સરસ્વતીચંદ્ર ભાગ ૪/ચન્દ્રકાન્ત અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ.

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચન્દ્રકાન્ત અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ.

સાધુએ ગુપ્ત રાખવા સૂચવેલી વાત કહ્યા વિના આ પ્રશ્નનો ઉત્તર આપવો જેવો કઠણ હતો તેવો જ કંઈ પણ ઉત્તર આપ્યા વિના ચાલે નહી એવી પોતાની સ્થિતિ હતી.

"મ્હારા મિત્રના કંઈ સમાચાર જેવું મળવાનું નિમિત્ત લાગવાથી ઉતાવળમાં હું આમ આવ્યો.”

“કંઈ સમાચાર મળ્યા ?”

“મળ્યા તે ન મળ્યા જેવા છે ને તેટલા પણ ગુપ્ત રાખવાને હું બંધાઈ ચુક્યો છું ”

“કાંઈ ચિન્તા નહીં. આપ કારાગૃહમાં ચાલો; ત્યાં કેટલાક સમાચાર એકઠા થયા છે તે જાણી લેઈશું ને આપની ઈચ્છા સમજી વ્યવસ્થા કરીશું.” શાંતિશર્માએ કહ્યું.

બન્ધનપાત્ર ઠરેલા અપરાધીઓને માટે એક કારાગૃહ, અને ન્યાયનિર્ણય થતા સુધીના બદ્ધશંકિત જનોને માટે બીજું, એમ બે કારાગૃહ એક મન્દિરના આગલા પાછલા ભાગોમાં રાખેલાં હતાં. પ્રથમ ગૃહ અપરાધીઓનું કારાગૃહ - પાકું કેદખાનું - ક્‌હેવાતું, અને બીજું શંકિતકારાગૃહ અથવા કાચું કેદખાનું ક્‌હેવાતું. ઈંગ્રેજી રાજ્યમાં શંકિતકારાગૃહ દેશપાલક-પોલીસ-અધિકારીઓના હાથમાં હોય છે. પણ તેઓ તેમ કરવામાં​બદ્ધ જનો ઉપર ત્રાસ વર્તાવે તે બન્ધ કરવાના હેતુથી ભીમ-ભવનમાંથી એક આજ્ઞા નીકળી હતી અને તે પછી બે કારાહગૃહ એકજ કારાગૃહાધિકારીને સોંપ્યાં હતાં, અને દેશપાલકોને શંકિતકારામાં માત્ર શોધનને અર્થે જવાના અધિકાર રાખેલા હતા.

ચદ્રકાંતને લઈ પ્રવીણદાસ અને શાંતિશર્મા શંકિતકારાના દ્વાર આગળ આવ્યાં ત્યાં દેશપાલક વર્ગના બે કનિષ્ટ અધિકારીએ- સીપાઈઓ - એમને સામે મળ્યા અને અંતર્–અંદર – લેઈ ગયા.

વચ્ચે એક ચોક અને ચોપાસ લોખંડના સળીયાથી કરેલી કોટડીઓવાળી ઓસરીયો હતી. તેમાંની અર્ધી કોટડીઓ ખાલી હતી અને અર્ધીમાં બન્દીલોક – કેદીઓ – હતા. તેમાંની એકમાં અર્થદાસ બેઠો હતો, તેને કારાધિકારીએ આંગળી વડે દેખાડ્યો અને સર્વ ચોકના મધ્યભાગમાં ખુરશી ઉપર બેઠા. થોડી વારમાં હરભમ, અબદુલ્લાખાન અને ફતેહસંગ ત્યાં આવ્યા. તે પછી રત્નનગરીના રાજ્યનો મુખ્ય દેશપાલક કેટલાક પત્રો તથા લખેલાં પુસ્તકો લઈ આવ્યો.

“સરદારસિંહ, સરસ્વતીચંદ્ર વીશેના સર્વ સમાચાર પુરાવા સહિત ચંદ્રકાંતભાઈને બતાવો” પ્રવીણદાસે મુખ્ય દેશપાલને કહ્યું.

“હાજી, અને તેની સાથે એમનો પોતાનો પણ કેટલીક વાતમાં પુરાવો લેવો પડશે.” સરદારસિંહ બોલ્યો.

