સવાસો વર્ષની વાર્તાઓ/ગાંઠે બાંધ્યું આકાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગાંઠે બાંધ્યું આકાશ

વર્ષા અડાલજા

પતિપરમેશ્વર મણિકાંત વિનયકાંત સ્વર્ગે સિધાવ્યા ત્યારે રુક્ષ્મણિબહેન મંત્રેલું પાણી છાંટ્યું હોય એમ જડ થઈ ગયાં હતાં. મૂંગાંમંતર, આંખોમાં તગતગાટ અને હાથપગ તો લાકડું. સૌને થયું બચાડા જીવને ઘા લાગ્યો છે. પંદર વર્ષની ઉંમરે પરણીને ઘરમાં આવ્યાં તે આજે એમને ખાસ્સાં ત્રેપન થયાં, ને પાછી બેય માણસની માયા તે કેવી! ને બધું થઈ ગયું અચાનક! કંઈ ખબર પડે એ પહેલાં તો ઝાડ પરથી પાક્કા ફળ પેઠે ટપ દઈને ખરી પડયા. ખાસ્સું માણસ ભેગું થયું હતું. ખડાયતા એકડા વીસા જ્ઞાતિના તમામ આગેવાનો હાજર થઈ ગયા હતા. કુળદેવીની સામૂહિક પહેડીનાં પણ મોટાં માથાં હાજર. ઓહોહો થઈ ગયું. મણિકાંતની નનામી બંધાઈ. કંકુ—ગુલાલ ઊડ્યાં. ઘીનો દીવો થયો. ફૂલહારના તો ઢગલા. અંતિમ દર્શનની પ્રદક્ષિણા શરૂ થઈ. રસેશ તો બાપુજીનાં ચરણસ્પર્શ કરતાં ભાંગી જ પડ્યો. ભલભલાની આંખમાં પાણી આવી ગયાં. મણિકાંત ભલો જીવ. બે પૈસા દઈ છૂટે ને શરીરેય ઘસે. અહાહા! જ્ઞાતિના મેળાવડામાં એમની કંઈ ખોટ પડી! રુક્ષ્મણિબહેનને પોટલાની જેમ ઊંચકીને પતિની નનામી પાસે લાવ્યાં. હમણાં એવડાં એ ઠૂંઠવો મૂકશે એવી અપેક્ષાથી ઘણાની છાતી તો રુદન સાંભળ્યા પહેલાં જ ફફડી ઊઠી. પણ રુક્ષ્મણિબહેન તો એવાં જ. જાણે ઝાડનું ઠૂંઠું! રસેશ આગળ થયો. નનામી ઊંચકાઈ, રસેશની વહુ દુપટ્ટો આંખે દાબતી છુટ્ટે મોંએ રડી પડી. ઘડીમાં તો ઘર ખાલી થઈ ગયું. રુક્ષ્મણિબહેનને હાથ જોડી જોડીને સ્ત્રીઓ પણ ચાલી ગઈ. થોડાં નજીકનાં સગાંવહાલાંની સ્ત્રીઓ પુરુષોના સ્મશાનેથી પાછા ફરવાની રાહ જોઈને બેસી રહી. રુક્ષ્મણિબહેન તો ભીંતને માથું અઢેલી જેમનાં તેમ ! ઉઠમણું-સાદડી જેવા વ્યવહારોમાં નિપુણ સ્ત્રીઓએ એ વખતે પણ રુક્ષ્મણિબહેનને રડાવવાના પ્રયત્નો કર્યા પછી માથું ધુણાવીને કહી દીધું. બાઈ તો ઘા ખાઈ ગઈ છે. છાતીમાં ડચૂરો ભરાયો છે, હળવી નહીં થાય તો કાં તો માંદી પડશે ને કાં પતિ પાછળ ઉપર. ધણીનો કંઈ વિજોગ થ્યો છે ! દિવસો વીતવા લાગ્યા. ઘરમાં એક વ્યક્તિની ગેરહાજરી ધીમે ધીમે ભૂંસાવા લાગી. મણિકાંત વિનયકાંત શાહની છબી શ્રીનાથજીની મોટી તસવીરની બાજુમાં ટિંગાઈ ગઈ અને ઘરનો વ્યવહાર ચાલવા લાગ્યો. એમનાં ધોતિયાં, કોટ, ચાંદીની મૂઠની લાકડી, ચાદર, બધું બ્રાહ્મણને દાનમાં આપી દીધું. જૂની વાપરેલી વસ્તુઓ ચંપલ, ચશ્માં, ખાસ ટેલિફોન નંબરની નાની ડાયરી ને પલંગના ટેબલ પર રહેતી કેટલીયે વસ્તુઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ. બપોરે રુક્ષ્મણિબહેન છાપું લઈ આડાં પડે ત્યારેય છાતીમાં એક ઊંડો ધ્રાસકો રહેતો, હમણાં ઑફિસેથી પતિ આવી ચડશે, ચંપલ કાઢતાં જ બૂમ મારશે, ‘થાળી પીરસો.’ પોતાને હાંફળાંફાંફળાં ઊઠવું પડશે. સવારે તો કહીને ગયા હતા કે હું જમવાનો નથી. એટલે આજે પોતાનું ભાવતું રીંગણાંનું શાક કર્યું છે. મર્યા. એ શાક ભાણામાં જોતાં જ ભડકશે. ભલું હશે તો થાળીનો ચોકડીમાં ઘા અને કાં એવા લાલઘૂમ ડોળા તતડાવશે કે જંતરડાની જેમ ઘૂમ ઘૂમ કરતી નજરનો ફટકો જબરદસ્ત વાગશે. આવા ઘા કોને દેખાય? સાંજની જ વાત લ્યો ને. પોતે ક્યાંય ગયાં હોય તોય પાંચ સાડા પાંચે તો કરફ્યુ ઑર્ડરની જેમ ઘરમાં આવવું જ પડે. આ રાંધું કે તે રાંધુંની ગભરામણમાં રસોઈ માંડે. હાથ ફટાફટ કામ ઉકેલે, કાન બારણાંની બેલ પર અને છાતીમાં ભારભાર. આ ભાવશે? ફરી રાંધવું પડશે? સાથે મહેમાન લેતા આવશે? ફરી રાંધવું પડશે? ત્યાં તો ઉપરાછાપરી બેલ. એમનાથી એક મિનિટેય દરવાજે ન ઊભા રહેવાય. રાહ જોવાનું કામ મારું નથી—એમ દમામદાર રીતે એ કહે. સવારે ઊઠતાંવેંત ચાનો કપ હાજર, બારણે પડેલાં છાપાં તુરત હાથમાં, નીચે પગ મૂકે ત્યાં સ્લીપર. ટૂથબશ પર પેસ્ટ લગાડીને ઝગમગતા બેઝિન પર તૈયાર, હૅન્ડલ પર કોરોકટ્ટ ધોયેલો નેપ્કિન, મોં ધૂએ ત્યાં એ જ વખતે ગરમ ફળફળતો નાસ્તો, છેલ્લી ચમચી મોંમાં મૂકે ત્યાં બાથરૂમમાં ગરમ પાણી, ટુવાલ તૈયાર, નહાઈને નીકળે ત્યાં સફેદઝગ કપડાં. ઇસ્ત્રીદાર. બાજુમાં પોલિશવાળા બૂટ, કથ્થઈ ચપ્પલ ને કાળાં સેંડલ. લાઇનબંધ. બધું જ ફટોફટ, એક ક્ષણનોય વિલંબ ન પરવડે. સમય ગુમાવવો એમને ગમે જ નહીં ને પાલવે પણ નહીં. એમની ચોક્કસાઈ ને સમયની શિસ્તના તો દાખલા દેવાય. છતાંય નિર્લેપભાવે સ્થિર રહીને ઘડિયાળના કાંટાની જેમ શ્વાસભેર, સતત દોડતાં હોય રુક્ષ્મણિબહેન. પતિ હજી ઘરમાં પગ મૂકે ત્યાં ક્યાં ક્યાં જવાનું છે, શો કાર્યક્રમ છે તે બધું પુત્રને કહી દે, અને હવે રસેશની વહુ દીપાને. દીપા ફોન કરે, એપોઈન્ટમેન્ટ નક્કી કરે, ક્યાં જવાનું છે? શેનો કાર્યક્રમ છે? બધું નોંધી લે, સસરાને યાદ કરાવે. પતિ દીપાનો વાંસો થાબડીને કહે, તું મારી સેક્રેટરી છે. ક્યારેક તેમને મળેલાં ફૂલો ને હાર એને આપી દે. રસેશ ને દીપા માટે ડ્રેસ કે સફારી સૂટનું કપડું લાવે. પછી કહી દેશે, રુક્ષ્મણિ માટે કંઈ નથી લાવ્યો. એની પસંદ શી? આવાં દેશી છાયલ ક્યાં મળતાં હશે એય ખબર નથી. આ લે પૈસા. દીપા તારી સાસુ માટે લઈ આવજે. બસ, તમે હવે રાજી ? રાત્રે જમીને ટી.વી. પર ન્યૂઝ જોવાના તે નક્કી. દૂરદર્શન, બીબીસી ને સી.એન.એન. એકેએક. રિમોટ કન્ટ્રોલ એમના જ હાથમાં હોય. અચાનક એમને એક દિવસ વિચાર આવ્યો. દીપા રસેશ! તમારે તો ફિલ્મ અને સીરિયલ જોવી હોય. તમારો રસ એ. જાઓ, રસેશ તમારા બેડરૂમ માટે એક નાનું ટી.વી. કાલે જ લઈ આવો. આ લો ચેક. રુક્ષ્મણિબહેન ડોળા ફાડતાં જોઈ રહ્યાં ને રસેશના બેડરૂમમાં રૂપકડું રંગીન ટી.