સવાસો વર્ષની વાર્તાઓ/શક્તિપાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શક્તિપાત

અંજલિ ખાંડવાળા

શિવાનીના પતિની ગવર્નમેન્ટી નોકરી એટલે આજ અહીંયાં ને કાલ તહીંયાં. હમણાં હમણાં જ તેના પતિની બદલી થઈ. ફરી માળો છોડવાનો – ફરી ઝીણી ઝીણી સળી એકઠી કરી બાંધવાનો વિચાર શિવાનીને વસમો લાગ્યો. પણ શિવાનીએ સિફતથી પોતાનું જૂનું ઘર સંકેલી લીધું અને નવી જગ્યાએ માંડી દીધું. હવે સૌથી વિકટ સમસ્યા ઉકેલવામાં પડી : બન્ને દીકરાઓના ઍડમિશનની. ત્યાં ‘શક્તિ’ શાળાનું નામ ઘણાંનાં મોંએ સાંભળી શિવાની એના પ્રિન્સિપાલ પાસે પહોંચી. સજ્જન લાગતા પ્રિન્સિપાલ આંખ ઝીણી કરી ડૉક્ટરના સ્ટેસ્થોસ્કોપ જેમ પોતાને તપાસી રહ્યા હતા એમ શિવાનીને લાગ્યું. પ્રિન્સિપાલના ટેબલની સામેની ખુરશી ઉપર બેઠેલી શિવાની, પ્રિન્સિપાલની આંખો સામે જોવાનું ટાળી પોતાનાં બાળકોના ઍડમિશન વિશે પૂછપરછ કરવા લાગી. અચાનક પ્રિન્સિપાલથી ન રહેવાયું હોય એમ બોલી પડ્યા : ‘તમે શિવાની નહીં?’ ‘હા, પણ... તમે કેવી રીતે ઓળખો?’ ‘હું તો તમને દિવસમાં કેટલીય વાર યાદ કરું છું. છેલ્લાં મહાબળેશ્વર ક્યારે ગયેલાં? પેલું માતાનું મંદિર હજી છે?’ મહાબળેશ્વર... માતાનું મંદિર... શિવાની કંઈ કેટલાંયે વર્ષનાં ગુલાટિયાં ખાઈ ગઈ. તેની આંખ આગળ વર્ષો પુરાણી ઘટના ઊપસી આવી... જંગલની સેંથી ઉપર, કાળી આરસી જેવા બે બૂટ ચાલ્યા જાય છે. બૂટના લય, વ્યક્તિત્વના આંતરિક લય પ્રગટ કરતા હોય તેમ ચમ... (એક-બે-ત્રણ) ચમ... (એક-બે-ત્રણ) બોલ્યે જાય છે. બૂટને છેક ઉપલે છેડે કાળું હનમાનિયું માથું ચમકે છે. માથાની ડબ્બીમાં બેઠેલા અખરોટસ્વરૂપ મગજમાં ઈસાઈ ધર્મનાં મૂળિયાં ફેલાઈ ગયાં છે, જેના વેલા સમગ્ર વ્યક્તિત્વ ઉપર છવાયેલા દેખાય છે. હાથની આંગળીઓ, મોઢું અને કાળા બૂટને બહાર રાખી, શરીર આખા ઉપર સફેદ ઝબ્બો પથરાયેલો છે. ઝબ્બાની સળો પોતપોતાની જગ્યાએ ચોંટીને સ્થિર ઊભી છે. બત્રીસી બહાર કાઢી હસતી ઝબ્બાની સફેદાઈ ચારે બાજુ વિસ્તરેલા લીલા રંગમાં ઊપસી આવે છે. એ સફેદ રંગથી આકર્ષાયેલી બે જુવાન આંખો ઝૂલતી ઝૂલતી પાછળ આવે છે. પોતાની પાછળ કોઈક આવે છે એ વિચારથી કંઈક સંકોચ અને કુતૂહલ અનુભવતા કાળા બૂટ ધીમા પડે છે. જુવાન આંખની બેલડી, માછલી જેમ પોતાના પગ તરાવતી સફેદ ઝબ્બાની અડોઅડ થઈ જાય છે. ચારે પગ થંભી ગયા. ચોમેર પથરાયેલી શાંતિ જ શાંતિના શ્વેત પટ ઉપર જાણે રંગીન પાંખડીઓનું શબ્દ-કમળ ઊપસી આવ્યું. ‘આ કેડીએ ચાલતા પહેલી જ વાર મને કોઈ મળ્યું.’ અવાજમાં લહેરિયાની લહેર ડોલી ઊઠી. ‘આ રસ્તે તમે રોજ આવો છો?’ અવાજમાં વજન હતું – ગંભીરતાનું. ‘આવી સાંકડી કમ્મરવાળી કેડી કહેવાય, રસ્તો નહીં.’ – મરોડદાર આંગળીઓથી વેંતની મુદ્રા કંડારતી એ બોલી. ઝબ્બાના ઘટ્ટ કપડા પાછળ આછી ધ્રુજારી દોડી ગઈ. ‘આ...ઈ મીન કેડી...’ સફેદ ઝબ્બાવાળાની જીભ થોથવાઈ. ‘આ કેડી પર તો હું બસો વાર આવી જ હોઈશ’ જંગલના લીલેરા ઘુમ્મટમાંથી ખરતા પ્રકાશમાં બોલનારની આંખોનું તોફાન ચમકતું હતું અને જોનારની આંખોની ગૂંચ. ‘તમે અહીંયાં નજીકમાં રહો છો?’ ‘પેલું... પીળું મકાન દેખાય છે ને? ત્યાં જ. ‘કિંગ્સ કૉટેજ’ નામ છે. અને તમે?’ ‘ડ-નોબલિસ કૉલેજમાં – સતારા રોડ ઉપર’ ‘ત્યાંથી જતાં એ નામની તકતી ઘણી વાર જોઈ છે; પણ ત્યાં કોઈ રહેતું જ ન હોય એવું લાગે !’ ‘એ પાદરીઓની કૉલેજ છે.’ ‘તમે ત્યાં શું ભણો?’ ‘પાદરી બનવાનું.’ ‘તમે હજી પાદરી નથી?’ જવાબમાં માથું નકારાત્મક ધૂણ્યું. ‘તો પછી આ સફેદ ઝબ્બો શા માટે?’ ‘ઈશ્વરને મનુષ્ય રંગીન જોવો હોત તો મોર કે પતંગિયા જેવો રંગબેરંગી ન બનાવત?’ ‘કેટલી illogical’ વાત ! ભગવાનને શું ખબર નહોતી કે માણસ એના રંગ અને ડિઝાઈ નથી થોડા જ દિવસમાં કંટાળી જશે અને બીજા રંગની ડિઝાઈન ચિતરાવવા રડતો-કકળતો ભગવાન પાસે પહોંચી જશે ! વળી માણસ પોતાની કલ્પનાશક્તિથી ગમે તેવો રંગ, ભાત, ધારણ કરી શકે પછી ભગવાન શા માટે એને ચૂતરવા બેસે?’ ભવાં ચઢાવી શિવાની શ્વેત ઝબ્બાધારીનો જવાબ સાંભળવા એની સામે તાકી રહી. જવાબમાં કાંડે બાંધેલા ઘડિયાળ સામે જોવાયું. ‘બહુ મોડું થઈ ગયું છે – પ્રાર્થનાનો સમય થઈ જશે.’ – એમ કહી આગળ-પાછળ જોયા વગર શાહમૃગની ઝડપે સફેદ ઝબ્બો ભાગ્યો. શિવાની બૉમ્બે યુનિવર્સિટીમાં ફિલોસૉફીનો અભ્યાસ કરતી હતી. પરીક્ષા ગયે અઠવાડિયે પૂરી થઈ અને શિવાની પરીક્ષાનો થાક ઉતારવા મહાબળેશ્વર ગયેલી-સાવ એકલી. શિવાનીને કંપની ગમતી; પણ એકાંત એ રસથી માણી શકતી. કિંગ્સ કૉટેજ એના પિતાનો જ બંગલો હતો અને એની પડખે જ ઊભેલા ઝૂંપડામાં કોંડીરામ માળી અને તેનું કુટુંબ રહેતું. શિવાનીના પિતાને કોંડીરામ ઉપર સંપૂર્ણ વિશ્વાસ, એટલે શિવાનીને એકલી મોકલતાં અચકાતા નહીં. વળી તે કોંડીરામને નહીં નહીં તો ત્રીસેક