેલી દીકરીને તત્કાળ ‘દૂધપીતી’ કરવા માટે, એટલે કે દૂધમાં ઝબોળી ઝબોળી મારી નાખવા માટે, આ વજીર-પત્નીને સોંપાઈ હતી, પણ એણે છોકરીને મારી નહોતી એવો વહેમ એના પર ભમતો હતો તે વાચકને પહેલા પ્રકરણથી યાદ હશે. “અરે રામ રામ કરો, મા. કપાઈ જાઉં તો ય કહું થોડો કે? ને હવે તો પૂછે જ કોણ? કોને પડી છે? રાજના કરતાં અહીં આપણે આશરે સુખી છે. ઓછામાં પૂરું વળી મા આશાપુરાની પણ માનેતી બની છે, થઈ થાવી કહી આપે છે, હોં બા! અને હેં મા, ભાઈ ક્યાં છે?” “ભાઈને તો હું હારી બેઠી છું.” “શું કહો છો? ભગવાને...” “ના. ભગવાને તો નથી તેડાવી લીધો, પણ માણસુંએ ચોરી લીધો છે. આજકાલ કરતાં દસ-બાર વરસ વીતી ગયાં છે. આજ તો અઢાર વરસનો હોત.” ​ સરાણિયાએ પોતાની સ્મૃતિઓના લાંબાલાંબા પંથ પર દિલ દોડાવ્યું ને પછી કહ્યું : “મા! આંખ્યુંને તો સદાનો દોષ છે. પણ મારો રુદો સાક્ષી પૂરે છે કે ભાઈને રામ-રખવાળાં હોવાં જોઈએ.” “ક્યાંય દીઠો?” “કેટલાં વરસના થયા હોય?” “સત્તર-અઢાર.” “મનને વહેમ છે કે અમદાવાદમાં નાગડાઓની જમાતને અખાડે એક એવડો જ, અને એવો જ કોઈ મેં દીઠો છે.” “શું કરતો’તો?” “તલવાર-પટે ખેલતા.” “સાચેસાચ?” માતાનાં થાનમાં થરેરાટ જાગ્યો. “બાવાઓ એક પંદર-સોળ વરસના છોકરાને સમશેરબાજી શીખવતા હતા. ભેખ નહોતો પહેરાવ્યો. સંસારી વેશમાં જ જોયો છે મેં બાળકાને. ધોતિયાનો કછોટો ભીડેલો. છાતીનો ભાગ ઉઘાડો હતો. ભરપૂર ભુજાઓ : બેવડમથ્થો : શું તલવાર સમણતો’તો, શું પટા ખેલતો’તો! અમદાવાદ ગાંડું બનતું. મારું તો મન જ જોયે ધરાતું નહોતું. ને બાવાઓ એને હાથે હારતાં હારતાં ય પડકારા દેતા’તા, શાબાશ સોરઠિયા! રંગ તેરી જનેતા કા ધાવણને, સોરઠિયા! પણ, કોણ જાણે શાથી, જનેતાના ધાવણના ધન્યવાદ ઊઠતા કે જુવાન થંભી જતો ને ચકળવકળ, ચકળવકળ, ચારેય કોર જોતો હાથ જોડીને પગે લાગતો.” “એને તે બોલાવી જોયો’તો?” “મારી પાસે એક વાર એ પોતાની તલવાર ને કટારી સજાવવા લાવ્યો’તો. મેં ઘણું ઘણું પૂછ્યું, પણ બોલે જ નહિ, કે પોતે કોણ છે.” “તેં એના હાથ જોયા હતા? એક હાથની ટચલીને છઠ્ઠી નાની આંગળી લાગેલી હતી?” “આંગળી? ના, આંગળી તો નહિ, પણ કાંઈક છેદેલું લાગતું હતું.” ​ “ડાબી ભુજા માથે લાખું હતું?” “હતું, હતું, મા.” “ઇ જ! ઇ જ ત્યારે તો. એ ભાઈ, તારે પગે પડું છું. કોઈને વાત કહેતો નહિ.” “આમ જોઈયેં તો લાગે બોતડ અને બહેરા જેવો. પૂછીએ એ સાંભળે નહિ, બોલાવ્યો બોલે નહિ, ‘હાં? હાં? હાં? ક્યા?’ એવું પૂછ્યા કરે. ‘સોરઠ મેં જાના? હાં હાં? નાગની મેં જાના?’ એવું બોલ્યા કરે. ત્યારથી જ, મા, મને વે’મ પડી ગયેલો. ને મેં બે વરસના દીઠેલા ને, એ જ તોતિંગ મોટું માથું, ને એ જ જરીક વહરું રૂપ...” વાર્તાલાપમાં ભંગ પાડતી એક ચીસ સંભળાઈ. ગીત ગાનારીના ગળાની જ એ ચીસ હતી. બેબાકળો બુઢ્‌ઢો સરાણિયો દોટ કાઢતો ગઢની રાંગે પહોંચ્યો ત્યારે દીકરી મૂર્છાવશ બનીને પડી હતી, બાજુમાં સજેલી સમશેરો પડી હતી, જાડેજા જોદ્ધાઓનું કૂંડાળું થઈ ગયું હતું, ને બેભાન છોકરી બોલતી હતી : “રણથળ! રણથળ! રણથળ! ભાઈનું રણથળ! ભાઈનો વિશ્વાસઘાત!” એને ખોળામાં લઈ, એની આંખો પર ને માથા પર પાણી છાંટતો બુઢ્‌ઢો બેસી ગયો. જાડેજા જોદ્ધાઓ ઝબકેલા ઊભા હતા, જુવાન સરાણિયો માલિયો પોતાની વહુનાં કપડાં સંકોરતો હતો. બાઈ ધીમેધીમે શુદ્ધિમાં આવી. એણે એક વાર પોકારી પોકારીને રુદન આદર્યું. રોઈ કરીને, આંસુ ખંખાળીને એ બેઠી થઈ, ત્યારે બાપે પૂછ્યું : “શું થયું છે તને, બેટા?” “આ બધીયુંય તરવાડુંમાં મને એક મોટું રણથળ દેખાયું. મેં મારા ભાઈને મરતો જોયો.” “અરે ગાંડી, તારે ભાઈ જ ક્યાં છે?” “ન હોય તો મરતો ક્યાંથી જોઉં? મારો ભાઈ, જોબનજોદ્ધ ને મીંઢળબંધો, અધૂરે ચોરી-ફેરે રણથળમાં પડેલો મેં જોયો. હજારું લાખુંની મેં કતલ દીઠી, આ જાડેજાઓને મેં પડતા જોયા. રણથળ! રણથળ! ​ ભેંકાર કાળું રણથળ!” “લે હવે રાખી જા, બાઈ, ગાંડી થા મા ગાંડી!” એમ કહેતો બુઢ્‌ઢો શસ્ત્રો સજાવવા ઊભેલા સિપાહીઓને સમજાવવા લાગ્યો : “બેક સાગર-ઘેલડી છે આ મારી છોકરી. કોણ જાણે ક્યાંથી એને આ વેન થઈ ગયું છે. જે જે હથિયાર સજે તેનાં પાનાંમાં જોયા જ કરે છે. મોરૂકી વાતું સાંભળી છે ખરીને, એટલે રણથળની ને હત્યાની ને આપઘાતોની વાતું કર્યા કરે છે. તમે કાંઈ મનમાં આણશો નહિ, બાપા!” જોડિયા દરવાજા તરફથી એ જ વખતે પાંચ ઘોડેસવારોની મારતે ઘોડે સવારી ચાલી આવતી હતી. એક અસવાર મોખરે એકલો આવતો હતો. પાંચમાં એ નાનો હતો. અઢારેક વર્ષનો લાગે. મૂછોની પાંદડીઓ હજુ બેસુંબેસું થતી હતી. ટોળું દેખીને એણે લગામ ખેંચી. કૂંડાળે વળેલા સૈનિકોએ હારબંધ થઈને નીચા ઝૂકી રામરામ કર્યા. જુવાન અને બુઢ્‌ઢો બેઉ સરાણિયાએ પણ કોઈક અમલદાર આવ્યો સમજી ઊભા થઈ, સૌના કરતાં વિશેષ નીચી કાયાઓ ઝુકાવી. બાઈ પણ મીટ માંડીને જોઈ રહી, જોતી જોતી એ મોં મલકાવતી હતી. “એમને જ મેં દીઠા. હં અં! એમને પંડ્યને જ.” લેશ પણ દબાયા વગર એ બોલી ઊઠી. “મૂંગી મર.” બુઢ્‌ઢાએ પુત્રીને હબડાવી અને કિશોર ઘોડેસવાર તરફ ફરીને કહ્યું : “ખમાં ધણીને. બાળકીનું જરાક ખસી ગયું છે, બાપા!” કિશોર ઘોડેસવારે બુઢ્‌ઢાને કહ્યું કે “ફિકર નહિ”. ને પછી ઓરતને પૂછ્યું : “મને ક્યાં જોયો તેં, હું