સરસ્વતીચંદ્ર ભાગ ૪/દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે.

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે.

દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે?
તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ-

ગરાઓ વચ્ચે ઝપા ઝપી.
अणुभ्यश्च महदभ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः ।
सर्वतः सारमादद्यात्पुष्पेभ्य इव षट्पदः ।।

“What nature has disjoined in one way, wisdom may unite in another:” Burke :

પોતે ઇંગ્રેજી રાજ્ય સાથે સંબંધ બાંધ્યો તેનાં ગણાતાં વિષ્ફલનો આરંભ સ્વતંત્ર સત્તાના પરિચિત મલ્લરાજને કડવો લાગ્યો હતો; છતાં તેણે અંતકાળ સુધી એ સંબંધ બાંધવામાં ભુલ થઈ ગણી ન હતી. ઈંગ્રેજી વિદ્યાથી શૂન્ય પણ દૂરદર્શી એ મહારાજ પોતાના મનનાં કારણ જગતને સમજાવી શક્યો નહી, અને સામંત અને મૂળરાજનાં મનનું સમાધાન કરી શક્યા વિના તેણે દેહ છોડ્યો હતો. એ જ મહારાજના શાણપણે મણિરાજને ઈંગ્રેજી વિદ્યાનો અને વિદ્યાચતુરનો યોગ કરી આપ્યો હતો અને વિદ્યાચતુરને પણ પોતાના રાજ્યતંત્રના મંત્રોમાં પ્રવીણ કર્યો હતો. રાજા વારસામાં અનેક રાજભંડાર મુકી જાય તેના કરતાં આવો વારસો સહસ્ત્રગણો ઉત્તમ ગણવો એ પોતાના વિચારને એ મહારાજે આમ આચારમાં આણ્યો હતો, અને એ વિચાર-આચારનું અમૃતફળ રત્નનગરીની ભાગ્યશાલી પ્રજા એના મરણ પછી ભોગવતી હતી. બટમોગરાના ફુલની પાંખડીઓનું એક પડ ખેંચી લઈએ તે તરત અંદરથી એવું ને એવું ફુલનું દળ નીકળી આવે તેમ મલ્લરાજનો દેહ ખરી પડતાં એના જ હાથમાં પરિપકવ થયલે મણિરાજ પ્રજાના હાથમાં આવ્યો, અને જરાશંકર નિવૃત્ત થતાં વિદ્યાચતુર આવ્યો. પ્રવીણ બુદ્ધિમાન મનુષ્યોની પલટણોને અનુભવની કવાયત આપી એક બીજા પાછળ ઉભી રાખી, એવી રીતે તૈયાર રાખવી કે રાજ્યને અને પ્રજાને કદી કોઈ રીતે યોગ્ય પુરૂષોની ખોટ પડે નહીં, એ વ્યવસ્થા, દૂરદર્શી અને ડાહ્યા રાજાઓનો, એક મહાન ધર્મ છે.

મલ્લરાજની રાજ્યનીતિના ન્હાના વૃક્ષોને નવા રાજાએ અને નવા પ્રધાને પાળી પોષી મ્હોટા કર્યા એટલું જ નહી પણ મલ્લરાજના જે યોગ્ય વિચાર બીજરૂપે તેના લેખો અને તેના વાર્તાવિનોદના પ્રસંગોની ​જ માત્ર ભૂમિમાં પડ્યા હતા તેને મણિરાજે અને વિદ્યાચતુરે શોધી બોધી પરીક્ષાપૂર્વક આચારભૂમિમાં નાંખવા માંડ્યા હતા. કન્યા પરગૃહની જોઈએ તેમ પ્રધાન પરદેશનો જોઈએ એ વિચાર પ્રમાણે મલ્લરાજ આચાર કરી શકયો ન હતો, એટલું જ નહી પણ રાજકુળમાં વંશપરંપરતા જેવી રાજ-ફલ આપનારી છે તેથી ઉલટી જ રીતે દેશી રાજ્યોમાં પ્રધાનકુલમાં વંશપરંપરતા રાજ-ફલને ક્‌હોવડાવનારી અને પ્રધાનફલને નીરસ કરનારી છે એવા પોતાના અભિપ્રાયને પડતો મુકી જરાશંકરને સ્થાને વિદ્યાચતુરને નીમી, મલ્લરાજે રાજ્યને માથે જોખમ વ્હોરી લીધું હતું, પણ તેમાં તેનો એવો વિચાર હતો કે પરરાજ્યનું બળ ચોમાસાના પૂર પેઠે ઉભરાવા લાગે તે પ્રસંગે નવી અજમાશ કરવાનો કાળ નથી. આવાં કારણથી પોતે પ્રધાનપદ પામેલો હતો તે વિદ્યાચતુર સારી રીતે સમજતો હતો, અને પોતાના પછી કોઈ પરદેશી અને પરવંશને પણ વિશ્વાસયોગ્ય સુપાત્ર પ્રધાન શોધી લેવામાં મણિરાજની દૃષ્ટિને નિષ્ફળ ન થવું પડે તે માટે તરત પોતાના હાથ નીચેના અધિકારીયોમાં થોડાક એવા સુપાત્ર, પરદેશીયો શોધીને રાખ્યા હતા કે પ્રસંગ પડ્યે એક જ પુરુષ શીવાય બીજાને જોવાની - શોધવાની - અશક્તિ ન રહે અને અનેક સુપાત્રોમાંથી એક પાત્રતમ ગમે તે વેળા શોધી લેવામાં રાજાને બાધ આવે નહી. આ પુરુષો પરરાજ્યોના અનુભવી અને બુદ્ધિમાન હતા, અને આ રાજ્યનાં અંગના તેમ મ્હોટા રાજ્યવિચારના અને રાજ્યપ્રસંગોના પ્રકાશ તેમના ઉપર બને તેટલા પડવા દેવામાં વિદ્યાચતુરનું નિ:સ્વાર્થી અને સ્વધર્મપરાયણ મન રજ પણ સંકોચ પામતું ન હતું. રાણા ખાચરને માટે મેળવવાના ખાનગી દરબારમાં આ મંડળને તેણે આમંત્રેલું હતું તે આવો જ પ્રકાશ તેમના ઉપર નાંખવાની યોજનાથી. ચંદ્રકાંતને આ દરબારમાં તેડ્યો હતો તેમ જ રત્નનગરીમાં મુંબાઈથી સહજ આવી ચ્હડેલા દક્ષિણી દેશવત્સલ ગૃહસ્થ વીરરાવ ધમ્પાટેને પણ આ દરબારમાં તેડ્યો હતો, અને તેનું કારણ એટલું હતું કે મુંબઈવાસી સ્વતંત્રતાના ઉછાળાના ધક્કા લેવાનો લાભ પોતાના રાજકિંકરત્વના જ અનુભવી પુરુષોને મળે અને તેની સાથે આવા દરબારમાં બોલાવેલા અતિથિયોનો પણ કંઈ સત્કાર થાય. રાણા ખાચર જેવો વિરુદ્ધ મતનો અને જુની શૈલીનો પણ બુદ્ધિશાળી રજપુત રાજા રત્નનગરીના તેમ મુંબાઈના આવા ગૃહસ્થોના સમાગમમાં આવે અને વિચારચર્ચામાં ભાગ લે તે રાજસ્થાનોનું ઐક્ય સાધવામાં પોતે કાંઈક કારણભૂત થાય એવો પણ આશય આવા દરબાર યોજવામાં વિદ્યાચતુર રાખતો. ​પરદેશી અધિકારીઓમાં એક જણ નામે પ્રવીણદાસ હતો, તે જ વાણીયો હતો. રાણા ખાચરના રાજ્યની પેલી પાસના એક ન્હાના રાજ્યનો એ વતની હતો. એનો બાપ વ્યાપારી હતો અને એ પોતે ઇંગ્રેજી પ શાળામાં સુશિક્ષિત થઈ તેમાં મામલતદારનું કામ કરી, એકાદ બે દે રાજ્યોમાં પ્રમાણિકપણાથી તથા રાજાપ્રજાનું હિત જાળવી શક્યો હતો. મુંબાઈ જતાં એ રાજ્ય વિદ્યાચતુરને રસ્તામાં આવતું, અને ત્યાં પડેલા પ્રસંગોએ અનેકધા આ ગૃહસ્થને પરખી પોતાના રાજ્યમાં આકર્ષી લીધો હતો. તે તાજો જ આવેલો હતો અને ૨ત્નનગરીના વસુલાત ખાતાનો ભોમીયો થતો હતો. એ ખાતું આજસુધી વિદ્યાચતુરના પોતાના હાથમાં હતું ત્યાંથી જુદું પાડી પ્રવીણદાસને આપવા વિચાર હતો.

ન્યાયખાતાને માટે ઇંગ્રેજી ન્યાયસાહિત્યના વિદ્વાન અને અનુભવી ન્યાયશાસ્ત્રી શંકરશર્માને મુંબઈમાંથી શોધી ક્‌હાડ્યા હતા. શેતરંજમાં સામા રાજાને મ્હાત કરવા પોતાના મ્હોટા મ્હોરાનું બળિદાન આપવામાં જેમ શાણપણ છે તેવું જ ન્યાયને અંગે રાજ્યના મ્હોટા લાભોનું બળિદાન આપવામાં પણ છે, ન્યાયની શુદ્ધ સ્વતંત્ર પદ્ધતિથી રાજ્યનું વીર્ય વધે છે અને પ્રતાપ ઉગ્ર થાય છે ઈત્યાદિ સુપ્રસિદ્ધ ગણાતી પણ રાજ્યસત્તાના લોભી પુરુષોને અપ્રિય લાગતી રાજ્યનીતિના તીવ્ર આચાર પાળવામાં શંકરશર્મા પ્રધાન ઉત્તેજન આપતો અને પોતાની પણ ભીતિ કે શ્રમનું બીજ સરખું ન્યાયખાતામાં દેખાતામાં જ નષ્ટ કરતો.

રત્નનગરીના રાજ્યમાં જંગલ તથા સમુદ્રતટે બંદરો હતાં તેના વિકાસ માટે પણ મુંબઈથી જ જાતે પરખીને એ વિષયોનાં અનુભવી માણસો રાખ્યાં હતાં. સર્વ રાજ્યોમાં નિર્માલ્ય ગણાતું અને દરિદ્ર પગારવાળા અધિકારીઓના હાથમાં તિરસ્કારથી રખાતું વિદ્યાખાતું એક સમર્થ વિદ્વાનને સારા પગારથી સોંપવામાં આવ્યું હતું અને તેના ઉપર પ્રધાન પોતે અનિમિષ અને ઉદાર દૃષ્ટિ રાખતો. આવાં ખાતાઓના અધિકારીયોમાંના કેટલાકને શંકરશર્મા અને પ્રવીણદાસ સાથે આ દરબારમાં આમંત્રેલા હતા.

મલ્લરાજે નગરબ્હાર એક મહાન્ મ્હેલ બાંધવા માંડેલો હતો અને તેની યોજનાને વિસ્તાર આપી મણિરાજે તે પુરો કરેલો હતો. તે મ્હેલનું નામ મલ્લમહાભવન રાખ્યું હતું અને તેના આગલા ખંડનું નામ વિદુરભવન પાડ્યું હતું. આજનો દરબાર વિદુરભવનમાં યોજેલો હતો.

વિદુરભવનમાં ચારે પાસ ભીંતો એ સંસ્થાન અને પરદેશે ના નક્શા ટાંકેલા હતા અને પુસ્તકોનાં કબાટ ગોઠવેલાં હતાં તેમાં આ દેશના તેમજ ​પરદેશના, પ્રાચીન તથા અર્વાચીન, સમર્થ રાજપુરુષોનાં ચરિત્ર, તેમના લેખો, તેમનાં ભાષણો વગેરે વિષયોનાં પુસ્તકો સંગ્રહેલાં હતાં. એક કબાટમાં ઈંગ્રેજ રાજપુરુષો, તો બીજામાં જર્મન, અને ત્રીજામાં અમેરિકન, એમ અનેક દેશના રાજપુરૂષોનાં પરિપકવ થયેલાં અનુભવ–પ્રદર્શન આ ખંડમાં આવનાર પ્રાજ્ઞની દૃષ્ટિને ચમકાવતાં હતાં.

આ સર્વની મધ્યે એક અર્ધ ભાગે સુંદર કોચ અને ખુરસીઓ વડે સભામંડપ રચ્યો હતો, અને બીજા અર્ધ ભાગે યુરોપ, અમેરિકા, હીંદ વગેરે સર્વ દેશનાં મુખ્ય તાજાં વર્તમાનપત્રો તથા ચોપાનીયાં ટેબલ ઉપર પાથરેલાં હતાં.

મણિરાજની અને તેના પ્રતિષ્ઠિત અતિથિની વાટ જોઈ આમંત્રેલા રત્નનગરીના અધિકારીઓ આ ભવનમાં ભરાતા હતા. અને તેનાં અનેક પ્રદર્શનો ઉપર દૃષ્ટિ ફેરવતા ફરતા હતા, અને તેનો ઉપયોગ કરતા હતા.

એક ટેબલ આગળ શંકરશર્મા, ચંદ્રકાંત અને વીરરાવને લેઈ બેઠો હતો અને વાર્તાવિનોદ કરતો હતો.

ચંદ્રકાંત:“શો ઉત્તમ પુસ્તકોને સંગ્રહ ! જે રાજા આ પુસ્તકોદ્યાનમાં માત્ર આવી, એ ઉદ્યાનનાં ફુલોની વાસના જ લેઈ ચાલ્યો જાય તે તેટલાથી જ ચતુર થઈ જાય !”

વીરરાવ હસ્યો:, “છટ ! આ તો માત્ર દેખાવ કરવાની વાત છે – દંભ છે! બાકી તો રજવાડો સર્વ અંદરથી સળેલો ! All is rotten at the core in these states ! Don't believe in this show like a simpleton !”

આ કઠોર વચન સાંભળી શંકરશર્મા ચમક્યો. પ્રવીણદાસ છાનોમાનો પાછળ ઉભો હતો તેણે તેના સામું જોઈ નાકે આંગળી ધરી. બીજા સર્વ આશપાશ ભરાઈ ગયા. એવાં વાક્યોના પરિચિત ચંદ્રકાંતને પણ આ સ્થાને અને આ કાળે – મણિરાજના ભવનમાં – તેનો સત્કાર સ્વીકારવાને પ્રસંગે – વીરરાવનાં વચન અકૃતજ્ઞ અને અસ્થાને લાગ્યાં અને બોલી ઉઠ્યો.

“મિસ્ટર ધમ્પાટે ! તમારો વિચાર ખરો હોય તો પણ તેનો ઉચ્ચાર અસ્થાને છે ?”

વીર૦ – “એ માખણ તમને સોપ્યું. અમારે તો વિચાર તે ઉચ્ચાર. You see I do not care a fig for these foolish and dishonest ​“forms ! यद्यापि शुद्धं लोकविरुद्धं नाकरणीयं नाचरणीयम् એ અપ્રમાણિકપણાનું શાસ્ત્ર,તે હૃદયના બાયલાઓને સોંપ્યું, સત્યના વીરોને દુનીયાની શી ૫રવા છે ?”

વીરરાવે છાતી ક્‌હાડી અને ઓઠવડે ફુત્કાર કર્યો. શંકરશર્મા ધીમે રહી હસીને બોલ્યો: “પણ ચારિત્ર્ય દૂષિત[1] કર્યાના આરોપકાળે એકલું સત્યવચન બેાલ્યા છીયે કહ્યાથી આરોપી નિર્દોષી નથી ઠરતો.”

“ઓ -- મિસ્ટર – શંકરશર્મા !–” માથું અને આખું શરીર ઉંચું કરી, આળસ મરડી, હાથ ઉંચા કરી, વીરરાવ બેાલ્યો, “એ તમારું ધર્મશાસ્ત્ર અમારા સત્યશાસ્ત્ર આગળ નિરર્થક છે. રાજનીતિમાં અસત્ય ભળે છે અને તમારા ન્યાયમાં પણ અસત્ય ભળે છે, પણ એવી નીતિ અને એવા ન્યાયના પંઝામાં ફસાયાથી સત્યના વીરો ડરતા નથી. ખરું જોતાં તો ધર્મમાત્રનો આધાર સત્ય ઉપર છે, ને મનુષ્યના જીવનનો અને એના સર્વ ઉચ્ચગ્રાહનો સ્તંભ સત્ય ઉપર ટકેલો છે. આપણા એક કવિએ ધર્મના જ મુખમાં વચન-મુકેલું છે કે

"मया घ्रियन्ते भुवनान्यमूनि "सत्यं च मां तत्सहितं विभर्ति ॥ [2] અને પાશ્ચાત્ય પાંડિત્ય પણ એજ ઉદ્‍ગાર કરે છે. નીતિનો આધાર ધર્મ અને ધર્મનો આધાર સત્ય છે, સત્યના તેજની જ્વાળા, અગ્નિની જ્વાળા પેઠે, સર્વ અવસ્થાઓમાં, ઉંચી અને ઉંચી બળશે, લોકે ધર્મ ગણેલા અધર્મ સત્યના તાપથી ઓગળી જશે, અને કુરાજ્યોની રાજ્યનીતિને ઉથલાવી પાડવા સત્યના વીરો લ્હડશે અને મરશે અને સત્ય વિજયી થશે. માટે સત્યના વીરોએ નથી જોવાનો દેશ, નથી જોવાનો કાળ, અને નથી જોવાનું પરિણામ. વિચાર તે ઉચ્ચાર ! એ જ અમારું સત્ય, અને Damn your states and politics for perverting all the dictates of truth ! ”

આ ગાળોના ઉદ્‍ગાર સાંભળતાં પ્રવીણદાસ તો માત્ર ઠંડો જ થઈ ગયો અને બીજા અધિકારીયોમાં ક્રોધ, હાસ્ય, તિરસ્કાર, આદિ અનેક વૃત્તિઓ સ્વભાવવૈચિત્ર્ય પ્રમાણે રોપાઈ ગઈ. પણ સર્વે આ વેગવાળા પ્રવાહથી સ્તબ્ધ હતા એટલામાં વિદ્યાચતુર અને મણિરાજ આવી સર્વની પાછળ ઉભા હતા અને શાંત સ્મિત કરતા હતા; તેમાંથી વિદ્યાચતુર આગળ આવ્યો અને ધીમે રહી વીરરાવને ખભે હાથ મુક્યો ત્યાં વીરરાવે પાછળ જોયું અને એના પગ ઉભા થયા. પોતાના વાક્યોનો એના ઉપર અને રાજા ઉપર શો અસર થયો હશે તેનો વિચાર જ તેને થયો નહી, અને વિચાર ન થયો તો ક્ષોભ પણ શાનો થાય ? પાછો ફરી તેણે વિદ્યાચતુર સાથે હસ્તમેલન[3] કર્યું અને મણિરાજ ભણી વધતાં વધતાં બોલ્યો.“ મહારાજ, રાજા અને પ્રજામાં મનુષ્યત્વ સામાન્ય છે, રાજત્વ કરતાં મનુષ્યત્વ પૂજ્ય છે, અને એ પૂજ્યત્વનું ચણતર સત્યના પાયા ઉપર બંધાયલું છે એ સત્ય આપ સ્વીકારો છો પણ અમારા વકીલસાહેબ ચદ્રકાંતભાઈએ એથી વિરુદ્ધ શાસ્ત્ર પળાવવાનો પ્રયત્ન કર્યો માટે અમારે એમની સાથે હવણાં જ યુદ્ધ થયું હતું.”

મણિરાજે હસતાં હસતાં એની સાથે હસ્ત મેળવ્યો અને ઉત્તર દીધો. “એવાં એવાં યુદ્ધને માટે જ અમે આ વિદુરભવન રાખેલું છે અને તેમાં આપના જેવાનો સત્કાર કરીયે છીયે. મહારાણા ખાચરજીને લેઈ મૂળરાજ સત્વર આવશે તેમને આપની શક્તિ જોવાનો લાભ થશે. માટે ચાલો, આપણે આ સભામંડપમાં બેસીયે.”

સર્વ ઉઠ્યા અને સભામંડપમાં ચાલ્યા. એટલામાં દરવાજે નેકી સંભળાઈ, ઘોડા ખોંખાર્યા, સર્વ મંડળ દરવાજે સામું ગયું, અને રાણા ખાચર તથા મૂળરાજને લઈ પાછું ફર્યું. સર્વ વાતચીત અને સ્વર બંધ પડ્યાં, ચાલનારાના પગના ઘસારા પણ સંભળાતા ન હતા, અને અગ્રભાગે માત્ર ખાચર અને મણિરાજ મન્દસ્મિત કરતા કરતા ધીમે સ્વરે ઓઠ ફરફડાવતા વાતો કરતા ચાલતા હતા. તે બે જણ એક સુવર્ણના ચિત્રિત કોચ ઉપર સામ સામે બેઠા. તેમની એક પાસ ખાચરના રાજ્યના એક બે ભાયાતો, તે પછી મૂળરાજ, અને તે પછી મણિરાજના ત્રણચાર ભાયાતો બેઠા. બીજી પાસ પ્રથમ વિદ્યાચતુર, પછી વીરરાવ, પછી ચંદ્રકાંત અને તે પછી રત્નનગરીના બીજા અધિકારીઓ બેઠા.

રાણો ખાચર શરીરે પાતળો, પણ કદમાં ઉંચો હતો. વૃદ્ધાવસ્થાની કરચલીઓ એના મુખ ઉપર હતી, પણ હઠીલી અને ખુનસભરી રજપુતાઈના આવેશે ભરેલી રતાશ એની ઝીણી પણ લાંબી આંખોમાં વીજળીની રેખા પેઠે ચળકતી હતી અને આંખોના ખુણા સુધી પ્રસરતી હતી. એની મુછોમાં ધોળા વાળ ભળવા લાગ્યા હતા, છતાં તેના આમળા કાન સુધી વળતા

​હતા. એના ઓઠ લાંબા હતા, અને એ આખા જગતને કંઈ લેખામાં ગણતો ન હોય એવો અભિમાની તિરસ્કાર એ આંખો અને ઓઠમાં સ્ફુરતો હતો. એ હસતો ત્યારે પણ એના હાસ્ય સાથે કોઈક કટાર ઝઝુમતી હોય એમ લાગતું હતું. એક કોચના બે છેડા ઉપર બેઠેલા સસરા-જમાઈના દેખાવમાં સર્વાંગી વિરોધ સ્પષ્ટ હતો, અને આકાશના મધ્ય ભાગમાં ચંદ્ર અને ધૂમકેતુ પાસે હોય ત્યારે લાગે તેમ સૌમ્ય મણિરાજ અને તીવ્ર-ઉગ્ર ખાચર લાગતા હતા.

“રાણાજી, આ બે અમારા અતિથિ છે તે મુંબાઈથી આવેલા છે.” ચંદ્રકાંત અને વીરરાવ ભણી દષ્ટિ કરી મણિરાજે હસતે મુખે કહ્યું.

“હા, મ્હોં ઉપરથી જ દેખાય છે.” હાથેલીમાં દ્‍હાડી ડાબતો ડાબતો ખાચર બોલ્યો.

“એમાં આ દક્ષિણી ગૃહસ્થનું નામ વીરરાવ છે તેમનો વિચાર એવો છે કે દેશી રજવાડામાં અંદર ખાનેથી સળો જ છે.” મણિરાજે કહ્યું.