"બોલો, બોલો, જેમ નિરુપયોગી વાત એાછી થાય ને ત્વરા વધારે થાય એમ કરજો.” શાંતિશર્મા બોલ્યો.

એક આન્હિક – રોજનીશી - નું પુસ્તક સરદારસિંહ ઉઘાડવા લાગ્યો અને ઉઘાડતાં ઉઘાડતાં બોલતો ગયો.

“જી, સરસ્વતીચંદ્ર કેટલાક માસ સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનભાઈને ઘેર અતિથિ હતા અને તેમને કારભાર મળ્યો તે જોઈ બીજે દિવસે ત્યાંથી નીકળ્યા...... એ નીકળ્યા તેને બીજે દિવસે કુમુદબ્હેન નીકળ્યાં. સુવર્ણપુરની બ્હાર રાજેશ્વર મહાદેવ છે ત્યાંથી એક ગાડામાં બેઠા, અને નીકળતા પ્હેલાં પ્રમાદધનભાઈને ખાનગી માણસ નામે રામસેન એમને મળી આવ્યો હતો. ચંદ્રકાંતભાઈનો એમના ઉપર પત્ર વાંચી. બુદ્ધિધનભાઈ સાથે કેટલીક વાત ચીત કરી, ચંદ્રકાંતભાઈ મ્હારા મિત્ર છે એવું કહી, તેમને મળવા જવાને નિમિત્તે એમણે સુવર્ણપુર છોડ્યું.”

ચંદ્ર૦- “ક્યાં મળવાનું હતું ? ” ​સર૦- ભદ્રેશ્વરમાં. સુવર્ણપુર રહ્યા ત્યાં સુધી એમણે નવીનચંદ્ર નામ ધાર્યું હતું. બુદ્ધિધનભાઈના ઘરમાં તેઓ ર્‌હેતા હતા અને તે જ સંબંધમાં કાંઈ કારણ થવાથી પ્રમાદધનભાઈને ક્રોધ ચ્હડ્યો અને તેમણે ક્રોધમાં સમુદ્રમાં પડી આત્મહત્યા કરી.

ચંદ્ર૦– શું કારણ ?

સર૦– તે હાલ ઉપયોગનું નથી અને તેની કથા ગોપ્ય છે. જેટલી વાત કહી તેટલીનો પુરાવો આપણાં માણસોએ સુવર્ણપુરથી જ મેળવ્યો છે. હવે ગાડામાં બેઠા પછીનો પુરાવો છે. તેમની સાથે ગાડામાં અર્થદાસ નામનો પેલો બેઠો છે તે વાણીયો, તેની સ્ત્રી, અને એક બ્રાહ્મણ ડોશી એટલાં હતાં. સુરસિંહ અને ચંદનદાસે તેમને લુટ્યાં. સરસ્વતીચંદ્રે અર્થદાસની સ્ત્રીનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો. તેમ કરવા જતાં તેમને પોતાને મારી પછાડી ચંદનદાસ અને તેના સ્વાર ઘસડી ખેંચી લેઈ ગયાં. આટલી વાત નિશ્ચિત છે હવે પછી જે બન્યું તેની વાર્તા બે ત્રણ રૂપે આપણી પાસે આવી છે ને જ્યાં સુધી અમે તેનો નિર્ણય કરી શકીયે નહી ત્યાંસુધી ન્યાયના ધર્માસન પાસે આ કામ વસ્તુતઃ ચાલવું અશક્ય છે.

ચંદ્ર૦- એ શી વાર્તાઓ છે?

સર૦– પ્રથમ વાત પ્રમાણે સરસ્વતીચંદ્રને બ્હારવટીયાઓએ કતલ કર્યા છે.

ચંદ્રકાંત હૃદયમાં કમ્પયો. બ્હારથી અવિકારી દેખાયો.

સર૦- બીજી વાર્ત્તા પ્રમાણે અર્થદાસે મણિમુદ્રામાટે તેનું ખુન કર્યું. ત્રીજી વાર્તા પ્રમાણે તેઓ કોઈક સ્થળે વિદ્યમાન છે.

ચંદ્ર૦- તે તમારી ત્રીજી જ વાત સત્ય છે. બીજી વાર્ત્તા હું માનતો નથી. ત્રીજી અસત્ય ઠરે તો પ્રથમ સત્ય હોય.

