સરસ્વતીચંદ્ર ભાગ ૪/સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મકામ.

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મકામ.

“ True Love's the gift which God has given “ To man alone beneath the heaven; “ It is not fantasy's hot fire, “ Whose wishes, soon as granted, fly; “ It liveth not in fierce desire, “ With dead desire it does not die; “ It is the secret sympathy, “ The silver link, the silken tie, “ Which heart to heart, and mind to mind, “ In body and in soul can bind.” Scott's Last Mimstrel. ​સાયંકાળે ત્રણે મઠની નિરીક્ષા કરવા વિષ્ણુદાસ પોતાના મઠના સર્વે અધિકારીયોને લઈ નીકળ્યા, અને તેમનાં અધિષ્ઠાતા અને અધિષ્ઠાત્રીઓને – તેમના મઠની સ્થિતિ, મઠસ્થ સાધુજન અને આગન્તુક જન, મઠમાં ચાલતા સદભ્યાસ અને સદુદ્યોગ, સદ્ધાસનાઓ અને અલખબેાધન, આદિ વિષયો વીશે – વિવિધ પ્રશ્નો પુછ્યા, વિવિધ સૂચનાઓ કરી, અને સાથે આવેલા સરસ્વતીચંદ્રને એ સર્વ વ્યવસ્થા પગે ચાલતાં ચાલતાં સમજાવી. ચન્દ્રોદયકાળે યમુનાકુંડ પાસે ચોકમાં વિહારમઠની સ્ત્રીઓએ રાસલીલા નાટકરૂપે ભજવી. કેટલીક સ્ત્રીઓએ કૃષ્ણના વેશ લીધા હતા અને બાકીની સ્ત્રીઓ ગોપીઓ થઈ હતી. એક સ્ત્રી રાધા થઈ હતી, અને પાંચ છ સખીઓ થઈ હતી. પ્રથમ ગોકુળના ગૃહસંસારનો પ્રવેશ અને તેમાં ગોપિકાઓના ગૃહવ્યવહારનું નાટક ભજવાયું અને તે કાળે માત્ર મોરલીનો અવ્યક્ત દૂરથી આવતો સ્વર સાંભળી ગોપિકાઓ ચમકતી હતી અને ગૃહ છોડી મધુવનમાં જવા તત્પર થઈ બીજા પ્રવેશમાં કદમ્બ ઉપર કૃષ્ણ મોરલી વગાડતા હતા ત્યાં તેમને શોધતી શોધતી ગોપિકાઓ વિવ્હલ જેવી આવી, અને કમળની આશપાશ મધુકરીઓનું ટોળું ભમે અને ગુઞ્જારવ કરે તેમ કરવા લાગી. ત્રીજા પ્રવેશમાં એ વૃક્ષ પાસે અનેક રૂપે કૃષ્ણ અને અનેક ગોપિકાઓનો રાસ થયો તેમાં સંગીત, વાદ્ય, અને નૃત્યનો ઉત્તમ સંવાદ યોજયો હતો. ચોથા પ્રવેશમાં રાધા અને સખીઓ એ મંડળમાંથી જુદી પડી