“એમનો વિચાર એવો હશે ! શું કરીયે? મુંબાઈમાંથી ચાલી આવેલી ઉધાઈ રજવાડાનું કાળજું પણ કોરી ખાય છે; આવા મેમાનોને સંધરવાનું ફળ કંઈ ન્હાનું સુનું હોય ? ” બીજી પાસની ભીંત ભણી નજર કરી હસતે હસતે ખાચરે ઉત્તર દીધો.

વીરરાવની આંખમાં ક્રોધના વીર આવ્યા, અને ઉત્તર ન દેતાં માત્ર ચંદ્રકાંતના કાનમાં એ ક્‌હેવા લાગ્યો. “ Look ! Look ! Not only does the devil coil and sting like the serpent, but can breathe out his venom too !”

“He only pays in kind !” ચંદ્રકાન્તે વીરરાવના કાનમાં અમૃત રેડ્યું.

“Me he pays in kind ? You say so ? ” વીરરાવે ઓઠ પીસી પુછયું.

“I believe he thinks so:” ચંદ્રકાંતે કહ્યું અને પછી મ્હોં મલકાવ્યું.

“કેમ, ચંદ્રકાંતજી, છાની છાની ગોષ્ઠી ચલાવો છો તે રાણાજીને અને અમને પણ કાંઈ અમૃત સંભળાવો.” મણિરાજે વાત છેડી.

વીરરાવ --- શુણો, મહારાજ, મુંબાઈમાં તો ઉધાઈ પણ છે અને સુધરાઈ પણ છે. તેમાંથી જેને જયાં ગ્રાહક મળે ત્યાં જાય છે. જે રજવાડામાં મુંબાઈની ઉધાઈ જ આકર્ષાતી હોય તે રજવાડાની જાતમાં જ કંઈક રોગ હોવો જોઇએ.

મણિરાજ – એ રોગ કીયા સંસ્થાનમાં છે ને કીયામાં નથી એ પ્રશ્નનું નિરાકરણ ​વેગળું રાખી જે જે સંસ્થાનમાં એ રોગ હોય તેનું ઐાષધ શું એ દર્શાવો તો આપણી ચર્ચામાં કાંઈક સૂચક ભાગ આવે.

વિદ્યા०–ધમ્પાટે સાહેબને મન તો સર્વત્ર એ રોગ વ્યાપી ગયો છે.

મણિ०– એમ હોય તો આપણે ત્યાં પણ એ રોગ છે એમ તકરાર ખાતર સ્વીકારો, તો પણ થયો રોગ ન થયો થવાનો નથી. પણ તેને ઉપાય શો ?

વીર०−સાહેબ, મ્‍હારે મન તો એ રોગ અસાધ્ય થઈ ગયો છે; અને હવે તો The states must be stewed in their own sweet juice,

शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेवरे । औषधं जान्हवीतोयं वैद्यौ नारायणो हरि: ॥ શંકરશર્મા - વીરરાવજીએ તે આપણા રામ પોકારી દીધા અને ફાંસીની સજા બતાવી દીધી. હવે તે વકીલ સાહેબની બુદ્ધિ કાંઈ શોધી ક્‌હાડે તો સાંભળીયે.

પ્રવીણદાસ - “ભાઈસાહેબ, જરા ધીરા થાવ. પાડોશીના દેશમાં કાંઈ સંગ્રહ હશે તો આપણા દુષ્કાળમાં કાંઈ ઉપયોગમાં આવશે. માટે જે રાજ્યમાં વીરરાવજી જેવાં રત્ન નીપજે છે તેની તો કથા કાંઈ પુછો.”

વીર०--“ શું પુછવું છે? બ્રીટિશ રાજ્યની દેશી પ્રજાની સંવૃદ્ધિમાં દેશી રાજ્યોજ હરકતકર્તા છે. અને દેશીઓ રાજ્ય કરવા યોગ્ય છીયે કે નહી એવો પ્રશ્ન ઉઠતાં ઈંગ્રેજી અધિકારીયો તમારા ભણી આંગળી કરે છે અને કહે છે કે દેશીયોને સ્વતંત્ર અધિકાર આપ્યાથી કેવી અવ્યવસ્થા થાય છે તે જોવું હોય તો દેશી રાજયો ભણી જુવો એટલે પ્રત્યક્ષ પાઠ – Object lesson - મળશે. ?

પ્રવીણ०- “ પણ રાવસાહેબ, અમે તો હવે મરણશય્યા પર સુતા તે સુતા. પણ તમારામાં કેટલો જીવ છે તે તો કાંઈ જણાવાની કૃપા કરો.”

વીર० –“ કેવી રીતે જણાવીએ ? ડેલ્હૂઝી જેવો કોઈ ગવર્નર જનરલ આવે, અને રજવાડામાત્રને ઈંગ્રેજી રાજ્યમાં ભેળવી નાંખે તો તરત અમારો જીવ હાલતો ચાલતો જણાય, નાત જાતના ભેદ જેમ અમને પગલે પગલે નડે છે તેમ તમારાં રાજ્યોની સ્થિતિ અમારા અભિલાષને પાછા હઠાવે છે.”

ખાચરનું મ્‍હોં કટાણું થયું. ​શંકર૦-“ પણ તમારા લોકમાં હોળી સળગે ત્‍હોય અમારે શું અને તમારા પ્રજાસંઘમાં દીવાળી પ્રકટે ત્‍હોય અમારે શું ? તમારા લોકનો ઉદય ઇચ્છવા અમારે પ્રલયકાળ ઇચ્છવો એ કયાંનો ન્યાય ? રાવસાહેબ. Morality, Law ને Religion – નીતિ, ન્યાય, ને ધર્મ-- સર્વ ઉપર તમે પાણી ફેરવો છો.”

વીર૦– “He who would rush into the front ranks, must tread upon somebody's corns, આખા દેશનો ઉદય જ્યાં સાધ્ય છે ત્યાં ચાર મરવા પડેલાં રીબાતાં રાજયોના પ્રાણ શમી જાય તો શું થયું ? એ વ્યાપારથી એ રાજયોની પ્રજા પણ સુખી થશે અને અમને સહાય થશે. આવા મહાન સાધ્ય આગળ ન્યાય, નીતિ, અને ધર્મ પ્રતિરોધ કરે તો તે પ્રતિરોધ દૂર કરવા. ક્ષત્રિયો યુદ્ધ કરે ને વચ્ચે ગાય આવે તો યુદ્ધ અટકાવવું નહી પણ ગૌવધ આવશ્યક હોય તો કરવો અને યુદ્ધ પુરું થયે તેનું પ્રાયશ્ચિત્ત કરવું !”

સભાના મ્‍હોટા ભાગે આ શબ્દ સાંભળતાં કંપારી ખાધી અને વીરરાવ ભણી તિરસ્કાર અને ખેદભરેલી દૃષ્ટિ કરી. વીરરાવે તેને ગાંઠી નહી.

વિધા૦-“ રાવસાહેબ, આપણે હાલ ન્યાય, નીતિ અને ધર્મનાં ગહન પ્રકરણોમાં નહી ઉતરીયે. માત્ર ઈતિહાસ, સાધ્ય સાધન, અને ભવિષ્યની ચર્ચા કરીશું. તમે એમ ધારો છો કે જે સામ્રાજ્યના તમે અંશ છો તેના અમે અંશ નથી ? ”

વીર૦-“That's it. અલબત, બે જણ તેના અંશ છીયે અને માટે જ હું કહું છું કે એ આખા શરીરનો આ એક અવયવ ક્‌હોયો છે તેને કાપી નાંખવો કે એ અવયવનું વિષ આખા શરીરમાં વ્યાપી ન જાય. એક ભાગને રોગ અને આખા શરીરને તેનું ભય – એ સત્ય, અને તે પાયા ઉપર રચવાનો તે ધર્મ, ન્યાય, અને નય – કે જેનાથી આખા શરીરનું કલ્યાણ થાય.”

વિદ્યાo-“ તો હવે તમે શોધો કે અમારાથી તમને લાભ શો અને હાનિ શી ?”

વીરo-“ શું શોધવું છે ? દેશી રાજ્ય કદી ઠેકાણે આવવાનાં નથી. એ રાજ્યોના મર્મભાગોમાં રહેલી ખટપટ એમના રાજાઓને ભ્રમિત કરે છે અને અમારે ત્યાંથી જે સારા માણસ ત્યાં જાય તેને એ ખટપટ અને એ રાજાઓના ભ્રમ બગાડી નાંખે છે અને એનો ચેપ અમને લાગેછે. દુખવા આવેલી આંખો સામાની આંખોને દુખવા આણે એમ તમારાં રાજ્યોની ​કથા છે તે પોતે બગડે છે ને સામાને બગાડે છે. તેમની પ્રજા ચારે પાસથી દુ:ખ અને જુલમના પોકાર કરે છે, એ રાજાઓ ગમે તો દ્રવ્ય ઉડાવે છે ને દેવું કરે છે ને ગમે તો લોભ અને કંજુસાઈથી પ્રજાને માટે સંગ્રહેલું દ્રવ્ય લોકોપયેાગને માટે પ્રવાહી થતું અટકાવે છે ને પાતાળના ભાંયરામાં નાંખે છે કે દુર્માર્ગે ઉડાવે છે ને પ્રજા તો ભીખારી ને ભીખારી! એ રાજ્યોની પ્રજાને નથી મળવાનું જ્ઞાન, નથી મળવાની સ્વતંત્રતા, અને નથી મળવાનાં ઉદ્યોગ, સુખ અને મનુષ્યત્વ. તેઓ જે સદ્ધસ્તુ શેાધશે તેમાં તેમના રાજાઓ ને અધિકારીઓ સપત્નીકૃત્ય કરશે, ને ઝાંખરાં પેઠે પગલે પગલે નડશે. સુધરતા યુગની પાછળ એ રાજાઓ ર્‌હેશે અને પ્રજાને રાખશે. દેશી રાજ્યોથી લોકને લાભ કાંઈ નથી અને હાનિ સર્વથા છે. They are doomed and shall cease, and the sooner the better. એ રાજ્યોનો ઉપયોગ આખા જગતમાં કોઈને કશો નથી. એ રાજ્યો નષ્ટ થશે ત્યારે રાજાઓ પણ મનુષ્યત્વ પામશે અને અમારા મહાન્ સમારંભોમાં અમારા સહચારી થશે. એ રાજાઓને અને તેમની પ્રજાઓનો જીર્ણોદ્ધાર કરવાનો આ જ એક માર્ગ છે અને બાકીના સર્વ પ્રયત્ન પવનના બાચકા છે [4]એ રાજ્યો જેમ વ્‍હેલાં રામશરણ જાય તેમ તેમનો આ તેમના દુઃખજીવનમાંથી વ્‍હેલો મોક્ષ ને નવો અવતાર છે.”

પ્રવીણ૦-“ પણ ઈંગ્રેજી સત્તાથી તમારા ધનસંચય સમુદ્રપાર જાય છે તેને સટે અમારે ત્યાં દ્રવ્ય ઘરમાં રહે છે અને તમારે ત્યાં આવી તમારું પોષણ કરેછે તેનું શું ?”

શંકર૦ – “ રાજ્યકળા અને રાજ્યનીતિના અનુભવ શીખવાની તમારે માટે એક જ શાળા રહેલી છે તે માત્ર દેશી રાજ્યોમાં છે અને ઈંગ્રેજ અધિકારીઓ સાથે કંઈક સમાન ભાવે સમાગમ પામવાનો લાભ અમારે ત્યાં જ છે. આ બધાંનું શું ?”

છેલો બેઠેલો એક તરુણ અધિકારી બોલી ઉઠ્યો: “તમારે ત્યાં તમે સર્વ Plebian ર્‌હેવાના, અને અમારે ત્યાં આવી Patrician ના સંસ્કાર પામવાના, અને હલકા સંસ્કાર છોડી ઉચ્ચ સંસ્કાર પામવાના. તેનું શું ?

​તમારા શબ્દે શબ્દમાં તમારું કુળ જણાય છે તેને સટે રાજ્યના ઉચ્ચ સંસ્કાર પામવાનું સ્થાન દેશી રાજ્યો ન હોય તો તમને કોણ આપવાનું હતું ?”

મૂળરાજ હસતો હસતો બોલી ઉઠયો: “દેશી રાજ્યોને સ્વર્ગે મોકલી સુખી કરવાનો રસ્તો તો રાવસાહેબને ઠીક સુઝયો ! મહારાજ, મુંબઈમાં આવા સદ્દગૃહસ્થોની જ પાંજરાપોળ ભરી રાખેલી છે કે કાંઈ બીજા પ્રાણી છે?”

વીરરાવની આંખ આ અપમાનથી રાતી થઈ. તે તીક્ષ્ણ વચન બોલવા જતો હતો તેટલામાં તે પ્રસંગ અટકાવવા ચંદ્રકાંતે ચર્ચામાં ભાગ લેવા માંડ્યો.

“મૂળરાજ, અમારા રાવસાહેબ પુસ્તકોના કર્તા અને વર્તમાનપત્રના તંત્રી છે. દેશી રાજ્યોનો તેમને જાત અનુભવ નથી, પણ રાજ્યોનાં માણસો લખી મોકલે તેથી સઉ જાણે.– મહારાજ, જેવો વીરરાવને દેશી રાજ્યો પ્રતિ તિરસ્કાર છે તેવીજ મ્‍હારા મિત્ર સરસ્વતીચંદ્રને આ રાજ્ય ઉપર પ્રીતિ છે મને રજવાડાનો જાતઅનુભવ નથી, પણ મિત્ર પાસે મ્‍હેં ઘણાક પ્રસંગો સાંભળેલા અને ચર્ચેલા. મ્‍હારે આવે પ્રસંગે અભિપ્રાય બાંધવા પડેલા તે પરિપાકદશાને પામ્યા નથી, પણ જેવા છે તેવા દર્શાવવામાં કાંઈ દોષ લાગતો નથી. ”

મણિ૦ – “બેલાશક, બોલો. અમારાં છિદ્ર અને અમારા દોષ જાણવાને અમે અત:કરણથી આતુર છીયે.”

ચંન્દ્ર૦–“ મ્‍હારી કલ્પના પ્રમાણે અમારા લોકમાં સામાન્ય વર્ગ ઘણો છે, પણ રાજા અને સામાન્ય પ્રજાની વચ્ચે સૂક્ષ્મ પ્રસંગોએ કામ લાગવા અને એ ઉભય પક્ષની વચ્ચે મધ્યસ્થ થવા દ્રવ્યવાન અને સત્તાવાન એક ઉદાત્ત વર્ગ એટલે aristocracyની અમારે જરૂર છે. ઈંગ્રેજી રાજ્યના બળથી હાલ જે લોકમન્થન ચાલે છે તેને અંતે, દંહી ભાંગી છાશ પાણી એક થાય તેમ, દેશી રાજાઓની સત્તા ભાંંગશે અને અમારા જેવા પ્રજાવર્ગ સાથે તેઓ ભળી જશે. તોપણ બંગાળા ભણી જમીનદાર રાજાઓ છે તેમ આપણા રાજાઓ પણ ઈંગ્રેજી રાજ્યની અમ જેવી સામાન્ય પ્રજા અને રાજયકર્તાઓ વચ્ચે ઉદાત્તવર્ગરૂપ પગથીયું થશે, અને તે કાળે આજ જે જે દુ:ખ અને બંધન ભોગવવાં પડે છે તેમાંથી મુક્ત થઈ રાજાઓ સ્વતંત્ર ને સુખી થશે અને સર્વ દેશના કલ્યાણનું સાધન થશે એવી મ્‍હારી બુદ્ધિ છે.”

શંકર૦– “રાજાઓ રાજા મટી ઉદાત્ત વર્ગમાં ભળે તેથી તમને શો લાભ?”

વીરo– “સાહેબ, જે વાત હું કહેતો હતો તે જ અમારા આ ગુજરાતી ભાઈએ માખણ લગાડી કહી. ” ​શંકરo– “ના, રાવસાહેબ. તમારો અભિપ્રાય તો રાજાઓને અને ઉદાત્ત વર્ગને સર્વને તોડી પાડી તમારા જેવા દિગંબર કરવાનો છે, અને ચંદ્રકાંતજીની તો ઉદાત્તવર્ગ ઉપર શ્રદ્ધા છે. વળી રાજાએાનો વિવર્ત તમે ઈચ્છો છો અને ચંદ્રકાંત ઈચ્છતા નથી પણ પ્રારબ્ધને બળે નિર્મેલો ગણે છે.”

વીરo– “ હા – પણ – તે- એકનું – એક – જ.”

ચંદ્રo –“ ના જી. ઈંગ્રેજી ન્યાયની અને નયની સત્તા તમે છાપખાનાવાળા સમજી શકો એમ નથી. રોમન રાજ્યની જ્યારે સર્વ દેશમાં ચક્રવતી સત્તા થઈ ત્યારે રોમન શાંતિ- Pax Romana - સર્વત્ર વર્તી ગઈ અને ચારે પાસનો કોલાહલ મટી ગયો [5] -વાઘને દેખતાં પશુમાત્ર પરસ્પરવિગ્રહ અને બુમાબુમ છોડી દેઈશાંત થઈ જાય તેમ બલિષ્ઠ સામ્રાજ્યના ન્યાય અને પ્રતાપ આગળ તે કાળની સૃષ્ટિ શાંત થઈ ગઈ, હીંદુસ્થાનમાં ઈંગ્રેજી રાજ્યની શાંતિ પણ એવો જ યુગ વર્તાવવા બેઠી છે દેશી રાજ્યોને અમારી હાઈ કોર્ટનો ન્યાય લાગુ નથી એ સત્ય છે; પણ તેમને રાષ્ટ્રીય ન્યાયશાસ્ત્ર - International law – નું સ્વાતંત્ર્ય નથી, અને પળે પળે સર્વે દેશી રાજ્યોનો એકભાવ કરનાર સરકારનો ઈચ્છાન્યાય અને દેશી રાજ્યોની ઢીલી બ્‍હીકણ અરજીઓ એ બેની પરસ્પર ખેંચતાણમાં જીતી જનાર ઇંગ્રેજી બુદ્ધિનો ન્યાય ચક્રવર્તી થાય છે - એ ઈંગ્રેજી શાંતિના પ્રતાપ આગળ દેશી રાજાઓ ઉદાત્ત રાજપુરુષ થઈ જતા દેખાય છે – તેમનાં રૂપ બદલાવા માંડ્યાં છે અને અંતે એ પરિણામ સિદ્ધ થશે.”

શાંતિ૦ – “દેશી રાજાઓ શુદ્ધ અને સદ્ગુણી થાય તો પણ તેમની એ દશા થશે એવું ધારો છો?”

પ્રવી૦ – “શું તમે એમ ધારો છો કે અમારામાં એ ભાગ્ય અટકાવવા જેવું બુદ્ધિચાતુર્ય નથી ?”

ચંદ્ર૦ – “Pax Britannica, બ્રીટિશ શાન્તિ – સૂર્યના ઉદય પેઠે સર્વ તેજને, તારાઓને તેમ ચંદ્રને પણ, અસ્ત કરશે. વૈરાટના મુખમાં અર્જુને કૌરવો અને પાંડવોની ક્રમશઃ ગતિ દીઠી તેવી જ આ શાંતિનાં મુખમાં શુદ્ધ અને અશુદ્ધ, પ્રવીણ અને મૂર્ખ, સર્વ રાજાઓએ પોતાની ગતિ જોઈ લેવી. દેશી રાજ્યોની પરસ્પર તકરારોમાં તેમ તેમની પોતાની સાથની તકરારોમાં સરકારે પોતાના હાથમાં ન્યાય રાખ્યો છે એટલું નહી પણ ન્યાયનાં ધેારણ પણ નવા કાળનાં વાળ્યાં વળે એવાં રાખ્યાં છે. એટલુંજ નહી પણ એ રાજ્યોની પ્રજાને ન્યાય આપવાનાં ત્રાજવાં પણ રાજાએ જાતે બરાબર ઝીલતાં શીખવાના નથી, અને તેવે પ્રસંગે એ રાજાઓ અને તેમની સારી નરસી પ્રજા વચ્ચે વિરોધના પ્રસંગ સમાયલા છે, એ પ્રસંગે એ આ ત્રાજવાં રાજાઓના હાથમાંથી ઈંગ્રેજનાં હાથમાં વશે કે કવશે ચાલ્યાં જશે. આ કાળે પ્રજાને દેશી રાજાઓના કરતાં પરદેશીઓનો રંગ અને સંગ વધારે મીઠો લાગશે; અને કોઈ પ્રસંગે સાસરાના જુલમથી ત્રાસેલી, તો અન્ય પ્રસંગે દક્ષિણ નાયક ઉપર મોહેલી, વંઠેલી પ્રજાઓ પરણેલા સ્વામીને ત્યજી રંગીલા અને ચતુર પરદેશી વણઝારાઓ સાથે ચાલી જશે. આપણા રાજાઓ તે હવે રાજા નથી અને માત્ર સરાકારે રાખેલા સ્થાનિક અધિકારીઓની દશાને પામ્યાં છે – They are already reduced into what Herbert Spencer calls Local Governing Agencies.[6]હવે તો આ ઉદ્યોગપર્વના યુગમાં ન્હાનાં રાજ્યની પ્રજાઓ મ્હોટા રાજ્યની પ્રજામાં ભળતી જાય છે, અને તેમના પ્રાચીન સ્થાનિક રાજ્યાધિકારીઓ ઉદ્યોગાધિકારીઓ – ઉદાત્ત પુરુષો - Lords and Nobles – a noble aristocracy – થઈ જશે.”

​“તરત કાળમાં રાજાઓ અમારાં લોકલ બોર્ડઝ્ અને મ્યુનિસિપાલિટિઓ જેવાં સ્થાનિક સ્વરાજ્યની દશાને પામ્યાં જોશો. અને તેને અંતે બીજી દશા આવશે.”

પ્રવીણ૦ – “તમારે એથી શો લાભ ?”

શંકર૦ – “એવું થયાનાં દૃષ્ટાંત કંઈ દીઠાં છે ?”

ચંદ્ર૦ – “એનાં દષ્ટાંત જોવાં હોય તે ઇંગ્લાંડના બેરનો (Barons) આજ ડ્યૂક અને કાઉંટ થઈ ગયા છે તે ! તમારા ભાયાતોની દશા પણ બીજી શી થઈ છે ? કાળક્રમે ઇંગ્રેજીરાજ્યના મૂળગ્રાસીયામાં દેશી રાજાઓની ગણના થશે. અમને તેથી લાભ છે. અમો ઈંગ્રેજી પ્રજા પાસે દ્રવ્યના સંચય નથી, અને ઉદ્યોગમાંથી અવકાશ નથી. અમારા રાજ્યમાં પ્રજાએ રાજા પાસે માગણું માગતાં નિરંતર આગ્રહથી અને મહાન્ દ્રવ્યના વ્યયથી મહાભારત પ્રયત્ન કરવા પડે છે - તેનું દૃષ્ટાંત – અમારી કોન્ગ્રેસ અને બીજાં જે જે કામ જુવો તે. બંગાળામાં જમીનદાર રાજાઓને અવકાશ, દ્રવ્ય અને ઉત્સાહ સર્વ છે. મુંબાઈ ઈલાકામાં વ્યાપાર છે તે વિદ્વાનોના હાથમાં નથી, અને તેઓ દ્રવ્ય શોધતાં અવકાશ ખુવે છે. વ્યાપારીયો દ્રવ્ય અને અવકાશ વ્યાપારમાં રોકવા વધારે ઈચ્છે, અને અવકાશ અને દ્રવ્ય બે તેમની પાસે હોય, તો ઉત્સાહ તેમાં નથી આવતો. આ પાસના રાજાઓ જમીનદારો થઈ જાય તે મુંબાઈ ઈલાકામાં બંગાળાના રાજાઓ જેવો વર્ગ ઉભો થશે, તેમ થવા નિર્મેલું છે, તેમ થશે તો એવા દ્રવ્યવાન્ અવકાશવાન્ વર્ગમાં અમે વિદ્વાનો ઉત્સાહ ભરશું, અને મેગ્ના કાર્ટા મેળવનાર ઉમરાવોએ પ્રજાનો ઝુંડો લીધે હતો[7] તેવો

​ઝુંડો લેનાર અમારા દેશને મળશે ! એ અમારે પરમ લાભ – કે સરકાર, રાજાઓ, ને રૈયત સઉનું કલ્યાણ !”

પ્રવીણ૦ – શું તમે એવો અભિલાષ રાખો છો કે અમારે એ તમારા ઉદાત્ત લોક પેઠે તમને લાભ અપાવવા સરકાર સામે શસ્ત્ર ઉપાડવાની મૂર્ખાઈ કરવી ?

શંકર૦ - શું એવા રાજદ્રોહી વિચાર તમારા હૃદયમાં રાખો છો ? ગમે તો તમે તમારા અત્યુત્સાહના વેગમાં ને વેગમાં એવા અંધ બન્યા છે કે એ અભિલાષમાં રહેલો રાજદ્રોહ જોતા નથી, અથવા ગમે તો તમે જાણી જોઈને રાજદ્રોહી અભિલાષ રાખો છો.

વીર૦ – ભાઈ ચંદ્રકાંત, માખણ લગાવી લગાવીને પણ તમે આ પરિણામ આણ્યો ! ડાહ્યા થઈને સ્વીકારો કે આ મહાત્માઓ ઉદાત્ત પુરુષોનું વીરત્વ કે પ્રાજ્ઞત્વ બતાવવાને અશક્ત છે એટલું જ નહી, પણ મ્હારા તમારા જેવા રંક સામાન્ય મનુષ્યોના જેવું મનુષ્યત્વ પણ એમાં ર્‌હેવાનું નથી. વીલાયતના ડ્યૂક અને અર્લ સામાન્ય મનુષ્યોમાંથી નવા થતા ન હત તો જુના ડ્યૂક અને અર્લના દીકરાઓની થાય છે તેમ એ લોકની સર્વ ઉદાત્તતા શૂન્ય થાત. પણ ક્યાં એ દેશ ને ક્યાં આ ? એ લોક પડતા પડતા ટકે છે અને આપણા લોક તો ઉભા ર્‌હેવા જતાં પડવા માંડે તો તે પછી ઉભા ર્‌હી શકવાની આશા શી ? એમનાં મુખમાં તે હવે યવ ને તિલ મુકો કે એમનો આત્મા આ પશુદેહને છોડી નવા મનુષ્યદેહમાં સંચાર કરી ઉચ્ચ ગતિ પામે ! આ જુવો અમારા મુંબઈવાસી ન્યાયાધીશની સ્વતંત્રતા અહીં આવી મનુષ્યત્વ ખેાઈ રાજદ્રોહથી બ્હીવા લાગી ! રામ બોલો ! ભાઈ રામ !

વીરરાવના મુખમાંથી રાજાઓ સંબંધી આ વચન નીકળતાં સઉ રજપુતોના મુખ ઉપર ક્રોધ, આંખમાં લોહી, અને કપાળે ભ્રુકુટી, ચ્હડી આવ્યાં. માત્ર મણિરાજના મુખ ઉપર કોઈ જાતનો વિકાર જણાયો નહી. શંકરશર્માએ સ્તબ્ધ રહી સઉ સાંભળ્યાં કર્યું. રત્નનગરીના અધિકારીઓમાંથી છેલો બેઠેલો એક વૃદ્ધ પુરુષ ધીમે પણ સ્થિર સ્વરે બોલવા લાગ્યો :

“यथा यथा मुञ्चति वाक्यवाणम् । तथा तथाजातिकुलप्रमाणम् । મણિરાજના ગ્રાસીયામાંનો એક ઠાવકું મુખ રાખી બોલ્યોઃ “દાસીપુત્ર વિદુરજીના ભવનમાં એમના જેવા કુલીન જનોને યોગ્ય વચન નીકળે તો કોઈએ ક્રોધ પામવા જેવું નથી” ​સર્વનો ક્રોધ ઉતરી ગયો અને મણિરાજ અને વિદ્યાચતુર શીવાય સર્વ હસવા લાગ્યા, અને તેમના મુખ ઉપરથી ઉતરેલો ક્રોધ વીરરાવના મુખ ઉપર સંક્રાંત થયો. તે જોતાં જ, ચંદ્રકાંત બોલી ઉઠ્યો.

“વીરરાવ, Those who hit hard must be prepared to be hit hard! ભાઉસાહેબ, આ ગૃહસ્થોનાં વાક્યોને પણ આપણી ચર્ચાનો, તમારી ચર્ચા જેવોજ, ભાગ સમજી, શાંત રહી ચર્ચા ચલાવો. નીકર આપણા મુંબાઈની પ્રતિષ્ઠા ખોશો.”

વીર૦ – “મ્હારી ભુલ એ થઈ કે તમે ચર્ચા ચલાવતા હતા તેમાં મ્હેં વિધ્ન પાડ્યું, તમે એમની સાથે કેમ પ્હોંચી વળો છે એ જોવાની લ્હેજત વધારે સારી છે.”

ચંદ્ર૦ – “ત્હોય ભલે. મ્હારે ઘણાક પ્રશ્નોને ઉત્તર દેવાનો છે તેમ પ્રથમ તમનેજ કાંઈ ઉત્તર દેઈશ. પ્રથમ તો તમારી લ્હેજત તમે એાછી કરી નાંખી તેનું કારણ સાંભળો. ચર્ચાનો શુદ્ધ રસ ગાળો અને શાપથી વધતો નથી, પણ ઉદાત્ત રસના ભરેલાં નર્મવાક્યોથી અથવા ગુપ્ત મર્મ અને પ્રકટ વિનોદ એ ઉભયથી ભરેલી વાક્યરચનાથી ચર્ચાના પ્રહાર સફલ, આનંદજનક, શુદ્ધ રસના ઉત્તેજક, અને અદૃષ્ટ પણ અચુક રીતે સત્યના સાધક થાય છે. તમને આનો અનુભવ આપણા પ્રિય રત્ન કુલીન સરસ્વતીચંદ્રના સહવાસથી થયલો છે અને દેશી રાજ્યોના આવા પુરુષોના સહવાસથી પણ તે શીખશો. હું કબુલ કરું છું કે ઘણો પ્રયાસ કરવા છતાં મ્હારામાં તે કલા માત્ર સ્વલ્પ અંશે આવી છે તો એ પ્રયાસનો તિરસ્કાર કરનાર તમારા જેવામાં તે કંઈ પણ અંશે ન આવે તેમાં કાંઈ નવાઈ નથી. હું આ ગૃહસ્થની પેઠે તમારો તિરસ્કાર કરતો નથી કારણ તમારા જેવા જ દેષનું હું પણ પાત્ર છું. પરંતુ આજે તમે હાર તો નહી પણ લાત ખાધી, તેનાથી તમારા મનમાં કંઈક એટલું તો સત્ય વસશે કે આપણી રીતમાં કાંઈક દોષ છે. એ દોષમાંથી મુકત થવાના મ્હારા પ્રયાસને તમે માખણ ક્‌હો છો તેમાં મને ઇષ્ટાપત્તિ છે, કારણ सत्यं मृदु प्रियं वाक्यं धीरो हितकरं वंदत् એ શાસ્ત્રના આચારમાં માખણ હોય તો તે જેવું સ્વાદિષ્ઠ તેવુંજ પૌષ્ટિક છે અને તેમાંથી જ ધીની આશા છે. એ માખણનો ઉદાત્ત ઉદ્દભવ પવિત્ર દુધમાંથી છે ને જ્યાં સુધી તેમાં અસત્યનું પાણી અથવા કુપથ્યની ખટાશ નથી મળ્યાં ત્યાં સુધી તે માખણ ગ્રાહ્ય છે, તમારા મરાઠી લોકનો આચાર વગર વિચારની ગાળો દેવામાં જ છે, પણ અમારે ત્યાં કંઈક જુદું જ પ્રકરણ છે. તમારે ત્યાં પણ ઇન્દુપ્રકાશનું ​વાક્ય અમારા જેવું જ છે કે – कस्यचित्किमपि नो हरणीयं मर्मवाक्यमपि नोच्चरर्णायम् તેમાં મર્મવાક્યના ઉચ્ચારને અને ચોરીના અપરાધને એક જ ત્રાજવામાં મુક્યાં છે. તમે જે રાજાઓમાં ઉદાત્તતા જોતા નથી તેની ઉદાત્તતા આટલાથી જ પ્રત્યક્ષ કરો કે તમારી આટલી ગાળો સાંભળવા છતાં, તમને અતિથિ ગણી, તમને સામું એક વચન તે નથી ક્‌હેતા. તમે જે ઉદાત્તતા જાતે સમજતા નથી તે જ ઉદાત્તતાના ત્રણ અંશ – સહનશીલતા, ક્ષમા, અને ઔદાર્ય - મહારાજ મણિરાજમાં આ પ્રસંગે પ્રત્યક્ષ કરો અને સ્વીકારો કે તમારા અભિપ્રાયનો એક પાયો એ પ્રત્યક્ષ પાઠથી ભાગી ગયો અને આપણા રાજાઓનું ઉદાત્તત્વ તમે ધારો છે એમ એકદમ ભ્રષ્ટ થાય એવું નથી.”

“રાજદ્રોહની વાતમાં મ્હારે તમને અને રા. શંકરશર્મા એ ઉભય મુંબાઈવાસી ભાઈઓને ઉત્તર દેવાનો છે મી. વીરરાવ રાજદ્રોહનો વિચાર જ અકર્તવ્ય ગણે છે ત્યારે રા. શંકરશર્મા તેનાથી અસ્થાને ડરે છે.”

“વીરરાવજી, તમે વિચાર તે ઉચ્ચાર એ શાસ્ત્રનો આચાર પાળો છો. પ્રથમ તે આ શાસ્ત્ર જ અસત્ય છે. એ શાસ્ત્ર તમે જાતે જ સર્વત્ર પાળવાનું ઈષ્ટ ગણતા નથી. અત્યંત આજ્ઞાકર પુત્રના અંતઃપુરની વાતો કોઈ પિતા જાણવા ઈચ્છતો નથી, અને તેના ઉચ્ચાર ઇચ્છતો નથી. મનુષ્યના અર્ધા શરીરને દૃષ્ટિગોચર કરતાં કે કરાવતાં સંસાર કંપારી ખાય છે, અને સત્યના કેટલાંક ભાગને જોવાને આપણું જ્ઞાનેન્દ્રિય ના પાડે છે. વીરરાવજી, સ્વીકારો કે સત્યના ઘણાક અંશને પ્રત્યક્ષ કરવાની તમારે ના પાડવી પડશે ને એથી મ્હોટા અંશનો ઉચ્ચાર કરવાની ના પાડવી પડશે. તમારા ઉચ્ચારનું સૂત્ર અસત્યના પાયા ઉપર બાંધ્યું છે.”

“તમારું એ સૂત્ર મહાન્ અનર્થોનું મૂળ છે તેનો – તમારા જાતભાઈઓ, વર્તમાનપત્રવાળાઓ અને મરાઠા ભાઈઓ – બ્રીટિશ ઈન્ડિઆમાં અનુભવ કરાવે છે. બુલ્વર સાહેબ બીચારા આપણને કહી કહીને થાક્યા છે કે ઈગ્રેજો અને દેશીઓનાં ચિત્ત પરસ્પરની વિદેશીયતાને ભુલી જશે નહી અને બન્ધુભાવ પામશે નહી ત્યાં સુધી હીન્દુસ્થાન રાજાપ્રજાના પરસ્પર અવિશ્વાસમાંથી છુટશે નહી અને ત્યાં સુધી તેમાંથી કોઈનું કલ્યાણ થશે નહી. આ વિશ્વાસ અને આ કલ્યાણના માર્ગમાં જે કોઈ વિધ્ન નાંખે તે દેશદ્રોહી છે અને દેશદ્રોહી તે રાજદ્રોહી છે, તમો ભાઈઓની જીભ ઉપર એ દેશદ્રોહ અને રાજદ્રોહ નાચે છે અને તમારા દેશવત્સલ હૃદયને એનું ભાન નથી. ખરી વાત છે કે ઈંગ્રેજો સ્વાર્થબુદ્ધિ અને અવિશ્વાસનો સર્વતઃ ​ત્યાગ નથી કરી શકતા પણ એના અપવાદરૂપ ઉદાત્ત ચિત્તોનો એ દેશમાં અભાવ નથી એમ કોન્ગ્રેસના આધારભૂત ઈંગ્રેજો અને રીપન જેવાઓ ઉપર દૃષ્ટિ કર્યા પછી કીયો દેશી ના કહી શકશે ? એ લોક આપણી ભાષા સમજી શકે તેના કરતાં એમની ભાષા આપણે વધારે સમજીએ છીયે, તેજ રીતે આપણું ચિત્ત એ લોક સમજી શકે કે ન શકે પણ યત્ન કરનાર દેશી ઈંગ્રેજનાં ચિત્તને વધારે સમજી શકશે. જે વધારે સમજે તેને માથે વધારે ધર્મ. ઈંગ્રેજેનો મ્હોટો ભાગ આપણા ઉપર વિશ્વાસ કરે કે ન કરે, પણ આપણા ઉપર એવા વિશ્વાસની વૃદ્ધિ કરાવવી એ આપણા હાથમાં છે અને જે વસ્તુની એમ આપણી શક્તિ ઉદય પામી છે તે શકિતનો ઉપયોગ કરવાનો ધર્મ આપણે માથે ઉદય પામ્યો છે. તમ ભાઈઓના સૂત્રનો આચાર એ ધર્મનો કેવળ ભંગ કરે છે, પોતાના ઉપર રાજ્યવર્ગનો નિષ્કારણ અવિશ્વાસ ખેંચી લેછે; અને ન ખવાય, ન રસ પડે, ન પેટમાં જાય, ન પોષણ કરે, અને કેવળ દાંત ભાંગે એવા ગાયના શીંગડાનું ભક્ષણ[8] કરવાનો મૂર્ખ અને દુષ્ટ પ્રયત્ન કરવો એ મહાન્ અનર્થ તમારી જીભનું પરિણામ છે. આ તમારું જિવ્હાલૌલ્ય જ્યાં સુધી મટશે નહી ત્યાં સુધી તમે અજ્ઞાત પણ પ્રત્યક્ષ દેશદ્રોહના પાતકમાંથી ઉગરશો નહી અને પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓમાં ઉદાત્તતા તો ક્યાંથી જગાડો પણ આપણી ઉપરનો અવિશ્વાસ દિને દિને વધારશો અને તેમની અનુદાત્તતાના વાયુને વધારી એ વાયુના ઝપાટાઓને મૂર્ખ શાલ્મલિ પેઠે[9]માથે વ્હોરી લેશો.”

“તમે દેશી રાજ્યમાંના નાત જાતના ભેદની ફરીયાદ કરો છે, પણ આપણી મુંબાઈમાં અને તમારા પુણામાં બીજું શું છે? આપણામાં દક્ષિણી અને ગુજરાતી, દક્ષિણમાં – શણવી પ્રભુ અને બ્રાહ્મણ,- મરાઠા અને બ્રાહ્મણ, એ બ્રાહ્મણોમાં દેશસ્થ અને કોંકણસ્થ -ચિત્તપાવન અને કરાઢા વગેરે કેટલા કેટલા ભેદને વ્યવહારમાં આગળ આણી અનેક સુધારાઓનો સત્ય નાશ વાળવામાં આવે છે? સત્ય વાત છે કે તમારા જેવા શુદ્ધ દેશવત્સલવીરે

મહાભારતમાં એક કથા એવી છે કે પવનના રાજ્યમાં શાલ્મલિ વૃક્ષે તેને નારદની પાસે ઉભાં ઉભાં ગાળો દીધી, નારદે પવનને કહી, અને પવનરાજે પોતાના બળનું ભય દર્શાવી શિક્ષાની ધમકી આપી ત્યારે ભયથી એ વૃક્ષ જાતે જ શીર્ણ થયો. ​તેના સામા યુદ્ધ કરે છે પણ તમારા સામા પક્ષમાં બી. એ. અને એમ. એ. થયેલા ગૃહસ્થો, વકીલો અને ડાક્‌તરો, દીવાનો અને રાજાઓ ભળેલા છે. એ સામા પક્ષની ગર્જના ગરીબ ગુજરાતી રાજ્યોમાંથી તમારા દેશમાં નથી આવી. પણ અમે ગુજરાતી ભાઈઓ તમે મરાઠાઓના દેશવત્સલ ભડકાથી તાપીએ છીએ ને કંઈક ગરમ થઈએ છીએ તે અમારામાંથી રાજકીય વ્યવહારમાંના આ જ્ઞાતિભેદનું શૈત્ય ક્‌હાડવા તમારા ઉચ્ચગ્રાહના તાપનો કંઈક પ્રત્યક્ષસિદ્ધ અંશ આપો; અને અમારા રાજાઓને અને સરકારને ગાળો દેવામાં જેટલાં ઉદ્યોગ અને બળ વૃથાવાહ કરે છે તેમને તમારામાંથી જ એ ભેદ ક્‌હાડવામાં સફળવાહ આપવામાં રોકો, અને પછી જુવો કે દેશી રાજ્યોમાં તે રંગની અસર આવે છે કે નહી ? વીરરાવજી, જો આપણે વિદ્વાન, દેખતા, અને, સુધરેલા છીયે તો તેના પ્રત્યક્ષ પાઠ અશિક્ષિત રાજ્યોમાં આપણા સદ્વર્તનથી આપવો એ – આપણી વિદ્ધત્તા સત્ય હોય તો – એ સત્યને માથે એ ધર્મ પ્રકટ થાય છે. સો ગાળે દીધા કરતાં એક પ્રત્યક્ષ પાઠ અનેકધા સફળ થશે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ॥ જો આપણે શ્રેષ્ઠ હઈએ તો આપણા વર્તનમાંથી સામાનાં વર્તનમાં મુદ્રા પાડો, અને તેમ કરવા અશક્ત હઈએ તો તેના કરતાં આપણી શ્રેષ્ઠતા સિદ્ધ નથી થઈ. That is the fact. What is the use of our wild talks and odious comparisons which only irritate others and lower ourselves ?”

મણિરાજ - “ચંદ્રકાંતજી, તમે બે અમારા અતિથિ છો. આ વિદુરભવનમાં અમારું એક શાસ્ત્ર એવું છે કે વિદ્વાન્ અતિથિઓનાં મનોરાજ્યમાં તરતાં સત્ય ક્‌હાડાવી લઈ લેવાં અને બાકીના ભાગની ઉપેક્ષા કરવી. વીરરાવજીનાં વાકયોમાં જેટલાં સત્ય તરે છે તેનો, ક્રમ આવ્યે, અમારા પ્રધાનજી સત્કાર કરશે. તમને વીરરાવજીના ઉત્સાહમાં અંકુશયોગ્ય ભાગ લાગતો હોય તો એ અંકુશ બતાવવાનું બન્ધુકૃત્ય કરવા વિદુરભવન બ્હાર ઘણો અવકાશ મળશે, પણ હાલ તો એમના તમાર ઉત્સાહના સ્વતંત્ર નિર્ભર આવેગ ઝીલી લેવાને અમે કેટલા સમર્થ છીએ અને કેટલા નથી તેની પરીક્ષા તમ જેવા પાસે આપવા દ્યો, અને તમારા ભણીથી તે પ્રસ્તુત વિષયના સંબંધમાં જે તમારા વિચારના ઉદ્‍ગાર અંકુરિત થાય તેનો ઉપભોગ કરવાનો અવકાશ આપો. અમારાં સ્વરૂપ અને સત્તાને ભુલી, તમારાં ચિત્તને બીલેર જેવાં પારદર્શક – અને તેજના રંગનાં પૃથક્‌કારક – કરી નાંખો; તેમાંના રસના નિર્મલ ​ઝરાઓના*[૧] પ્રવાહને આ સ્થાને નિરંકુશ થવા દ્યો, તેના સ્ફાટિક આરા ઉપર આવતા સુંદર તર્ક-રાશિના કંઠના કિન્નરગાનને સ્વતંત્ર રીતે વિકાસ પામવા દ્યો, તેના ચિત્ર તટ ઉપરથી લચી રહેલી અનેકરંગી સુવાસિત પુષ્પોથી ઉભરાતી તરૂશાખાઓને જોવા દ્યો, અને એ ચમત્કારના દર્શનથી અમને પડતા રસમાં અમો રાજવર્ગના કૃત્રિમ પદને – અમારી સેવાને નિમિત્તે - અમારી શત્રુતા સારવાનો અવકાશ ન આપો. રાજત્વના બંધનમાંથી છુટી પળવાર, તમને સાધારણ પણ અમને દુર્લભ એવો, શુદ્ધ મનુષ્યત્વનો વિહાર અમે જોઈ શકીયે, તેનો રસ ભોગવીએ, અને તેનો બોધ લેઈએ એવા ગુરુ અર્થને માટે જ આ વિદુરભવન રચાયલું છે.”

ચંદ્રકાંત સ્મિત કરી બોલ્યો. “એ નવીન જાતના આતિથેયમાં પણ જે ઉદાત્તતાનું દૃષ્ટાંત સમાય છે તે મ્હારા મિત્રના ચરણ આગળ મુકું છું, અને એમને દેશી રાજ્યોમાં સર્વત્ર અનુદાત્તતાને દુર્ગન્ધ આવે છે તેનો પ્રત્યુત્તર તેમાંથી લેવા વિજ્ઞપ્તિ કરું છું. અનુદાત્તતાનું દૃષ્ટાંત દર્શાવ્યા શીવાય ઉદાત્તતાનું વ્યાખ્યાન પૂર્ણ થતું ન હતું માટે મ્હેં મ્હારા મિત્ર મિ૦ વીરરાવને એ દૃષ્ટાંત દર્શાવવાનો માર્ગ લીધો હતો. એ માર્ગ હવે સમાપ્ત થયો.”