સર૦– પ્રથમ વાર્ત્તા હીરાલાલ નામનો મુંબાઈનો માણસ કરે છે. તેના ક્‌હેવા પ્રમાણે સરસ્વતીચંદ્રનું ખુન બ્હારવટીયાઓને હાથે બ્રિટિશ હદમાં થયું છે - તેમ હશે તો આ કામ ત્યાં ચાલશે.

ચંદ્ર૦- હીરાલાલ લુચ્ચો છે - જુઠો છે.

સર૦– તે અસ્તુ. અમારાં માણસોની બાતમી પ્રમાણે અર્થદાસે ખુન કરેલું છે અને તે અમારી હદમાં થયું છે - પણ એ બાતમી જ છે – પુરાવો શોધવો બાકી છે.

ચંદ્ર૦- તે બાકી જ ર્‌હેવાનો છે. ​સર૦-તે અસ્તુ. ત્રીજી વાત અર્થદાસ ક્‌હે છે, પણ સરસ્વતીચંદ્રના શરીરનો પત્તો તે બતાવી શકતો નથી.

ચંદ્ર૦- પણ તે સત્ય જ બોલેછે. એ પત્તો આપ મેળવો.

સર૦– તે અસ્તુ. મ્હારો તથા આપનો અભિપ્રાયય એક જ છે. પણ શોધવાનું શરીર જડે ત્યાં સુધી સર્વ વાત સાંભળવી ઘટે છે. સરસ્વતીચંદ્રનો સગો ધૂર્તલાલ મુંબાઈના કારાગૃહમાં છે. હીરાલાલ તેનો માણસ ભારે ખટપટી છે, તેણે જીલ્લાના કલેક્‌ટરને અરજી કરી છે કે તેની વાર્ત્તાનું શોધન ઈંગ્રેજી કોર્ટમાં થવું જોઈએ. તેનું લખાણ આ રાજ્ય સાથે પોલીટિકલ એજેન્ટ દ્વારા ચાલે છે.

ચંદ્ર૦- એની પાસે કંઈ પ્રથમદર્શનીય પુરાવો છે?

સર૦ – દેખાતો નથી. પણ અર્થદાસ ઈંગ્રેજી પ્રજા હોય અને અપરાધનું સ્થળ પણ ઈંગ્રેજી હદમાં હોય ત્યારે પ્રથમદર્શનીય પુરાવા હોય ન હોય તેની અમારા પોલીટિકલ એજંટ કદી કદી બહુ પરવા નથી કરતાં.

ચંદ્ર૦- તે નથી કરતો પણ તમે કેટલી કરો છે ?

સર૦– આવા પ્રશ્નો અમારે ત્યાં ચક્રવર્તીભવનમાં વિચારાય છે અને ત્યાંની આજ્ઞા પ્રમાણે વર્તન થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં બેત્રણ ગુંચાવારા છે. હીરાલાલ કંઈ કારણથી સરસ્વતીચંદ્રની હત્યા સિદ્ધ કરવા ઈચ્છે છે અને સરકારી પોલીસમાં પૈસા વેરે છે. પોલીસ કલેક્‌ટરને સમજાવે છે ને કલેક્‌ટરનો ચીટનીસ પણ હીરાલાલને વશ છે. એજંસીનો શીરસ્તેદાર પણ તેને વશ છે. પ્રધાનજી સાથે સરસ્વતીચંદ્રનો સંબંધ તુટેલો ગણી તે નિમિત્તે આ પ્રસંગમાં ન્યાય થવાનો અસંભવ ગણી હીરાલાલ આ કામ ઈંગ્રેજી કોર્ટમાં ચલવવા ઈચ્છે છે અને સર્વે તેને ટેકો આપે છે. આવાં આવાં કારણોથી એજંસી સાધારણ નિયમ પ્રમાણે પુરાવો બસ છે કે નહી તેનો નિર્ણય અમારી પાસે કરાવવા ઇચ્છતી નથી.

શાંતિ૦– ત્યારે પુરાવો જ ઓછો હોય તો છો ને કામ ચાલતું ઈંગ્રેજી કોર્ટમાં? ત્યાં શું ખોટું થવાનું છે જે?