વર્ષથી જાણતા. પાદરીએ ત્રીસ પરિભ્રમણ પૂરા કરી એકત્રીસમું શરૂ કર્યું હતું. નવ ભાઈબહેનોમાંનો એ પોતે પાંચમો. એની મા સારામ્માએ નાઝરથ પેટમાં હતો ત્યારથી જ પાક્કું કરી નાખેલું કે એ બાળક ઈશ્વરને અર્પણ થશે. આઠે ભાઈ-બહેનોને બધી વાતની છૂટ; પણ નાઝરથ પોતાની નાનકડી બારી ખોલી રંગને સ્પર્શવા હાથ લંબાવે કે ખુશબોનો ફડાકો લેવા નાકનાં નસકોરાં પહોળાં કરે કે જીભ સ્વાદમાં ઝબોળે કે માબાપ ઈશ્વરી લોલીપૉપ બતાવી કહેતાં : ‘પ્રભુ મેળવવો હોય તો આ બધી ચીજમાં મન નહીં રખાય.’ નાઝરથ સ્વભાવે મક્કમ – જે પકડે એને પાટલા-ઘો જેમ છોડે જ નહીં. અભ્યાસની ચીવટ, ધારદાર બુદ્ધિ અને ઈશ્વર પામવાની ધગશ એટલે જેસ્યુઇટ્સ ઑર્ડરમાં એની ભરતી થઈ ગઈ. એ પાદરી બનવા સર્જાયો છે એવી તેને શ્રદ્ધા હતી અને પોતાની જિંદગી વિષે એને કોઈ ફરિયાદ નહોતી. તેર વર્ષની સાધના પછી એ એના ધ્યેયને કિનારે આવવાની ઘડીઓ ઉત્સુકતાથી ગણતો હતો. પંદર દિવસમાં તો બિશપની હાજરીમાં એ પાદરીની પદવીનો સરતાજ પહેરશે. આ પંદર દિવસમાં પોતાના મનમાં બોરિંગ કરી છેક ઊંડો જઈ પોતાની નિષ્ઠા બારીકાઈથી તપાસવાની હતી – ક્યાંક વાળઝીણી તિરાડ તો નથી ને ! મહાબળેશ્વર આવ્યે ગણીને ત્રણ જ દિવસ થયેલા અને તેને શિવાની મળી. શિવાનીને ક્યાં ખબર હતી કે મિનિટો મળેલો પાદરી પોતાને મળવાને, ચાહનાથી સવારની વાટ જોતો, ઊંઘમાંથી કેટલીયે વાર ડોકાતો હતો ! જોકે બિનઅનુભવી નાઝરથને પણ નહોતી ખબર કે ને શું થાય છે; પણ બીજે દિવસે પ્રાતઃકાળની પ્રાર્થનાને એણે ફટાફટ ધકેલી. મોઢું ધોતાં બેઝિન ઉપર ઊભેલા આરસામાં એણે ત્રણ-ચારવાર પોતાનું જ મોઢું જોયું. મોઢું જોવામાં આટલો આનંદ એને ક્યારેય નહોતો આવ્યો. છમાં પાંચ ક્રમે કૉટેજની દિશામાં ચલાવવા માંડી. જ્યારે દૂરથી રંગીન વીજળી ઝબૂકતી એણે જોઈ અને જ્યારે એની બુદ્ધિએ એને ઓળખી, ત્યારે એના પેટમાં વાદળનો ગડગડાટ થયો – છાતીમાં કબૂતરની પાંખોનો ફડફડાટ અને નાડેનાડમાં ધોકાનો ઊછળતો ધબધબાટ થયો. થોડી વારમાં જ ચાર પગ પડખે પડખે ચાલવા લાગ્યા. શિવાનીની આંગળીઓ સાથે એક નાનકડી લાલ રંગની ગુલાબની કળી રમતી હતી. ‘લો – આ તમારા ઝબ્બામાં ખોસી દો. હું મારા ચોટલામાં જ નાખવાની હતી; પણ હવે તમે જ રાખો – તમારા ધોળિયા ઝબ્બામાં થોડોક રંગ આવશે.’ તારા જેમ આંખ ઝબકાવી એણે ગુલાબ પોતાની આંગળીઓમાંથી બાજુમાં ઊભી ઊભી ધડકતી આંગળીઓમાં સેરવ્યું. ‘તમે ગઈકાલની કેડી ઉપર પહેલી જ વાર ગયેલા?’ ‘હા – કેમ?’ ‘ત્યાં ખૂબ આગળ જાઓ તો માતાનું મંદિર છે – બાંધેલું મંદિર નહીં; પણ નાનકડી ગુફામાં માતાની સ્થાપના કરી છે, અદ̖ભુત જગા છે, જોવી છે તમારે?’ ‘શા માટે નહીં !’ પગ આગળ ચાલવા લાગ્યા. કેડી ઊંધી ચાલવા લાગી. વાત જામવા માંડી. ‘તમે સાચેસાચ પાદરી ક્યારે બનશો?’ ‘બસ પંદર દિવસમાં જ.’ ‘પંદર દિવસ પછી શું મોટું ફંક્શન થશે?’ ‘Grand function, જેની વાટ હું નાનો હતો ત્યારથી જોઉં છું. બિશપની હાજરીમાં વિધિ થશે. છેલ્લે બિશપ મને ભેટશે... અને પછી હું પાદરી !’ ‘તમારે શું પ્રતિજ્ઞાઓ લેવાની?’ ‘પ્રતિજ્ઞા તો મેં ચાર વર્ષ પહેલાં લઈ લીધી.’ ‘ભીષ્મ જેવી ભીષણ પ્રતિજ્ઞા કે !’ ‘ભીષ્મ એટલે?’ ‘અરે ! તમને ભીષ્મ કોણ એ પમ ખબર નથી. અને પ્રતિજ્ઞા લેવા નીકળ્યા?’ ઝબ્બાધારીનું મોં જરા ઝાંખું પડી ગયું. ‘તમે કઈ પ્રતિજ્ઞા લીધી?’ ‘અપરિગ્રહ : એટલે કે પોતાની પાસે પોતાની માલિકીનું કશું ન હોવું. બ્રહ્મચર્ય. જેસ્યુઇટ્સ ઑર્ડરની આજ્ઞાનું પાલન; અને જનસેવા.’ ‘આ પ્રતિજ્ઞાઓનું પાલન તમે કરી શક્યા?’ ‘ઘણુંખરું.’ ‘ચાર વર્ષમાં એવું ક્યારેય ન બન્યું કે તમારા “ઑર્ડર”નું ફરમાન તમને અસત્ય લાગ્યું હોય?’ ‘ના.’ ‘પણ ધારો કે તમારા જેન્યુઇટ્સ ઑર્ડરનો અમુક મત કે નિર્ણય તમને તદ્દન અસત્ય લાગે તો તમે શું કરો?’ ઝબ્બાધારી વિચારમાં હોય એમ મૌન જ રહ્યો. ‘જિસસ તો દેવળના હરામખોર પાદરીઓ જોડે કેવું લઢેલા ! જિસસ પોતે તો કોઈ ઑર્ડરના સભ્ય નહોતા કે ન તો તેમણે કોઈ ધર્મની સ્થાપના કરેલી.’ ‘જિસસ તો “son of god” – એમની અને સામાન્ય માણસની થોડી સરખામણી થાય? ઑર્ડરમાં રહેવાથી સંયમ અને શિસ્ત ટકી શકે.’ ‘અને ઑર્ડર બહાર જાઓ તો ગાયબ થઈ જાય? ઑર્ડર એટલે ચોકીદારી જ થઈને ! પાંગળા મામસને ઘોડી જોઈએ જ. કહો તો ખરા, “ઑર્ડિનેશન” વિધિનો શું મહિમા?’ ‘મારે તમારી સાથે જીભાજોડી નથી કરવી.’ ‘મારે પણ તમારી જોડે જીભાજોડી નથી કરવી; પણ નાનપણથી જ જેની તમે વાટ જોઈ રહ્યા છો એ વિધિનો મહિમા તો જાણું.’ ‘ટૂંકમાં પોપ મને કૅથલિક ચર્ચના સભ્ય તરીકે સ્વીકારશે.’ કમને જવાબ ફેંકાયો. ‘તમારા જીવનનું ધ્યેય પાદરી બનવાનું છે કે તમારા ધ્યેયને પામવા તમારે પાદરી બનવું જ પડે એમ છે?’ જવાબમાં મૌન. ‘કોઈ પણ મહાન ચિંતકે વિશ્વને કોઈની ઉધાર આંખોથી જાયું નથી ! ભગવાન બુદ્ધ, ઈશુ, ગાંધીજી, સૉક્રેટિસ, શંકરાચાર્ય – એમણે કોઈનો readymade ધર્મ અપનાવ્યો નથી.’ ‘પણ હું એમાંનો એક નથી.’ ‘Too bad !’ એકાએક કેડી જાપાનીઝ પંખા જેમ ખૂલી ગઈ હોય એમ મેદાનમાં ખુલી ગઈ. વચ્ચોવચ બિલાડીના ટોપ જેવા આકારનો ભીમકાય પથ્થર પડેલો. શિવાની તો પથ્થરને મળવા કેટલીયે આતુર હોય એમ દોડવા માંડી. ગુફાના ઝીણી મોંફાડ જેવા કાણામાં એ પેટે ઘસડાઈ અંદર ઘૂસી ગઈ, અંદર પલાંઠી મારી બેસી ગઈ. થોડી વારમાં ઝબ્બાધારી ગુફા આગળ આવી થંભી ગયો. સમસ્યા હતી પેટે ઘસડાઈ અંદર જવાની. એના મનમાં મુઝવમ હતી : કેટલું વિચિત્ર લાગે ! તેમ કરતાં ઝબ્બો સાવ ચોળાઈ જાય, મેલો થાય, કદાચ ફાટી પણ જાય. ગુફાનો પ્રવેશ ખૂબ નાનો હતો; પણ ગુફાનું પોલાણ અંદરથી ખાસ્સું મોટું હતું – પંદરવીસ માણસ આરામથી અંદર બેસી શકે; પણ અંદરથી ઊભા થવાય એટલી ગુફા ઊંચી નહોતી. માતા પાસે પડેલી પિત્તળની ઘંટડી જોરજોરથી વગાડતી શિવાની હસવા લાગી. ‘અંદર આવવાનું આટલું કષ્ટ તો થતું નથી તો જનસેવા કેમ થશે?’ કમને સફેદ ઝબ્બો પેટે ઘસડાઈ, ચોળાતો છૂંદાતો અંદર પહોંચ્યો. અંદર આવવામાં સહાયરૂપ થવા શિવાનીએ પોતાના હાથનો સહારો આપ્યો. એ સ્પર્શથી એ વીજળી-ફૂલ થઈ ખીલી ઊઠ્યો. આ અજાણ્યા સંવેદનથી એ ડઘાઈ ગયો. શિવાનીને પણ પોતાના હાથમાં લપાયેલા હાથનો સ્પર્શ ખૂબ ગમ્યો – થયો કે ઝબ્બાધારીને અંદર આવતાં થોડીક વધારે વાર લાગે તો સારું. અંદર આવીને તે શિવાનીની સામે બેસી ગયો. પોતાના બન્ને હાથ પશ્ચાતાપની મુદ્રામાં જોડી રાખ્યા – આંખ બંધ કરી એ મૌનમાં બેસી રહ્યો. શિવાની પોતાની બંધ આંખથી સામે બેઠેલાને જોતી રહી. શિવાનીના મનમાં થયું : આ માળો પોતાની જાતને પાદરુ બનાવવા ચાલ્યો છે; પણ હમણાં હું એની પાસે જઈ ચીટકી બેસી જાઉં અને બા-ચાર kisses ચોડી દઉં તો એ પાદરુભાઈનું શું થાય? શિવાનીને આ વિચારથી હસવું આવી ગયું. ઝબ્બાધારીની ખો ખૂલી ગઈ. એણે પૂછ્યું : ‘શું થયું?’ શિવાની ધડ દઈને બોલી : ‘કહેવું નથી.’ એકાએક પક્ષીઓનું અને વાંદરાંનું બુમરાણ શરૂ થયું. વધતું ગયું... વધતું ગયું... જાણે કિકિયારી કરતું આખું જંગલ ભયભીત બની ભાગતું ન હોય ! ઝબ્બાધારીએ ધ્રૂજતી આંખોથી ચારે બાજુ જોયું. તેના મનની ગુફામાંથી તગતગતી આંખ, લાલ-કાળા ચટાપટામાં જડેલી સામે ધસી આવી. ઝબ્બાધારીના નેપથ્યમાં બોલતા બેં... બેં... ને આંખથી પામતી શિવાની ખડખડાટ હસી પડી. ઝબ્બાધારીએ હોઠ ઉપર આંગળી મૂકી ચૂપ રહેવાનું કહ્યું. શિવાનીના હસવામાં જાણે ઘી હોમાયું – એ વધારે પ્રજ્વલિત હસી. સામેથી હવાના કાનને પણ ન સંભળાય એવો ધીમો અવાજ આવ્યો : ‘તમને ભાન છે કે અહીં વાઘ... ચિત્તો...’ ‘એના નાકને ક્યારથી આપણી સુગંધ આવી ગઈ છે... હવે ગીતાનો શ્લોક બોલી લઉં?’ શિવાનીએ ગીતાના બીજા અધ્યાયના ‘स्थितप्रज्ञस्य का भाषा’થી ચાલુ કરી દીધું. ઝબ્બાધારીનો ભય ગુસ્સામાં પલટાવા લાગ્યો. ચીસાચીસનું ઑરકેસ્ટ્રા, એકાએક કન્ડક્ટરે બંધ કરવાનું સૂચવ્યું હોય એમ ફટ્ ચૂપ થઈ ગયું. બરાબર એ જ ક્ષણે બ્રહ્મ निर्वाणमृच्छति નો ‘ति’ બોલતી શિવાની પણ ચૂપ થઈ ગઈ. કંઈ જ ન બન્યું હોય એમ એ સાપોલિયા જેમ ગુફા બહાર નીકળી ગઈ. ઝબ્બાધારી પોતાના ઝબ્બામાં અટવાતો-અથડાતો-કુટાતો માંડ બહાર આવ્યો કે તરત જ વધામણાં લેવાતાં હોય તેમ જાંબુના ઝાડ ઉપર ચઢેલી શિવાનીએ જાંબુનાં ઝૂમખાંનો ભેગો કરેલો નાનકડો તોરો ઉપરથી ફેંક્યો. પોતાની સેંકડો જાંબલી જીભથી સફેદ ઝબ્બાને ચાટીને જાંબુ જમીન ઉપર વેરાઈ ગયાં. ઝબ્બાધારી ગુસ્સામાં ઊછળ્યા પણ ત્યાં જ ઉપરથી અવાજ આવ્યો : ‘ઉપર આવો, જાંબુ ખાવાની ખૂબ મઝા પડશે.’ સફેદ-જાંબલી ઝબ્બો તૂરું ‘ગુડબાય’ બોલી આવેલ રસ્તે ચાલવા માંડ્યો. ઉપરથી અવાજ આવ્યો : ‘આજે પણ પ્રાર્થનામાં મોડું થાય છે?’

*

બીજે દિવસે શિવાનીને શું ચકરી આવી કે તે સવાર સવારમાં મુંબઈ ઊપડી ગઈ. પોતાના મનમાંથી પાદરીને મહાબળેશ્વર મૂકતી ગઈ. વર્ષો પછી એ સફેદ ઝબ્બો રંગીન લેબાશમાં પોતાની સામેની ખુરશી ઉપર જોઈ શિવાની ફરી મહાબળેશ્વરની ગુલાબીમાં આવી ગઈ. ‘હવે આ ઉમ્મરે સફેદ વધારે match થાય ત્યારે તમે કલરફુલ બની ગયા ! શું હવે પાદરીઓને બધી જ છૂટ છે કે?’ ‘હું ક્યાં પાદરી છું કે મને ખબર પડે !’ ‘શું બિશપે નપાસ કર્યા?’ ‘હું પાદરી બન્યો જ નહીં.’ ‘Impossible !’ ‘સાચેસાચ... તમને મળીને મારું આખું અસ્તિત્વ હચમચી ગયેલું. જે વસ્તુઓ મેં સહજતાથી સ્વીકારેલી તેને મારી બુદ્ધિ પડકારવા લાગી. મારામાં જ જાણે બે વ્યક્તિ વસતી હોય એમ બન્ને વચ્ચે યુદ્ધ શરૂ થયું. એક હું કહેતો : પાદરી બનવા જ સર્જાયો છું. બીજો હું કહેતો : ઈશ્વર અનુભવવા જ સર્જાયો છું. અને એ અનુભવ માટે પાદરી થવું અનિવાર્ય નથી; કદાચ બંધનરૂપ છે. મેં પ્રેરણા માટે સંત ફ્રાન્સિસ અસિસીને વાંચ્યા કર્યા – જેમણે પાદરીપણું સ્વેચ્છાથી ન સ્વીકાર્યું. ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ વાંચ્યા. બન્ને ઉપર સતત મનન કર્યું. બાર દિવસ હું મારા ઓરડામાં પડી રહ્યો. ઊંઘ હરામ થઈ ગઈ. છેવટે, મેં મારી બુદ્ધિને છોડી ઈશુનો આશરો લીધો. મેં સંપૂર્ણપણે મારી જિંદગી એના હાથમાં સોંપી દીધી. તે રાતે મને અદ̖ભુત અનુભવ થયો. પછી ખબર નથી; હું ઊઠ્યો ત્યારે મારું મન ખૂબ શાંત હતું. થોડા જ કલાકમાં મારી “ઑરડિનેશન” વિધિ હતી. એટલામાં બારણે ટકોરા પડ્યા. પિતાનો અવાજ આવ્યો : ‘નાઝરથ ! જલ્દી કર.’ માની બૂમ સંભળાઈ : ‘ચાલ દીકરા !’ બારણું ખોલી મેં કહ્યું : ‘નથી આવવું. મારે પાદરી નથી બનવું.’ પહેલાં મા-બાપ એમણે સાંભળેલું માની શક્યાં નહી. જ્યારે માન્યું ત્યારે મને સમજાવાયો, પછી ધમકાવાયો. પછી બન્નેએ આક્રંદ કર્યું. મેં મારા મનની સ્થિતિ સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ કંઈ વળ્યું નહીં. આખરે તેઓ મારી પાસે બિશપ લઈ આવ્યા. બિશપે કહ્યું : ‘બેટા ! તારા ગાત્ર કેમ ઢીલા થઈ ગયા છે ! જીતવાની અણીએ તું શું હારેલા જેમ બેસી ગયો ! બેટા ! ચાલ, પ્રીસ્ટ બનવું એ જ તારો ધર્મ છે – તેનું પાલન કર, પ્રીસ્ટ બન્યા સિવાય તારો મોક્ષ નથી.’ ‘પણ મારે પાદરી નથી બનવું. મારે ઈશ્વર અનુભવવો છે.’ ‘પ્રીસ્ટ બન્યા વગર તને Kingdom of Heaven કેમ પ્રાપ્ત થશે?’ ‘એ તો મારી અંદર જ છે – ઈશુએ જ કહ્યું છે.’ ‘પણ દિવ્યચક્ષુ વગર એ વિરાટનાં દર્શન કેમ કરીશ?’ ‘દિવ્યચક્ષુ મને ઈશ્વરકૃપાથી મળશે.’ ‘ધર્મનું પાલન નહીં કરનારને નરક સિવાય બીજું કંઈ પ્રાપ્ત નથી થતું.’ ‘મારો ધર્મ મને કહે છે કે તું તારી... આંતરસ્ફુરણાથી જ ઈશુને શોધ – નહીં કે ચર્ચના ચીલામાં. ઈશ્વરને શોધવા માટે પાદરી બનવાની કોઈ જરૂર મને નથી લાગતી.’ આખરે કંટાળી બિશપ ગયા. શરમથી ઝૂકી ગયેલાં મારાં માબાપ પણ ગયાં. તેઓ કહેતાં ગયાં – ‘તું અમારો દીકરો નથી.’ તે જ રાતે હું ત્યાંથી ચાલી નીકળ્યો. ખૂબ ફર્યો – કેટલીયે ટ્રેન બદલી. છેવટે ઈશુએ મને અહીં આ ગામમાં ઊભો રાખ્યો. ગામમાં કૉલેરા ફાટેલો. રોજ કેટલાં મરતાં’તાં ! મને થયું કે હું બીજે ચાલી જાઉં; પણ જાણે કોઈ કાર્ય માટે જ મોકલાયો હોઉં એમ હું અહીં જ જડાઈ રહ્યો. કૉલેરાના દર્દીઓની સેવા કરતાં કરતાં હું આખા ગામ સાથે સહજ જોડી ગયો. બસ, ત્યારનો