વી. ગોઠવાઈ ગયું. હવે રાતનું રસોડું અને સમુંનમું કરવાનુંય એમના જ ભાગે આવ્યું. દીપાને સીરિયલનો હપ્તો પડે. રસોડામાંથી પરવારીને રુક્ષ્મણિબહેન પોતાના બેડરૂમમાં જાય ત્યારે પતિ પાસે બે—ચાર ફાઈલ, પુસ્તકો, સામયિકો પડ્યાં જ હોય, કોર્ડલેસ ફોન પર વાતો ચાલતી રહે અને રુક્ષ્મણિબહેન પલંગને બીજે છેડે ગુમસૂમ સૂતાં રહે. કશું લેતાં મૂકતાં પતિનો અછડતો સ્પર્શ થઈ જાય અને રૂંવેરૂંવું ખંજરીની જેમ રણઝણી ઊઠે. થોડીવારમાં તો પતિ ઊઠી જાય. એ સૂતાં સૂતાં જોતાં રહે. અફલાતૂન કપડાં કબાટમાંથી નીકળે. અરીસામાં લળી લળીને જોઈને પહેરાય. પછી સુગંધથી મહેક મહેક થતાં પાછુંય જોયા વિના પતિ ચાલ્યા જાય અને પોતે તકિયો છાતી સાથે ભીંસીને અંધારામાં પડ્યાં રહે. આમ વર્ષોનાં વર્ષો વીતી ગયાં. અને આજે આ સૂમસામ તપતી બપોરે, રુક્ષ્મણિબહેન ફાળ ખાઈને બેઠાં થઈ જાય છે. હમણાં બૂમ પડશે. બપોરે ઘોરો છો? ઊઠો, થાળી પીરસો... કફનીમાં ડાઘા છે?... ચર્રર. લો બે ફાડચાં.. એટલુંય ઘરનું ધ્યાન રખાતું નથી? આવો નાસ્તો? જરા દીપા પાસેથી કંઈ શીખો... અને ફફડેલા હોઠ પરનો શબ્દ, ગમાર. જાણે વળ દઈને કોઈએ ચોંટિયો ભર્યો હોય એમ પોતે સિસકારો બોલાવી જતાં. 'કેમ બા ? ઊંઘ નથી આવતી ?' આછા બદામી સિલ્કનાં ડિઝાઇનર સલવાર કમીઝમાં સજ્જ દીપા બહાર આવી. બદામી ચંપલ, બદામી સિલ્કની મેચિંગ પર્સ, રુક્ષ્મણિબહેન બાઘા બનીને જોઈ રહ્યાં. નિશ્વાસ મૂકી દીપા પાસે આવી. તમને થાય છે ને બા કે, બાપુજી ગયા ને હજી છ મહિના નથી થયા ને હું જો આમ તૈયાર થઈને… બટ વ્હૉટ ટુ ડુ? મારું અને રસેશનું સર્કલ તમે જાણો છો ને ! સંબંધ જાળવ્યા વિના છૂટકો નહીં. બાપુજીની ખોટ બહુ સાલે છે ને બા? જુઓ ને! તમે તો સાવ કરમાઈ ગયાં છો. ઓ. કે. બા, તો હું જાઉં છું. સાંજે જૂઈ સ્કૂલેથી આવે એટલે દૂધ આપી દેજો… અને હા, જો પાછી એ નીચે ન ઊતરી જાય એનું ધ્યાન રાખજો, યુનિટ ટેસ્ટ માથા પર આવે છે. જાઉં છું... ત્યાં ફરી દીપા શ્વાસભેર પાછી આવી, ‘હું તો ભૂલી જ ગઈ. બા પ્લીઝ કાંદા ઝીણા સમારી રાખજો, બટેટાં બાફી રાખજો અને બજારમાંથી લીંબું મંગાવવાનું ભૂલતાં નહીં... અને...’ રુક્ષ્મણિબહેન ડોકું ધુણાવતાં બેસી રહ્યાં. શાંતિ થઈ ગઈ. સૂમસામ, હમણાં કશુંક કરવું પડશે. ઊઠવું પડશે, વઢ ખાવી પડશે… ઉભડક જીવે એ બેસી રહ્યાં. કશું જ ન બન્યું. ઊઠીને રસોડામાં ગયાં. બટેટાં બાફ્યાં. કાંદા સમાર્યા. ચા બનાવી ડ્રોઇંગરૂમમાં આવ્યાં. ઘટક ઘટક ઘૂંટડો ભરીને પીધી. મજા આવી. બૅઝિનમાં મોં રાખી ઘસીભૂંસીને મોં ધોયું. વાળ ઓળતાં હાથ થંભી ગયો. કેવાં કરમાઈ ગયાં છો બા? દીપા બોલતી હતી. સાચ્ચે જ? એમણે અરીસામાં લળીને જોયું. ચહેરો ઝાંખો લાગતો હતો? વાળમાં આગળ સફેદ છાંટ હતી. એમણે ધીમે ધીમે નિરાંતે માથું ઓળ્યું. વાળ હજી ઘટાદાર હતા. અંબોડો વાળ્યો. સાડલો જરા સરખી રીતે પહેર્યો. ડ્રોઇંગરૂમમાં આવીને પાછાં સોફામાં બેઠાં. થોડી વાર પગ હલાવ્યા કર્યો, કાનમાંથી મેલ કાઢ્યો. હજી સાડાચાર જ થયા હતા. સાડાચાર? ફરી જીવ જરા ફફડી ઊઠયો. ઘણી વાર મનુ ડ્રાઇવર આવીને ઊભો રહેતો. સાહેબે થર્મોસમાં કૉફી મગાવી છે. ચાવી દીધી હોય એમ એ ઊભાં થઈ ગયાં. બારણું ખોલ્યું. લાંબા કોરીડોરમાંથી પવનનો સુસવાટો આવ્યો. 