બાઈ?” “તું ઓળખતી નથી, બાઈ.” એક જોદ્ધાએ બાઈને ધીરે અવાજે માહેતી દીધી : “નગરના પાટકુંવર અજાજી જામ છે.” “ખબરદાર કાંઈ હીણું બોલી તો.” બાપે છોકરીને ચેતાવી. “ના, એમ એને ચૂપ ન કરો, બોલવા દિયો. ક્યાં જોયો તેં મને, હેં બાઈ?” “રણથળમાં, ભેંકાર રણથળમાં, ભરજોબન, મીંઢળબંધા મારા ​ વીર...” એમ કહેતી કહેતી એ બાઈએ દૂરથી વારણાં લીધાં. સૌને હસવું આવ્યું : “ગાંડી છે.” “ચાલશું, બાપા?” ચાર અનુચરોમાંથી એક બુઢ્‌ઢાએ બાજુમાં આવીને કિશોર આગેવાનને આ રોનકમાંથી ખેસવવા પ્રયત્ન કર્યો. “જરા થોભો,” કિશોરે એને જવાબ આપીને બાઈ પ્રત્યે પ્રશ્ન કર્યો : “રણથળમાં કોણ હતા સામા?” “મુંગલા.” “અરે ભાન વગરની...” એટલું બોલીને બાઈનું મોં દાબવા જતા ડોસાને અટકાવતા કુંવર અજો જામ વધારે કુતૂહલવશ બન્યા. પૂછ્યું : “રણથળમાં હું કેવો લાગ્યો, બોન?” “બહુ રૂડા લાગ્યા, ભાઈ!” “મારા જોડીદાર કોણ હતા?” “જટાળો એક જુવાન. બાવા... બાવા... બાવા...” કહેતી બાઈ ફરીવાર મૂર્છામાં પડી. “બીશો મા, બાપા.” બુઢ્‌ઢાએ એ ચમકેલા કિશોરને સમજ પાડી : "ઈ છે જ એવી ભમેલ માથાની. અબઘડી પાછી ભાનમાં આવી જશે. આપ આપને ઠેકાણે સિધાવો, ધણી! અમે તો હમણાં જ હાલી નીકળશું.” “ના, ના, હલાય નહિ.” એમ કહીને કિશોરે પોતાના બુઢ્‌ઢા, અનુચર તરફ ફરીને કહ્યું : “એની બરદાસ્ત કરાવો. જોજો કોઈ રંજાડે નહિ.” વૃદ્ધ અનુચરે ત્યાં ઊભેલા ચોકીદારને ઇશારત કરી દીધી. પળવારમાં તો પાંચેય ઘોડાં પાટીએ ચડ્યાં. બાઈ ફરીથી ભાનમાં આવી, એટલે બુઢ્‌ઢો એને કહેતો કહેતો કપાળ કૂટવા લાગ્યો : “બાઈ, કરમહીણી, તેં આ શું નખોદ કાઢ્યું અમારું! આ રાજવળામાં રાત રાખ્યાં!” “ને હવે દિ’ ઊગી રિયો!” એક સૈનિકે ભયમાં વધારો કર્યો. “કાં?” “મોટા જામબાપુને જાણ થાય એટલી જ વાર છે હવે. જીવતાં જ ​ ગારદ કરશે. ગઢમાં ચણી લેશે ચણી.” “કેર કર્યો તેં તો, બાઈ, ગઝબ ગુજાર્યો.” ડોસો સૌને પાઘડી ઉતારીને કરગરવા લાગ્યો : “એ ભાઈ, એ દરબાર, અમને નીકળી જાવા દિયો ભલા થઈને. અમે કોઈ દિ’ આ નગરની દૃશ્યે નહિ ડોકાઈએ.” “તમને જાવા દઈએં એટલે હાંઉં, અમને જીવતાં ચણે, કોઈક કરતાં કોઈકને જીવતાં ચણ્યા વગર રિયે કાંઈ મોટા જામ? ને હું શું સગપણે તમારા માટે જાન જોખમાવું, ભાઈ?” એમ બોલતો એ રાજ-ચોકીદાર આ ત્રણેયને લઈ ચાલ્યો. બીજાઓ પણ પોતપોતાનાં સજેલાં હથિયારો ઉપાડી, એનાં ચકચકિત પાનાંઓમાં રણથળને બદલે પોતપોતાનાં લાંબાં ચૌડાં, ગોળ ચોખંડાં, રૂડાં ને કૂબડાં મોઢાં જોતાં જોતાં ચાલી નીકળ્યા. ગઢની રાંગ ખાલી પડી ત્યારે થોડેક છેટે વજીર-મેડીની અધઊઘડી બારી બિડાઈ ગઈ.