“એ વિષયની સમાપ્તિથી હું એટલું પ્રથમ સિદ્ધ થયું ગણું છું કે રજવાડામાંથી અમારા ઉદાત્ત વર્ગનો ભાવી જન્મ હું જોઉં છું. તેને સ્થાને તેનો ગર્ભપાત જોવામાં મી. વીરરાવ ભુલ કરે છે. એ ઉદાત્તતા પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓથી તેમની પ્રજાઉપર દર્શાવાતી નથી તેથી તેમની દૃષ્ટિમર્યાદામાં આપણા ભણીથી રાજદ્રોહનાં સ્વપ્ન ખડાં થાય તે સકારણ છે. પણ દેશી રાજ્યમાં એ સ્વપ્નસૃષ્ટિ ઉભી કરવાનું કારણ નથી. દેશી રાજયોમાં દેશપરદેશીનો ભેદ જેવો અકારણ અને અસત્ય છે તેવું જ રાજદ્રોહનું ભય પણ અકારણ અને અસત્ય છે. આ વિષયનું વધારે વિવેચન કરવાની અગત્ય નથી, કારણ એ રાજ્યોનું રક્ષણ અને સાચવણી ઈંગ્રેજને માથે છે એટલુંજ નહી, પણ મહારાજ મલ્લરાજ જેવાની દીર્ધદૃષ્ટિ, અભિજાતતા, ઉદારતા, ક્ષમા, આદિ ઉદાત્તગુણોનું પરિણામ એ થયું કે જ્યાં આખું જગત તો શું પણ અશંકાશીલ ધૈર્યવાન સામંતસિંહ જેવા પિતાએ રાજદ્રોહ જોયો ત્યાં ત્યાં એ ઉદાત્ત મહારાજની ઉદાત્ત બુદ્ધિએ રાજદ્રોહની જાળની વચ્ચે ગુંચવાયલો રાજગુણભક્ત આત્મા જોયો. એ

  • स्फटिकशिलातलनिर्मलनिर्झर, बहुविधकुसुमैर्विरचितशेखर, किन्नरमधुरोन्दीतमनोहर. ઇત્યાદિ કાલિદાસના વિક્રમોર્વશી ઉપરથી.

​આત્માનું રક્ષણ કર્યું, અને ગઈકાલ જેને જગત રાજદ્રોહી ગણતું હતું તે આત્મા એ રક્ષણને બળે, મરણપથારીમાં સુતેલા પિતાનું રાજભક્ત આયુષ્ય વધારી, અત્યારે રાજભક્ત મૂળરાજને રૂપે આ મંડપમાં વિરાજે છે, અને એ ઉદાત્તતાનો ચમત્કાર પ્રત્યક્ષ કર્યા પછી ઉત્તમ દેશી રાજ્યોને રાજદ્રોહનું ભય નથી એવું મી. શંકરશર્મા સ્વીકારશે. મુંબાઈ જેવા સ્વતંત્ર નગરની સ્વતંત્રતા એમનામાંથી કરમાયલી છે તે આ રાજયના માળીનાં પાણીથી તાજી થઈ એવું સત્ય સ્વીકારશે કે એમના ન્યાયાસન પાસે રંક પ્રજાના દ્રોહનો આરોપ કોઈ ઉન્મત્ત પુરુષોને માથે આવ્યો જોવાનો પ્રસંગ કદી આવે, પણ મલ્લરાજ અને મણિરાજના રાજ્યાસનનો દ્રોહ કરવાનો આરોપ તો નહી જ આવે ! એવા દ્રોહના આરેપીને આ રાજ્યની ઉદાત્તતા કંઈક જુદીજ શિક્ષા કરશે, અને એ દ્રોહના રોગીને, એ રોગના ચેપમાં ડુબી ચેપ ઉરાડે એવી ન્યાયાસનની તરવાર નહી પણ કાંઈક બીજી જ રાજભક્તિની અમૃત-સંજીવની માત્રા આપશે.”

શંકર૦–“હું કાંઈ આ રાજયમાં રાજદ્રોહની વાત કરતો નથી પણ તમે અમારા રાજ્યો પાસે અમારા ચક્રવર્તી સામે રાજદ્રોહ કરાવવા ઈચ્છો છો તેની વાત કરું છું.”

ચંદ્ર૦– “સ્વરાજ્યમાં રાજદ્રોહનું સ્વપ્ન જોયાથી જ આ પરરાજ્યના રાજદ્રોહનું સ્વપ્ન તમને થયું ને મ્હારા વાકયનો તમે અવળો અર્થ કર્યો. ખરી વાત છે કે મેગ્ના કાર્ટાને માગનાર ઉમરાવો સશસ્ત્ર હતા, પણ મ્હેં તો તમારા હાથમાંથી શસ્ત્ર ખરી પડે અને રાજ્યાધિકારીઓ મટી તમે ઉદ્યોગાધિકારીઓ થાવ ત્યારે જ તમારી પાસે અમારા મેગ્ના કાર્ટ મેળવવામાં સાહાય્ય ઈચ્છયું હતું. એ સાહાય્ય તમારા શસ્ત્રને બળે ઈચ્છયું ન હતું પણ તમારા ધનરાશિને બળે, ઈંગ્રેજ સાથે તમારી મૈત્રીને બળે, નયશાસ્ત્રમાં તમારી સાનુભવ બુદ્ધિની કળાઓને બળે, અને લોકસંઘનાં મન સ્વહસ્તમાં લેઈ લેવાના અને રાખવાના પ્રભાવવાળા પ્રતાપને બળે. આ યુગમાં તો એ જ બળ અને કળ મનુષ્યનાં શસ્ત્ર છે અને એવાં શસ્ત્રો તો રાજદ્રોહનાં જ સંહારક છે. એ બળ અને કુળના ગન્ધથી રાજદ્રોહનો દુર્ગન્ધ નાશ પામે છે.”

પ્રવીણ૦– "ભલે એમ હો પણ અમારે અમારા લાભ છોડી, અમારી પ્રજાઓને પડતી મુકી, તેમની પાસેથી તેમના હિતને માટે લીધેલું દ્રવ્ય, તમારે માટે ખરચવાનું કંઈ કારણ ? તમે દેશી રાજ્યોના ભાણેજ કે જમાઈ કેવી રીતે થાવ તે જણાવો તો ખરા કે અમારી પાસેથી ભાણેજાં તે તાણેજાં થવાને તમારો હક કયાંથી જન્મ પામ્યો તે સમજાય!” ​શંકર૦ – “ધન લેવાનો તો લેવાનોને પણ जामाता दशमो ग्रहः તેમ વગર સપાડે ધન લેઈ, અમને ગાળો દેવાનો, ફજેત કરવાનો, દુ:ખી કરવાનો, અમારે માથે દશમા ગ્રહ પેઠે નડતરની તરવાર વીંઝવાનો, અધિકાર કોણે સોંપ્યો કે નિત્ય સવારે તમારાં વર્તમાનપત્રો શું ભસે છે તે અમારે જોવું પડે ?”

વીર૦ – “ભાઈ, અમે તો તમારા ભાણેજ પણ નથી ને જમાઈ પણ નથી; પણ તમારા ઘરના બ્રાહ્મણ ગોર તો ખરા કે તમે ધર્મભ્રષ્ટ થાવ તેા તમારાં ઘરની સ્ત્રીઓ જેવી પ્રજા પાસે બુમો પડાવીએ ને તમને ધર્મને માર્ગે આણીએ. આજ કાલ તો ઘરના કુલગુરુથી ન થાય તે ઘરની સ્ત્રીથી થાકીને તમે કરો. આ દેશમાં કલિયુગમાં ધર્મનું રક્ષણ કરનારી સ્ત્રીયો છે તેનો ઘેરેઘેર અનુભવ કરો.”

શંકર૦– “આ વળી નવું તુત નીકળ્યું.”

વીર૦– “નવું કાંઈ નથી. જુનું જ છે. તમારી સ્ત્રીઓ લગ્નમાં ગાય છે કે નાથ્યો રે નાથ્યો ! તમે નાસિકાના કીયા ભાગમાંથી નથાવ છો તે તમારી સ્ત્રીયો શોધી ક્‌હાડે, અને ઘરના ગોર તે અમે તેમને ઉશ્કેરીયે એટલે તમે નથાવ. એ તો અમારું કામ કે જે તે માર્ગે તમારા ઘરમાંથી ધર્મ દૂર ન જાય !”

શંકર૦ – “ને ગોરનું ત્રભાણું ભરાય !”

વીર૦ - “સાહેબજી! મ્હારાં ભાષણની કુલીનતા તમારામાં પણ આવવા લાગી ને મ્હારી જ્ઞાતિ વધવા લાગી. હવે ભાઈ ચંદ્રકાંત, આમને ઉત્તર આપજો.”

ચંદ્ર૦ – “અમારા અને તમારા સ્વાર્થ જુદા ગણવા એ જ મ્હોટી ચુક છે. પ્રજાના ભણીથી વિચાર કરો તો આખા ભરતખંડની પ્રજાના સ્વાર્થ એક છે, ને જેમ જ્ઞાતિભેદથી એ સ્વાર્થને હાનિ છે તેમ પ્રાંતભેદથી કપ્રજાભેદ ગણવામાં પણ આ સ્વાર્થને હાનિ છે. રાજાના ભણીથી વિચાર કરો તો પણ સર્વ પ્રજાઓને અને માંડલિક રાજાઓને સાચવનાર ચક્રવતીંના સામ્રાજ્યના અમે તમે અંશભૂત છીએ અને એ મહાન્ યંત્રનાં આપણે ચક્ર છીએ તે ચક્રોની ગતિમાં પણ સંવાદ[10] થવો અવશ્ય છે, શું હીંદુસ્થાનની સરહદ ઉપર હુમલા થશે ત્યારે તમે ઈંગ્રેજથી જુદા પડશો કે અમે જુદા પડીશું ? જયારે ભરતખંડની સર્વ પ્રજાઓને માથે દુષ્કાળ પડશે, અથવા બહારની પ્રજાઓ સાથે વ્યાપારમાં સ્પર્ધા થશે, અથવા રેલવે અને સરસ્વતીના પ્રસારના પ્રશ્ન ઉઠશે, ત્યાં શું અમે ને તમે પોતપોતાનાં પેટ ભરી સામાનાં દુ:ખ જોઈ રહીશું, અથવા શું અમારે માથે આવેલી વિપત્તિઓ તમને જુદા ગણી છુટા મુકશે ને તમારો પક્ષપાત કરશે ? એ તો મ્હારા ઘરમાં લાગેલી આગ પાડોશીના છાપરાની પાંખ પકડવાની, અને મ્હારા ઘરમાં સંપત્તિ હશે તો કોઈ પ્રસંગે પાડોશીને તેનાથી કંઈક પણ લાભ મળશે. હીંદુસ્થાનનાં દેશી રાજ્યો, ઇંગ્રેજો, અમે તેમની પ્રજાઓ, અને તમારાં રાજ્યોમાંના રાજાઓ અને તેમની પ્રજાઓ: એ સર્વના શુદ્ધ સ્વાર્થ એક છે. દિવસે દિવસે આખી પૃથ્વીની સ્વસત્તાક પ્રજાઓ અને રાજાઓ ભિન્ન ભિન્ન નિમિત્તે સંયુકત થઈ એક અંગીનાં અંગ થાયછે અને રાજકીય સંયોગમાંથી પ્રકટ થનાર પ્રજાસંયોગ[11]ના હેતુમાં અને સ્વરૂપમાં વ્યાપારઉદ્યમ અંતે પ્રધાન થશે, તો અમારે તમારે જુદાં રહેવાની કલ્પના તો પડતી જ મુકવી. રાજકીય સંયોગ દ્વારા – federation દ્વારા – જુની દુનીયાની પ્રજાઓ એક થાય છે, નવીની એક થાય છે, અને અંતે નવી ને જુની દુનીયાઓની પ્રજાઓ એક થશે. આ જ ન્યાયે અમે, તમે, ને ઈંગ્રેજ, એક પ્રજા બનવાના; રાજ્યઐક્યમાંથી પ્રજાનું ઐક્ય એ આપણું છેલું પગથીયું સમજવું. ઈંગ્લાંડમાં જન્મેલી ઈંગ્રેજી પ્રજાઓ, આ દેશમાંની તેમની સર્વ પ્રજાઓ, અને દેશી રાજ્યોની સર્વ પ્રજાઓ: એ સર્વનાં ઉદરના સ્વાર્થનાં સાધન એક થાય છે, એ વાતથી એ સઉના કાન અને કાળજાં ઉઘડશે ત્યારે તેમની બુદ્ધિઓ એક થશે, અને બુદ્ધિઓ

​એક થશે ત્યારે ત્યારે સર્વના હૃદયમાંથી એક જ નાદ અને શરીરમાંથી એક જ ગતિ નીકળશે. બ્રીટિશ હીંદુસ્થાન એ ઈગ્લાંડનું સંસ્થાન, અને દેશી રાજ્યો તે એ હીંદુસ્થાનનાં સંસ્થાન: એવો સંબંધ બંધાઈ ચુક્યો છે તે વધારે વધારે સજડ થશે. અમારાં વર્તમાનપત્રો તમને શાણપણ આપશે, તમને ધમકાવશે, તમારા ઉપર અન્યાય થતાં તમને સહાય થશે, અને તમે સારા હશો તે તમારા યશ ગાશે, અમારા પ્રસિદ્ધ દેશસેવક પુરુષો અમારી તેમ જ તમારી સેવા કરશે અને અમારી પાસે તેમ તમારી પાસે પોતાના શ્રમકાળે ભાથું માગશે. અમે તમારાથી છુટી શકનાર નથી અને તમે અમારાથી છુટી શકનાર નથી. આ ભાવીકાળ આવે છે તેના પગલાંના ધબકારા સંભળાવા લાગ્યા છે અને તે સર્વ પાસથી સત્કાર પામશે, ઈચ્છાથી કે અનિચ્છાથી તમે તેનો સત્કાર કરવાને નિર્મેલા છો.”


વીરરાવ ચંદ્રકાંતના કાનમાં હસતો હસતો ક્‌હેવા લાગ્યો: “સામે બેઠેલું મડળ તમારા ભાષણની અસરથી કુમ્ભકર્ણની નીતિને પ્રાપ્ત થયું છે ને નિદ્રામાં ઘોરે છે. નપુંસકો પાસે લટકા કરનારી સ્ત્રી નિરાશ થાય છે.”

ચંદ્રકાંતથી હસી પડાયું: “મહારાજ, વીરરાવનો સ્વભાવ ઉકળે છે ત્યારે સામાને ઉકાળે છે અને હસે છે ત્યારે આપણને હસાવે છે. તે આપને માલમ છે. પ્રવીણદાસજી, જે ઉદાત્ત પુરુષો શંકરશર્મા જેવાઓને મુંબાઈથી બોલાવી તેમને લાભ આપે છે અને તેમની પાસેથી લાભ લે છે, એજ ઉદાત્ત પુરુષો આખા ભરતખંડ સાથે જોડાશે ત્યારે આખા દેશનાં પુષ્પોનો વાસ લેશે અને આખા દેશનાં વૃક્ષોનું પોષણ કરશે. આ મહાન્ વ્યાપાર ખેડવામાં તમે અમે સંધાયલા છીયે !”

છેલ્લાં વાક્યથી વૈશ્યકલાનો પ્રવીણ નમ્ર થઈ ગયો, અને પ્રસ્તુત વિષયનો બીજે પ્રશ્ન લેઈ બેાલ્યો: “ ચંદ્રકાંતજી, ભલે તેમ હો. પણ અમારા રાજાઓનું રાજત્વ ખુંચી લેઈ ઈંગ્રેજો તેમને એકલા ઉદાત્તપણાના ખાડામાં નાંખે એ હું માનતો નથી. અમારી તમારી વચ્ચે ભેદ રાખવો, અને અમારી સામે તમારો – અને તમારી સામે અમારો – ઉપયોગ કરવો એ સરકારનો સ્વાર્થ છે અને એ ચતુર વ્યાપારીઓ એમ કરવામાં ભુલ ખાય એવા નથી. દેશી રાજ્યની સેનાઓ, દેશી રાજ્યનાં દ્રવ્ય, અને દેશી રાજ્યોની સત્તા: એ સર્વ – ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ – એ ન્યાયે સરકાર વાપરી શકશે અને વગરમ્હેનતનો એ લાભ મુકી ​દે એવા એ મૂર્ખ નથી. પરદેશી મહારાજ્યોના ભયથી, અમારા અંદર અંદરના વિગ્રહથી, તમારી પ્રજાઓ એક થઈ અમને હેરાન કરે તો તેના ભયથી, અમારી પોતાની પ્રજા બંડ કરે તો તેના ભયથી, એમ અનેક જાતના ભયથી અમારું રક્ષણ કરવા સરકાર શક્તિમાન છે અને બંધાયા છે એ અમારો સરકારમાં લાભ છે. તમે જે સામ્રાજ્ય ક્‌હો છે તેના અમે અંશ છીયે એ વાત ખરી, પણ અમારો અને સરકારનો લાભ એક બીજાનું ગુરુત્વ વધારવામાં છે અને ઘટાડવામાં નથી.[12]આ મહાન્ કાર્યને માટે, ઈંગ્રેજી વિદ્યાથી, રાજનીતિના ઉત્તરોત્તર કુળાચાર રૂપ થઈ ગયલા અનુભવથી, અને ઈMગ્રેજોના આશ્રયથી, અમારામાં અનેક કળાઓ આવવાની, અને ઈંગ્રેજ તમારી સાથે સાસુનો સંબંધ રાખશે ત્યારે અમે તેમની દીકરીઓ પેઠે તમારી સાથે નણંદનો સંબંધ રાખશું, અને સાસુ અને નણંદનો વહુવારુ સામે એકસંપ થશે. ઈશ્વર ઘરમાં સંપ રાખશે તો અમે તમે ને તે જંપીને સુખે એકઠાં વસશું, પણ અમારા રક્ષણમાં સરકારને લાભ છે અને રાજાઓનું રાજત્વ તેઓ નષ્ટ નહી કરે. અમારાં ભાગ્ય સારાં છે.”

વીર૦ - “દેશી રાજાઓમાં હાલની ખટપટ અને ટુંકી દૃષ્ટિને સ્થાને કોઈ દિવસ પણ આ સંયોગને યોગ્ય સાત્વિક કળાઓ અને દીર્ધ દૃષ્ટિ આવે એ ધારણા જ મિથ્યા છે. ભલે તેમાં ઉદાત્તતા હોશે તો ર્‌હેશે, પણ વિદ્યા તેમની છે નહી, અને થતી નથી, તે હવે શી રીતે તેમનામાં આવવાની હતી? સરકારમાં વિદ્યા છે તો કળા છે, પણ આપણા રાજાઓમાં તો मूलं नाऽस्ति कुत्तः शाखाः ? એ વિદ્યા તે કાંઈ થોડાં ઘણાં પુસ્તકના સંગ્રહ કરવાથી આવે એમ છે?”

પ્રવીણ - “ભાઉ સાહેબ ભુલી કેમ જાવ છો? યુરોપની વિદ્યાને આપણે આકર્ષતા નથી, પણ એ વિદ્યા જાતે જ ઉડતી ઉડતી આપણા દેશ ઉપર આવી છે. એ વિદ્યાનો સત્કાર દેશી રાજ્યોમાં થાવ કે ન થાવ, એ રાજ્યોને એ વિદ્યા ઉપર પ્રીતિ હો કે ન હો, પણ એ દેશની વિદ્યાનું લાકડું એની મેળે બધે દાખલ થવાનું. ક્‌હેવત છે કે

​ “ભાટ બ્રાહ્મણનું લાકડું વણ પેંસાડ્યું પેંસે, “કહ્યું હોય કે ચોરે આવજો તો ઘરમાં આવીને બેસે. “ઈંગ્રેજી વિદ્યા આપનાર બ્રાહ્મણોનાં અને વર્તમાનપત્રોના ભાટનાં લાકડાં તો પોતાની સ્વતંત્ર સત્તાથી અમારામાં પેસવાનાં જ[13]અને એ લાકડું પેઠું એટલે અમારા છોકરાં તેને વશ થઈ તેની કળા શીખવાના જ.”

ચંદ્ર૦ - “ભાઈ સરકારનો સ્વાર્થ તમને જીવાડવામાં છે એવો અનુભવ થયલો સાંભળવામાં નથી. પણ માનો કે એમ છે, તમારા પ્રભાવથી જે વિદ્યા તમે મેળવવાના નથી તે વિદ્યા તમારા મગજમાં બળાત્કારે પ્રવેશ કરી તમારા અંધકારનો નાશ કરે અને રાજત્વને યોગ્ય બુદ્ધિવિકાસને તમે પામો એવું માનીયે, તો પણ એટલું તો સત્ય ગણશો જ કે તમે એટલો પ્રવાસ કરશો એટલામાં ઈંગ્રેજ સરકાર તમારાથી પચાસ ગણો વધારે પ્રવાસ કરશે અને તમે પાછળના પાછળ ર્‌હેવાના; અને તમારા પગ થાકશે એટલે તમે એથી પણ વધારે પાછળ પડવાના ને ઈંગ્રેજને ગાળો દેવાના, બળાત્કારે નીશાળે જતો નીશાળીયો નથી વધતો વિદ્યામાં ને નથી વધતો સંસારમાં. ધીમા માણસને આંગળીયે લઈ ચાલનાર ઉતાવળો માણસ આખરે ધૈર્ય ખુવે છે ને ધીમા માણસને છુટો મુકી પોતાને રસ્તે એકલો પડે છે. એવી રીતે છુટો પડેલો ધીમો માણસ નથી ર્‌હેતો ઘેર અને નથી પ્હોચતો ઠેકાણે, પણ વચગાળે આથડે છે ને દુ:ખી થાય છે. લાંબાની સાથે ટુંકો જાય, ને મરે નહી તે માંદો થાય. આજ યુરોપના પ્રવાહ એવા વેગબન્ધ ચાલે છે કે તેમાં તમારી આ દશા આવશ્યક લાગે છે. તમારા હૃદયની ઉદાત્તતા – તમારી પ્રકૃતિ – તમને નહી મુકે, પણ આ નવી કળાઓમાં આપણા રાજાઓ પાછળ પડશે અને વશે કે કવશે રાજત્વથી ભ્રષ્ટ થવાના. તે વિષયમાં તેમનાં પુણ્ય પરવારેલાં નહી તો પરવારતાં દેખાય છે, અને પરવારી ર્‌હેશે એટલે પ્રજાવર્ગમાં આવશે. શાસ્ત્રકારો કહી ગયા છે કે દેવતાઓ क्षीणे पुण्ये मृत्युलोके वसन्ति. પછી તો દેવતાઓના પૃથ્વી પર જન્મ મ્હોટાઓને ઘેર થાય તેમ રાજાઓના નવા દેહ ઉદાત્ત જમીનદારોના અવતાર ધરશે.”