'કેમ છો રુક્ષ્મણિબહેન?' એ હબકી ગયાં. 'કોણ?' ‘કમાલ છો? નયના છું… બત્રીસ નંબરનો બ્લૉક.’ રુક્ષ્મણિબહેને હસવાનું કર્યું. 'ના ના, આ તો જરા લાઇટ બહુ છે, તમારું મોં દેખાયું નહીં.' ચાલો આવો છો?' રુક્ષ્મણિબહેન ગભરાઈ ગયાં. “હું ?… હું વળી ક્યાં આવું?' પ્રેમ કલામંદિર જાઉં છું.' રુક્ષ્મણિબહેન આંખ પટપટાવતાં નયનાબહેનને જોઈ રહ્યાં. 'તમે નામ નથી સાંભળ્યું પ્રેમ કલામંદિરનું? લો, ખરાં છો તમે. હું તો રોજ બપોરથી ત્યાં જાઉં છું, છેક સાંજે પાછી આવું. તમે એક વાર ચાલો તો ખરાં, તમને મજા આવશે. ચાલો, ઝટ કપડાં બદલી લો.’ ‘હું અત્યારે...ના ના.' રુક્ષ્મણિબહેને કોરીડોરમાંથી ડોકું ખેંચી લીધું. ‘ઘરમાં કોઈ નથી… હમણાં જૂઈ સ્કૂલેથી આવશે.' ‘તો કાલે આવજો. કાલે રજા છે, એને સ્કૂલ નહીં હોય. તમને સાડાચારે બૂમ પાડીશ. તૈયાર રહેજો.” આવજો કહેતાં નયનાબહેન લિફ્ટમાં દાખલ થઈ ગયાં. બીજે દિવસે સવારથી જ રુક્ષ્મણિબહેનના મનમાં ચટપટી થવા લાગી. પોતાને ક્યાંક જવાનું છે, એકલાં. એ વિચારથી જ તેઓ ઉત્તેજિત થઈ ગયાં હતાં, થોડાં ડરી પણ ગયાં હતાં. આજ સુધી પૂછીને, રજા લઈને જ એ ઘરબહાર ગયાં છે. હવે કોને પૂછવું? શું પહેરવું? ત્યાં કોણ હશે? ત્યાં શું કરવાનું? પોતે ગમાર છે કહીને કોઈ મશ્કરી કરશે? દીપાને વાત કરું, પૂછું એમાં બપોર પડી. આજે રજા હતી, રસેશ ઘરે હતો. દીકરો—વહુ મોડાં ઊઠ્યાં હતાં. પોતે સવારથી રસોડામાં હતાં. રજાને દિવસે જમવાનું અફલાતૂન જોઈએ એવો પતિનો આગ્રહ રહેતો. એમણે પૂરણપોળી, બટેટાવડાં, ચટણી, રાયતું, પુલાવ, કઢી બધું બનાવ્યું. ઊભાં ઊભાં પગમાં કળતર થતું હતું અને જૂઈ ક્યારની ઊઠી ગઈ હતી, એટલે એનું કામ ને એની પાછળની દોડાદોડી. મોડેથી નહાઈધોઈ રસેશ-દીપા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં. રુક્ષ્મણિબહેન હાંફળાંફાંફળાં દોડીને પીરસતા રહ્યો. સાંજથી કોઈ મિત્રને ત્યાં પત્તાની મહેફિલ હતી એટલે એની ચર્ચા-વિચારણામાં બંને મગ્ન હતાં. થાળીની બાજુમાં કૉર્ડલેસ ફોન હતો. જમતાં જાય, વાતો કરતાં જાય, ફોન પર બિપ બિપ નંબર લગાડતાં જાય. બા... રાયતામાં દહીં ખાટું છે... શાક કેમ તેલમાં તરે છે?… સવારે ધોબી મારાં કપડાં નથી આપી ગયો? મેં તમને કહ્યું હતું ને આજે એને બોલાવજો જ? તમે ખરાં ભૂલકણાં થઈ ગયાં છો… નાઉ દીપા ધીસ ઇઝ ધ પ્રૉબ્લેમ... રુક્ષ્મણિબહેનનું ગળું સુકાઈ ગયું. ઘડીભર તો થયું કે પતિ જ જમવા બેઠા છે અને એ હડિયાપટ્ટી કરે છે. એ જ અવાજ… એ જ ઢંગ... રસેશે મોટેથી બૂમ પાડી. એ ઝબકી ગયાં. ‘શું રસેશ બેટા?* પુલાવમાં કાજુદ્રાક્ષ નથી નાખ્યાં?' એ... તો ઘરમાં હતાં નહીં ને… એટલે.... 