સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રકરણ ૨૦ : આશા-નિરાશા વચ્ચે

કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર મનહરપુરીમાં સાંભળી, ગુણસુંદરી સાથે વિદ્યાચતુર રત્નનગરી આવ્યો, તે સમયે મણિરાજને ગાદી પર બેઠે બેત્રણ વર્ષ થયાં હતાં. જે બાગમાં મલ્લરાજ ગુજરી ગયો તે બાગમાં મલ્લેશ્વર નામ આપી એક સાધારણ કદનું પણ સુંદર શિવાલય કરાવ્યું હતું. સ્વામી ગયા પછી વિધવા રાણી મેનાએ આ જ બાગમાં રાતદિવસ રહેવાનું રાખ્યું હતું. વિદ્યાચતુરે ઘણુંક આશ્વાસન આપ્યા છતાં કુમુદસુંદરીના સમાચારથી દુ:ખનો ભાર સહેવા ગુણસુંદરી અશક્ત નીવડી હતી. મણિરાજ તથા વિદ્યાચતુરે એ દુ:ખ હલકું કરવા એને રાજમાતા પાસે મોકલી. દુ:ખી રાજવિધવાને જોઈને જ શાણી ગુણસુંદરી પોતાનું દુ:ખ ભૂલશે એવી સૌને કલ્પના હતી. ગુણસુંદરી, સુંદરગૌરી અને કુસુમસુંદરીને લઈને મલ્લેશ્વરની વાડીમાં આવી તે પ્રસંગે પ્રાત:કાળના સાતેક વાગ્યા હશે. માતાજી (મેના) પાસે બેસી ગુણસુંદરી આશ્વાસન ને શાંતિ મેળવવા મથતી હતી, ત્યાં જ તેને કુમુદસુંદરી વિશે વધુ સમાચાર સાંભળવા મળ્યા. પ્રતાપના હાથમાં કુમુદસુંદરીનો એક પગ હતો, પણ પ્રતાપ સ્વતંત્ર માર્ગે જાય તે પહેલાં શંકરે એનો પગ પકડ્યો અને શંકરને પ્રતાપે તરવારને ઘાએ હણ્યો. એટલામાં કુમુદબહેનના રક્ષણને અર્થે નીકળી પડેલા મલ્લરાજના ભાયાત સામંતના પુત્ર મૂળરાજે કાંઠા ઉપરથી પડતું નાખી પ્રતાપનું માથું ધડથી જુદું કર્યું – ગુણસુંદરીને એથી રજતૃપ્તિ થઈ નહીં. તેને મન સોળે સોગઠી કાચી રહી. અલબત્ત પ્રતાપ અને નદી બેનો ભય હતો તેને બદલે હવે એકલો નદીનો ભય રહ્યો. મૂળરાજનું એમ કહેવું હતું કે નદીના મુખ આગળ રત્નાકર સાથે સંગમ થાય છે, ત્યાં આગળ કુમુદબહેનનું શરીર તણાતું તણાતું પહોંચશે. તે વેળા ભરતી હશે અને તેથી નદીનાં ને રત્નાકરનાં પાણી સામાં મળશે. સંગમ આગળનું બધું પાણી સ્થિર રહેશે, એટલે કુમુદબહેનનું શરીર આગળ સમુદ્રમાં નહીં તણાય પણ સંગમ આગળ અટકશે. ‘હરિ કરે તે ખરું!' નિઃશ્વાસ મૂકી ગુણસુંદરી બોલી : ‘ઈશ્વર સારું જ કરશે.’ મેના બોલી : ‘માતાજીના આશીર્વાદ છે તો સારું જ છે. પણ તણાઈ તે તણાઈ. માતાજી, હવે આશા વ્યર્થ છે; ઠીક છે, છેલ્લા સમાચાર મળતાં સુધી આશા ન મૂકવી એટલો આપણો ધર્મ છે.' ગુણસુંદરીએ ઉત્તર આપ્યો. સૌ ઊઠ્યાં, વેરાયાં, ચાલ્યાં. સૌની પાછળ કુસુમ આરજાની સાથે વાતો કરતી ચાલતી હતી. થોડે છે. સુંદરગિરિની એક ગોંસાઈયણ ને તેની જોડે કુમકુમ ભરેલો થાળ લઈ માતાની પૂજારણ ચાલતી હતી. અંતે વાતો થઈ રહેતાં કુસુમ ત્રણેને છોડી સુંદરને પકડી પાડી તેની સાથે ચાલવા લાગી. વાડીનો દરવાજો આવ્યો. ગાડીમાં બેસી ગુણસુંદરી, સુંદર અને કુસુમ ઘર ભણી ચાલ્યાં. ગાડી ચાલતાં સુંદર કુસુમને માથે હાથ મૂકી પૂછવા લાગી. ‘કુસુમ, આરજા ને પૂજારણ ને ગોંસાઈયણ સાથે તે શી વાતો કરતી હતી? ભલું તને એવાં એવાં સાથે વાતો કરવાનું મન થાય છે તો! તારે આરજાબાજા થવું છે?' ‘થઈનેય ખરાં, પરણેલાં એ બધાં સુખી છે.’ ‘તે પરણે તેને શું દુઃખ છે?' ‘પરણે તેને પતિ જડતાં દુઃખ, પતિ જીવતાં દુ:ખ ને પતિ મરતાં દુ:ખ – ને ત્રણ વખત ન હોય તો એક વખત તો હોય હોય ન હોય; પતિ જડતાં દુ:ખ પડ્યું કુમુદબહેનને, પતિ જીવતાં દુ:ખ પડ્યું કુમુદબહેનને! એ બેમાં સુખ, તો પરણેલાને છોકરાનું દુઃખ થયું જોવું હોય તો જુઓ કુમુદબહેનનું દુ:ખ ગુણિયલને!' ગુણસુંદરી વિચારમાંથી ભડકી. સુંદરે બે ગાલ હાથ વતે આમળ્યા ને બોલી : ‘મેર! મેર! શરમ વગરની! માની વાતો કરનારી ન જોઈ હોય તો! તું ભલી આવું આવું શોધ્યા કરે છે! ન પરણવાના ચાળા!' ‘તે શોધવા કંઈ આઘે જઈએ છીએ? ઘરમાં ને ઘરમાં જોઈએ તોયે દેખીએ નહીં તે શું આંધળાં છીએ? કાકી! મને તો પિતાજી ન પરણાવે કની તો જાડી બમ થાઉં.' – આ વાતોમાં ગાડી ચાલી ગઈ. દરવાજા બહાર વિદ્યાચતુર ગાડીમાં બેસી રહ્યો હતો. તેના મનમાં અનેક વિચારો ઘોળાયા કરતા હતા. મૂળરાજે આણેલા કુમુદના સમાચાર સાંભર્યા. ‘કુમુદ! કુમુદ! તારું ભાગ્ય વિચારું છું ત્યારે લોકની પેઠે છઠ્ઠીના લેખ માનવા ઉપર શ્રદ્ધા થાય છે. તું સુખને માટે સરજાયલી જ નથી. વિદ્વાન વર શોધ્યો તે નકામું પડ્યું : કુલીન અને સુશીલ વર શોધ્યો તેણે ભૂંડું કર્યું. તું જ્યાં ગઈ ત્યાં તારા મોંમાં આવેલી સાકર દૈવે ઝૂંટી લીધી, અને આખરે બહારવટિયામાંથી બચેલી તે નદીમાં ગઈ. રાજનીતિના વિષય પ્રસંગોએ પથ્થર જેવું કરેલું મારું કાળજું આંખમાં આંસુ સરખું આણી શકતું નથી. જો-જો-જો-પ્રમાદધન અને કુમુદ એ બે જણ ગુજર્યાં હોય તો વિચાર માત્ર સમાપ્ત જ છે; જો કુમુદ એકલી ગુજરી ગઈ હોય તોપણ મારે મન એ સંસાર સમાપ્ત જ છે. જો પ્રમાદ અને કુમુદ બે જીવતાં નીકળે – તો આ દુર્ભાગ્યમાંથી બિચારીનું ભાગ્ય કેમ ઉત્પન્ન કરવું – એ સમુદ્રમાં કેમ તરવું – એનો વિચાર હું કન્યાનો બાપ તે શો કરું? મેં તો એને વિદ્યા આપી, એ હોડી વડે એને તરતાં આવડે એટલું એનું ભાગ્ય. વર શોધતી વેળા માબાપથી થયેલી ભૂલનું પરિણામ ખમે કન્યા, અને આઘેથી જુએ ને રુવે માબાપ આટલા માટે જ લોક કન્યા ઇચ્છતા નથી.... પણ સૌભાગ્યદેવી અને બુદ્ધિધન જેવાં સાસુ-સસરો છે ત્યાં સુધી કુમુદની ચિંતાનો પ્રસંગ જ નથી. પણે પ્રમાદધનની વાર્તા ખરી હોય અને કુમુદ જીવતી નીકળે તો? પુત્રીનું વૈધવ્યદુ:ખ કેમ સહેવાશે? શું મારી કુમુદ વિધવા?' આ વિચારની સાથે જ મન ચિરાયું. ‘હરિ! હરિ! ઓ પ્રભુ! ઈશ્વર મારા સામું એટલું નહીં જુએ?... પ્રમાદધન! સુગંધવાળું ફૂલ સુંઘતાં તને ન જ આવડ્યું – તે ચોળાઈ ગયું.' વિદ્યાચતુરે નિઃશ્વાસ મૂક્યો. ‘કુમુદ! સરસ્વતીચંદ્ર હજી જીવે છે. એણે મૂર્ખતા કરી તો ખરી પણ તેના હૃદયમાં જે યજ્ઞ તારી તૃપ્તિને અર્થે આરંભાયેલો હતો તે હજી હોલાયો નથી. પણ તને તેનો યોગ કરી આપવામાં જેટલું સાહસ મારે છે તેટલું સાહસ તારો સ્વીકાર કરનારને પણ છે. સરસ્વતીચંદ્ર! આટલી લક્ષ્મીનો ત્યાગ કરવાનું સાહસ જેણે કર્યું તેને આ સાહસ કરતાં ડર લાગશે? હરિ! હરિ! પ્રિય કુમુદ! તારો પિતા અત્યારે દુ:ખથી ઘેલો થયો છે. ઘેલછાને કાળે કરેલા વિચાર હું આચારમાં મૂકતો નથી. હજી તો વૃદ્ધ પિતા અને મામા જીવે છે. તેમના મત વિના મારાથી શું બનશે? શું મને કુમુદ વહાલી છે ને તેમને નથી? વૃદ્ધ પિતા અત્યારે પૌત્રીને માટે માથું છેટે મૂકી તલવાર બાંધી નીકળી પડ્યા છે – એ બાળકી મારી ખરી ને તેમની નહીં? કુમુદ! તારે માટે આ માર્ગે જઉં કે આ માર્ગે જઉં? કાંઈ સૂઝતું નથી.’ વિદ્યાચતુર ગાડીમાં બેઠો હતો તે પ્રસંગનો લાભ લઈ, ગાડીમાંથી ઊતરી ચંદ્રકાંત પાસેના તળાવના આરા ઉપર ઊભો ઊભો ચારે પાસ જોતો હતો અને સરસ્વતીચંદ્રના વિચાર કરતો હતો. ‘સરસ્વતીચંદ્ર! વિદ્યાચતુરે તારી શોધ કરવા મદદ આપવાની વાત કાઢી ત્યારે કુમુદસુંદરીના સમાચાર આવ્યા ને તારી વાત ઢંકાઈ ગઈ!... ઘેરથી પત્ર ઉપર પત્ર આવે છે કે આ નિષ્ફળ શોધ છોડી ઘેર આવો. મારાં મૂર્ખ વહાલાંઓને ખબર નથી કે વસુંધરાનું જોયેલું એક અમૂલ્ય રત્ન ખોવાય છે – ચંદ્રકાંત જેવા અનેક પથરાઓ ભેગા કરી તોયે એ રત્નના જેવું મૂલ્ય થાય એમ નથી.’ ત્યાં સુંદરગિરિના આશ્રમનો એક બાવો તુંબડી લઈ લોટ માગતો ને ચીપિયો ખખડાવતો દીઠો. તે જોઈ ચંદ્રકાંતને વિચાર આવ્યો, ‘સરસ્વતીચંદ્ર એ પ્રદેશમાં કેમ ન ગયા હોય? બહારવટિયાઓમાંથી છૂટ્યા હોય તો એમનો એક માર્ગ મનોહરપુરીનો ને બીજો સુંદરગિરિનો. વિધાતાની સૂત્રધારતા[1] વિચિત્ર છે. કુમુદસુંદરીને એણી પાસ તાણ્યાં છે. સરસ્વતીચંદ્રને એ જ સૂત્રધારે એણી પાસ કેમ ન તાણ્યાં હોય? અરેરે! હવે ચંદ્ર અને કુમુદની પ્રીતિ શી? એ પ્રીતિમાં જ પાપ અને એ પાપમાંથી છૂટ્યાને જ પ્રિય પવિત્ર ચંદ્ર કુમુદને અસ્પૃશ્ય રાખી અદૃશ્ય સ્થળે ભ્રમણ કરે છે.' એવામાં વિદ્યાચતુરનો ગાડીવાળો આવ્યો. ‘ભાઈસાહેબ, પ્રધાનજી તેડે છે.’ ચંદ્રકાંત ગયો. ચંદ્રકાંતને પાસે બોલાવી વિદ્યાચતુરે તેને એક વીંટી આપી ને કહ્યું : ‘ચંદ્રકાંત, આ વીંટી પરખો; સરસ્વતીચંદ્ર પાસે મેં આવી વીંટી જોઈ સાંભરે છે. ‘ચંદ્રકાંતે ફરી ફરી વીંટી જોઈ, અંતે મિજાગરા જેવું લાગતાં ચાંપ ઉઘાડી તો અંદર આસનમાં સરસ્વતીચંદ્રની સુંદર હસતી છબી! વિદ્યાચતુરે વાત આગળ ચલાવતાં કહ્યું : ‘અર્થદાસ નામના વાણિયા પાસેથી એ મળી છે. નવીનચંદ્ર નામના માણસે તેને બક્ષિસ આપી છે. એ માણસની ભાળ આપનાર ને એને પકડી આપનાર આપણાં માણસ છે. પણ હીરાલાલ નામનો એક મુંબઈનો વાણિયો છે તે કહે છે કે અર્થદાસે આ વીંટીના ધણીનું ખૂન કરેલું છે. હીરાલાલ મુંબઈમાં ધૂર્તલાલ કરીને કોઈ શેઠ છે તેનું માણસ છે ને તે સરસ્વતીચંદ્રની શોધ કરવા આવેલો છે.’ ‘ધૂર્તલાલનું માણસ!' ચંદ્રકાંત ગાજી ઊઠ્યો અને પ્રધાનને ધૂર્તલાલનો ઇતિહાસ કહ્યો. આ વાતચીતને અંતે વિદ્યાચતુર માણસને લઈ વધારે સમાચાર મેળવવા ગાડીમાં સામંતરાજ પાસે ગયો. ચંદ્રકાંત બંદોબસ્ત મુજબ પોલીસવાળી ગાડીમાં ઘેર ગયો. એનું મન ચકડોળે ચઢ્યું : 'હા! શી વિધાતાની ગતિ છે! દુષ્ટ ધૂર્તલાલ! જેવો હું સરસ્વતીચંદ્રની પાછળ પડ્યો છું તેવો તું પણ એની જ પાછળ પડેલો છે. હું જેવો એનો મિત્ર છું, તેવો તું એનો શત્રુ છે. તું શું કરીશ તે સૂઝતું નથી. સરસ્વતીચંદ્ર! તું જીવે છે કે આ દુષ્ટોએ તને અને તારી સાથે અમારી આશાઓને નષ્ટ કરી છે? ‘આ કેવી અવસ્થા કે નથી પડતી આશા અને નથી પડતી નિરાશા!’[2]





  1. દોરવણી (સં.)
  2. (સરસ્વતીચંદ્ર ભા. ૩)