પ્રવીણ૦ – “રાજાઓની વાતમાં તમે બે જણ નૈરાશ્યદર્શી – pessimists – છો; અમે આશાદર્શી – optimists – છીએ. તમે જો ઇંગ્રેજોને

​સ્વાર્થજાળમાં અને વક્રરાજનીતિમાં ડુબી અમારાં દુર્ભાગ્યના જવાળામુખી ઉઘાડતા જુવો છો તેમાં અમે દૂરથી અમારી આશાના, ન્યાયના, અને અમારા ઉચ્ચગ્રાહની ગંગાઓનાં મૂળ જોઈએ છીએ. ખરી વાત છે કે અમે તેમના શિષ્ય હોઈ તેમની પાછળ ચાલીશું. તેમની સાથે ચાલી શકવાને અમારે ઘણો કાળ થશે. અમને રાજનીતિ શીખવતાં એ ગુરુઓ ગુપ્ત ગુરુભાગ પોતાની પાસે રાખશે અને અમને બધી કળાના પ્રવીણ થવા નહી દે. અમને સ્વતંત્ર વિકાસ પામવા દેવામાં એમનો અનુદાત્ત ભાગ અંતરાય નાંખશે અને અમારા રાજાઓમાંના અબુદ્ધ ભાગ પાછળ પડશે. પણ જન્મ પામેલા સત્પ્રવાહ અંતે વધે છે; નાશ પામવાના નથી. અને અમારાં ને તેમનાં કર્તવ્ય છે તે એ લોકનો શિષ્ટ ભાગ આનંદથી સ્વીકારે છે[14] અને તે લોકની સંખ્યા અંતે વધશે. અમારી વૃદ્ધિ તેઓ પિતાની પેઠે ઈચ્છે છે, વૃદ્ધિ પામતાં અમને પડતાં કષ્ટ દેખી માતા જેવી અમારી રંક બુદ્ધિ અમારા ઉપર દયા આણી કષ્ટ દૂર રાખવાના માર્ગ બતાવતાં એ કષ્ટના અમૃતફળથી દૂર રાખે છે; પિતા પુત્રને નીશાળે મોકલે ને તેને રડતો દેખી દયાળુ મા તેને ઘરમાં સંતાડી રાખે તેમ. પણ અંતે ચાલશે પિતાનું, અને ઈંગ્રેજોમાંના ઉદાત્ત વર્ગમાં એ પિતૃબુદ્ધિ અને પિતૃપ્રયત્ન દેખાય છે તેનો અધિકાર અમારી બુદ્ધિમાતા મોડી વ્હેલી સ્વીકારશે.

ચંદ્ર૦ – “તમારી ઉદયદશા એમ બેસી ચુકી હોય તો એની ગતિ કેણી પાસ થતિ તમે દેખો છો ?”

પ્રવી૦ – “સન ૧૮૭૧થી પ્રશિયાના રાજ્યભેગાં જર્મનીનાં ન્હાનાં રાજ્યો જોડાયાં છે તે દિશામાં અમારી ગતિ થશે.[15] અમે અમારાં ઘર ઘરની અંદરથી સંભાળી રાખીશું તેમાં સરકાર આશ્રય આપશે ને વચ્ચે નહી પડે, અને સરકાર પરરાજ્યો સાથે યુદ્ધકાળના વિગ્રહ માંડશે અથવા શાંતિકાળની રાજનીતિના ઘોડાઓની સરતમાં પડશે તેમાં અમારા રાજાઓ તેમના માંડલિકરૂપે સહાયભૂત થશે અને એ કળાઓના અનુભવી થશે. ન્હાનાં રાજયોની હુંફથી જર્મનીનો મહારાજ ફ્રાંસને હંફાવે છે તેમ અમારી હુંફથી ઈંગ્રેજી રાજ્ય રશિયાને હંફાવશે. તમો પ્રજાવર્ગને પરદેશી ગણી સરકાર તમારો અવિશ્વાસ કરે છે ને તમારા હાથમાં શસ્ત્રની છાયા દેખી ભડકે છે તેજ સરકાર અમારો વિશ્વાસ કરશે ને પોપટ કાગડાઓની bad companyમાં ભળ્યો હતો તેમ અમે તમારા સંગમાં

​ભળીશું તો સરકાર અમારો પણ અવિશ્વાસ કરશે અને એ પોપટની દશા તે અમારી દશા થશે એમ હું માનું છું. તમારા સંગથી અમને થવાના ભાવી લાભ તમે દેખાડો છો તેના કરતાં આ દશા પામવાથી અમારી દુર્ગતિ વધારે થશે એવું પરિણામ, જમે ઉધારનું સરવાયું ક્‌હાડતાં, મને સ્પષ્ટ સુઝે છે.”

ચંદ્ર૦ – “લાભાલાભનો વિચાર કરતાં વર્તમાન પ્રવાહ કેણી પાસ વળે છે એ જોઈને તમારા ભાવિનો વર્તારો ક્‌હાડો.”

પ્રવીણ૦ – “તમે જોશી થવાનો આરંભ કરો છો; હું વૈદ્ય થવાની ઈચ્છા રાખું છું. તમે science ને નામે fatalismની જાળમાં ગુંચવાયા છો; હું free willનો સત્કાર કરી duty શોધું છું ને તેમાં ઇષ્ટ પરિણામ જ જોઉંછું. તમે પ્રચ્છન્ન પ્રારબ્ધવાદી છો; હું પુરુષાર્થવાદી છું.”

ચંદ્ર૦ – “એ જેમ હો તે હો; એક ચર્ચામાં બીજી નહી ભેળીએ. જો મનુષ્યની દૃષ્ટિ ભાવી સત્યને પ્રત્યક્ષ કરી શકે તો એ સત્યના પાયા ઉપર એનો ધર્મ છે. શું તમારો ધર્મ એવો છે કે આંખો મીચી, મનના તર્ક ફરવાવે એમ તરવાર વીંઝવી? સામાન્ય શત્રુના દર્શનથી એકત્ર થયેલું જર્મની, એ દર્શન બન્ધ થતાં, છિન્નભિન્ન થઈ જશે. એક મ્યાનમાં અનેક તરવારો સમાતી નથી; એક સ્ત્રીના અનેક સ્વામી હોતા નથી; એક સત્તાના અનેક ભાગીયામાંનો બલિષ્ટ ભાગીયો સર્વની સત્તા પોતાના ઉદરમાં સ્વાહા કરવાનો. તમારી સત્તા ઈંગ્રેજ સરકારના પેટમાં પચી જવાની. વૈરાટ સ્વરૂપના મુખમાં જવા નિર્મિત થયેલા પ્રવાહો જોઈ અર્જુન ધર્મ સમજયો છે તેમ તમારો પ્રવાહ જેના મુખમાં વળે છે તે જોઈ તમારો ધર્મ સમજો. રાજકીય સંયોગને અંતે ન્હાનાં રાજ્યોને ધીમે ધીમે મ્હોટાં રાજયોમાં લય થવાનો, સૂર્યના તેજ જેવી સત્તામાં તારા અને ચંદ્ર જેવાની સત્તા ડુબી જવાની, અને એ हस्तिपदमां सर्व पदं निमग्नं થાય એટલે માત્ર પ્રજાઓનું ઐક્ય બાકી રહ્યું તે થવાનું. Federationનો અંત પણ આ, અને Colonyનો અંત પણ આ – રોમમાં એ થયું હતું, જર્મનીનું થશે અને તમારું અમારું પણ એ જ થશે. તમારો પ્રવાહ આવા મુખમાં છે.”

શંકર૦ - “તમે એવા પ્રવાહોની ગતિને વ્યવહારદૃષ્ટિથી જોઈ શકતા નથી, તેમ પ્રવાહ પ્રવાહમાં પણ ભેદ છે તેનો વિવેક કરી શકતા નથી. ખરી વાત તે એ છે કે જર્મનીનું ઐકય નિત્ય કારણથી થયું નથી તેથી કારણને અભાવે ત્યાં કાર્યાભાવ થાય અથવા તમે ધારો છે એવું तृतीयं ક ​નીકળે. આજ કાલ સુધરેલી પ્રજાઓ સર્વત્ર એક અંગીનાં અંગ થાય છે એટલી કથા તમે સ્વીકારો છે. પણ તે પ્રજા પ્રજારૂપે સંધાતી નથી અને આ દેશમાં તે સંધાવાની નહી.એ પ્રજાઓ, પ્રજાસત્તાક અથવા રાજસત્તાક રાજકીય દેહને ધારણ કરી, એ દેહદ્ધારા સંધાય છે. તમારી પ્રજાને રાજકીય દેહ ધરવાનો અવકાશ મળવો પરદેશી રાજ્યમાં અશકય છે. રાજકીય દેહવાળાં અમારાં સંસ્થાન, માથાવગરના ધડ જેવી - રાજકીય શિર વગરના કેતુ જેવી - તમારી પ્રજા સાથે, સંધાઈ શકે એ બનાવ કેવળ અશક્ય છે. અમે તમારી સાથે સંધાઈએ એવું જે તમારું સ્વપ્ન છે તે જાગૃત કાળને માટે નથી. તમારે અમારી ગરજને લીધે એ સ્વપ્ન તમને વ્હાલું લાગતું હશે. પણ અમે તમે સગોત્રી છીયે તેનું લગ્ન ઈંગ્રેજી રાજનીતિ થવા નહી દે.”

વીર૦ – “અમારી સાથે તેઓ તમારું લગ્ન નહી થવા દે; પણ તમારાં લુગડાંલત્તાં ક્‌હાડી લેઈ અમારી સાથે લંગોટીયા ભાઈબન્ધી કરી રમવાને મોકલી દેશે. હિમાચલ અને કન્યાકુમારી વચ્ચેના જોઈએ તેવડા મ્હોટા ક્ષેત્ર ઉપર આપણે ભાઈબંધી કરી ખેલીશું, ને આપણે લ્હડીયે નહી ને આનંદથી રમીયે એટલી સત્તા સરકાર વાપરશે. હીંદુસ્થાનમાં ઇંગ્રજોનું રાજ્ય રાજસત્તાક છે અને તેવાં રાજ્યોના રાજાઓ પ્રતિસ્પર્ધી સત્તાવાળા ઉમરાવોને પ્રજા જેવા કરી નાંખે છે તેનું ઇંગ્લાંડમાં જ દૃષ્ટાન્ત છે. પ્હેલા ચાર્લ્સનો કાળ આવ્યો ત્યારે ટ્યૂડર રાજાઓને બળે મેગ્ના કાર્ટાવાળા બેરનો ભૂમિભેગા થઈ ગયા હતા અને તેને સટે પ્રજાવર્ગરૂપ શેષનાગનાં મુખ્ય મુખ પેઠે હેમ્પેડન અને ક્રોમવેલ, એ સાપે માંડેલી ફણાઓના અગ્રભાગે, દોલાયમાન થતા હતા.”

શંકર૦ – “હવે એ યુગ વીતી ગયા. વિગ્રહકાળના અભિલાષોને સટે હાલ રાષ્ટ્રીયન્યાયના કાયદાઓ આગળ મુકુટધર મંડળનાં શસ્ત્ર સ્તમ્ભ પામે છે. અશ્રુતપૂર્વ અક્ષૌહિણી સેનાઓ મનુષ્યનાં સદ્‍ભાગ્યનું કચ્ચરઘાણ વાળવા યુરોપમાં ખડી થઈ છે, ત્યારે નય-વ્યવહાર (diplomacy)નું શબ્દબ્રહ્મ એ સેનાઓની માયાને સ્વપ્નના દંભ જેવી અકર્મકર કરી નાંખે છે. બીજા રાજ્યોના આ સર્વ સૈનિક દંભ વચ્ચે ઈંગ્રેજી રાજ્ય, આ નયવ્યવહારના સત્વનો વાવટો ઉરાડી, એ દંભના ખરચ-ખાડામાં ઉતરતું નથી. ત્યાં બેઠેલો આ શાંતિયુગ આખા જગતમાં બેસવા માંડ્યો છે, એ યુગનું અભિજ્ઞાન વધારે ​વધારે પ્રસરશે તેમ તેમ રાજાઓ, વિગ્રહ કાળની આસુરી સંપત્તિઓનો તિરસ્કાર કરી, શાંતિકાળની દૈવી સંપત્તિઓની પૂજા કરશે.”[16]

“વીરરાવજી, - હવે યુદ્ધશાસ્ત્રનાં રાજ્યને સ્થાને અર્થશાસ્ત્રનાં રાજ્ય ચાલશે, રાજકીય સત્તાના લોભને સ્થાને વ્યાપારસત્તાનો લોભ ચાલશે, અને ઈંગ્રેજ સરકારનું સામ્રાજ્ય અમારી સાથે અર્થવ્યવહારનો લાભ છોડી અમારી રાજકીય સત્તા ઉપર દૃષ્ટિ કરે એવા વૈશ્યત્વહીન ઈંગ્રેજો નથી. રાષ્ટ્રીયન્યાયની શક્તિ પણ ધીરે ધીરે આ વૈશ્યત્વના તેજમાં લીન થઈ જશે. પ્રવીણદાસ જે યુગને પુરુષાર્થથી ઉત્પન્ન કરવા ઈચ્છે છે તે યુગનો પ્રવાહ મનુષ્યલોકના પ્રારબ્ધયુગે જન્મી ચુક્યો છે, અને એ યુગ ઈંગ્રેજોમાં બેઠો છે તેથી એ લોક દેશી રાજ્યોની સત્તાને નિર્માલ્ય ગણી, છે ત્યાં, રાખશે અને એ રાજ્યોનું વ્યાપાર-મધુ ચુસશે. મનુષ્યાહારી રાક્ષસના હાથમાં સુન્દર સ્ત્રી જતાં તેના માંસભક્ષણના કરતાં તેના શૃંગારભોગ ઉપર વધારે પ્રીતિ કરે છે તેમ ઇંગ્રેજના પંઝામાં ગયલાં દેશી રાજયોનું થશે. ઈંગ્રેજ રાજપુરુષો દેશી રાજાઓને પોતાના પ્રતિસ્પર્ધી નથી ગણતા, પણ ઉભયના સંયોગથી થતા લાભમાં તેમને પોતાના ભાગીયા[17] ગણી તેમની સંવૃદ્ધિ ઈચ્છે છે, અને એ રાજ્યોની સત્તા અને પોતાની સત્તાના સંયોગથી તેમના પરસ્પર સ્વાર્થનું પોષણ ઈચ્છે છે.”

​વીર૦ – “એટલે સરકાર પુરુષ, તમે સ્ત્રી, અને ઉભયનો સંસાર – એમ જ કે નહી ? ચંદ્રકાંત, હવે તો આ પતિવ્રતાને નમસ્કાર કરો ને તેની ક્ષમા માગો. પતિવ્રતા સ્ત્રીની પાસે તેનો સ્વામી પરસ્પર શૃંગારવાસનાની અભિવૃદ્ધિને સટે તેના માંસભક્ષણનો અભિલાષ રાખે એવાં વચન આપણે ઉચ્ચાર્યાં એ આ મહાપતિવ્રતાનો શાપ આકર્ષે એવો દોષ ! હરિ ! હરિ | अब्रह्मण्यं अब्रह्मण्यमः ! સતી માતા ! અમારો અપરાધ ક્ષમા કરો ! !”

શંકર૦ – “વીરરાવ ! બ્રહ્માના પાંચમા મુખ પેઠે તમારા મુખને બોલવું હોય તે ભલે તેની પાસે બોલાવો. મહાન્ વિષયને સામાન્ય વિચારની ભાષામાં બોલવાના મ્હારા પ્રયત્નમાં ઉપમા–દોષ આવતો હોય તો તેનો અર્થગુણ લઈ ભાષાદોષ સુધારી લેવા એ ગુણજ્ઞજનનું કામ છે. મ્હારે ક્‌હેવાની કથા એટલી કે મ્હેં જે વર્ણવ્યો એવો સંબંધ સરકાર અને અમારાં સંસ્થાનો વચ્ચે બંધાશે. જર્મનીની પેઠે અમે ક્ષણિક અને નૈમિત્તિક સ્વાર્થથી ઈંગ્રેજી રાજ્ય સાથે બંધાવાના નથી પણ નિત્ય સ્વાર્થથી સંધાઈશું–”

વીર૦ – “તમે ઉપમા આપી તેમાંની શુંગારવાસના તે જુવાની જતાં નાશ પામે એટલી અનિત્ય છે. તમારી અને તમારા ધણીની જુવાની ઉતરે ત્યારે તમારું શું થાય ?”

“Thank you !” વીરરાવને આથી વધારે ઉત્તર ન દેતાં શંકરશર્મા વાધ્યો.

“ચંદ્રકાંતજી, અમેરિકામાં યુનાઈટેડ સ્ટેટ્સનો સંયોગ જેવો છે તેવો દેશી રાજ્યોનો અને ઈંગ્રેજ સરકારનો કાળક્રમે થશે. અમે પાશ્વાત્ય રાજ્યકળાઓથી પાછળ છીયે ત્યાં સુધી એ કાળ નહી આવે. પણ પરદેશી ઈંગ્રેજો પોતાની હીન્દી પ્રજાને સ્વાર્થ-વિરોધથી જે સુખ અને સમૃદ્ધિ કદી આપી શકવાની નથી એ સુખ અને સમૃદ્ધિ દેશી રાજ્યોના રાજયકર્તાઓ પોતાની પ્રજાને પ્રમાણમાં અલ્પ પ્રયાસે આપી શકશે, અને તે દિશામાં તેમના પ્રયાસ-પ્રવાહનો આરંભ ક્વચિત્ થયો છે. સાધારણ સદ્‍ગુણ, કંઈક ઉચ્ચ અભિલાષ, અને ઇંગ્રેજનું અનુકરણ કરી શકે એટલી કળા: આટલાના જ સંયોગથી દેશી રાજાઓ પોતાની પ્રજાને પાડોશની ઈંગ્રેજી પ્રજા કરતાં વધારે સુખી કરી શકે છે તે અમે પ્રત્યક્ષ કરી શકીયે છીયે. આ ગુણોનો વિકાસ અને પરિપાક દિવસે દિવસે વિશેષ થશે તેમ તેમાં અમારી પ્રજા અને તમારી પ્રજાઓનાં સુખ સરખાવતાં અમારી પ્રજા ​આગળ વધશે. અમારે ત્યાં તમારા જેવા–ઈંગ્રેજ અને દેશીઓ વચ્ચેના–ન્યાયભેદ નહી રહે, અમારે ત્યાંનું દ્રવ્ય પરદેશમાં નહી જાય; અમારી પ્રજા અમારી સામે સરકાર પાસે અરજીઓ કરે તેમાં અમારે રાજદ્રોહ ગણવાનો પ્રસંગ નથી તેથી અમારી પ્રજાને રાજદ્રોહના ભય નીચે ડબાઈ ર્‌હેવાનું કારણ નથી અને અમારી પ્રજા પોતાના અભિલાષ ખુલે સ્વરે દેખાડશે, અને ગમે તો તમારે દુર્ભાગ્યે સરકારને માથે અંકુશ નથી પણ અમારી પ્રજાને ભાગ્યે અમારે માથે સરકાર અંકુશ છે તેના ભયથી – અમે અમારી પ્રજાને પારકા ધણી પાસે ફરીયાદ કરતી અટકાવવા – જાતે સુધરીશું,અને ગમે તો અમારી પ્રજાના વિચાર - આચારને – પરદેશી ઈંગ્રેજ અતિ પ્રયત્ને પણ ન સમજે ત્યાં - અમારા દેશી રાજપુરુષો સહજ સ્વભાવથી સમજી જશે અને પ્રજાને તૃપ્ત કરશે. જ્યારે અમારી અવસ્થા આ દિશામાં ઉંચી થશે ત્યારે ઈંગ્રેજી પ્રજા અને ઈંગ્રેજ સરકાર અમારા ગૈારવનો સ્વીકાર કરશે અને અમારી સત્તા વધશે એમાં શું કોઈને શક પડતી વાત છે ? અમારી આટલી ઉન્નતિ થશે ત્યારે–નીશાળીઆ ઉપર મ્હેતાજી ઉગામે એવી અમારા ઉપર હાલ સોટી પડે છે તેવી – સોટી અમારા ઉપર ઉગામતાં શું સરકાર વિચાર નહી કરે ? વીલાયતના પ્રજામતના પ્રવાહ અને બળના પ્રતાપથી જ અમારા મ્હેતાજી તે કાળે શરમાઈ જશે અને આ સોટી સંતાડશે, અમારા ઉપર પિતૃભાવથી આજ્ઞા કરનાર સરકાર તે કાળે प्राप्ते पोडषमे वर्षे पुत्रं मित्रमिवाचरेत् નો ધારો શું અમારી સાથે નહીં પાળે? તે કાળે અમારા અભિપ્રાયને, સરકાર અમારી બુદ્ધિનો સત્કાર કરીને, સ્વીકારશે, અને અમારા ન્યાયાધીશનું પદ ધારતાં શરમાશે. અમારી સાથે આવો સમભાવ થયા પછી હીંદી રાજાઓનું અને સરકારનું ઐકય ઉગ્ર થશે અને યુનાઈટેડ સ્ટેટ્સનાં સંસ્થાન પરસ્પર અભિપ્રાયના સરવાળાની આજ્ઞાનું ધારણ કરે છે તેવું જ હીંદુસ્થાનમાં થાય તો તેમાં કાંઈ અશકય નથી. રાજાઓ પોતાની પ્રજાની ઉન્નતિ કરવા જેટલો સ્વાર્થ સમજશે ત્યાં પોતાની પણ ઉન્નતિ કરશે. તેમની ઉન્નતિ થઈ એટલે ઈંગ્રેજ લોકનાં હૃદયમાં તેનું સન્માન - તેમના સહજ સ્વભાવને બળે – ઉદય પામશે."

“The maturity of our own moral and intellectual altitude, whenever we reach it in the distant future, will not fail to command respect and love in the highest circles among Englishmen, if English in​instincts will have survived the period. The princes that will have then led their subjects to a climax of genuine prosperity, a vision of which a foreign Government will have tried in vain to conjure up before their own Indian subjects, will present a divine Spectacle which will make your English Rulers blush with an awakened consciousness of their own inner frailties ! That will be the moment that will call them to the presence of a higher ideal, and I believe that also will be the beginning of an epoch when the Government will see the necessity of looking after your aspirations as if they were your kith and kin and not as your more powerful rivals and competitors. In the existence and growth of the native States, not only are their subjects interested, but the rest of India and its rulers will find to this extent their own fortunes involved.”

વીરરાવ ખુશ થયો અને ઉભો થઈ શંકર શર્માની સાથે હાથ મેળવવા મંડી ગયો અને બોલ્યોઃ

“Thank you, my friend, for having an ideal so beautiful ! I shall now be proud to claim you as my fellow townsman of Bombay."

“ચંદ્રકાંત મિ. શંકરશર્માના સામા મ્હેં જે ઉદ્ગાર કર્યા હતાં તે ખોટા પડયા દેખી હું ખુશ થાઉંછું બાકી આ વિષયમાં તો અમારા બેના અભિપ્રાય પૂર્વ પશ્ચિમમાં સામસામે જ છે એમની આકાશગંગા છે તે સુંદર અને દિવ્ય; પણ તેમાંથી પીવાનું પાણી મળે એમ નથી. It is all Utopia, you see ! મિસ્ટર શંકર શર્મા ! માફ કરજો–

“The main convinced against his will, “Is of the same opinion still.

“મ્હારી પ્રકૃતિમાં તમારું ચોકઠું બેઠું નહી, અને प्रकृतिं यान्ति भूतानि એવું ભગવદ્વાક્ય છે તે મ્હારાથી કાંઈ મિથ્યા થાય ?” .

રાણો ખાચર ઘડીયાળ ક્‌હાડી જોવા લાગ્યો. જોતો જોતો બોલ્યો.