'ઠીક છે', બબડતાં રસેશે ખૂબ ઓછો ભાત લીધો. દીપાએ એક નજર સાસુ તરફ કરી લીધી. એમના મનમાં જાણે કંઈક ગુનો કર્યો હોય એવી લાગણી થઈ ગઈ. જમ્યાં. બંને બેડરૂમમાં સૂતાં સૂતાં કોઈ ઇંગ્લિશ ફિલ્મ જોવામાં મશગૂલ થઈ ગયાં. રુક્ષ્મણિબહેન થાળી પીરસી ડાઇનિંગ ટેબલ પર બેઠાં. પણ જમવામાંથી સ્વાદ ઊડી ગયો હતો. હંમેશની જેમ. બારણાની બે વાર બેલ વાગી. ઊઠવું પડ્યું. ધોબી આવ્યો, હિસાબ કરી પૈસા આપ્યા. ખાવાનું ઠંડું થઈ ગયું હતું. બાજુમાંથી કોઈ મેળવણ લેવા આવ્યું. ત્યાં નોકર આવ્યો. જેમતેમ રસોડું પતાવી ડ્રોઇંગરૂમના સોફામાં આડાં પડ્યાં. અંદર સૂવા જાય તો બપોરનો દૂધવાળો આવે. ટપાલી, નોકર આવે—જાય. બારણું ખોલબંધની બહુ પંચાત થાય રસેશ-દીપાના બેડરૂમમાંથી ટી.વી.નો અવાજ મોટેથી આવતો હતો. સૂવાનું તો કંઈ મળ્યું નહીં. તંદ્રામાં પડી રહ્યાં. ત્રણ થયા ત્યાં તો રસેશ-દીપાએ જવાની તૈયારી કરવા માંડી. એમણે તરત ઊઠીને ચા મૂકી. રસેશની મસાલા વગરની, દીપાની મસાલાવાળી પણ ખાંડ વગરની. પેટમાં ચૂંથાતું રહ્યું, આ લોકોને વાત નથી કરી, ઘરમાંય કોઈ નહીં ને નયનાબહેન જોડે કેમ જવાશે? જૂઈને મારી પાસે મૂકી જશે તો તો જેલ જ સમજો. પણ જૂઈને સાથે લઈને ફટાફટ તૈયાર થઈ એ લોકો નીકળી ગયાં. જતાં જતાં કેટલી સૂચના આપતાં ગયાં. અંતે ગયાં. રુક્ષ્મણિબહેન એકલાં પડ્યાં. આવું કદી બન્યું ન હતું. પતિ હતા ત્યારે તેમની ધરી પર ઘર એવું ગોળ ગોળ ઘૂમતું કે ચક્કર આવી જતાં. બીજું કંઈ કરવાનું કે વિચારવાનું રહેતું જ નહીં. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો અને એમને સાથે ઢસડી જવાનો હોય એમ સોફાનું હૅન્ડલ પકડી બેઠાં હતાં. બારણાંની ઘંટડી વાગી પગ ઘસડતાં બારણાં સુધી ગયાં. કોણ હશે? નયના? જવું? ન જવું? જાય ને કંઈ થાય તો. પછી- રસેશ-દીપા વઢે તો? 'તૈયાર?' નયનાબહેનનો લહેકાભર્યો અવાજ આવ્યો, બોલતાં બોલતાં એ અંદર આવ્યાં. ‘લો, તમે તૈયાર નથી? ઝટ કપડાં બદલી લો. 'હું ? હા… બરાબર… પણ ઘરમાં કોઈ… નથી તો પછી… ‘એટલે તો તમને કહું છું ચાલો. મજા આવશે. રાત સુધી એકલાં શું કરશો? આજે ત્રણ પ્રોગ્રામ છે. ડેમોન્સ્ટ્રેશન, ફૅશન અને સત્સંગ. તમને જેમાં રસ પડે એમાં બેસશું.' થાંથાં થતાં રુક્ષ્મણિબહેન તૈયાર થઈ ગયાં. બહાર નીકળતાં પ્રશ્ન થયો: ઘરનું શું કરવું? ચાવી જોડે લઈ જવી પડે એવું કદી બન્યું ન હતું. ખાંખાંખોળાં કર્યાં તો બેડરૂમના ટેબલના ખાનામાંથી લેચ કી મળી. હા, આ તો એમની જ હતી! રાત્રે બહાર જાય ત્યારે સાથે લઈ જતા. એમણે ચાવી લીધી. નાના પાકીટમાં થોડા પૈસા હતા. તેમાં ચાવી મૂકી પાકીટ બ્લાઉઝમાં ભરાવી એ નયનાબહેન સાથે નીકળ્યાં. નયનાબહેન સાથે ટૅક્સીમાં બેસતાં જાણે કોલંબસે અમેરિકાની શોધ કરી હતી એવાં એ ઉત્તેજિત થઈ ગયાં હતાં. પ્રેમ કલામંદિર પહોંચ્યાં કે નયનાબહેને સોની નોટ કાઢી. પાંચ માળના મકાનની લિફ્ટમાં તે લોકો ત્રીજે માળે આવ્યાં ત્યારે દોઢસો-બસો બહેનોથી હૉલ ભરાઈ ગયો હતો. રુક્ષ્મણિબહેને નયનાબહેનનો હાથ પકડી રાખ્યો હતો. અધધ! આટલી બધી સ્ત્રીઓ? નયનાબહેન બોલ્યે જતાં હતાં. બપોરે બાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી બધા માળ પર જાતજાતની પ્રવૃત્તિઓ ચાલ્યા કરે. રોજ નીચે બોર્ડ મુકાય તેમાં બીજા દિવસનો કાર્યક્રમ લખાય. બંને જરા મોડાં હતાં. કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. પહેલાં કોઈ બહેને મકાઈની નવી વાનગી શી રીતે બનાવવી તે બતાવ્યું. બીજાં બહેને ત્વચાની સંભાળ લેવાની રીતો, ક્રીમ વગેરે બધું બતાવ્યું. કેટલીયે બહેનો કાગળ—પેન લાવી હતી તે ઉતારી લેતી હતી. પોણા છ થયા એટલે નયનાબહેન ઊઠયાં, રુક્ષ્મણિબહેન તન્મય થઈ સાંભળતાં હતાં, એમને ઉઠાડ્યાં. નીચે આવ્યાં ત્યાં નયનાબહેનને બીજાં બેત્રણ બહેનો મળી ગયાં. ટોળું ઊપડયું. પાણીપૂરી ખાઈ સૌ છૂટાં પડયાં. નયનાબહેને તરત ટૅક્સી કરી. 'મજા આવી કે કંટાળ્યાં? હું તો ભઈ રોજ આવું છું. ટાઈમ પાસ થાય અને કંઈ જાણવા મળે. રુક્ષ્મણિબહેન બોલ્યાં, ‘મને તો બહુ ગમ્યું હોં બહેન! આહાહા કંઈ બાઈયું ! આ બધાં રોજ આવે? ‘પાંચેય માળ ભરેલા હોય છે જોયું નહીં !” ‘કાલે જાઓ ત્યારે મારી બેલ મારશો ?" 'શ્યોર. અવારનવાર આવતાં રેજો, મનેય કંપની. આ તો મને થયું તમારું મન જરા છૂટું થાય.' 'સારું કર્યું હોં બહેન.' રુક્ષ્મણિબહેને ઉમળકાથી એમનો હાથ દબાવ્યો. લેચ કીથી બારણું ખોલતાં રુક્ષ્મણિબહેનનો હાથ જરા કંપ્યો. પાછું પોતે જ મન મક્કમ કર્યું. મેં કંઈ ચોરી થોડી કરી છે કે દીકરા—વહુથી ડરવું પડે? રસેશ- દીપા હજી આવ્યાં નહોતાં. ફ્રીજમાં થોડું ખાવાનું પડયું હતું, ગરમ કરી ખાઈ લીધું. એવી ઊંઘ ચડી કે મોડી રાત્રે એ લોકો ક્યારે આવ્યાં તેની ખબર પણ ન પડી. રોજની જેમ સવારે વહેલાં ઊઠ્યાં, દૂધ લીધું, જૂઈની સ્કૂલની તૈયારી કરી. આજે પોતાને કશેક જવાનું છે, તે પણ એકલાં એ વિચારથી એટલાં ખુશ થઈ ગયાં હતાં કે આ બધાં રોજનાં કામનો કંટાળો અદૃશ્ય થઈ ગયો હતો. દીપાને કહેવું ન કહેવુંની અવઢવમાં બપોર પડી. બંને જમવા બેઠાં. ‘રાત્રે દૂધ નથી મેળવ્યું? દહીં નથી? જરા ઠપકાના સૂરે દીપા બોલી. 'ના' પછી હિંમત કરીને કહી દીધું. ‘બહાર ગઈ હતી. મોડેથી આવી એટલે ભૂલી ગઈ.’ દીપા નવાઈથી સામે જોઈ રહી. 'બહાર ગયાં હતાં?' અ...હા... ઉપરવાળાં નયનાબહેન ખરાં ને… તે પ્રેમ કલામંદિરમાં… બહુ મજા આવી હોં!' દીપા હજી સામે જ જોઈ રહી હતી. પછી મોં બગાડીને બોલી… એમ જે તે લોકો સાથે રખડવા જાઓ… તમે?” ‘રખડવા શું? બધું શીખવાડે છે ત્યાં. થાળી લઈ એ ઊઠી ગયાં, પણ પીઠ પાછળ બે આંખો એમની પર તોળાઈ રહી, એનો એમને ભાર લાગવા માંડ્યો. બહારના રૂમમાં સોફાને બદલે એ સીધાં બેડરૂમમાં જઈ ઊંઘી ગયાં. ઝબકીને બેઠાં થયાં ત્યાં વાગ્યા હતા અઢી! દીપાના બેડરૂમમાંથી ટી.વી.