સર૦- ના જી, પ્રથમ તો અર્થદાસ જે શંકિત છે તે જ એ વાત ઈચ્છતો નથી. ધૂર્તલાલના મનમાં એમ છે કે ગમે તેમ કરી સરસ્વતીચંદ્રને મુવેલા ઠરાવવા - પછી કોઈ અપરાધી ઠરે કે ન કરે - કારણ તેમને તેમ કરવામાં દ્રવ્યનો લાભ છે. અર્થદાસના મનમાં એમ છે કે હીરાલાલ પોતાના ​સ્વાર્થને માટે એને મારી પાડશે અને ઈંગ્રેજી હદમાં કામ ચાલવાની અરજી કરવા હીરાલાલ ઘણુંએ સમજાવે છે, પણ અર્થદાસ બેનો એક થતો નથી ને અરજી કરતો નથી, હીરાલાલના મનમાં એવો પેચ છે કે અર્થદાસ ઈંગ્રેજી કોર્ટમાં જઈ સરસ્વતીચંદ્ર મરેલો કબુલ કરે અને પોતે ખુન નથી કર્યું પણ બ્હારવટીયાઓયે કર્યું છે એવું ક્‌હે – પછી એની પાસેની મણિમુદ્રાનાં અનુમાનથી કોર્ટ એને શિક્ષા કરે કે છોડે તેની હીરાલાલને બહુ પરવા નથી. સરકારી પોલીસ ધારે તો સરસ્વતીચંદ્રને, શોધી શકે એ નક્કી છે તેટલું જ એ પણ નક્કી છે કે તેઓ સરસ્વતીચંદ્રને શોધાવાનું ધારેજ નહી એટલી હીરાલાલે ચોકસી કરી છે.

ચંદ્રકાંતે ઓઠ પીસ્યા,“ ધૂર્તલાલ કેદમાં પડ્યો પડ્યો પણ આટલા દાવ રમે છે ! ઠીક ! પણ બગડેલી પોલીસ જેને શોધતી નથી તેનો શોધ તમે કેટલે સુધી કર્યો છે ?”

હસતો હસતો સરદારસિંહ બોલ્યો : “અમે પણ પોલીસ જ છીયે કની ? ઈંગ્રેજી પોલીસને હીરાલાલનું દ્રવ્ય મીઠું લાગે તે અમને કંઈ કડવું લાગવાનું હતું ?”

ચંદ્રકાન્ત- હું કાંઈ તમારા ઉપર એવો આક્ષેપ નથી કરતો.

સર૦– મુંબાઈગરી ભાષા આક્ષેપવાળી હશે – આપના મનમાં આક્ષેપ નહી હોય. પણ હશે. હવે આપની આતુરતા યથાશક્તિ તૃપ્ત કરીશું. જુવો, સાહેબ; ઈંગ્રેજી કોર્ટમાં આ કામ ચાલે ન ચાલે તેની ચિન્તા ચક્રવર્તીભવનને છે – અમારે સાધારણ રીતે ચિન્તા નથી હતી, પણ આ કામમાં તેમ નથી. મુંબાઈમાં તેમ અન્યત્ર શુદ્ધ અંતઃકરણવાળી પોલીસની વૃત્તિ એટલી હોય છે કે ખરો અપરાધી હાથમાં આવ્યો તો તેને જવા દેવો નહી – પછી ખરા આરોપ ઉપરથી કે ખોટા આરેાપ ઉપરથી મરે તેની પોલીસને ચિન્તા નહી.

“તમે પોતે પોતાને સર્ટીફિકેટ તો સારું આપો છે !” – ચંદ્રકાંત હસી પડ્યો ને બોલ્યો. સરદારસિંહ ગંભીર મુખ રાખીને જ ઉત્તર દેતો ગયો.