અને રાધા કૃષ્ણ સાથે અદ્વૈતવાસના સંગીતથી દર્શાવવા લાગી. પાંચમા પ્રવેશમાં રાધાકૃષ્ણનું યમુનાતીરે પરસ્પરલીન સંગીત અને નૃત્ય થયું, અને રાસલીલા સમાપ્ત થઈ. પ્રવેશારમ્ભે અને પ્રવેશાન્તે ભજવાયલા અને ભજવવાના ભાગનાં રહસ્ય સ્પષ્ટ કરવાનું કામ મોહિની કરતી હતી. તે સર્વને અન્તે મોહિનીએ પોતાના આતિથેયનું સુપાત્ર થયેલી મધુરીનું સર્વ સાધુમંડળને અભિજ્ઞાન કરાવ્યું, અને તેની બુદ્ધિ, વિદ્યા, રસિકતા, અને વિપત્તિઓનું દર્શન કરાવવા “માજી, મને કોઈ જોગી મળ્યો ને વાત કરીને વાહી”- એ મધુરીનું જોડેલું ગીત બિંદુમતી પાસે ગવડાવ્યું, અને અન્તે "નંદકો નંદન એક આનંદ દેત હય ” એ ગર્જના કરતું કરતું સર્વ મંડળ લગભગ મધ્યરાત્રિયે છુટું પડ્યું, અને દુષ્ટ અને શ્રુત પદાર્થોની ચર્ચા કરતું કરતું સ્વસ્થાનકેામાં ગયું અને નિદ્રાવશ થયું. ​સર્વ નિદ્રાવશ થયાં પણ કુમુદ અને તેના ઉપર વત્સલ થયલું મંડલ જાગૃત રહ્યું અને બીજો એક પ્રહર વાર્તામાં ગાળ્યો. તેઓ સર્વ મઠમાં આવ્યાં હતાં, પણ ચન્દ્રાવલી આવી ન હતી અને ભક્તિ અને વામની પણ છેટે છેટે તેની પાછળ પાછળ ગયાં હતાં. પ્રાતઃકાળ પ્હેલાં એક પ્રહર બાકી રહ્યો ત્યારે એ ધીમી ધીમી વાતો કરતાં પાછાં આવ્યાં અને મોહનીને એકાંત બોલાવી કંઈક વાત કરી તેઓ સમેત સર્વ નિદ્રાવશ થયાં. સૂર્યોદય પ્હેલાં તો રાસલીલા, ગુરુજીએ કરેલી નિરીક્ષા, મધુરીનું જોડેલું ગીત, નવીનચંદ્ર, આદિ અનેક વિષયોની વાતો સર્વ સ્ત્રીમંડળમાં ચાલી રહી, પણ આજ ભિક્ષાપર્યટણનો દિવસ હતો તેથી આ બહુ પ્હોચ્યું નહી અને કુમુદ નિદ્રામાંથી જાગી તે વેળાએ સર્વ મંડળ અલખ જગવવા નીકળી પડ્યું હતું અને બધો મઠ નિર્મક્ષિક થયો હતો. આખા મઠમાં માત્ર પોતે મોહની, ચન્દ્રાવલી, અને બિન્દુમતી રહેલાં કુમુદની ઉઘડતી અાંખને દેખાયાં. સ્નાનાદિ આટોપવામાં બિન્દુ કુમુદને કામ લાગી, અને સર્વ પ્રાતરાહિ્નકમાંથી પરવારી રહ્યાં એટલે મઠના દ્વારમાં અને તેના પગથીયાં ઉપર રહેલું મંડળ બેઠું અને ગોષ્ઠી કરવા લાગ્યું.