નો અવાજ આવતો હતો. ચાપાણી પી લઈ, હાથપગ ધોઈ, માથું ઓળ્યું. થોડો પાઉડર લગાડ્યો. પતિ જીવતાં મોટી લાલ સ્ટિકરની બિંદી લગાડતાં, તે તો હવે લગાડવાની હતી નહીં. ધોળું છાપેલું છાયલ પહેરી તૈયાર થઈ ગયાં. છેલ્લે દીપાના રૂમ પાસે આવી મોટેથી બોલ્યાં, *જાઉં છું બેટા.' 'ક્યાં?' ટી.વી.માં વછૂટતી બંદૂકની ગોળી પોતાને વીંધી ગઈ હોય એમ દીપા બેઠી થઈ ગઈ. 'પ્રેમ કલામંદિર.' અને દીપાનું મોં જોતાં એ વિરોધ કરે એ પહેલાં એ બહાર નીકળ્યાં. લિફ્ટની રાહ જોયા વિના દાદર ચડી નયનાબહેનના ઘરમાં ઘૂસી ગયાં. 'ઓહો તમે! આવો. હું તૈયાર જ થાઉં છું. રાજી, શરબતના બે ગ્લાસ લાવ તો!’ અંદરથી એક બાઈ આવી બે ઠંડાં પીણાંના ગ્લાસ મૂકી ગઈ. રુક્ષ્મણિબહેન જોતાં રહી ગયાં ત્યાં તો નયનાબહેન બદામી રંગના ઝીણા પોત પર ભરતકામની સાડી પહેરી બહાર આવ્યાં. 'તમને ગમી? હમણાં જ ઓર્ડરથી ભરાવી. આજકાલ આ કલર ફૅશનમાં છે.’ રુક્ષ્મણિબહેનને તરત દીપાના આ જ રંગનાં સલવાર-કમીઝ સાંભર્યાં. પોતે પહેલાં પહેરતાં લાલપીળા રંગ. હવે માત્ર સફેદ રંગ ભડકાછાપ ડિઝાઇનો અને ધોયેલો ઇસ્ત્રી વિનાનો સાડલો. પહેલી વાર પોતાની ઉપર શરમ આવી. બંને નીચે ઊતર્યાં. નયનાબહેને ટૅક્સી કરી. એમણે અચકાતાં પૂછી લીધું, ‘તમે રોજ ટૅક્સીમાં જાઓ છો?”

‘હા. લગભગ. વહેલી હોઉં તો બસમાં. એવું છે, મારી બા તરફથી મને જે પૈસા મળ્યા છે તે વ્યાજે રાખીને મારો ખર્ચો કાઢી લઉં છું. અહીં એક ચૅરિટી ફંડ છે એમાં આપું. સીઝનમાં અથાણાંના ઓર્ડરમાંથી સારી કમાણી કરી લઉં છું. ટેક્સી ઊભી રહી. એમણે પાકીટ ખોલ્યું. રુક્ષ્મણિબહેનને શરમ આવી. પોતાની પાસે પોતાના પૈસા જ ક્યાં હતા? પહેલાં પતિ કંઈક કાગળ પર સહી લેતા. પછી રસેશ લેતો હતો, પણ હાથમાં કોઈએ પૈસા મૂક્યા નહોતા. આજે એક ડૉક્ટરે ભાષણ આપ્યું. રંગોળીની હરીફાઈ થઈ. કોઈકે મીરાંનાં ભજન હલકભર્યે કંઠે ગાયાં. નયનાબહેનની બહેનપણીઓ સાથે વાત કરી. પાછા ફરતાં નયનાબહેને કહ્યું, 'આવતા રવિવારે પિકનિક છે. મેં તમારું નામ લખાવી, પૈસાય ભરી દીધા છે. રુક્ષ્મણિબહેન ગળગળાં થઈ ગયાં. “તમે રોજ પૈસા ખરચો છો… હું તમને આપી દઈશ… મારે… દીપાને કહીશ તો મને આપશે ને પછી... ‘ગમે ત્યારે આપજો. પણ તમારે માગવા શું કામ પડે? તમારા પતિ કેટલું મૂકી ગયા છે તમને ખબર છે? રસેશ તમારી સહી લે છે તો તમારું નામ ધંધામાં ક્યાંક હશે જ અને તમારા ભાગના પૈસા પણ હશે જ. પૂછજો. કંઈ સલાહ જોઈતી હોય તો કહેજો. મારા હસબન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.* એ પાછાં ફર્યા ત્યારે દીપાનું મોં ચડેલું હતું. તે તરફ પણ તેમનું ધ્યાન ન ગયું. એમના મનમાં આ જ વાત ઘોળાતી રહી. થોડા દિવસ થયા ત્યાં તો દીપા ગળે આવી ગઈ. રસેશ ઑફિસે જવા નીકળે એ પહેલાં જ એણે મોરચો માંડી દીધો. રુક્ષ્મણિબહેન સ્વસ્થતાથી યુદ્ધની ઘોષણાની રાહ જોતાં હતાં. 