“હાજી, ન્યાયાધીશોની આંખોમાં તમે પક્ષવાદીઓ ધુળ નાંખો તે અંજાય તો ભલે, પણ અમે ન અંજાઈયે. પણ આ ચર્ચા પડતી મુકી માંડેલી કથા પુરી કરવી સારી છે. બુદ્ધિધનભાઈના ઘરમાં સરસ્વતીચંદ્ર ર્‌હેતા હતા તે જ ખંડની જોડે પ્રમાદધનભાઈનો ખંડ હતો. આ સંબંધમાં સુવર્ણપુરમાં અનેક સાચી ખોટી વાતો ચાલે છે, અને આ કેસ ઈંગ્રેજી ​કોર્ટમાં ચાલશે તો આ વાતનો પુરાવો પાકો હીરાલાલના હાથમાં છે ને પુરાવો કોર્ટમાં મુકી, સરસ્વતીચંદ્રનું ખુન શા કારણથી થયું, અને કોણે કરાવ્યું એટલું પાકે પાયે સિદ્ધ કરી, આરોપ અને શિક્ષા કોને માથે પડવા દેવાં તેની ચિંતા અનુમાનો કરનાર ન્યાયાધીશને માટે હીરાલાલ ર્‌હેવા દેવાનો છે, પણ વિનાકારણ અમારા પ્રધાનજીના બાળકની ફજેતી ઈંગ્રેજી કોર્ટમાં અમે થવા દેનાર નથી !

ચંદ્ર૦– મ્હારા કામમાં મને પૂર્ણ આશ્રય આપ આપશો એવો હવે મને નિશ્ચય થયો. ચાલો, બોલોજી.

સર૦– હવે સરસ્વતીચંદ્રની વાત કરીયે, જો અર્થદાસનું ક્‌હેવું સત્ય હોય તો ત્રિભેટાના વડની પેલી પાસ ઘાસનું બીડ છે તેમાં ચન્દનદાસના સ્વારો સરસ્વતીચંદ્રને ઘસડી આણી પડેલો નાંખી ન્હાસી ગયા હતા.[1] મણિમુદ્રા લેઈ દોડેલો અર્થદાસ રાત્રે એ વડની ડાળોમાં સંતાઈ રહેલો હતો, અને બ્હારવટીયાઓ રાત્રે એ જ વડતળે વાતે કરતા હતા, તે અર્થદાસે સાંભળી હતી. આપણા બે માણસ તે રાત્રે એ જ વડમાં હતા અને નીચેથી ઉંચા જતા ભડકાનું તેજ અર્થદાસના હાથમાંની વીંટીના હીરા ઉપર ચળકતું હતું[2] તે એ બે માણસોએ જોયું હતું, બ્હારવટીયા, વેરાયા એટલે એ બે જણમાંથી એક જણ મનહરપુરીના મુખીને ખબર કરવા ગયું અને બીજું માણસ અર્થદાસની પાછળ પાછળ ચાલ્યું,[3] અને તેમાંથી આ મુદ્રાનો પત્તો લાગ્યો છે. જે જગાએ અર્થદાસનો ને સરસ્વતીચંદ્રનો ભેટો થયો હતો ત્યાં પાણી અને ઘાબાજરીયાં છે, તેમાંથી પગલાં નીકળેલાં માર્ગ ઉપર જાય છે, અને ત્યાંથી બીજાં પગલાંઓ ભેગાં અદૃશ્ય થાય છે. જે ગાડામાં તેમણે પ્રવાસ કરેલો તે ગાડાવાળાને અર્થદાસે ઓળખાવ્યો છે અને તેમાં બધું લુટાતાં એક પોટકું રહી ગયેલું તેમાં કાગળો જોતાં એ સરસ્વતીચંદ્રનું લાગે છે.

“ એમ !”– ચંદ્રકાંતે હર્ષમાં આવી ઉદ્દાર કર્યો.

સર૦- હજી, અર્થદાસ ક્‌હેછે કે એની સ્ત્રીનું રક્ષણ કરવા સરસ્વતીચંદ્ર ગાડા બ્હાર કુદી પડ્યા તેવામાં એ પોટકું ગાડામાં રહી ગયું હશે.

“શું મ્હારા મિત્રે એટલું શૈાર્ય દેખાડ્યું ? – વાહ ! સરદારસિંહ, અર્થદાસ બોલે છે તો સત્યજ છે.” ચંદ્રકાંત વચ્ચે બેલ્યો. ​ સર૦- તે અસ્તુ. પણ વાંધો એટલો આવે છે કે અર્થદાસ એ માણસનું નામ નવીનચંદ્ર ક્‌હેતો નથી પણ ચાંદાભાઈ ક્‌હે છે.