“વિદ્યાચતુરજી, માળાના મણકા તો સારા છે પણ કાંઈક તેને મેર આણો" ​વિધાચતુર – “હાજી.એનો પણ હવે વારોજ આવ્યો છે.– વીરરાવજી, તમે દર્શાવો છો તે ભવિષ્ય દેશી રાજયોને શિર બેસે તો કાંઈ આશ્રર્ય જેવું મને લાગતું નથી. પણ ખરી વાત તો એ છે કે આપ ચારે વિદ્વાનોએ અમારા રજવાડાની જન્મકુંડલી રચવાનો પ્રયત્ન કર્યો, તે છતાં જ્યોતિ:- શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવાનો આરોપ આપને શિર કોઈ મુકે તો તમે સ્વીકારવાના નહી. એ શાસ્ત્રને નામે કે ભાગ્ય પ્રવાહને નામે કે લોકપ્રવાહના શાસ્ત્રને નામે આવા વર્તારા બાંધવા સ્‍હેલા છે, પણ તે કેવી રીતે ખરા પડશે તે કોઈથી ક્‌હેવાતું નથી, ઈશ્વરેચ્છાના મર્મ મનુષ્યબુદ્ધિથી અગમ્ય છે, અને ધર્મનો પાયો સત્ય ઉપર છે એ વાત જેવી સાચી છે તેમ એ પણ સાચી વાત છે કે મનુષ્યનો અધિકાર ભૂત અને વર્તમાનનાં કંઈક સત્ય જાણવામાં જ સમાપ્ત થાય છે, અને ભવિષ્યનાં સત્યનું દર્શન તો સ્વપ્રદર્શન જેવું મિથ્યા છે. આ સત્યસ્વપ્નપર પડતા દૃષ્ટિપાત તો Speculative છે - અન્ધકારમાં દૃષ્ટિ નાંખવા જેવું છે. આવાં સત્ય ઉપર અમારે વ્યવહારધર્મનો પાયો રચવો અયોગ્ય છે."

“ઐતિહાસિક પર્યેષણાના વિષયમાં આવાં સત્ય શોધવાં યોગ્ય છે, એ પર્યેષણા વીજળી પેઠે ચમકારા કરી અંધકારના પર્વતોની વચ્ચોવચ્ચ પળવાર પ્રકાશમયી ખીણો દર્શાવી દે છે, અને તેથી એ ખીણની એક પાસ રોકાઈ રહેલાઓને બીજી પાસ જવાનું દિગ્દર્શન થાય છે. આવાં દર્શનનો લાભ લેવો એ ગ્રંથકારો ને રાજાઓનો એક આવશ્યક ધર્મ છે, કારણ તે ઉભય દેશકાળનાં કારણ છે અને આવી સૂક્ષ્મ દૂરદૃષ્ટિ નાંખી, વર્તમાન દેશકાળને સ્થળે નવીન દેશકાલ ઉભા કરવા એ તેમનું કર્તવ્ય છે. રાજા અને ગ્રન્થકાર ઉભયનાં શસ્ત્ર પ્રારબ્ધવાદના વ્યવહારનું છેદન કરે તો જ તેઓ પોતાનું કર્તવ્ય કરી શકે. દેશને માથે પરરાજ્યની સેના ચ્‌હડી આવે, દુષ્કાળ આવે કે સાર્વભૌમ વ્યાધિચક્ર ફરવા માંડે, ત્યારે દેશકાળનાં ભાગ્યથી સંતુષ્ટ ર્‌હેતો રાજા નષ્ટ થાય છે, અને પ્રજાને માટે કેવળ પુરુષાર્થને માની આ આપત્તિયંત્રને છિન્નભિન્ન કરવા સર્વાંગી પ્રયત્ન કરનાર રાજા પ્રજાનું કલ્યાણ કરે છે અને રાજધર્મનું વિકટ ગૈારવ પાળે છે. અમારી પ્રજાનું કલ્યાણ કરવામાં અમારે આવી દૃષ્ટિ અને આવા પ્રયત્ન ધર્મ્ય છે.”

“પણ પ્રજાઓએ તો ધર્મિષ્ટ રાજાના રચેલા દેશકાળની મર્યાદામાં રહી એ દેશકાળના ધર્મ સાચવવાના છે; અને એ દેશકાળનાં ભૂત અને વર્તમાન સત્ય શોધી, એટલે સુધી પ્રારબ્ધવાદી થઈ, આ પ્રારબ્ધ મર્યાદામાં – રાજાની આજ્ઞામાં – આણમાં – રહી, પોતાનો પુરુષાર્થ ​શોધવાનો છે દેશી રાજ્યોને શિર ઈંગ્રેજી સામ્રાજ્યનું ચક્રવર્તિત્વ છે, સર્વ દેશી રાજ્યોના અને ઈંગ્રેજી રાજ્યના સર્વ સામાન્ય લાભાલાભ વિચારી અમારા રાજાજેવા સર્વ રાજાઓનું મહારથીપણું એ ચક્રવર્તીને શિર છે અને એ મહારથીની પાછળ વિગ્રહકાળનાં તેમ શાંતિકાળનાં પ્રયાણમાં અમારે ઉત્સાહથી અનુસરવું એ અમારે માંડલિક ધર્મ છે. એ ધર્મ જેટલી મર્યાદામાં અમારા ધર્મ પ્રજાધર્મને અનુસરતા છે. અમારો ચક્રવતીં અમારે માટે જે દેશકાળ રચે તેમાં તમારી પેઠે જ પ્રારબ્ધવાદી થવું એ કંઈક અમારો ધર્મ છે, આખી મનુષ્યસૃષ્ટિના લોકપ્રવાહ કેમ ચાલે છે તેની પર્યેષણા અમારા વિષયમાં અમારે મહારથી કરે તે યોગ્ય છે, એવી એવી પર્યેષણાઓ કરી તે જે દેશકાળ અમારે માટે રચે તેમાં અમારે તેની પાછળ અનુસરવું એ વ્યવહાર પ્રસ્તુત વિષયમાં અમારે ધર્મ્ય છે. ચક્રવર્તી અમારે માટે જે દેશકાળ રચે તેના કરતાં વધારે પર્યેષણા વ્યવહારમાં કરવી એ અમારે માટે ધર્માતિક્રમ છે પણ અમારી પ્રજાના કલ્યાણના વિષયમાં જો એવી પર્યેષણા ન કરીએ તો અમારા ધર્મમાં અમે ન્યૂનતા રાખીયે. અમારી પ્રજાના કલ્યાણકાળે અમે તમારાં બતાવેલા સત્ય ઉપર અમારા ધર્મનો પાયો ચણીશું. પ્રસ્તુત વિષયમાં – ચક્રવર્તીના સંબંધમાં – એ સત્યને અમે અંધકાર જેવાં ગણીશું, અને અમારો મહારથી જે પ્રનાલિકા દર્શાવશે તેના તેટલા પ્રકાશમાં સેનાની પલટણો પેઠે ચાલીશું, એમ ન કરીયે તો હજારો વર્ષોની અવ્યવસ્થાને અંતે ભરતખંડના ભાગ્યમાં ઈશ્વરે રચેલી સૂક્ષ્મવ્યવસ્થાના નાશના એક સાધક થવાનું મહાપાતક અમારે માથે બેસે. આ અમારા રાજાઓના ધર્મનું તારતમ્ય.”

“વીરરાવજી અને ચંદ્રકાંતભાઈ કહે છે તે પ્રમાણે અમારું વૈધવ્ય નિર્મેલું કલ્પી, આજના અમારા સૌભાગ્યકાળે, અત્યારથી જ અમારા ચુડા ભાંગવાનો ધર્મ પાળવાનું પ્રારબ્ધ વ્હોરી લેવાનું કાંઈ કારણ નથી; તેમ એ વૈધવ્યનું ભય અમારે શિર આવી બેસે તે પ્રારબ્ધની અવગણના કરવા જેવું પણ નથી. પ્રવીણદાસ અને શંકરશર્મા અમારા સદ્ભાગ્યનાં સ્વપ્ન જુવે છે તે સ્વપ્ન ખરાં પાડવાં એ મહાપુરુષાર્થ અને મહાપ્રારબ્ધ - ઉભય - ના હાથની વાત છે. એ પુરુષાર્થના આરંભ હજી સુધી દૃષ્ટિમર્યાદામાં ઉદય પામ્યા નથી. પણ આ બે વિદ્વાનોને સાધ્ય સુઝયાં છે તો કોઈને પણ સાધન સુઝે તો તે અશકય નથી. એ પુરુષાર્થને અંતે એ મહાપ્રારબ્ધનો કાળ રચવો તે તો ઈશ્વરના ને ચક્રવર્તીના હાથની વાત તમારી સર્વની પર્યેષણાઓનો અમારે માત્ર આટલો ઉપયોગ. ​વીરo–“ ચક્રવર્તીની આજ્ઞાઓ ન્યાય્ય હોય કે અન્યાય્ય હોય પણ તમે તેનું ધારણ કરવાનું દાસત્વ સ્વીકારો છો ? શું અમારાં વર્તમાનપત્રો એમાંની અન્યાય્ય આજ્ઞાઓ સામે અભિપ્રાય આપવામાં અને દેશી રાજ્યોના અધિકારની વાતો કરવામાં થડથી જ ભુલે છે ?”

ચંદ્રo–“શું તમારી અને ચક્રવર્તીની વચ્ચેના પ્રશ્નોમાં ચક્રવર્તી, જાતે પક્ષકાર હોવા છતાં, ન્યાયાધીશ થાય તે વાતની યોગ્યતા આપ સ્વીકારો છો, અને એ સ્થિતિથી તમારા અધિકાર ઘસાતા નથી એવું આપ કહો છો ?”

વિદ્યાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો: ” ના જી. ચક્રવર્તી અમારા અને તેના પોતાના પક્ષ વચ્ચે ન્યાયાધીશ થાય છે તે અયોગ્ય છે અને તેથી અમારા અધિકાર ઘસાય છે એ વાત હું સ્વીકારું છું પણ ભરતખંડના સામ્રાજયનો ન્યાય ચુકવવા ઈંગ્રેજ સરકારની ઉદારતાથી અથવા ચકોરતાથી ન્યાય આપનાર બીજું કોઈ ધર્માસન અમને મળે એ પ્રસંગ આવતા સુધી એ સામ્રાજ્યનાં યંત્રનાં વર્તમાન ચક્રોમાંથી કોઈ પણ ચક્રમાં એ ધર્માસનની ગતિની પ્રતિષ્ઠા ર્‌હેવી જોઈએ, તેમ ન ર્‌હે તો સરકારની અને અમારી અવ્યવસ્થા થાય ને ભયંકર રૂપ પકડે, અને એ અવ્યવસ્થા અટકાવવા કોઈની પાસે પણ ધર્માધિકારની પ્રતિષ્ઠા હોવી જોઈએ તો વિદ્યા, બુદ્ધિ, ધર્મવાર્તા અને સત્તામાં ભરતખંડમાં શ્રેષ્ઠ રાજાના હાથમાં જ તે ર્‌હેવી જોઈએ, અને તેવું રાજત્વ સાંપ્રત ચક્રવર્તી શીવાય આજ બીજા કોનામાં છે? ઇંગ્રેજ અધિકારીઓ ન્હાના-મ્હોટા અનેક દોષનું પાત્ર હોવા છતાં, એજ ચક્રવર્તીમાં સર્વશ્રેષ્ટ ગુણો છે અને તે ગુણના લાભ આગળ એ દોષ માલવિનાના છે. એ ગુણ તેમનામાંથી ઘસાય નહી અને એ દોષનો પ્રતીકાર થાય એ લક્ષ્ય ઉપર તરત અનુસંધાન કરવામાં અમારું ચાતુર્ય, અમારું બુદ્ધિબળ, અમારું માનસિક શૈાર્ય, અમારી સ્વતંત્રતા, અને અમારા ધૈર્યની ચ્‍હડાઈઓ યોગ્ય છે. પણ એ ચ્‍હડાઈઓ રાજાની બુદ્ધિ ઉપર પ્રધાનની રાજભકત બુદ્ધિ કરે તેવાં સાધનથી કરવાની છે. આ પ્રસંગમાં અમારું અને ઈંગ્રેજી હીન્દી પ્રજાનું ઘણુક અંશથી સમાનત્વ છે, અને પરસ્પરને સાહાય્ય આપવામાં ચક્રવતી પ્રતિ આપણા ધર્મનો અતિક્રમ નહી કરીયે ત્યાં સુધી કાંઈ બાધ મને લાગતો નથી. એટલુંજ નહી પણ એ સાહાય્ય આપવું એ આપણો એક ધર્મ છે. આ વિષયમાં વીરરાવજી અને ચંદ્રકાંતજીના અભિલાષ કેવળ ધર્મ છે.” ​ગામ હોય ત્યાં બ્રાહ્મણની પોળ પણ હોય અને ધેડવાડો પણ હોય. મનુષ્યવૃત્તિ હોય ત્યાં ઉદાત્તત્તા પણ હોય ને અનુદાત્તતા પણ હોય. ઈંગ્રેજ અધિકારીઓના ગુપ્ત ને પ્રકટ અનુદાત્ત મર્મ ભણીથી આપણો ઘાત ન થાય એટલી સંભાળ રાખી, એ સંભાળને જે આપણો એકલો સ્વાર્થ ગણવાની પ્રવીણદાસ ભુલ કરે છે તે ન કરી, તમારા ઈંગ્રેજી ભરતખંડના મહાજનના અગ્રેસરો, વિદ્ધાનો, અને વર્તમાનપત્રો અમને સાહાય્ય આપે અને ઠપકા આપે અને અમે તેમને આપીએ અને તે માર્ગથી તમારા રાજા અને અમારા ચક્રવર્તીના ઉદાત્ત મર્મને સતેજ કરી, તેની પાસેથી મ્હોટાં વરદાન આકર્ષી લેઈએ તો તેમાં રાજદ્રોહ નથી, અશકયતા નથી, અને ધર્મ અને પુરુષાર્થ છે. દેશી રાજ્યોમાં આ પુરુષપ્રયત્ન કરવા જેટલી શક્તિ આવશે તો તમારી ભાષક ને યાચક કાન્ગ્રેસને માથે ભરતખંડના રાજાઓના સંયોગથી કોઈ કાર્યસાધક સંયુક્તરાજસભા થશે અને તેમાં ચક્રવતી પ્રમુખસ્થાને વિરાજશે. જર્મનીના રાજાઓના સંયોગ–federation-કરતાં, અને અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનાં કરતાં, આ સંયોગ, આ દેશની સ્થિતિ- નીતિને આધારે, કાંઈ જુદો જ થશે. પણ એવો પુરુષપ્રયત્ન જન્મ નહી પામે, અથવા જન્મ પામીને બુદ્ધિબળના દાવમાં હારશે, અથવા ધૈર્ય અને સદાગ્રહને સ્થાને ધૃષ્ટ્તા, ઉતાવળ, અને દુરાગ્રહના પાસા નાંખશે તો રાજાઓની દશા, છે એનાથી વધારે દુ:ખ ભરી, થશે. ગમે તો આવી વૃદ્ધિ અને ગમે તો આવો વિનાશ, એ બેમાંથી એક ભાગ્ય દેશી રાજયોને માથે ભમે છે, એ ભાગ્યનું વધારે નિશ્ચિત સ્વરૂપ આટલે છેટેથી આજ સમજવું કઠણ છે. અાજ માત્ર એટલું સમજાય છે કે સર્વ રાજ્યોને અને સર્વ લોકપ્રવાહને અત્યંતત્વરાબળથી ખેંચતો આજકાલનો વેગવાન યુગ દોડે છે તેની સાથે નહી દોડી શકે તે પાછળના અંધકારમાં રહી જશે અને દોડધામ કરી રહેલી સૃષ્ટિના પગતળે આવી કચરાઈ જશે.[18] તમે કે અમે જે હઈશું તેને શિર આવા જ ભાગ્યનું ભ્રમણ જોઈ લેવું.” ​ “આ યુગની ગતિ આવી પ્રારબ્ધ છે તે અંત સુધી જશે. ઈંગ્રેજ રાજનીતિ એ યુગના પ્રવાહને સમજી નવા કાળ રચે છે અને નવા કાળ રચશે, એ આપણું પ્રારબ્ધ. એ કાળ-સમુદ્રનું મોજું આવે તેના વેગને ન સમજતાં, એ વેગને વશ કરવાને સ્થાને તેના ધક્કાથી ડુબી જઈશું તો એ આપણું દુર્ભાગ્ય આપણે હાથે રચાશે એ મોજું ગમે એવું વેગવાળું, બળવાળું, અને મ્હોટું હશે તોપણ તેના પાણીથી સ્નાન કરી લેઈ તેની નીચે અથવા તેનો ઉપર સ્થિરતાથી અને ધૈર્યથી ટકી રહેવાની ને તરવાની કળા આપણને આવડશે તો એ આપણો પુરુષપ્રયત્ન થશે, અને તેને સફળ કરવો એ ઇશ્વરેચ્છાની વાત છે. એ બેમાંથી કીયું પરિણામ થશે તેની કલ્પના માણસ કરી શકે એમ નથી. એ કલ્પનાનો સટે એક જ વર્તારો માણસ કરી શકે અને તે પ્રમાણે શ્રદ્ધા રાખે તો Free will નો સંપ્રદાય છોડી સર્વ પ્રારબ્ધવાદી થશે અને પુરુષપ્રયત્ન ત્યજશે, તેવા વર્તારા કરવામાં અધર્મ નથી પણ તે પર શ્રદ્ધા રાખવી એ આપણો ધર્મ નથી. એવા એકજ વર્તારા ઉપર શ્રદ્ધા રાખવા કરતાં,એવા અનેક વર્તારાઓમાંથી જે આપણને સાધ્ય અને કલ્યાણકર લાગે તેનાં સાધન પાછળ, અને બીજા વર્તારાઓના પ્રતીકાર પાછળ, પુ રુ ષ પ્ર ય ત્ન કરવો એજ આપણો એક ધર્મ છે, એજ ધર્મ વ્યવહાર્ય છે. વ્યાપાર તેમ રાજનીતિના વ્યવહાર આવા ધર્મને આધારે ચાલે છે उत्थानेन सदा वत्स प्रयतेथा युधिष्ठिर એ શાંતિ પર્વના રાજધર્મના ઉત્થાનધર્મને રાજાઓનો નિત્યધર્મ કહેલો છે તે ઉત્થાનને – પુરુષપ્રયત્નને – પ્રારબધશ્રદ્ધાના આઘાતથી અનિત્ય ન થવા દેવો એજ રાજાઓનો શુદ્ધ ધર્મ છે – ધર્મ્ય વ્યવહાર છે – કાળબળના સામા પણ રાજાઓનો એજ ઉત્થાનધર્મ મિત્રરૂપ છે.”

“તમે ચાર જણાએ ચાર જુદા જુદા વર્તારા વર્યા તેમાંના બે આશાદર્શી અને બે નૈરાશ્યદર્શી છે તે સર્વ વર્તારાઓનો ઉપયોગ કરવો એ રાજનીતિજ્ઞ પુરુષનો ધર્મ છે, એ ચારે વર્તારાઓ જે વર્તમાન દશાઓને દેખી બંધાયા છે તે સર્વે દશાઓમાં સત્યનો અંશ છે અને अन्धहस्तिन्याय પ્રમાણે જે અંશ એક પુરુષ જુવે છે તે બીજાની દૃષ્ટિએ પડ્યા નથી. આશા અને નૈરાશ્ય એક ઢાલની બે બાજુઓ છે; સુવર્ણમયી આશા જોનાર પ્રવીણદાસ અને શંકરશર્મા એક પાસ ઉભા છે, લોહમય નૈરાશ્ય જોનાર વીરરાવજી અને ચંદ્રકાંત બીજી પાસ ઉભા છે. એમની દૃષ્ટિઓમાં ઇંગ્રેજ રાજનીતિનું પ્રતિબિમ્બ પડેલું છે.

“ The British Empire exists as a system of both Hopes and Fears for the Native States as for all ​natives as well, and on them it mostly lies to choose whether they will have the Hopes or the Fears, and the fortunes of all these States will be the unknowable resultant of all varieties of the individual wisdom and working of each State, great and small, forward and backward, within its own isolated sphere, Government sees the working of all of them : it is in touch with all of them. Each of our States on the other hand sees only that point of Government which affects its own isolated individuality, and is blind to the rest. It is this inequality of vision that makes the States unequal to the comprehensive operations which the present system calls upon them to perform ; and until this inequality is pronounced incurable or begins to perceptibly abate throughout, neither our fears nor our hopes can be looked upon as a constant factor.” . ખાચરના સામું જોઈ વિધાચતુર સ્મિત કરી બોલવા લાગ્યો: “ મહારાણાજી, આ ગૃહસ્થ ઈંગ્રેજીમાં સમજે છે તેટલું ગુજરાતીમાં સમજે એમ નથી. માટે એમને એમની ભાષામાં સમજાવવા ઈંગ્રેજી બોલવું પડ્યું તે ક્ષમા કરજો. મ્હારે એમને ક્‌હેવાનો સાર એટલો છે કે આપણા સઉનાં ઘર સરકાર પાસે કાણાં છે તેને સટે આપણી ફાટફુટ મટી જશે અને સરકારનું આખું ઘર જોઈ લેઈ આપણ સઉના પોતાનાં ઘર સંભાળવા જેટલા આપણે શાણા થવાને નિર્મેલા હઈશું તો સરકાર સાથે આપણે કોઈક દિવસ ફાવીશું, અને તેમ નહી થાય તો સરકાર ફાવશે.”

“પ્રવીણદાસ, આઘે ન જતાં સુવર્ણપુરના જડસિંહના રાજ્યનો ઇતિહાસ તમે જાણો છો. જ્યાં સુધી દેશી રાજ્યોમાં જડસિંહના રાજ્ય જેવી અનીતિ અને તેના જેવા ભ્રષ્ટાચાર અને ખટપટ કેવળ નિર્મૂળ નહી થાય, જ્યાં સુધી રાજાઓ અને પ્રધાનોનો મ્હોટો ભાગ સદ્ગુણનો માર્ગ નહી જુવે, જ્યાં સુધી પોતાના સ્વાર્થને સ્થાને પ્રજાનું હિત કરવા તેમની બુદ્ધિ નહી દોડે, ત્યાં સુધી વીરરાવજીના વર્તારાનું ભય આપણે ​માથે અવશ્ય ઝઝુમે છે, અને એવાં અનેક રાજ્યોની ભેખડો નદીમાં પડવા માંડશે તેની સાથે થોડાં ઘણાંક સારાં રાજ્યો પણ તેમની સાથે વશે કે કવશે ઘસડાશે. ઉન્મત્ત જાદવોની જાદવાસ્થળીમાં કૃષ્ણ અને બળરામ ઘસડાયા, અને કૌરવો ભેગા ભીષ્મ ગયા તેવી સારાં રાજ્યોની પણ સ્થિતિ સમજવી, પોતાના સારાપણાના અહંકારથી તૃપ્ત ર્‌હેતાં રાજયોને આ ભય છે; રાજકીય વિષયોમાં છેટેના પાડોશીને ઘેર લાગેલી આગથી પણ બ્હીવાનુ છે, વીરરાવજીના વર્તારામાં આ ભયંકર સત્ય સમાયલું છે.”

“દેશી રાજાઓમાંથી અનીતિ અને દુર્ગુણ દૂર ર્‌હેશે એમ ધારો તો તેથી લાભ એ કે ચંદ્રકાંત ધારે છે એવી ઉદાત્તત્તા રાજાઓમાં ર્‌હેશે. પણ નીતિ અને સદાચાર ખાનગી કુટુંબોની સ્થિતિ જાળવવા બસ હશે; પરંતુ રાજાઓને માટે તે બસ નથી. રાજ-અંગમાં ધર્મરાજ યુધિષ્ઠિર હશે, તો દ્યૂતમાં દ્રોપદી ખોવા જેવી અતિ-પ્રતિજ્ઞાઓ કરશે અને બુદ્ધિહીન સત્યની પાછળ દોડશે.”