'બા' રસેશે બૂમ પાડી. વેલબુટ્ટા ભરેલી બદામી રંગની સાડીને ઇસ્ત્રી કરતાં રુક્ષ્મણિબહેને સ્મિત કર્યું અને સ્વિચ ઓફ કરી બહાર આવ્યાં. 'શું છે રસેશ?” એ શાંતિથી સોફામાં બેઠાં. દીપા તરાપ મારતી હોય એમ તંગ થઈને ઊભી હતી અને રસેશ ખળભળી ઊઠ્યો હતો. “આ શું? આ શું માંડ્યું છે તમે? શેનું શું માંડ્યું છે ઈ વાત કર દીકરા.' રુક્ષ્મણિબહેને પહેલા જ ઘાનો વાર ચૂકવનારની હોશિયારીથી કહ્યું. ‘બધું સમજો છો ને પાછાં ઉપરથી.. ‘દીપા તું રહેવા દે. આ તમે રોજ ઘરબાર મૂકીને ક્યાં ભટકો છો? આ બધું શું સારું લાગે છે આ ઉંમરે?' ‘ભટકો છો એટલે શું? હું પ્રેમ કલામંદિર સંસ્થામાં જાઉં છું, જોવા—જાણવાનું મળે ત્યાં બધા કેવા સારા સારા માણસો આવે છે, જુઓ તો ખબર પડે. મારા જેવડીયે આવે. આ દીપા જેવડી બાઈયું તો કેવાં સારાં કામ ત્યાં આવીને કરે છે, આવી જો તો ખબર પડે. તારા જેવડાય રવિવારે સવારે વ્યાખ્યાનમાં આવે છે અને….” ને ઘરમાં કામકાજ નથી? રોજ સાંજે જૂઈ સ્કૂલેથી આવે ત્યારે મારે કેટલો પ્રોબ્લેમ થાય છે? કાલે રજિસ્ટર્ડ પોસ્ટ પાછી ગઈ…. ‘જૂઈ સ્કૂલેથી પાછી આવે ઈ ટાણે તારી જરૂર હોય, મારી નહીં. એનાં લેસન- બેસન બધી તને ખબર પડે અને એવું છે ને તને કામકાજની તકલીફ હોય તો આખા દા'ડાની બાઈ રાખી લે ને!” દીપાનો અવાજ ફાટી ગયો. તમે મને શિખામણ આપો છો? પૈસા ઝાડ પર ઊગે છે ?” સોફામાં પગ લઈને બેસતાં રુક્ષ્મણિબહેન બોલ્યાં, 'એની તો તમને લોકોને ઝાઝી ખબર, પણ બેય માણસ તમે ક્લબમાં જાઓ છો ને હોટલુંમાં ડિનર લ્યો છો તે પૈસા તો ઇનાય બેસતા જ હશે ને બેટા! લે, ઠીક યાદ આવ્યું. રસેશ એક દસ હજારનો ચેક જોઈએ છે હોં!” 'દસ હજાર ? કે... કેવી વાત કરો છો? શેના જોઈએ છે ? હું.. હું ક્યાંથી કાઢું? કમાલ છો તમે.” નેપાળ પશુપતિનાથ બધાં જાય છે, તે મેંય નામ નોંધાવ્યું છે. મેં ક્યાં કોઈ દાડો ક્યાંય પગ મેલ્યો છે? ને જોજે પૈસાની વ્યવસ્થા તો હશે જ હેં? ધંધામાં મારે નામે જમા થતા જ હોય ને! ઈનું વ્યાજ જ ગણો તો આટલાં વરસમાં કેટલું થાય? હું તો કહું છું મારે નામે બૅન્કમાં ખાતું ખોલી નાખીયે હૈં બેટા! મારી રકમ એમાં જમે થાય ને, એટલે મારું હું ફોડી લઉં. તને ઘડી ઘડી પછી મૂંઝવવો નહીં. લે ઊઠું ત્યારે! આજે બેક વેલું જાવું છે. ઓલું… અંગૂઠાથી દબાવીને શું.. હા એક્યુપ્રેસરના ક્લાસ છે મારે… કાલ તું ઑફિસ જાઈશ ત્યારે તારા ભેગી નીકળી જાઈશ હોં! એટલે બૅન્કમાં જતાં અવાય. તને બાપડાને પાછો ધક્કો નહીં. લે, ઊઠું ત્યારે! ને દીપાવહુ જૂઈ સારુ મેં મકાઈની કચોરી કરી છે. તળી દેજો.' ઘડિયાળમાં જોતાં રુક્ષ્મણિબહેન ઊઠ્યાં. દીપા ટગરટગર એમને જોઈ રહી હતી. ત્યાં ટેલિફોનની ઘંટડી વાગી. રસેશે ફોન લેવા હાથ લંબાવ્યો, કે રુક્ષ્મણિબહેને રિસીવર ઉઠાવ્યું. “હલ્લો નયનાબહેન? હા, ક્યારે નીકળો છો? ઠીક ત્યારે નીચે જ ઊભી છું. આવજો.' રુક્ષ્મણિબહેને કપડાં બદલ્યાં. નાનકડી બિંદી કરી અને ઉતાવળે નીકળી ગયાં.