સમુડી/બે
હર્ષદના ઘર સાથે સમુડીને જૂનો સંબંધ. સમુડી જન્મીય નહોતી ત્યારથી સમુડીના બાપા હર્ષદના ઘેર દૂધ આપતા. એથી જ તો સમુડી હર્ષદનાં બાને ‘શોંતાફૈબા’ કહેતી. સમુડીને આમ કહેતી જોઈને ‘મેલ્લા’નાં નાનાં છોકરાંય શાંતાબેનને શોંતાફૈબા કહેતાં થયાં. એટલું જ નહિ, ગામા આખાયમાં તેઓ ‘શોંતાફૈબા’ નામે ઓળખાતા થયાં. આને કારણે તો એમનું જૂનું ઉપનામ લોકજીભેથી ભુલાઈ ગયું. જૂનું ઉપનામ નાક સહેજ લાંબું હોવાના કારણે પડેલું – ‘શોંતા ભેડી.’ ગામમાં ઘણાય લોકો આવા ઉપનામથી ઓળખાતા. ચંદુભૈને જમણો પગ લંગડાતો આથી એ ચંદુ ‘શટલ’ નામે ઓળખાતા. મણિબેન વગર ‘તેવારે’ શણગાર કરતાં હોવાથી એ ‘સિનીમાની રૉણી’ તરીકે ઓળખાતાં. કાિન્તલાલનું નામ ‘કાઁતિ ડૉકલી’ પડ્યું તે એમની લાંબી ગરદન ને ટોઈલી જેવા મોંને કારણે. પણ ભગવાનલાલનું નામ ‘ખળચીતરો’ શી રીતે પડ્યું એ તો હજી હર્ષદના ભેજામાંય ઊતરતું નથી. પણ સમુડીના ‘શોંતા ફૈબા’ નામે તો ‘શોંતા ભેડી’ નામ બિલકુલ ભુલાવી દીધેલું! નહીંતર એક વાર ગામડાગામમાં આવું નામ પડયા પછી ભૂંસાતું નથી. શાંતાફૈબાએ પણ સમુડીને ક્યારેય ‘કામવાળી’ તરીકે નથી જોઈ. દીકરીની જેમ રાખે. વાસણ કે કપડાં વધારે હોય ત્યારે સમુડીને મદદ પણ કરે. શરૂશરૂમાં સમુડી કામ કરવા આવતી ત્યારે જ્યારે જ્યારે એ બાથરૂમમાં જાય ત્યારે સાબુ લઈને ખૂબ વાર સુધી સૂંઘ્યા કરે. ને પાછો સાબુદાનીમાં મૂકી દે. નવા સાબુનું ઉખાડી નાંખેલું રેપર તો એ કચરામાંથી જુદું કાઢી લઈ એના ઘરે લઈ જાય! એક વાર તો એણે હિંમત કરીને પૂછી લીધું – ‘શોંતાફૈબા, એક વાત કઉં?’ ‘શું?’ ‘કઉં શોંતાફૈબા?’ પછી અચકાતાં અચકાતાં હાથમાં સાબુની ગોટી લઈને બોલી, ‘માર ના’વું હ.’ શાંતાફૈબા તો આ સાંભળીને હસી હસીને બેવડ વળી ગયાં. બસ, તે દિવસથી સમુડીને જ્યારે ના’વું હોય ત્યારે ના’વાની છૂટ મળી. બિચારીને ઘરે તો સાબુ હોય જ નહિ. નળિયાનું ઠીકરું જ ઘસવાનું. પગનાં આંગળાં પાસે તેમજ પીંડીઓ પાછળ તો એટલો મેલ જામ્યો હોય કે ઠીકરું ય ચાર-પાંચ દિવસ ઘસે ત્યારે જાય. પણ શાંતાફૈબાના ઘરે ના’વાની છૂટ મળી ત્યારથી તો એ સ્વચ્છ રહેતી. એમાંય બાથરૂમમાંના શાવરનું તો ગજબ આકર્ષણ. એકવાર તો એણે હર્ષદને પૂછેલું, ‘હેં હરસદભૈ, આ સાવરમોં ઠોંસી ઠોંસીનં વાદળો ભર્યો હસી?’ આમ, પછી તો સમુડી શાવરમાં નાહતી હોવા છતાંય એના વાળનો મૂળ રંગ તો ક્યારેય કોઈ જોવા જ ન પામે. લગભગ ઢીંચણ સુધી લાંબા વાળ. પણ એના બરછટ વાળ વગડાની પીળાશ પડતી કેસરી, મુલાયમ ધૂળતી ખરડાયેલા જ હોય ને એમાં જૂ તથા લીખોની તો જાણે આખી વણઝાર. શાંતાફૈબાને આ ન ગમે. એક વાર તો – ‘કેમ ‘લી?’ શાંતાફૈબા સમુડીને ધમકાવતાં બોલ્યા, ‘માથું-બાથું કોઈ દા’ડો ધુવ સ ક નૈં? કેટલું મેલું સ? ગંધ મારઅષ સ.’ એ પછી તરત જ સમુડી બેઠી નાહવા ને વાળ ધોવા માટે નિરમાની ભૂકી ધબકાવી મુઠ્ઠી ભરીને માથામાં! ‘અલી ગૉડી, મેર મૂઈ…’ આ જોઈ શાંતાફૈબા ગરજ્યાં, ‘આ હું કરઅષ સ?’ સમુડીએ જવાબ આપ્યો, ‘બઉં મેલું હ ક? તે મીંકું ના’વાના હાબુથી ઝટ નીં ધોવાય. કપડોં ધોવાની ભૂકી લઉં તો ઝટ દઈનં ધોવઈ જાયં ને ફૅણ ફૅણ થાય. તમોં મીં તો હાતકનં નિરમાની ભૂકી ધબકાઈ…’ શાંતાફૈબાને કોઈ દીકરી નહિ તે સમુડી પર ખૂબ હેત. સમુડીય માયાળુ. રોજ સાંજનો એંઠવાડ પતાવ્યા પછી શાંતાફેૌબાના પગ દાબી આપે. શાંતાફૈબાના માથામાં તેલ ઘસવાનું કામ તો એ જ કરે. શાંતાફૈબાના પગને તળિયે કાંસાની વાટકીથી ગાયનું ઘી ઘસી આપે. બેય તળિયાં કાળાં મેંશ થઈ જાય ત્યાં સુધી ઘસે. શાંતાફૈબા માંદાં હોય ત્યારે યાદ કરીને દવાઓ આપે. એટલું જ નહિ પણ બીજે કશેય કામે ન જાય. શાંતાફૈબાનું બધું જ કામ કરી દે. રસોઈ સુધ્ધાં. શાંતાફૈબાનાં સાસુ હતાં ત્યારે તો બીજી નાતનું કોઈ છોકરુંય જો ભૂલથી રસોડામાં આવી ગયું ને કોઈ તપેલીને અડકી ગયું તો ખલાસ. બધીયે રસોઈ ફેંકી દેવી પડતી! પોતે બ્રાહ્મણ એટલે સમુડીના હાથની રસોઈ ન ખવાય એવું શાંતાફૈબાના મનમાંયે ન આવે. સમુડી રસોઈ પણ સરસ બનાવે. રસોડાનો ચાર્જ હાથમાં આવતાં જ સમુડી પૂછે : ‘શોંતાફૈબા, દાળ થોડી વધારે ઓરી દઉં? પૂરણપોળી કરું અનં થોડી લચકો દાળ બનાવું. કઢી અનં તમારા માટઅષ થોડી સીચડી મેકું…’ ‘મેર મૂઈ…’ શાંતાફૈબા ખોટું ખોટું મોં ફુલાવીને કહે, ‘મનં દાક્તરે ખાવાની ના પાડી સ તમોં પૂરણપોળી બનાવાનું હુઝઅષ સ?’ ‘ના, શોંતાફૈબા,’ સમુડી ખુલાસો કરે, ‘હરસદભૈનં બઉ ભાવ હ ક; તમોં.’ રસોડાનો ચાર્જ પોતાના હાથમાં હોય ત્યાં સુધી તો હર્ષદને ભાવતી વાનગીઓ જ બને. હાંડવો-ઢોકળાં તો એ ખૂબ સરસ બનાવે. રસોઈ બનાવતાંય એ શાંતાફૈબા પાસે જ શીખેલી ને? પણ રોટલી થોડીક જાડી થાય. રોટલી જાડી થવાનું કારણ પણ એ કહે, ‘અમાર ઘેર જાડું વેલણ હ, તમોં તમારું આ ઝેંણું વેલણ ફાવતું જ નહિ…’ ને પછી બધાંયને જમાડે. ‘આજ તો મી રોંધ્યું હ. ચેવું થ્યું હ? ખૉવ ખૉવ…’ કહી આગ્રહ કરી જમાડે. અથાણાની કાચની બરણીમાં કેરીના કટકા જોઈને એની આંખો ચમકી ઊઠે. મોંમાં પાણી આવે. અથાણાની બરણી કાળજીથી ખોલે. ઢાંકણું ખોલતી વખતે એનાં બેય નસકોરાં સહેજ પહોળાં થાય. એક કટકો તો ત્યાં ને ત્યાં જ જમે. પછી અંગૂઠો અને તર્જનીય ચાટતાં ચાટતાં કહે, ‘શોંતાફૈબા, થોડું અથોણું ઘરે લઈ જઉં સુ.’ કેરીની સીઝન વખતે તો જાણે સમુડીને વાંધો ન આવે. કેરીઓ ચોરી લાવે એથી જ તો! ગામમાં કોઈનાય આંબા પરથી કેરીઓ ઓછી થઈ હોય ને બીજું કોઈચોરી ગયું હોય તોય સમુડીનું જ નામ આવે. પણ સમુડી પોતાને ખાવા જેટલી જ કેરીઓ ચોરતી. હા, એમાં હર્ષદનો ભાગ હોય એ કહેવાની જરૂર ખરી? પણ કેરીઓ ચોરીને વેચવાનો તો એના મનમાં વિચાર પણ ન ફૂટયો હોય. કેરીઓ ચોરતાં ક્યારેક સમુડી પકડાઈ પણ જાય ને રખેવાળની ગાળોય ખાય. સમુડીને કશી અસર જ ન થાય. હા, ક્યારેક પોતે પાડેલી કેરીઓ રખેવાળને સોંપી દેવી પડે ત્યારે એનો એવો તો જીવ બળે ને! પણ મોટે ભાગે તો એવું ન બને. સમુડીને જાણે રખેવાળની ગંધ આવી જાય ને પલકારામાં તો એ રફ્ફુચક્કર! શાંતાફૈબાય ઘણી વાર સમુડીને ધમકાવે; સમજાવે. કેરીઓ લાવવાના પૈસાય આપે. પણ સમુડીને સાખ પરતી જાતે જ પાડેલી કેરીઓ જ ભાવતી હોય એથી શું થાય? વળી, ચોકીદારનો ડર નહોતો લાગતો એનું કારણ એ પણ ખરું કે હર્ષદનેય ચોરેલી કેરીઓનો ભાગ મીઠો લાગતો! કોના આંબા પર કેટલી કેરીઓ બેઠી, વાવાઝોડામાં કોના આંબા પરથી કેટલી કેરીઓ ખરી પડી, કોના આંબા ઉપર વાંદરાઓએ કેટલું નુકસાન કર્યું, કોના આંબાની કેરીઓ રેસા વગરની, કોના આંબાની કેરીઓ કેટલી મોટી હશે? ક્યારે ખરી પડશે? – વગેરે બધી જ માહિતી સમુડી પાસે હોય જ. આંબા પર મ્હોર પણ બેઠો ન હોય ત્યારથી, વસંતૠતુ શરૂ થતાં જ; કોના આંબા પર કેટલો મ્હોર બેસશે ને કોના આંબે કેટલી કેરીઓ થશે એવી બધી અગાઉથી જ સમુડીને ખબર પડી જાય. પણ કેરીની સીઝન ગયા પછી શાંતાફૈબાને કહેવું પડે, ‘અમાર તો કોઈ અથોંણુંબથોંણું કરતું જ નહિ.’ સમુડીની એ કેરીઓ તો હર્ષદને અવારનવાર યાદ આવે. દાંત અંબાઈ જાય ને પછી બીજું કશું ચાવતાંય તકલીફ પડે. સમુડીએ ચોરેલી ને ઝીણી ઝીણી ચીરીઓ કરીને એની આંગળીઓથી મીઠું-મરચું લગાવી આપેલી કાચી કેરીઓ ખાઈ ખાઈને એક વાર તો એના બેય ઢીંચણના સાંધા દુખવા આવેલા. ને સમુડી જ નરભેરામ વૌદ્યે આપેલો લાલાશ પડતો હળદર જેવો લેપ બેય ઢીંચણે લગાવી આપતી ને માથું તો ઘણીય વાર દાબી આપતી. આ બધું યાદ આવતાં જ હર્ષદના મગજમાંથી નયના સાથેના વિવાહ તોડવાના વિચારો ક્યાંક અદૃશ્ય થઈ જાય; પણ થોડા સમય માટે જ.