“રાજ–અંગમાં ધર્મની સાથે ભીમ અને અર્જુનની આવશ્યકતા છે, સદાચાર સાથે બળ અને કળાની આવશ્યતા છે. ચક્રવર્તીને યુદ્ધકાળે આશ્રય આપવા જેટલું બળ દેશી રાજાઓમાં નહી રહ્યું હોય તો તેમનું ક્ષત્રિયત્વ જાળવવા અતિ-યત્ન કરવાની સરકારને ગરજ નથી, અને રાજાઓ રાજા મટી સ્થાનિક અધિકારીઓ થઈ જશે. શાંતિકાળમાં ચક્રવર્તીના સામ્રાજ્ય સંબંધી વિચાર સમજવા રાજાઓમાં બુદ્ધિ નહી રહે, અને તે વિચારથી ઉત્પન્ન થયલા આચારમાં ચક્રવર્તીના અધિકારીઓની સાથે સાથે ચાલવા જેટલી રાજાઓમાં શક્તિ કે કળા નહી રહે, તો એ રાજાઓની પ્રજાઓ ઈંગ્રેજ-વણઝારાઓની પાછળ પાછળ ભમશે અને રાજાઓ સ્થાનિક અધિકારથી પણ ભ્રષ્ટ થશે અને ચંદ્રકાંતનો વર્તારો અક્ષરે અક્ષર સત્ય નીવડશે.”

“આવી અવસ્થા પામતાં રાજાઓ ઈંગ્રેજની દેશી પ્રજાઓ સાથે ભળી જઈ પોતાના ઉદાત્ત ગુણથી, એ પ્રજાઓનું ઉપરીપણું નહી જાળવે તો અનુદાત્ત અને આળસુ થઈ વીરરાવજીનો વર્તારો ખરો પાડશે. રાજત્વ ખોવાનો કાળ આવતાં ઉદાત્તત્વ પણ ન ખોવું પડે, અને ઇંગ્રજી રૈયતના શિર ઉપર રાજાઓની પ્રતિષ્ઠા રહે તો ઉદાત્તત્વની પણ દુર્ગતિ ન થાય, માટે જ–તેમ એક લોહીના અને પરસ્પરના ઉચ્ચાભિલાષમાં સંપત્તિવિપત્તિકાળે પરસ્પરનો આશ્રય ર્‌હેલો ​છે માટે – ચંદ્રાંતક સૂચવે છે તેવો સંબંધ, એમનો અને આપણો, સ્પૃહણીય છે. ”

“નૈરાશ્યદૃષ્ટ અવસ્થાઓનાં કારણ વિચારતાં જેવા આ પ્રતીકારક*[૧] ધર્મ છે તેવા જ આશાદ્દ્ષ્ટ અવસ્થાઓનાં કારણ વિચારતાં બીજા ઉd`ભાવક†[૨] ધર્મ છે. ઉd`ભાવક† એટલા માટે કે ચક્રવર્તીનું પોષણ કરી અમારી ડબાતી ચંપાતી સંપત્તિઓના સ્વતંત્ર અને પ્રફુલ્લ રૂપનો ઉદ્દભવ એ ધર્મના જ પાલનથી છે."

વીરરાવ હસતો હસતો બોલ્યો. “સાહેબ ચક્રવર્તીનું પોષણ રખે ભુલતા – ભુલશો તો શંકરશર્માનો રાજદ્રોહ આવી જશે. ”

રાણો ખાચર – પ્રધાનજી, વીરરાવ તમને પણ મુકે એમ નથી.

વિધાo–“ એ મુકે, પણ અમે એમનાથી મુકાઈએ તેમ નથી, વીરરાવજી, રાજદ્રોહ હો કે ન હો, પણ તમે એક વાત કબુલ કરશો કે ન્હાના વ્યાપારીએાથી મ્હોટા વ્યાપારીએાના જેવાં કામ કદી થવાનાં નથી. તેમને તે જાઈંટ સ્ટાક કંપનીમાં ભળવાથી જ મહાવ્યાપારમાં ભાગ લેવાનો સંભવ, અને એવી કંપનીમાં ઈંગ્રેજ જેવા અગ્રણી-વ્યાપારીની આવશ્યકતા.”

વી૨o– તે તમે રાજાઓની કંપની મળી શાં કામ કરવાનાં હતાં? ને હોય તો તેમાં ન્હાના રાજાઓની કંપની કયાં બસ નથી કે ચક્રવર્તી શોધવો પડ્યો ? ”

વિધાo- “હિમાલયના બે સ્કંધ આગળ બે મહારાજ્યો આ દેશને ડાબી દેવા ઉભાં છે. તેમનો પ્રતીકાર કરવો એ પ્રથમ વ્યાપાર – તે ચક્રવર્તી વગર કદી બને નહી.”

વીરo– “તે તમારે તે એક ધણી ગયો તો બીજો આવશે – નાતરીયા નાતમાં રંડાપાની બ્હીક શી ?”

વિદ્યાચતુર હસતો હસતો બોલ્યોઃ “જેની સાથે આટલો લાંબો સહવાસ થયો, જેણે અમારો આટલો નિર્વાહ કર્યો, જેના ગુણદોષ અમે સમજીએ છીએ, જેની સાથે લ્હડતાં ઝઘડતાં અમે આટલો સંસાર સુખથી નીભાવ્યો, તેવા જુના ધણીને મુકીને નવા અજાણ્યા માણસ સાથે નવો સંસાર માંડવાની ઈચ્છામાં કાંઈ ડહાપણ છે ? એ ધણી જાય તો તો અમારા તમારા ચુડા સાથે ભાંગે – માટે આટલો રેલો તો, તમારી પોતાની તળેના રેલાના અનુભવથી અમારી તળેનો પણ સરખો સમજી લેવો.”

​ચંદ્ર૦ – “વીરરાવ, પ્રધાનજીએ તમારી પોતાની ભાષામાં વાત કરવા માંડી એટલે તમે વહેલી સમજશો.”

વિદ્યા૦ – “ચાલો ત્યારે મ્હારી ભાષામાં બોલું. વીરરાવ, આ દેશને માથેના આવા અનેક પ્રતીકારક વ્યાપારોમાં અમારે માથે સેનાધિપતિ જોઈએ તો તે કદાચિત્ ઈંગ્રેજ જેવા બીજા મળશે એમ તમે k`હેશો. પણ અમારે ઘણાક ઉદ્‍ભાવક વ્યાપારોમાં પણ પડવાનું છે અને તેમાં આ ચક્રવર્તી જેવો ઉદાર દક્ષ નાયક અમારી કંપનીને અન્યત્ર મળવાનો નથી. અમારી પોતાની રાજ-સંપત્તિઓના તેમ ઈંગ્રેજની રાજ-સંપત્તિઓના ઉદ્‍ભાવક પ્રવાહો ગંગાયમુના પેઠે એકઠા થાય છે તેમ બીજા કોઈ મહારાજ્યમાં થતા નથી. કાં અમારા, કાં તમારા, ઉદ્‍ભાવક પ્રવાહો ઈંગ્રેજી રાજ્યમાં જેવી સ્વતંત્ર વૃદ્ધિ પામે તેવી યુનાઈટેડ સ્ટેટ્સના પ્રજાસત્તાક મહારાજ્યમાં પામે તેમ નથી તો બીજા મહારાજ્યોની તો કથા જ પડતી મુકવી. એ રાજ્યો એકલી પોતાની મૂળ પ્રજાનું હિત ઈચ્છે છે; ઈંગ્રેજ લોક આ હિતને ભુલી શકતા નથી, પણ અનેક રાજ્યો અને અનેક પ્રજાઓની કુળદેવી જેવી ઈંગ્લાંડની પ્રજાને પોતાનાં બાળક ભેગાં પારકાં બાળકોને ઉછેરતાં અને પાળી પોષી મ્હોટાં કરતાં આવડે છે. એવાં ઉદાર પોષણની અનુભવી પ્રજાના ઉદ્‍ભાવક વ્યાપાર અને તમારા ઉદ્‍ભાવક વ્યાપાર સંગમ પામી શકે છે તેમ જ અમારી પ્રજાઓના ઉદ્‍ભાવક વ્યાપારને વિકાસ આપવાને અમારે શિર એ જ દિશામાંથી ડબાણ થાય છે અને થશે, અને અમારી પ્રજાઓનો બાગ વધારતાં, વિકસાવતાં અમે શીખીશું એ અમારા ઉદ્‍ભાવક ધર્મની પ્રથમ સૃષ્ટિ અમારી પાસે ખડી થશે. એ અમારી મુખ્ય અને ઉત્તમ આશા અને માઈસોરના રાજ્યના જેવાં, અને એથી પણ શ્રેષ્ઠ બંધારણ ઘણા રજવાડાઓ સ્વીકારી શકશે ત્યારે આ આશાવૃક્ષને મ્હોર આવશે.”

“જો એ આશા સાચી પડવાથી ઈંગ્લાંડનાં પ્રજાસત્તાક સંસ્થાનોના પ્રમુખો જેવા અમારા રાજાઓ થઈ જશે તો આ ઉત્તમ આશાના શિખર ભાગને અમે પ્હોંચીશું. આ કર્તવ્યમાં માત્ર અમારી પોતાની પ્રજા ઉપર જ અધિકાર વાપરવાનો છે અને તેના ઉપર જ અમારી ઉદારતા અને દક્ષતા ઢોળવાની છે, એટલે ઈંગ્રેજ સરકાર તેમાં સાહાય્ય આપશે, ઉત્સાહ આપશે, કળાઓ શીખવશે, અને વચ્ચે પડવાનો લોભ નહીં રાખે. જો અમારી પ્રજાની એ દશા થશે તો સામ્રાજ્યના સામાન્ય લાભના વ્યાપારોમાં પણ અમારી એ પ્રજાની ઈચ્છાઓનો અતિક્રમ કરી પોતાની ​સ્વાર્થી ઈચ્છાઓનું અનુસરણ કરવા અમને આજ્ઞા કરવા જેટલી છાતી ચક્રવર્તીના અધિકારીઓ નહી ચલવે; એટલુંજ નહી, પણ આવો પ્રસંગ આવશે તો સરકારી અધિકારીઓની સર્વ આજ્ઞાઓ અમારે પ્રજા પાસે પ્રકડ કરવી પડશે અને તેમ થશે એટલે જે ગુપ્ત ડબાણ અને અવ્યવસ્થાની દેશી રાજ્યો ફરીયાદ કરે છે તે દૂર થશે. આટલો પુરુષપ્રયત્ન તો અમારામાં અમારાપણું હશે તો અમે સ્વાશ્રયથી કરી શકીશું. એમાં તો અમારાં હૃદય શીવાય બીજો શત્રુ અમને નડે એમ નથી. જયારે અમારી આ અવસ્થા થશે ત્યારે સરકારનાં Responsible Government વાળાં Colonies-*[૧]કરતાં પણ અમારી સારી અવસ્થા થશે – કારણ સરકાર એ સંસ્થાન ઉપર Vetoing power રાખે છે તેવો અમારા ઉપર રાખવાનું બીજ એમના હાથમાં નથી.”

“અમે ઈગ્લાંડનાં એક જાતનાં સ્વરાજસત્તાક – colonies – સંસ્થાન – છીએ.”

“યુનાiટેડ સ્ટેટ્સનાં સર્વતઃ પ્રજાસત્તાક અવયવો જેવાં ઈંગ્રેજનાં અવયવો દેશી રાજ્યો થઈ શકે એમ નથી; કારણ રાજાઓનો અભાવ થાય તો તેમને સ્થાને ઈંગ્રેજી જ રાજ્ય થાય – તેમની પ્રજાને ઇંગ્રેજો સત્તા આપે એવું સ્વપ્ન વર્તમાનમાં થાય એમ નથી. શંકરશર્માના વર્તારામાં આટલો અંશ સ્વપ્નાંશ છે.”

“જર્મનીના મહારાજ્યનાં અવયવો પેઠે રાજસત્તાક સંસ્થાનો થવાનો લાભ આપણે રાખીયે તો તે ઇંગ્રેજને વધારે અનુકૂળ છે. જર્મન મહારાજ સ્વેચ્છાથી એ અવયવોને યુદ્ધમાં અને યુદ્ધાદિના ખરચમાં ખેંચી શકેછે તેવો વ્યવહાર આપણે શિર વાપરવા ઈંગ્રેજને અધિકાર નથી. આપણે ચક્રવર્તીની પાછળ – આપણી શક્તિ અને ઈચ્છા હોય તો – જઈયે. પરરાજ્યો સાથે સંબંધ રાખવાનો આપણો અધિકાર

  • The Colonies proper form three classes :–(1) The Crown Colonies, which are entirely controlled by the home government; (2) those possessing representative Institutions, in which the Crown has no more than a veto in legislation, but the home government retains the control of public officers ; and (3) those possessing Responsible Government, in which the home government has no control over any public officer, though the Crown appoints the Governor and still retains a veto on legislation.

The total expenditure of the Mother country in connection with the Colonies (exclusive of India) amounts to about 2 million sterling annually, mainly for military and naval purposes. The Statesman's Year Book, 1896 ​પોતાના હાથમાં સરકારે લેઈ લીધો તે તેમની પોતાની સેનાઓ વડે આપણું રક્ષણ કરવાની સરતે લીધો છે; એવાં રક્ષણમાં આપણી સેનાઓ આપવા આપણે બંધાયા નથી. ઈંગ્રેજોનાં બીજાં સર્વ સંસ્થાનો કરતાં, અને જર્મની તથા યુનાઈટેડ સ્ટેટ્સનાં અવયવો કરતાં, આપણી આટલી વધારે સત્તા છે. આપણે સરકારને આવામાં આશ્રય આપીએ તે એમના ઉપર ઉપકાર.”

“સરકારનાં ઉત્તમ – colonies – સંસ્થાનની પ્રજા જેવી આપણી પ્રજાને નહી કરીયે તે એ પ્રજામાં દેખાદેખીનો ક્ષોભ થશે ને ચંદ્રકાંતનો વર્તારો ખરો પડશે.”

“એ ક્ષેાભ ન થવા દેવા જેવું આપણે રાખીશું, પણ હાલ સામ્રાજ્યનાં સામાન્ય લાભમાં ચક્રવર્તી પર ઉપકાર કરતા હઈએ તેમ જે આશ્રય આપીએ છીયે તે આશ્રય આપવામાં કૃપણ થઈશું તો મોડાં વ્હેલાં જર્મનીનાં અવયવરાજ્યોની પેઠે આપણને ચક્રવર્તી બળ કરી ખેંચશે અને પ્રવીણદાસનો વર્તારો ખરો પડશે. સમુદ્રવ્યાપાર, રેલવે, વીજળીના તાર, અને સામ્રાજ્યરક્ષણમાં આશ્રય, આદિ અનેક વિષયો આવા આશ્રયની વાત છે. હાલ જે ઉપકાર કરી નહી આપીએ તે કાળક્રમે આજ્ઞાથી આપશું, અને તે કઠણ સરતો પાળી આપશું.”

“આવા વિષયોમાં, અને સરકારને હાથે લેવા પડતા ન્યાયના વિષયોમાં, ચક્રવર્તીનો અધિકાર રાજાઓની સામ્રાજ્યસભાને સંપાય એ પ્રસંગને માટે અનેક જાતની ઉદ્‍ભાવક બુદ્ધિનો ઘણા કાળ સુધી આગ્રહ જોઈએ અને એ દિશામાં પુરુષપ્રયત્નનો આરંભ થવાને પણ હજી ઘણી વાર છે. આ આરંભ થવા આવતા પ્હેલાં આપણી વ્યવસ્થા હશે કે અવ્યવસ્થા હશે તે ઈશ્વર જાણે.”

વિદ્યાચતુર બોલતો બંધ પડ્યો. મણિરાજે સર્વને પુષ્પ, પાન અને સુગન્ધ વ્હેંચ્ચાં, અને સર્વે હસતે મુખે ઉઠે છે તેવામાં એક માણસે મૂળરાજને એક ચીઠ્ઠી આપી, મૂળરાજે મણિરાજને આપી, મણિરાજે તે વાંચી અને શોકમાં પડી પ્રધાનને કહ્યું.

“પ્રધાનજી, આપ હવે સત્વર ઘેર પધારો.”

વિદ્યા૦ - “મહારાજ, એ સમાચાર કુમુદના હશે એમ હું ધારું છું. મ્હારું એ પુષ્પ કરમાઈ ગયું.”

મણિરાજ - “આપના પિતાજી પાછા ફરવાના સમાચાર આ ચીઠીમાં છે.” ​ખાચર૦ –“શું કુમુદસુંદરી હાથ ન લાગ્યાં ? વિદ્યાચતુર ! પુત્રીનો વિયોગ મહાદુ:ખ કરે છે તેનો મને અનુભવ છે.”

મણિ૦ – “પ્રધાનજી, હવે સત્વર ઘેર પધારો. આપના ધર્મમાં કુટુંબને અંશભાગી કરો. હું પણ ત્યાર સોરો આવી જઈશ. પ્રધાનજી, આપનું ધૈર્ય જાણનારે વધારે સૂચના કરવી પુનરુક્ત છે. બાકી મ્હારા ખેદથી તમારા ખેદની કલ્પના કરું તો તો પાર ર્‌હે એમ નથી.”

મણિરાજની આંખ ભીની થઈ. સર્વ મંડળ અવસન્ન થયું. બે મીનિટના મૌનને અંતે વિદ્યાચતુર બોલ્યો “મહારાજ, આણી પાસથી કુમુદ જવા બેઠી અને આણી પાસથી પ્રમાદધન પણ ગયા. મ્હારું અને બુદ્ધિધનભાઈનું ઘર – બેનાં ઘર સાથેલાગાં શૂન્ય થયાં. મ્હારા કરતાં એમનું દુ:ખ અનેકધા વધારે છે. એમના દુ:ખમાં મ્હારું દુ:ખ ભુલુંછું.”

શોકવાર્તા કરતાં કરતાં વિદ્યાચતુરને મુત્સદ્દી મંડળ ભેગો ગાડીમાં વીદાય કરી, મણિરાજ, ખાચર, અને મૂળરાજ બીજી ગાડીમાં ચ્હડયા. થોડી વાર એ ગાડીમાં મૌન પ્રવત્યું. અંતે ખાચર બેાલ્યો.

“ મણિરાજ, આ વાતોડીયા મંડળીમાં બેસવામાં આપણા નાચરંગના દરબારનું ખરચ નથી ને નુકસાન પણ નથી એટલો લાભ ઓછો નથી. એ મંડળીમાં બેસી તમે સર્વે સાંભળ્યાં કરો છો અને બોલતા નથી તે જોઈ હું પ્રસન્ન થાઉં છું. પણ એ લોકની પુસ્તકીયા બુદ્ધિનો પટ તમારા મન ઉપર બેસી જાય નહી તેની સાવચેતી રાખજો.”

મણિરાજ – “એ બુદ્ધિને પ્રધાનજીનો અનુભવ ચાળી નાંખે છે, અને આપના જેવાના સમાગમકાળે તેમાંના કુપથ્ય ભાગ નીકળી જાય છે.”

ખાચર – “એટલું બસ છે. બાકી જે વિષયની આજ વાતો ચાલતી હતી તેના સંબંધમાં ચક્રવર્તીની રાજનીતિની વાતો તો ઠીકઠીક છે. પણ એમના અધિકારીઓમાં સારાનરસા આવે છે અને આપણને અકળાવે છે તેનું શું કરવું એ વીશે તમે કેવો વિચાર કર્યો છે?”

મણિ૦ – “સત્ય પુછો તો મ્હારે તેમની સાથે એવી તકરાર હજી સુધી નથી પડી. વડીલ મહારાજે પરરાજ્ય સાથે અથડાઅથડી ન થવાના માર્ગ રચી મુકેલા છે તેની પ્રનાલિકાએ ચાલતાં અમને બહુ સુખ પડે છે. આપ સુચવો છો એવી તકરારનો મ્હારે પ્રસંગ જ નથી આવ્યો, પણ દેવઈચ્છાથી એ પ્રસંગ આવશે ત્યારે આપ કઈ નીતિ દર્શાવશો તેનો પ્રકાશ પાસે રાખીશ.” ​ખાચર--“ એ તમારે માથે ઈશ્વરની કૃપા સમજવી કે સાહેબ લોક ને તેમનાં માણસે સાથે મારામારી થવા વખત નથી આવતો. પણ આવો શીળો દિવસ રોજ નહી ર્‌હે, માટે સાંભળી લ્યો. ચક્રવર્તી ને ગવર્નર ને કલકત્તાવાળા તો છેટે રહ્યા. પણ આ પાસેના સાહેબોમાં બે બહુ સારા આવે તે બે બહુ નરસા આવે છે; બે બહુ ડાહ્યા આવે તો બે બહુ મૂર્ખા આવે છે. એમનો ઢંગધડો કંઈ નહી; એક આમ હાંકે, ને બીજો આમ હાંકે. ત્યારે આપણે જેવાની સાથે તેવા થવું પડેછે. એમનું સુખ એ કે તુમારીયાંથી સરકાર સાથે કામ લે ને નઠારો સાહેબ બે નરસાં તુમારીયાં તમારે માટે સરકારમાં મોકલી જાય તો સારો સાહેબ બે સારાં મેાકલી જાય. આપણે એવા શા હઈએ કે એ સઉમાંથી કોઈ આપણા વળનો થાય નહી? માટે હમેશ એટલી સરત રાખવી કે વારાફરતી કોઈ કોઈ સાહેબ આપણે માટે સારાં તુમારીયાં લખતો જાય. પછી સરકાર તો તુમારીયાંની આંખે સઉ વાંચે, એટલે બે વાર નાખુશ થાય તે બે વાર ખુશ થાય અને વિચારે કે જ્યારે એક આપણું સારું બોલે છે ત્યારે બીજા તુમારીયાના લખનારની આંખમાં જ કંઈ કાણું હોવું જેઈએ. આટલું થયું એટલે આપણે જીત્યા.”

“બાકી તો એક સાહેબ કુદે ને રાતોપીળો થાય ત્યારે મનમાં સમજવું કે તું જવાનો ને હું ર્‌હેવાનો છું, બે દિવસ દારૂ પી લે. ગાંડાં ક્‌હાડે તે વેઠવાં, પણ સામે ઘા કરવો નહી.”

“એ લોક મૂર્ખા હોય તો પણ તેમની કલમ જબરી ને તુમારીયાંમાં આપણે એને પ્હોચી વળીએ નહી; જબરી વિદ્યાવાળાથી છેટે જ નાસવું, કારણ એ લોક વગર ઘાયે હણે. એમનાથી છેટે હઈએ માટે આપણને એમને ઘા પ્હોચશે નહી એમ પણ ધારવું નહી[19] - સરકાર પાસે એમના કાન; દેખીયે નહી ને ઘા કરે.”