"બિન્દુ, આજ કીયા જ્ઞાનની ગોષ્ઠી કરીશું ?” મોહનીએ પુછયું.

“હું તો શ્રીકૃષ્ણ પરમાત્માને વરી છું તેને બીજું જ્ઞાન શું જોઈએ ? પણ રાધાજી જેવી પરાભક્તિનો રસ ઘટ થાય એવી કળા હોય તો બતાવો.” બિન્દુ બોલી.

મોહની – સ્થૂલ શરીરમાં સ્થૂલ કામ અને સ્થૂલ પ્રીતિની ઉત્પત્તિ છે. સ્થૂલ વિષયમાંથી સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ કામ, અને સૂક્ષ્મ પ્રીતિ એ ત્રણ અલખ ભાગને લખ કરવા, અને તેમાંથી અન્તે પરાભક્તિના અલખ અદ્વૈતને લખ કરવું અને અનુભવવું એ મહાકળા રસજ્ઞ દક્ષ સ્ત્રીના સૂક્ષ્મ દેહને સહજ છે.

બિન્દુ૦– તે કેમ થાય ?

મોહની – બે પુરુષોની અથવા બે સ્ત્રીયોની મિત્રતામાં સ્થૂલકામ હોઈ શકતો નથી, પણ સ્ત્રીપુરુષનો સમાગમ જન્મથી કે સ્થૂલ કામથી પ્રકટ થાય છે. માતાપુત્ર, ભાઈબ્હેન, આદિના સમાગમ જન્મથી પ્રકટ થાય છે. એથી સ્થૂલ પ્રીતિ મનુષ્યજાતિમાં થતી નથી અને થાય તો અનર્થ અને અધર્મ્યતાનું શિખર જ ગણવું. એવા સમાગમથી માત્ર સૂક્ષ્મ કામ અને સૂક્ષ્મ પ્રીતિ જ પ્રકટ થવી જોઈએ, જે સ્ત્રીપુરુષ આમ સૌંદર્યાદિથી સંબદ્ધ ​નથી, તેમને ક્વચિત્ આરંભથીજ સૂક્ષ્મ પ્રીતિમાં પડેલાં દેખીયે છીએ. પણ ઘણુંખરુ તેઓના પ્રથમ સમાગમ સ્થૂલ કામથી જ બંધાય છે અને સંસારનાં કામસૂત્ર તેને માટે જ બંધાયેલાં છે. આપણા અલખ માર્ગમાં અલખના લખસ્વરૂપનો આદર રાખી અલખનું બોધન થાય છે, માટે સ્થૂલ કામાદિને આદર આપવામાં આવે છે પણ તે એવી વાસનાથી કે સ્થૂલ વિષયમાંથી સૂક્ષ્મ વાસનાઓ એટલે સૂક્ષ્મ કામ ઉત્પન્ન થાય. આપણા શરીર સ્થૂલ પાર્થિવ છે, તે સ્થૂલ અન્નાદિથી પોષણ પામે છે, સ્થૂલ કામથી પ્રવૃત્ત થાય છે, અને સ્થૂલ ભોગ ભોગવી સ્થૂલ પ્રીતિ પામે છે. આ સ્થૂલ લખસૄષ્ઠિમાંથી નિવૃત્ત થવા ઇચ્છનાર, સૂક્ષ્મ સૃષ્ટિ શોધે છે. આપણા સ્થૂલ શરીરમાં સૂક્ષ્મ દેહ અંતર્ગત થઈ ર્‌હે છે અને એ અલખ સૂક્ષ્મ દેહની અલખ શક્તિનું ઉદ્દબોધન કર્યાથી સૂક્ષ્મ વાસનાઓ અને સૂક્ષ્મ કામ પ્રકટ થાય છે. લખ પદાર્થોના અલખ ધર્મોનું જ્ઞાન, આ વાસનાઓને અને આ દેહને પોષે છે. લખનું સૂક્ષ્મ જ્ઞાન તે સૂક્ષ્મ શરીરનું અન્ન છે અને તે અર્ધુ સ્થૂલ અન્નની પેઠે બાહ્ય સંસ્કારથી અને અર્ધ પરમ જ્ઞાનની પેઠે અલખ ચેતનના અંતઃસ્વભાવથી સૂક્ષ્મ શરીરને પ્રાપ્ત થાય છે. अथातो धर्मजिज्ञासा, अथातः कर्मजिज्ञासा, अथातोः ब्रह्मजिज्ञासा આદિ વાક્યોમાં ક્‌હેલી સર્વ જિજ્ઞાસાઓ તે આવા સૂક્ષ્મ કામનું એક રૂ૫ છે અને તેના ભોગથી ગુરુશિષ્ય અને મિત્રાદિ વર્ગ સૂક્ષ્મ પ્રીતિને પામે છે. અલખ માર્ગમાં મધ્યમાધિકારીઓ અનેક શાસ્ત્રોનાં સૂક્ષ્મ જ્ઞાનાન્નથી પોષણ પામે છે, સ્થૂલ અન્નથી જેમ સ્થૂલ કામનાં દીપનાદિ થાય છે તેમ આ સૂક્ષ્મ જ્ઞાનથી સૂક્ષ્મ વાસનાઓનાં દીપનાદિ થાય છે. જે દમ્પતીઓ સ્થૂલ મદનના પ્રભાવથી વ્યતિષક્ત થયાં હોય અને તે પછી જેમનામાં વિદ્યા, ભક્તિ, આદિથી સૂક્ષ્મ દેહ દ્દઢ બંધાયો હોય છે તેમનામાં આવી સૂક્ષ્મ વાસનાઓ પ્રકટ થાય છે, આ સૂક્ષ્મ કામના ભેાગને અર્થ સ્ત્રી અને પુરુષ સમાગમ રચે છે ત્યારે પુરુષની બુદ્ધિ જે દાન કરે છે તે સ્ત્રીની વૃત્તિથી પોષણ પામે છે. લખસંસારની સર્વ ઉચ્ચનીચ ઘટનામાં જ્યાં જ્યાં આવા સમાગમ થાય છે ત્યાં ત્યાં સ્ત્રીપુરુષનાં સૂક્ષમ શરીર સૂક્ષ્મ કામથી રસાવિષ્ટ થાય છે. સ્થૂલકામભોગમાં રસાવિષ્ટ પ્રાણીઓ સલિલમાં પ્રવેશ કરતાં હોય, ક્ષીરમાં જળ અને જળમાં ક્ષીર સંગત થતાં હોય, એવાં સ્થૂલ સંગત જીવનની વાસના રાખે છે, તેવી જ રીતે સૂક્ષ્મ કામ સૂક્ષ્મ શરીરોના ક્ષીરજલ જેવા સમાગમની વાસના રાખે છે, શ્રીરામ સીતાના સૂક્ષ્મ કામ અને સૂક્ષ્મભોગ આવા જ હતા, માઘ કવિ “गॄहिणि गहनो जीवनविधिः ” કહી સૂક્ષ્મ વાસનાને બળે મરણ પામતાં ​પામતાં ધર્મપત્નીના કરપલ્લવનાં આશ્રયમાં રહી નિર્વાણ પામ્યો. શ્રીકૃષ્ણ ઉદ્ધવનો ઉપદેશ સાંભળ્યો તે એમના હૃદયમાં રહેલાં લક્ષ્મીજીએ હૃદયમાંથી સાંભળ્યો એવું માઘે વર્ણવ્યું[1]છે તે ઉત્પ્રેક્ષા પણ આ સૂક્ષ્મપ્રીતિના બનેલા અદ્વૈતને જ ઉદ્દેશીને છે, જયદેવકવિજીના મુખની અષ્ટપદી પદ્માવતીના સૂક્ષ્મ દેહે જ સાંભળી હતી. સ્થૂલ વાસના ને પ્રીતિ વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થાય છે, શારીરિક દુ:ખથી ગ્રસ્ત થાય છે, જીર્ણ થાય છે તેમ તેમ જીર્ણ ઈષ્ટજનનો મોહ છોડી અન્ય જનને ઈષ્ટ ગણવા લલચાય છે, ભોગાન્તે શ્રાન્ત કરે છે, અને શ્રાન્તિને અંતે પુનરુદ્દીપન કરી શ્રાન્તિ અને દીપનની ઘટમાળ ચલવ્યાં કરે છે, એમાં સ્થૂલ શરીરનું સત્વ નષ્ટ થાય છે, અને સૂક્ષ્મ શરીર મૂઢ થાય છે, અને જેમ જેમ કાળ જાય છે તેમ તેમ માત્ર વ્યસનીના વ્યસન જેવું શુષ્ક નીરસ અને પ્રસંગે દુઃખદ થઈ પડે છે સૂક્ષ્મ શરીરની વાસનાઓનાં લક્ષણ આ સર્વ વિષયમાં આથી વિપરીત જ ગણી લેવાં. આમરણાંત સૂક્ષ્મ પ્રીતિના જ્વાળા જ્વળી શકે છે, સુખદુ:ખમાં અદ્વૈત ર્‌હે છે, સર્વાવસ્થામાં અનુગુણ ર્‌હે છે, કાળ એને અસ્ત નથી કરતો પણ એનાં આવરણનો નાશ કરે છે, જેમ વધારે કાળ જાય તેમ એ પ્રીતિ પ્રીતિના સારરૂપે પરિણામ પામે છે, અને જરાવસ્થાથી વૃદ્ધ વયની વિકલતાથી તેનો રસ નષ્ટ થતો નથી એવું સત્યાનુભવી ભવભૂતિનું વચન છે સૂક્ષ્મ પ્રીતિ ધરનાર દમ્પતીના સૂક્ષ્મભેાગને સ્પર્ધાનું ભય નથી ને વ્યભિચારની અશક્યતા છે. આ સૂક્ષ્મ ભોગાન્તે શ્રાન્તિ નહી પણ શાન્તિ પ્રકટે છે એ કામનું દીપન ભોગથી હોલાતું નથી પણ તેની અખંડ જ્વાલા બળ્યાં કરે છે. દીવામાં જેમ તેલ અને પ્રકાશનો સતત સહચાર ર્‌હે છે તેમ સૂક્ષ્મ કામનો અને તેના ભોગનો સહચાર ર્‌હે છે, દીપન અને શાંતિનો સહચાર ર્‌હે છે, અને ભોગ અને પ્રીતિનો સહચાર ર્‌હે છે. શ્રી અલખના પરમ આનંદરૂપને આ સહચારના આનંદમાં એટલું સામ્ય છે કે સૂક્ષ્મ પ્રીતિના જીવનમાં અલખના પરાનંદનો બોધ અલખનું જ્ઞાન થતાં જાતેજ પ્રકટે છે; જેમ વાદ્યકળાના પ્રવીણ જન પાસે નવું વાદ્ય આવતાં તે વગાડવાની કળા તેનામાં તરત આવે છે, તેમ સૂક્ષ્મ પ્રીતિના અનુભવીને પરાનંદનું

​સ્થાન પ્રાપ્ત થતાં એ આનંદનો અનુભવ સાહજિક કળાથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહી પણ સ્થૂલ પ્રીતિne વિયોગ અને મરણ બે શોકનાં કારણ થઈ પડે છે ત્યારે સૂક્ષ્મ પ્રીતિ તે કાળે પણ પૂર્વવત ભેાગ પામી શકે છે, કારણ એને સ્થૂલ શરીરની અપેક્ષા નથી. તેનાં દૃષ્ટાંત જોવાં હોય તો મ્હારા સ્થૂલ શરીરને વૈધવ્ય પ્રાપ્ત થયું છે ને ચન્દ્રાવલીને સ્થૂલ વિયોગ છે, છતાં મધુરી, તું જો કે અમારી સૂક્ષ્મ પ્રીતિ ઇંધન વિનાના અગ્નિ પેઠે અસ્ત થઈ નથી. પણ રત્નપ્રદીપપેઠે જેવી યોગમાં હતી તેવી જ વિયોગમાં, ઇંધનની અપેક્ષા વિના, હજી પ્રકાશમય છે.

ચન્દ્રા૦- મધુરી, ત્હારી પ્રીતિ પણ સૂક્ષ્મ છે.

કુમુ૦– માટે જ તે અંધકારમાં અખંડિત રહી છે ને નથી નાશ પામતી ને નથી નાશ પામવા દેતી ! અને માટે જ હું માજીના ચરણમાં સ્થૂલ શરીરને રાખી સૂક્ષ્મને ભટકવું હોય ત્યાં ભટકવા દેઈશ.

ચન્દ્રા૦- તું નિરાશ થઈ છે.

કુમુ૦– આશા નિરાશા છે ત્યાં નિરાશા જ આશા છે.

ચન્દ્રા૦- સ્થૂલ કામને સંયમમાં રાખી સૂક્ષ્મ કામના ભેાગની જ તને વાસના હોય તો તે ધર્મ્ય છે ને લભ્ય છે.

કુમુ૦- સ્થૂલ કામને હું દેખતી નથી ને સૂક્ષ્મ કામ દુઃખાગ્નિમાં સૂક્ષ્મતમ ભસ્મરૂપ થાય એવું માજી પાસે માગું છું.

ચન્દ્રા૦- દુલારી, જે મહાત્માને માટેની ત્હારી સૂક્ષ્મ વાસનાઓ શાંત થતી નથી તેને મ્હેં કાલ જોયા. વિષ્ણુદાસજી અને મધુરી ઉભયના પરમ પક્ષપાતનું એ ઉચિત સ્થાન છે તે તેની આકૃતિ ઉપરથી જણાય છે. आकृतिर्गुणान् कथयति॥

કુમુદ – હોય ત્હોયે શું ને ન હોય ત્હોયે શું ?

મોહની – એમ કેમ ક્‌હેવાય ? તમ જેવાના સૂક્ષ્મ કામ તૃપ્ત થાય તો તમને પણ કલ્યાણ ને જગતનું પણ કલ્યાણ.

કુમુદ - એ કલ્યાણ કરવાનો અધિકાર મધુરી જેવી ક્ષુદ્ર કીડીને કયાંથી હોય ?

મોહની – રાસલીલા ત્હેં જોઈ, પણ તેનું રહસ્ય તું ભુલી ગઈ. બિન્દુમતી, શ્રીકૃષ્ણના અધર ઉપર ચ્હડેલી મોરલીની વંશપ્રશસ્તિ કાલ ગવાઈ હતી તે ગા.

બિન્દુમતી ગાવા લાગી. ​

[2]“બહુત,...ગુમા...ન...ભરી...રે, મોરલીયાં ! તું બહુત ૦ (ધ્રુવ) બંસરીયાં ! તું બહુત...ગુ... મા ન...ભરી રે! મોર૦ મેં સુતીતી અપને મ્હેલમે ! ત્હેં મેરી નિન્દ હરીરે! મો૦ જાત વર્ણ તેરી સબ કોઈ જાને, તું જંગલકી લકડીરે ! મો૦ કૃષ્ણજીવન તુંકો મુખસેં લગત હૈ, કર સંગત સધરીરે ! મો૦ ” મોહની – મધુરી, તું નવીનચંદ્રના મુખ ઉપર આવી મોરલી થા અને અમને મોહ પમાડે એવું તેના પ્રભાવથી ગા.

ચંદ્રા૦ – કાલ બંસીધુન ગવાઈ હતી તે પણ ગા.

બિન્દુ૦ –

[3]“બંસીધુ...ન...બ... જ...ર... હી, બંસીધુ...ન...બ...જ...ર...હી શ્રીજુમના કે તી ... ... ર. ! બંસી૦ “સુરવર મોહ્યા, મ્હોટા મુનિવર મોહ્યા, “મોહ્યા મોહ્યા ગન્ધર્વ અખિંલ ! બંસી૦ (અનેક વાર) “બંસી રે સુન કર ગઈ બ્રજબાલા, “વીસર્યો આ તનકો ચીર ! બંસી૦ (અનેક વાર) “બંસીરે સુનક...ર...ગઈઆં રે બીસરી, “બછુવા તજ ગયો ખીર ! બંસી૦” (અનેક વાર) “સુરદાસ હરિ બંસી મુખસેં બજાવે, “સ્થિર રહ્યો શ્રી મહારાણીજીકો નીર ! બંસી૦” (અનેક વાર) ચંદ્રા૦ - મહાત્માના હાથમાં જઈ તેને મુખે ચ્હડી એક જડ બંસરી જગતને આટલું કલ્યાણ આપે છે તો મધુરી જેવી મેધાવિની સુન્દરી નવીનચંદ્ર જેવા દક્ષિણ જનના હૃદયમાં વસી કોનું કોનું શું શું કલ્યાણ નહીં કરે?