અહીં જ છું. બાળપણથી જ બીજા કોઈએ મારા જીવનનું ધ્યેય નક્કી કરી રાખેલું. મારા મનમાં પણ એવું ઠસી ગયેલું કે એ જ મારું ધ્યેય છે. તમે ન મળ્યાં હોત તો કદાચ હું બીજા જ કોઈના ધ્યેયને પામત. એટલે જ મને એક એવી શાળા રચવાનું સ્ફૂર્યું, જ્યાં બાળક સ્વતંત્ર હોય – એ પોતે જ નક્કી કરે કે એને શું ગમે છે? શું કરવું ગમે છે? શું સાચું? શું ખોટું? પોતે ખોટું કર્યું હોય એમ લાગે તો બાળક પોતે જ પોતાની ભૂલ સુધારે. કોઈપણ બંધન કે ભય વગર બાળક કેટલું સુંદર ખીલે છે એ જોતાં હું ધરાતો નથી. શિવાની ! તું... તમે... તો કંઈ બોલ ! તેમ શું કર્યું?’ શિવાનીને જિંદગીમાં પહેલીવાર લાગ્યું કે વર્ષો, કાંપ પાથર્યા વિના જ વહી ગયાં. તે દિવસે, પોતે ફેંકેલાં જાંબુ કરતાં આ ફેંકાયેલો સવાલ તેને વધારે જાંબલી લાગ્યો. નીચા મોંએ શિવાની બોલી : ‘House-Wife.’ ‘આખી જિંદગી માત્ર એ જ રહેશે?’ જવાબમાં મૌન હતું. ‘તારા ઉપરથી જ તો આ શાળાનું નામ પાડ્યું !’ જે શક્તિએ પોતાના જીવનનું વહેણ પલટી નાખ્યું એ શક્તિને શિવાનીના ચહેરામાં એ ખોળવા લાગ્યો. ‘મારે જવું પડશે, એમનો ઑફિસેથી આવવાનો સમય થઈ ગયો.’ ‘પણ, હજુ મારી પ્રાર્થનાનો સમય નથી થયો.’

વાર્તા અને વાર્તાકાર :

અંજલિ ખાંડવાળા (૨૧-૦૯-૧૯૪૦ થી ૧૧-૦૪-૨૦૧૯)

ત્રણ વાર્તાસંગ્રહ :

1. લીલો છોકરો (કિશોર વાર્તાસંગ્રહ) (1986)
2. આંખની ઈમારતો (1988) 15 વાર્તા
3. અરીસામાં યાત્રા (2019)

‘શક્તિપાત’ વાર્તા વિશે :

બીજાના જીવનને બદલી શકવાની તાકાત ધરાવતી સ્ત્રી પોતાની જિંદગીમાં કંઈ નથી કરી શકતી, કારણ કે પરણ્યા પછી એક જુદા જ વિશ્વમાં જતી સ્ત્રી પોતાની ઈચ્છા પ્રમાણે નથી જીવી શકતી. લગ્ન પછી ઘર અને બાળકોની જવાબદારી સ્ત્રીને પાયામાંથી બદલી નાખે છે. અંજલિ ખાંડવાળા આ વાતને એમની ‘શક્તિપાત’ વાર્તામાં નિરૂપે છે. ઊછળતી, કૂદતી, તરવરતી શિવાની ધારદાર પ્રશ્નોથી પાદરી બનવા નીકળેલા યુવાનને ગૂંચવે છે. એ યુવાન પાદરી બનવાનો વિચાર છોડી દે છે પણ પછી શિવાનીનું શું થયું? વર્ષો પછી પેલા યુવાનને મળતી શિવાની, ‘મારે જવું પડશે, એમનો ઑફિસેથી આવવાનો સમય થઈ ગયો’ કહે છે. એની શક્તિનો ધોધ તો ગૃહલક્ષ્મી બનવામાં જ સમાઈ ગયો. બીજાની જિંદગી બદલી શકતી શિવાનીની બધી જ શક્યતાઓ ઘરમાં જ ખર્ચાઈ જાય છે. ચોતરફ નજર નાખીશું તો આવી કેટલી શિવાની દેખાશે?