ચંદ્ર૦- એમાં કાંઈ નહી – જે એક નામને બદલે તે બીજા નામને પણ બદલે.

સર૦- તે જે હોય તે ખરું. હવે અમે અમારા રાજ્યમાં ગામે ગામે થાણાંઓમાં નવીનચંદ્ર અને ચાંદાભાઈને અમુક નીશાનીઓ વડે શોધવા આજ્ઞાઓ મોકલી છે – પણ કોઈ ઠેકાણેથી હજી પત્તો નથી.

ચંદ્ર૦– થયું, એનો પત્તો નથી ત્યારે બીજી વાતો ધુળ ને ધાણી.

સર૦- એમ જ છે, પણ હવે કાંઈક આશા પડે છે.

ચંદ્ર૦- શી ?

સર૦– આપણી વાતો થાય ને અમારું કામ થાય એવો માર્ગ હવે લેવાનો છે, આપ અમને સાક્ષ્ય[4] આપો તે આ માણસ લખશે.

“મ્હારું સાક્ષ્ય ! તે શાનું ? આ શી ધાંધળ છે ? ” ચંદ્રકાંત ભડકીને બોલ્યો.

સર૦- હાજી, બોલો, હું સંક્ષેપમાં જ પુછી લેઈશ. આપ આજ અપૂર્ણ વસ્ત્રો પ્હેરી સૌન્દર્યોદ્યાનમાંથી બ્હાર નીકળ્યા હતા અને ત્યાં કોઈ સાધુ આપને મળ્યો હતો ?

ચંદ્ર૦- હા, તમે શાથી જાણ્યું?

સર૦– એ પ્રશ્ન અકારણ છે, એ સાધુએ સરસ્વતીચંદ્રની વાત કરીને આપને તેને મળવાને બોલાવ્યા છે?

ચંદ્રકાન્ત અટક્યો. સાધુએ જે વાત ગુપ્ત રાખવા ક્‌હેલી તે ક્‌હેવું જેવું અનિષ્ટ હતું તેવું જ તેનું ગોપન પણ અસત્ય ભાષણ વિના અસાધ્ય હતું અને અસત્ય તે અનિષ્ટ જ હતું. સરદારસિંહ તેનો ગુંચવારો સમજ્યો હોય તેમ બોલ્યો.

“આપને એ વાત ગુપ્ત હોય તો બલાત્કારે પ્રકટ કરાવવાનું મ્હારે કારણ નથી. મ્હારે એટલું જ ક્‌હેવાનું છે કે એ સાધુ આપની પાસે જે વાત ગુપ્ત રીતે કરે તે પુરેપુરી રાખજો અને આપને પોતાની સાથે કંઈ તેડી જવા ક્‌હે તો અમને સમાચાર કહી પછી ખુશીથી જજો અને જેટલી વાત અમને ક્‌હેવી તમને યોગ્ય લાગે તેટલી ક્‌હેજો ને ક્‌હો તે વેળાસર ક્‌હેજો. અમે અમારા ચાર મન્ત્રશોધકો – ડિટેક્‌ટિવ – મોકલીયે તેના કરતાં આપ આ મન્ત્ર વધારે સારી રીતે શોધી શકશો એટલું માત્ર લક્ષ્યમાં રાખજો કે અમને ક્‌હેવા જેવું નહી ક્‌હો અથવા વેળા વીત્યા પછી ક્‌હેશો તો અમારા હાથમાંથી વાત જતી ર્‌હેશે. કોઈ રંક માણસ માર્યો જશે, મુંબાઈમાં સરસ્વતીચંદ્રના પિતા અને મિત્રોની યોજનાઓ ઉપર પાણી ફરી વળશે અને સરસ્વતીચન્દ્ર અને કુમુદબ્હેનના શત્રુઓ વિષવાર્તાઓ ભર કોર્ટમાં નિર્ભય થઈ કરશે.

ચંદ્ર૦– તે વાતમાં તમને આશ્રય આપવો અને તમારો આશ્રય લેવો એ મ્હારો, નિ:શંક ધર્મ છે.