કુમુદ – મને તે અધિકાર નથી ત્યાં પછી વધારે વાત શી ?

ચન્દ્રા૦ - આ ત્રણે મઠના ગુરુજીને અને સર્વ સાધુ સ્ત્રીપુરુષોનો પક્ષપાત જેને આજ આ ઉત્તમોત્તમાધિકારે મુકે છે તેના ઉપર શું તને પક્ષપાત નથી ? શું ત્હારું હૃદય તેના લાભનો ત્યાગ કરી શકશે ?

કુમુદ - આ સર્વ પાપ અને વિપત્તિ એ દુષ્ટ હૃદયને માથે જ છે.

​ચંદ્રા૦- તું હજી મુગ્ધ છે. પણ હું ત્હારો ને તેનો યાગ કરી આપીશ. ત્હારું સ્થૂલ શરીર ત્હારે જેને વશ રાખવું હોય તેને વશ રાખજે, પણ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ કામના સ્વામીને વશ કરવું પડશે. તે પછી તે તને સ્વતંત્ર રાખે તો માજીની પાસે આવજે ને તને અસ્વતંત્ર રાખે તો તેની ઇચ્છાને વશ થજે. આમાં તને કાંઈ બાધ નથી. મધુરી, ત્હારે એ મહાત્માને પત્ર લખવો હોય કે સંકેત કરવો હોય કે સંજ્ઞા કરવી હોય કે જે કંઈ ઇષ્ટ હોય તે તૈયાર કરી રાખજે. ત્હારી સૂક્ષ્મતમ વાસના હું સમજી શકી છું, અને તું જાતે નહી ચાલે તો અમે તને ઉચકીને લેઈ જઈશું ને पृथ्वीव्या चः शरणं स तव समीपे वर्त्तते એવું કહી સખીજને શકુન્તલાને દુષ્યન્તને શરણે નાંખી હતી તેમ અમે પણ તને નાંખીશું અને ત્યાં ત્હારું અભિજ્ઞાન કે સત્કાર નહી થાય તો માજીનું મન્દિર ને ચંદ્રાવલીનું હૃદય ત્હારે માટે સર્વદા સજ્જ છે. માટે સમય આપુંછું તેમાં સજ્જ થજે.

ચંદ્રાવલી ઉઠી બ્હાર ગઈ.

બિન્દુમતી તેને થોડે સુધી મુકી આવી ને આવતી આવતી ગાવા લાગી.

[4]"रतिसुखसारे गतमभिसारे मदनमनोहरवेशम् । न कुरु नितम्बिनि गमनविलम्बनमनुसर तं हृदयेशम् ॥ धीरसमीरे यमुनातीरे वसति वने वनमाली गोपीसूक्ष्मशरीरशोधनचञ्चललोचनशाली ॥० “મધુરીમૈયા, સૂક્ષ્મશરીરના વિશોધન માટે આવા મહાત્માનો દૃષ્ટિપાત ત્હારા પર થાય તો તે ત્હારે સ્વીકારવો જોઈએ.”

“ચંદ્રાવલી મૈયા, સૂક્ષ્મ પ્રીતિને માટે – પણ અભિસરણ કરું એવી હું નથી –” જાગી હોય તેમ કુમુદ બોલી ઉઠી.

મોહની – ચંદ્રાવલી તો ગયાં. ત્હારું શું મનોરાજ્ય ચાલે છે કે, છે તેને દેખતી નથી, ને નથી તેને બોલાવે છે?

કુમુદ સાવધાન થઈ બોલીઃ “ક્ષમા કરો, મોહની મૈયા. શું ચંદ્રાવલીમૈયા, મને અભિસારિકા કરવી ધારે છે?”


​મોહની – ચંદ્રાવલી જેવી પ્રવ્રજિતા જ્યારે દૂતી કર્મ કરશે ત્યારે અભિસરણ કરવામાં શરમાનારી તું તે કાણું વારું?

કુમુદ – શું ચંદ્રાવલીમૈયા દૂતી–કર્મ કરે છે? એ બોલો છો શું ?

મોહની – તું સાંભળે છે તે.