“એમ કરતાં સામાં થવું હોય તો ધડી વાર વીસામો લેઈ વિચાર કરવો કે આપણો હાથ કેટલે પ્હોચશે. જે નદીને પેલે પાર તરી જવાનો વિશ્વાસ હોય નહી તે તરવાને પાણીમાં પડવું જ નહી. કોઈની પાસેથી એવું ખુંચી લેવું નહી કે આપણા હાથમાં આવેલું

પાછું તે ખુંચી લે.[20] જેનું મૂળ ઉખેડી ન નંખાય એવું ઝાડ ખોદવું નહી; જ્યાં સામાનું માથું ન પડાય ત્યાં તેને હણવો નહી.[21] મણિરાજ, તરવાર વડે લ્હડવાનું તો નથી, પણ કલમ વડે લ્હડતાં પણ આ અનુભવની વાતો સરત રાખવી. સાહેબ લોક સરકારના દીકરા, તેમના વાંક માબાપને વસવાના નહી અને વસે ત્હોયે તેમને શિક્ષામાંથી બચાવવા આપણને ધમકાવશે. કૌરવનાં માબાપ દીકરાઓના બધાયે વાંક સમજતાં હતાં, પણ તેમણે તેમને વાર્યા નહી, અને ગમે તેટલા પણ પાંડવ પારકા દીકરા, તેમના ઉપર ક્રોધ કર્યો, અને વ્યાસજીએ પાંડવને શાપ દેવા મનાઈ કરી ત્યારે બોડકી ગાંધારીએ ત્રીજા ઘરના શ્રીકૃષ્ણને શાપ દીધો કે જાદવાસ્થળી કરી ત્હારું કુળ સત્તાનાશ પામજો. જબરા દીકરાની મા પાસે દીકરાની ફરીયાદો લઈ જનાર પરભારો બાળક ગાળો ખાઈ પાછો આવે, અને પરભારાના પક્ષ લેનારને શ્રીકૃષ્ણના જેવા આમ છાંટા લાગે. આપણે સાહેબલોક સાથે લ્હડીયે તો આપણે પાછા ફરીયે ને આપણી સાથે આપણા સ્નેહીઓને પણ ખમવું પડે. ખરું પુછો તે આ કલમની લ્હડાઈ એ બઈરાંની ગાળો જેવી ને વાણીયાના હોંકારા જેવી વાત. તેમાં આપણે ફાવીયે નહી - રજપુતેાની લ્હડાઈઓ ગઈ.”

“આટલા બધા વિચાર કર્યા પછી પણ એવો કોઈ સાહેબ વેઠાય જ નહી અને તેને ઉખેડવાનું ઠીક લાગે ને તેમ કરવું આપણાથી બને તેમ હોય તો એ કામ પાકું કરવું, એટલું જ નહી, પણ અનાજનાં છોડાં સળગેલાં હોય તેમ ઘણી વાર એકલો ધુમાડો જ નીકળ્યાં કરે અને ભડકો થાય નહી એમ ન કરવું; પણ તરત ભડકો ભભુકે ને આકરા તાપથી સામાને પોતાની ઝાળ દેખાડી દે એમ શીસમના બળતણ પેઠે આપણું પરાક્રમ ક્ષણવાર પણ જણાય અને આપણો પ્રકાશ જગત દેખે એવું કરવું? [22]રાજાઓ હાથ ઉપાડે અને તેનું ફળ થાય નહી તે તેટલા પ્રમાણમાં તેમનું રાજત્વ ઘસાય એવું તમારા પિતા ક્‌હેતા ને તે યથાર્થ છે. પ્હેલી વારના દ્યૂતને અંતે દ્રૌપદી ઉપરનો જુલમ જોતાં પણ આંધળા ધૃતરાષ્ટ્રને ન્યાય કે દયા ન સુઝ્યાં તેને પાપી પુત્રોની દુષ્ટતાએ ઉપાડેલા ઈશ્વરી ઉત્પાત જોઈ બ્હીક લાગી ત્યારે દ્રૌપદીને માગ્યાં વરદાન આપ્યાં ને પાંડવોને છોડ્યા. તે જ પ્રમાણે અધિકારી સાહેબો સામી સાધારણ ફરીયાદો ન સાંભળનાર સરકારની નજરે એ સાહેબો અતિદુષ્ટ થયલા દેખાશે ત્યારે એ ના એ સરકાર તેના ઉપર હાથ ઉપાડશે ને આપણું રક્ષણ કરશે. આવો કાળ આવે ત્યારે મજબુત પુરાવો અને પૂર્ણ રાજત્વ દેખાડી સફળ હાથ ઉપાડવો ને ત્યાં સુધીનો માર વેઠી લેવો.”

“ઘણી ફરીયાદ કરનાર ઉપર સાંભળનારને કંટાળો આવે છે. માટે આવા પ્રસંગ શીવાયના પ્રસંગોએ તે સાહેબો ઉપર ફરીયાદ ન કરતાં તેમની જ પાસેથી કળાથી કામ ક્‌હાડી લેવાં.”

“હોંશીયાર ને પાકા સાહેબોની પાસેથી કામ ક્‌હાડી લેવું હોય તો તેમનાં કામ ભેગું આપણું કામ ક્‌હાડી લેવું. કોયલ કાગડીનાં ઈંડાં ભેગાં પોતાનાં મુકે તે બધાં ઈંડાં સાથે સેવાય ને કોયલનું બચ્ચું જન્મી જાતે ઉડી જાય. સરકારે સોંપેલાં કામ સાહેબો પોતાનું ગણી કરી લે છે અને આપણા કામ પણ સરકારે સોંપેલાં ગણી વગર ભલામણે પોતાનાં કામ ભેગાં કરી લે છે. કોયલ કાગડાને કાંઈ ક્‌હેતી નથી તેમ આવા સાહેબોને આપણે કાંઈ ક્‌હેવાનું નથી. આપણાં ઈંડાં તેમનાં ઈંડાં જેવાં દેખાય, આપણું હિત તેમનાં હિતમાં જ લેખાય, તે એ ચતુર જાતની ચતુરતાને આપણને પણ વગર માગ્યે લાભ મળે. એમની સેના ભેગા રહી આપણા દીકરા રજપુતાઈની કળા જાળવે તે આનું દૃષ્ટાંત."

“નઠારા અને બળવાન સાહેબો સાથે સામાં થઈ લ્હડવાનું ચાલતા સુધી રાખવું નહી. જો તેમનો નાશ ઇષ્ટ હોય તો તેમની સ્વારીના ઘોડાની નીચે પેંસી વરાહની કળા વાપરવી. જે સાહેબ વરાહને પોતાના ઘેાડા નીચે પેંસવા દેવાની ગફલત કરશે તે સાહેબ ઉપર તેના ઉપરીઓ બહુ દયા નહી દેખાડે. સામાના ઘોડાની તળે જતા પ્હેલાં શરીર પ્રકટ થશે તો આ કળા રમતાં એ સાહેબના ભાલાની બ્હીક છે તે ભુલવું નહી.”

“લેાભી સાહેબો પાસે સોનાના મેરુ જેવાં દેખાવું. છેટેથી આપણું સોનું લેવા આવે, પર્વત ઉપર ચ્હડતાં થાકે, અને એમ કરતાં આવે તો ​સોનાને કડકો કાપી પણ જાય ને મેરુનો ઉપકાર માની કામ કરે. પણ ભુલ્યે ચુક્યે આપણે જાતે “સોનું લ્યો ” એમ ક્‌હેવું નહી. કારણ એ માત્ર સોનાની શેાભા જોતો હોય અને આપણે “લ્યો” કહીએ તો ફસાઈએ. આપણી શોભા જોઈને જ આપણા પર પ્રીતિ કરે એવા સાહેબ પણ હોય છે. તેની પાસે જોવાના મેરુ થવું.”

“સોનાના મેરુ થઈ શકવાની ઉદારતામાં કે કળામાં આપણે ન્યૂન હોઇએ તો સામાને આપણું ઘર પઈસાનું ખાલી અને માણસ વગરનું શૂન્ય દેખાડવું, આપણી પાસે તેને લલચાવવાને કોડી નજરે જ પડે નહીં, આપણી ચાડી ખાવાને ઘરમાં કોઈ માણસ દેખાય નહી, અને જાતે ઘર શૂન્ય જોઈ જોનાર ચાલ્યો જાય ને આશા રાખે નહી ને થતું થવા દે એ પણ એક માર્ગ છે.”

“આ છેલ્લી બે કળાઓ ચતુર માણસને વશ કરવાની છે, મૂર્ખને વશ કરવા નટ થવું અને નાટક કરવાં – જેમાંના એકને વીરરાવ માખણ ક્‌હે છે તે."

"સામો સાહેબ ડાહ્યો અને સદ્ગુણી હોય તે તેના ઉપર હૃદયમાંથી ભક્તિ રાખવી અને બ્હારથી સરખાપણે મિત્ર થવું; હૃદયમાં તેના દાસના દાસ થવું, અને જગતની આંખે આપણો મોભો હલકો ન થાય એવો મિત્રાચાર પ્રકટ રાખવો. જે લેતાં આવડે તે પૃથ્વીમાં સોનાનાં ફુલની વાડીઓ ઠેકાણે ઠેકાણે છે, શૂર, વિદ્યાવાન અને સેવા કરી જાણનાર તે ફુલો ચુંટે છે.[23]મણિરાજ, રાજાઓ કાળને રચે છે અને આપત્તિકાળને સ્થાને સંપત્તિકાળ કરી નાંખે છે તે આવી કળાઓથી ને આવાં ફુલ ચુંટીને. આખો રજવાડો અકબર બાદશાહની સેવા કરતો હતો. સાહેબો મહાત્મા હોય તો તેમના ભક્ત મિત્ર થવામાં બાધ નથી. બીજી રીતના નાશ પામવા પ્રજાને પરવડે, પણ જેની વર્તણુકમાં એ પ્રજાનાં સુખદુ:ખ રહેલાં છે તે રાજાને મમત પરવડે એમ નથી.”

“આ પ્રમાણે જેવો સામો માણસ તેવા આપણે થવું, અને જે કળાથી તેની સાથેના વ્યવહારમાં આપણું કલ્યાણ થાય તે કળા વિવેકથી વાપરવી, એવું આપદ્ધર્મના પ્રકરણમાં ભીષ્મપિતામહે ધર્મરાજનેજ ધર્મવચન કહેલું છે. સરકારના ધર્મરાજ્યમાં એમના સાહેબો આપણને આપત્તિમાં

​આણે ત્યારે આપણે પણ કોકિલ, વરાહ, મેરુ, શૂન્ય મ્હેલ, નટ, અને ભક્તિમિત્ર એ છમાંથી જે ઘટે તે રૂપ રાખવાનું છે.[24]આ વૃદ્ધોના મહાન અનુભવનું વાકય છે. આપણ રાજાઓની તે કાળે કાળે કળાઓ.”

“મણિરાજ, પ્રારબ્ધ અને દેવ એ બે વાનાં પ્રજાને માટે છે પણ પ્રજાનું કલ્યાણ કરવામાં અને રક્ષણ કરવામાં રાજાએ પ્રારબ્ધ ન માનવું પણ પુરુષપ્રયત્ન જ માનવો એવું તમારા પ્રધાનનું વચન અક્ષરે અક્ષર સત્ય છે. પ્રારબ્ધ માનનાર રાજા નષ્ટ થાય છે. પ્રારબ્ધ અને સંતોષ સ્ત્રીઓને અને બ્રાહ્મણોને માટે છે. પ્રજાનાં પ્રારબ્ધ રચવાનો ને ફેરવવાનો અધિકાર ને ધર્મ રાજાને માટે છે માટે જ તેમાં ઈશ્વરનો અંશ ક્‌હેવાય છે. મણિરાજ, સરત રાખજો કે આપણે તો કાળે કાળે કળાઓ કરવાની છે. કાળ આપણા ઘોડા ને કળા એની લગામ !! પ્રારબ્ધથી ડરી એ લગામ કદી મુકી દેશે નહી! ”

અનુભવી અને ચતુર શ્વશુર-રાજના ઉશ્કેરાયલા હૃદયમાંથી, તાકતી આંખોમાંથી, ને સ્થિરધીર મુખમાંથી નીકળતો આ સૂક્ષ્મ ઉપદેશ જામાતૃ-રાજ અત્યંત ધ્યાનથી અને એકાગ્ર ઉત્સાહથી સાંભળતો હતો અને એ બે શત્રુ કુળમાં મૈત્રી રચવાની પ્રતિજ્ઞા લેનાર મૂળરાજ આ ઉપદેશના ઉદ્દારથીજ પોતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઈ સમજાતાં પોતાની રાજભક્તિના વૃક્ષને સફળ થયું માની તૃપ્તિ-સુધા પીતો હતો, તેવામાં પ્રથમ તેમના સ્વાર અને પછી તેમના ઘોડાઓ મલ્લરાજના પુત્રના મ્હેલના બાગના ભવ્ય દરવાજામાં ખોંખારતા ખોંખારતા પેંઠા – તેની સાથે ભાગ્યશાળી મલ્લરાજની પવિત્ર ચતુર અને ઉદાર રાજનીતિનો આ ફાલ એ ત્રણે જણના હૃદયમાં ઉદય પામ્યો. એ ફાલને પુષ્પે પુષ્પે લખેલું હતું કે સાત્વિક રાજનીતિનો પોષક ધર્મરાજા જીવતાં સ્વર્ગ ભોગવે છે, અને પાછળના રાજાઓ અને તેની પ્રજાઓ, એવી સગર્ભ રાજનીતિનાં પુણ્ય ફળને ભોગવી, એવા ધર્મરાજના અમર આત્માને અમર પ્રેયસ્કર ગતિ આપે છે ને क्षीणे पुण्ये मृत्युलोके वसन्ति એ શાસ્ત્ર આ અક્ષય પુણ્યવાળા મહારાજને કદી અડકવા પામતું નથી.


  1. ચારિત્ર્ય દુષણ = લાઈબલ = પારકાની આબરૂ હલકી ક૨વી.
  2. ચંડકૌશિક
  3. Shaking hands.
  4. “ The process of infusing vitality into the Native States and quickeningthe abolition of time - honoured abuses seems needlessly slow to impatientreformers. . . . It would be an unfortunate conclusion to theefforts made in the Nineteenth Century for the preservation of NativeStates if the impatience of the Twentieth Century, or the indifference ofthe Native Chiefs to their own higher responsibilities, should force uponthe statesman of the future a dissolution of the union.”-Lee Warner'sProtected Prince of India.”
  5. “The Roman conquest, relieved the nations from the interminabledissensious which threatened them on the dissolution of the Macedonian dynasty. The wars of the 'kites' and 'crows' were succeeded by a periodof internal tranquillity more extensive, more durable, and more profoundthan any other in human annals. The Pax Romana stands out as an uniquephenomenon in history. It was consolidated partly by the power of theRoman arms in repelling aggression from without ; but not less perhapsby the constraining pressure of Roman law, which made every subject ofthe world-wide dominion know his place, and confine himself within it.The Roman law was an active and living principle, It was always open toreceive new impressions and was anxious for improvement and development.It set before itself ideas of humanity and justice which it aimed at accomplishing, It trained multitudes of keen intellects in the contemplation andpursuit of broad and noble ends. It constituted in itself a wide and liberaleducation and familiarised its students first with the highest philosophy, andafterwards with the purest religion of the period. Nor was it unsuccessfulin the attainment of its practical objects, It generated a spirit of confidence in the government, of obedience to command, of general contentment, .and gave scope to the discipline of domestic affections.-Merivale.
  6. *While, with the compounding of small societies into large ones the political ruling agencies which develop locally as well as generally, become separate from, and predominant over, the ruling agencies of family origin, these last do not disappear; but surviving in their first forms, also give origin to differentiated forms. The assemblage of kindred long continues to have a qualified semi-political autonomy, with internal government and external obligations and claims. And while family-clusters, losing their definiteness by interfusion, slowly lose their traits as separate independent societies, there descend from them clusters which, in some cases united chiefly by locality and in others chiefly by occupation, inherit their traits, and constitute local governing agencies supplementing the purely political ones.-Spencer's Political Institutions.
  7. The barons proclaimed themselves the army of God and HolyChurch. The middle classes of England, both the yeomanry in thecountry and the Burghers in the towns, actively aided them; and renderedtheir success certain. It was no longer a rising of one order of the community but a movement of all the free-men of the land. John seems to haveperceived the formidable importance which it thus assumed and heendeavoured to detach the barons from the national cause by offeringspecial terms in favour of themselves and their immediate retainers. Butthe baronial chiefs felt their true position as champions of a notion's rightsand disregarded the insidious offers of the King . . . who, in despair, sentthe Earl of Pembroke to inform them that he was ready to comply withtheir petitions, and to desire that a place and time might be manned for aconference. : The barons answered, “Let the day be the 9th of June, theplace, Runnymede.”–Sir Edmand Creasy's Rise and Progress of the British Constitution
  8. नशुष्कवैरं कुर्वीति बाहुभ्यां न नदी तरेत्। अनर्थकमनायुष्यं गोविषाणस्य भक्षणम् ॥ दन्ताश्च परिमृज्यन्ते र्ससश्चापि न लभ्यते ॥ મહાભારત , શાંતિપર્વ
  9. મહાભારતમાં એક કથા એવી છે કે પવનના રાજ્યમાં શાલ્મલિ વૃક્ષે તેને નારદની પાસે ઉભાં ઉભાં ગાળો દીધી, નારદે પવનને કહી, અને પવનરાજે પોતાના બળનું ભય દર્શાવી શિક્ષાની ધમકી આપી ત્યારે ભયથી એ વૃક્ષ જાતે જ શીર્ણ થયો.
  10. Harmony, સર્વ રાગોનો એક રાગમાં લય.
  11. The federation, like the colony, is an idea derived from the old world. The old world knew the federation and the colony on a small scale; the new world has taught us to know them both on a great scale. The new world will perhaps go far beyond this, and teach the old world not only to organize the colony, but how to apply the federation to old States. The nations of the old world are being forced more and more together, sometimes by necessities from within, sometimes by pressure from without. The recently achieved unions of Germany and Italy may be looked upon as proceeding from the spirit of federation in a modified form and we may yet expect the exemplification of the same principle on the soil of the old Europe. Some have even predicted that a federation of the nations of Western Europe will be forced on by the increased aggressiveness of Eastern Europe : a federation of peoples inspired by the modern spirit of commerce and industry against those which are yet filled with the mediæval lust of conquest.-F, J. Payne.
  12. Its ( the paramount power's ) duty is not only to protect, but to give strength and vitality to the Native sovereignties, allowing them full scope to develop their own systems of administration. It must rely to a large extent on the argument that, not merely the interests of British territory, but the solid interests of each protected sovereign, are bound up in the common good of the United Empire." – Lee Warner's Protected Princes of India.
  13. Asia and Africa themselves will perhaps be gradually Europeanized through the preponderance given to European ideas by the independent forces of the new world,- E. J. Payne.
  14. “They (the Native States) form so many centres where the Sikh, the Mahomedan, the Maratha, and the Dravidian can each bring out to the best advantage whatever may be peculiar in his national character and national institutions, under the generalising influence of English principles and English civilisation. Their opportunities for this lie essentially in the future.” . . . “ It is to be hoped that in the course of time there will be cemented between the paramount power and its fendatories a confidence and affection such as can be born only of a complete comprehension of the native modes of thought on the one side, and an appreciation of the great moral ends aimed at by modern civilization on the other. An understanding of that description would be the certain prelude to the grounding of a system compared to which that even of Akbar, was 'the baseless fabric of a vision.' When not only the higher governing classes - who already appreciate the truth - but the great mass of Englishmen employed in India shall have schooled themselves to believe that real predominance consists alone, not in belonging to a mis-called dominant race, but in predominance in learning, in ability, in the higher mental qualities and moral powers of a man, irrespective of his colour, his nationality, and his creed ; when, too, the native shall have completely learned, as he is fast learning, that to take part in the affairs of the present age it will be necessary to abandon prejudices which restrict his progress, then only we may feel that India is entering up a path which will tend to her advancement in greatness and open out careers for her sons.”– Col, G. R. Malleson’s Native States of India.
  15. The Constitution of the German Empire bears date April 16th, 1871. By its terms, all the States of Germany 'form an eternal union for the protection of the realm and the care of the welfare of the German people.' The supreme direction of the military and political affairs of the Empire is vested in the King of Prussia, who, in this capacity, bears the title of Deutscher Kaiser. According to Art. II of the Constitution, 'the Emperor represents the Empire internationally, and can declare war, if defensive, and make peace, as well as enter into treaties with other nations, and appoint and receive ambassadors. To declare war, if not merely defensive, the Kaiser must have the consent of the Bundesrath, or Federal Council in which body, together with the Reichstag, or Diet of the Realms, are vested the legislative functions of the Empire. The Emperor has no veto on laws passed by these bodies, The Bundesrath represents the individual States of Germany, and the Reichstag the German nation, The 58 members of the Bundesrath are appointed by the Governments of the individual States for each session, while the members of the Reichstag, 397 in number ( about one for every 124,505 inhabitants ), are elected by universal suffrage and ballot, for the term of five years. By the law of March 19th, 1888,which came into force in 1890, the duration of the legislative period is five years.-The Statesman's Year Book, 1896.
  16. No European power would now think of going to war for winning its neighbour’s colonies, because colonial commerce is now in the main subject only to nominal restrictions and greater benefits than were derived in the last century by each nation from the exclusive commerce of its colonies now lie open to all, in trading system which is adopted by most nations in proportion to their enlightenment. We have thus seen the colonial system fall, and groups of free nations spring up in its place. This is the whole history of the new world. E. J. Payne
  17. "The secret of Roman success lay in the policy of separation and division. The secret of British success lies in the fact that one supreme authority was needed to keep the peace, to arbitrate between state and state, and to unite the isolated groups of Hindu, Mahomedan, and Aboriginal societies, under one standard of allegiance and one tie of common interests. The task which a Western nation has undertaken in Far East is ambitious and full of anomalies. Who are the partners in the Empire ? On the one side are nearly five hundred princes and chiefs * * * * *. On the other are a few officers of Government.” Lee- Warner's Protected Princes of India
  18. “Constant changes . . the restless activity of the age and itsceaseless innovations are constantly bringing about. The day has passedwhen the East could 'bow low before the storm in patient deep disdain.'The legions still thunder by, but Oriental society can never go backentirely to what it was. To-morrow will not be as yesterday, and theintercourse of the Native States with the British Government canbe no exception to the rule.”-Lee-Warner.
  19. पण्डितेन विरुद्धः सन् दूरस्थोऽस्मीति नाश्वेसेत् । दीर्धो बुद्धिमतो बाहू याभ्यां हिंसति हिंसित:॥ મહાભારત, શાંતિપર્વ.
  20. न तत्तरेद्यस्य न पारमुत्तरेत् न तद्धरेद्यत् पुनराहरेत्परः ॥ શાંતિપર્વ.
  21. तत्खनेद्यस्य न मूलमुद्धरेत् हन्यान्न तं यस्य शिरो न पातयेत् ॥ શાંતિપર્વ.
  22. मुहूर्तमपि राजेन्द्र तिन्दुकालतवज्ज्वलेत् न तुशाग्निरिवानर्चिर्धूमयेत चिरं नरः ॥ શાંતિપર્વ.
  23. सुवर्णपुष्पितां पृथ्वीं चिन्वन्ति पुरुषास्त्रयः । शूरश्च कृत- विद्यश्च यश्च जानाति सेवितुम् ॥
  24. कोकिलस्य वराहस्य मेरोः शून्यस्य वेश्मनः। नटस्य भक्तिमित्रस्य यच्छ्रेयस्तत् समाचरत्।। શાંતિપર્વ