સર૦– એમજ. પણ બે વાત બીજીયે લક્ષ્યમાં રાખવાની છે. આપના શીવાય સરસ્વતીચન્દ્રની ભાળ બીજા કોઈને લાગી છે એમ માલમ પડશે તો એ મહાત્મા તમને પણ નહી મળે, અને સુવર્ણપુરમાં જ્યાં આવ્યા ત્યાં છે ત્યાંથી બીજે સ્થાને જશે. વળી એ ક્યાં છે એ કોઈ એવા માણસને માલમ પડશે અને તેની જીભ હાલશે તો હીરાલાલ જાણશે અને સરસ્વતીચન્દ્ર જીવતા માલુમ પડે તો એમને ગાયબ કરાવવા એવી એની પ્રતિજ્ઞા છે. માટે પણ આ વાત અત્યંત ગુપ્ત રાખવી અને માત્ર મને વેળાસર ક્‌હેવી કે તે જ્યાં હોય ત્યાં એમના રક્ષણમાટે હું વ્યવસ્થા કરી શકું. છેલી વાત આપને ક્‌હેવાની એ છે કે હીરાલાલ પાસેથી આ નાટક કોર્ટમાં ચ્હડે ત્યારે ચ્હડવા દેઈ, તે બદ્દલ કાંઈ પુરાવા આપે ત્યાર પ્હેલાં, સરસ્વતીચંદ્રને તે કોર્ટમાં પ્રત્યક્ષ કરી અને તેમને જીવતા સિદ્ધ કરી હીરાલાલની ફરીયાદને જડમૂળથી રદ્દ કરવી અને બીજો કાંઈ દુષ્ટ પુરાવો આપવાનો પ્રસંગ તોડવો. આવો મને સંકેત છે તે સિદ્ધ કરાવવા જેટલી સહાયતા તમે સરસ્વતીચંદ્ર પાસે આણી આપશો એટલે આ પોલીસને કે રાજ્યને એમને બીજા કોઈ પણ સંકોચ રાખવાનું કારણ નથી.

"મને લાગે છે કે આટલું હું કરી શકીશઃ ” ચંદ્રકાન્ત વિચાર કરતો કરતો બોલ્યો.

"ચન્દ્રકાન્તભાઈ, આપના ઘરમાં પણ હીરાલાલની ખટપટ છે તે ભુલશો માં,” સરદાર ઉઠતો ઉઠતો બોલ્યો.

“મ્હારા ઘરમાં ! ” ચંદ્રકાંત ચમક્યોઃ “મારા ગરીબના ઘરમાં તેને શું જડવાનું હતું ?” ​“શ્રીમંત્‌ના રંક મિત્રો શ્રીમંત્ જ સમજવા. આપના મ્હોટાભાઈ અને આપનાં માતા ગંગાબાને માથે શોક્ય લાવવા પ્રયત્ન કરે છે અને તેમને હીરાલાલનો શેઠ દ્રવ્યની સહાયતા આપે છે.”

“ધૂર્તલાલને તેથી શું ફળ ?”

“આપ સરસ્વતીચંદ્રને શોધવું મુકી ઘેર જાવ તો ધૂર્તલાલ નિશ્ચિન્ત થાય તે એને ફળ.”

“એ તો સમજયો–” ચંદ્રકાંત કંઈક હસી પડ્યો, “ મૂર્ખ, એમાં તે છેતરાવાના. ગંગા મરે ત્હોયે ચંદ્રકાંત હાથમાં લીધેલું છોડવાનો નથી તે બીજી બાયડી કરવાની હોળીમાં પડવા માટે તે આ રત્નનો શોધ કરવો પડતો મુકશે ?”

“ત્યારે – તો ક્ષમા કરજો – કાંઈ વધારે પણ સૂચવવું પડશે.”

“સરસ્વતીચંદ્રનું મરણ જેઓ ઈચ્છે છે તેએા જ ગંગાબાની કાશ પણ ક્‌હાડવા ઈચ્છે છે.”

“કારણ?” ચંદ્રકાંતને કપાળે પરસેવો છુટ્યો.

“કારણ એ જ કે મુંબાઈ છોડતી વેળા સરસ્વતીચંદ્રે આપેલા પત્રો તથા દ્રવ્યની કુંચી તમે અંહી હો ને ગંગાબા સ્વર્ગમાં હોય તો જ તેમને મળે. શેઠિયાના ડરથી જો ગંગાબા શત્રુનું કહ્યું નહી કરે તો સ્વર્ગમાં જશે.”