કુમુદ – કેવી રીતે ?

મોહની – રાત્રે વિહારપુરીને મળી આવ્યાં. નવીનચંદ્રજી ચંદ્રાવલીની વાર્તા સાંભળે એવો યોગ કરી વિહારપુરીજીએ પછી ભિક્ષાર્થે જવું અને પર્યટનકાળે એકાન્ત શોધી ગુરુજીની સંમતિ પણ માગી લેવી એટલી યોજના વિહારપુરીએ ને ચન્દ્રાવલીએ કરી છે તે યોજના પ્રમાણે ચન્દ્રાવલી નવીનચંદ્રજીને શોધવા અત્યારે ગયાં.

કુમુદના મુખ ઉપર વેદના અને ગુંચવારો જણાયો. “આ શું કર્યું બધું? મોહનીમૈયા, મને આ ગિરિરાજ ઉપરથી નીચે ઉતરવાનો માર્ગ બતાવો. મ્હેં નવીનચંદ્રજીનાં દર્શન કર્યા. હવે તેથી વધારે મ્હારે તેમને નથી મળવું.”

મોહની – ચન્દ્રાવલીની આજ્ઞા તોડવાનો તને શો અધિકાર છે ?

કુમુદ - મ્હારે પતિત નથી થવું.

મોહની – અયિ ધર્માભિમાનિની ! તું શું એમ સમજે છે કે પોતાના હૃદયને અને સૂક્ષ્મ અભિલાષોને જોખમમાં નાંખી, અંગારા ઉપર ચાલવાની છાતી ચલવી, ત્હારા ઉપરની પ્રીતિને લીધે, ચંદ્રાવલી જેવાં વિરક્ત સાધુજન વિહારપુરી પાસે રાત્રે એકાન્તે ગયાં હશે – ઉભાં હશે – તે સર્વ તને પતિત કરવાને માટે ? ત્હારો અને તેમનો પોતાનો ધર્મ તે શું ત્હારા કરતાં ઓછો સમજે છે અને ઓછો ઇચ્છે છે? એ બે મઠનું અધિષ્ઠાત્રીપણું આટલા દિવસ તેમણે એવી ધર્મનિપુણતાથી, કાર્યદક્ષતાથી, અને ઉદાત્ત સૂક્ષ્મ બુદ્ધિથી કર્યું છે કે પરમ પવિત્ર વિષ્ણુદાસજી બાવા પોતે એ ચન્દ્રાવલીના હૃદયમાં કંઈ વાસના થઈ જાણે તો વગરપ્રશ્ને તેને પવિત્ર જ માની લે એમ છે. એ ચન્દ્રાવલી તને અધર્મને માર્ગે રજ પણ સરવા દે એવી આશા જેવી વ્યર્થ છે તેમ તેવી ભીતિ અકારણ અને બાલિશ છે.

બિન્દુ૦ – મધુરીમૈયા, ત્હારાં સ્થૂલ સૂક્ષ્મ ઉભય શરીરનું સંપૂર્ણપણે રક્ષણ કરી ત્હારે અભિસાર કરવાનું થાય એવી જ યોજના થશે.

કુમુદ – જેને આવા સાધુજન આમ પૂજે છે, જેને એ સર્વ મહાત્માઓ વિરક્ત જાણી આનંદ પામે છે, જેની પવિત્ર સ્થિતિ તમે કાલે જ પ્રત્યક્ષ કરાવી,- તેને એ સ્થાનમાંથી હું ચલિત નહી કરું. ચંદ્રને જેમ દૂરથી જ જોઈ કુમુદ પ્રફુલ્લ થાય છે તેથી વધારે મધુરી નહી કરે. ​મોહની – ત્હારા જડ ચૂલ શરીરને એ જડ કુમુદ જેવું રાખજે અને ત્હારા સૂક્ષ્મ ચેતન શરીરને ચેતન સપક્ષ ચકોર જેવું કરજે. ત્હારા ચંદ્રના હૃદયમાં કોઈ ઉંડી વેદના છે એવું વિહારપુરી મૂળથી ધારે છે અને હવે તેમની કલ્પના એવી થઈ છે કે તે વેદના ત્હારે માટે જ હોવી જોઈએ. વિહારપુરીજીએ ત્હારા ચંદ્રના સંબંધમાં ચંદ્રાવલીને બે ત્રણ વાનાં કહેલાં છે તે સાંભળ.

[5]“रञ्जिता न ककुभो निषेविता नार्चिषो वत चकोरचञ्चुपु । कष्टिमिन्दुरुदये निपीयते दारुणेन तमसा बलीयसा ॥ “વળી બીજું કહ્યું છે કે–

[6]“यस्योदयेनैव दिशां प्रसादस् तापापनोदोऽपि जगत्त्त्रयस्य । चकोरचञ्चुपुटपारणे तु चन्द्रस्य तस्याति कियान प्रयासः ॥ “મધુરી, આ આશાના સુધાબીજનું પ્રાશન કર અને વિપરીતકારિણી મટી ઉચિતકારિણી થા અને સુન્દરગિરિના પુણ્ય આશ્રમના આશ્રયવડે સંસારની ભ્રષ્ટ વઞ્ચનાઓમાંથી મુકત થઈ શુદ્ધ ધર્મ અને રસની વૃદ્ધિને સ્વીકાર. એ સંપ્રદાય પ્રમાણે તે ત્હારું સ્થૂલ શરીર પણ ત્હારા પરિશીલક જને વનિત કરેલું છે, પણ ચંદ્રાવલીમૈયા ત્હારા ઉપર એટલાં વત્સલ છે અને સંસારીઓના ધર્મનાં સુજ્ઞ છે કે તેમણે ત્હારા સ્થૂલ શરીરને ત્હારા સંપ્રત્યયને વશ ર્‌હેવા દઈ માત્ર સક્ષમ પ્રીતિનો યોગ યોજ્યો છે. ત્હારા શરીરનો ઈશ જેને ગણવો હોય તેને ગણજે, પણ ત્હારા હૃદયનો ઈશ તો એક જ છે. એ હૃદયેશને અનુસરવું તેને તું અભિસરણ ક્‌હે કે અનુસરણ ક્‌હે પણ તે ત્હારો ધર્મ સૂક્ષ્મ છે તે પળાવવાને ચન્દ્રાવલીનું વિરક્ત ચિત્ત ચિન્તા કરે છે.”

બિન્દુ – એ તો એસ્તો. મધુરીબ્હેન, રાત્રિ આવશે અને આમનું આમ કરશો તે ગઈ વેળા પાછી નહી આવે ને પસ્તાશો.

કુમુદે આ વાત કાને ધરી નહીં. સઉની પાસેથી તે ઉઠી અને રાત્રે જે બારી આગળ બેઠી હતી ત્યાં જઈ બેઠી. બિન્દુમતી બોલ્યાચાલ્યા વિના એની પાસે કાગળ, ખડીઓ ને કલમ મુકી આવી ને મોહનીને પુછવા લાગી.

“હવેનો વિધિ? "

“એ બારીએ તાળું છે તે રાખજે ને જોડની બારીએ સળીયા છે તે, ઉઘાડી રાખજે. એની પાસે શય્યા પાથરી રાખજે. એ આઘી પાછી જાય તે દૃષ્ટિમાં રાખજે ને બાકી એકાંતમાં જ ર્‌હેવા દેજે. એકાન્ત એ જ . હવેનો વિધિ છે. હું હવે મ્હારા આન્હિકમાં ભળું છું."


  1. इति विशकलितार्थामौद्धवीं वाचमेनाम् अनुगतनयन्मार्गामर्गलां दुर्णयस्य । जनितमुदमुदस्यादुचक्कैरुच्छितोर:- स्थलनियतनिषण्ण्श्रीश्रुतां शुश्रुवान् स: ॥ माघ
  2. પ્રાચીન.
  3. પ્રાચીન.
  4. ૧.રતિરસ મનમાં વાંછી વનમાં વિચર્યા હરિ, અલબેલી ! વિલમ જવામાં કરમાં હાવાં, વાલમને મળ વ્હેલી ! યમુના-તીરે વનવા ધીરે વાયે ત્યાં વનમાળી સૂક્ષ્મ પ્રીતિનો ભોગી નાગર વાટ જુવે તુજ, વ્હાલી !          ગીતગોવિંદ ઉપરથી (રા.કે. હ. ધ્રુવ ઉપરથી)
  5. અરેરે! હજીતો ચંદ્રે દિશાઓ રંગી નથી કે ચકોરની ચાંચમાં પોતાનો પ્રકાશ સોંપ્યો નથી અને તેટલામાં જ આ દારૂણ અને વધારે બળવાળો રાહુ, ચંદ્ર ઉગતામાં જ, એને પી જાય છે.–(પ્રકીર્ણ)
  6. જેના ઉદયથીજ દિશાઓ પ્રસન્ન થાયછે અને ત્રણે ભુવનના તાપ શાંત થાય છે તે ચંદ્રને એક અપવાસી ચકોરના ચઞ્ચુપુટને પારણાં કરાવવામાં તે કેટલો પ્રયાસ પડવાના હતો? (પ્રકીર્ણ)