“એ વાત તો ખરી ! અરેરે ! આ ગુંચવારો સઉથી ભારે આવ્યો !” માથું ખંજવાળતો દાંત પીસતો, ડોકું ધુણાવતો, અને હાથપગ પછાડતો ચંદ્રકાંત બડબડ્યો.

“તેની પણ ચિન્તા ન કરશે. આપ અમને આપના સ્વહસ્તના અક્ષર આપો કે ગંગાબા અમારા માણસ ઉપર વિશ્વાસ રાખે અને તેની જોડે મુંબાઈ છોડી અત્રે આવે અથવા આપના કોઈ સમર્થ મિત્ર મુંબાઈમાં હોય તો તેને ત્યાં જાય.”

“તરંગશંકર – ઉદ્ધતલાલ - ના - તરંગશંકર ગરીબ છે – ઉદ્ધતલાલ પ્હોચી વળશે - હા, ઉદ્ધતલાલના ઉપર ચીઠી આપું છું ને પરભાર્યો પત્ર લખું છું તેને ત્યાં ગંગાને મુકજો.”

“ઠીક, તમે ગંગાબા ઉપર પરભાર્યો પત્ર ન લખશો. તે તેના શત્રુના હાથમાં જશે.”

“બરોબર. પણ તમે આ કામ કેટલા દિવસમાં કરશો ?”

“ગંગાબાનું કામ પાંચ દિવસમાં કરીશું. ત્યાં સુધી તો કાંઈ ભય નથી.” ​

“તો હું ગંગાને તમને સોંપું છું ને સરસ્વતીચંદ્રને મને સોંપો."

"એમજ. પણ મ્હેં ક્‌હેલી વાત એકેએક લક્ષ્યમાં રાખજો. ભુલશો તો માર ખાશો."

અંહીથી સર્વ વેરાયા, સરદારસીંહના શબ્દોના ભણકારા ચંદ્રકાન્તના કાનમાંથી ગયા નહી. એક પાસ સરસ્વતીચંદ્રને અને બીજી પાસ ગંગાને માથે ઝઝુમતાં ભયસ્વપ્નોએ એની સ્વસ્થતાનો નાશ કર્યો. અંતે રાત્રિ પડી. રાત્રિયે ચંદ્રકાન્તે બાવાની વાટ જોઈ પણ તે મળ્યો નહી. સટે કોઈ વટેમાર્ગુએ તેના હાથમાં ચીઠી આપી કે “ગુપ્ત વાત પ્રકટ થવાના ભયથી આપણો સંકેત પાર ઉતારવામાં ઢીલ થઈ છે. જો એવું ભય તમે જ ઉત્પન્ન કરશો તો સંકેત નષ્ટ થયો ગણવો, જો ગુપ્ત વાત ગુપ્ત રાખી શકશો તો ખોયેલો પ્રસંગ પુનઃપ્રાપ્ત થશે.” સૌંદર્યોદ્યાનના દ્વારબ્હાર અંધકારમાં ચંદ્રકાંત ઉભો હતો ત્યાં એના હાથમાં ચીઠી મુકી વટેમાર્ગુ કંઈક દોડી ગયો, દ્વારના ફાનસના પ્રકાશથી ચીઠી વાંચી ગુંચવાયલો ચન્દ્રકાંત વધારે ગુંચવાયો, ગભરાયો, ખીજવાયો, અને ચિન્તામાં પડ્યો. પ્રાતઃકાળે બાવાને શોધવા, ને ન જડે તો એકલાં યદુશૃંગ જવા, મનમાં ઠરાવ કર્યો. એક સરસ્વતીચંદ્રને તે શોધવાનો હતો તેમાં બીજો બાવો શોધવાનો થયો. વિધાતાની ગતિમાં આવાં વૈચિત્ર્ય જ છે.


  1. ભાગ ૨ પૃષ્ઠ ૧૦
  2. ભાગ ૨ પૃષ્ઠ ૪ પંક્તિ ૨૪-૨૫
  3. ભાગ ૨ પૃષ્ઠ ૧૫ પંક્તિ ૭
  4. જુબાની