સાગરસમ્રાટ/કૅપ્ટન નેમો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭. કૅપ્ટન નેમો

એ શબ્દ બોલનાર આ વહાણનો ઉપરી હતો. નેડ પણ આ શબ્દ સાંભળતાં જ ચમકીને ઊભો થઈ ગયે, એટલે તેના શબ્દોમાં સત્તાનો પ્રભાવ પડતો હતો. નેડના પંજામાંથી છૂટેલો પેલો નોકર કૅપ્ટનના ઈશારાથી બહાર ચાલ્યો ગયો. નેડલૅન્ડના આ તોફાનનું શું પરિણામ આવશે તેની રાહ જોતા અમે ઊભા. કૅપ્ટન પણ અમારા ટેબલ પર એક હાથ મૂકીને અમારી સામે શાંત નજરે જોતો ઊભો રહ્યો. થોડી વાર સુધી શાંતિ ફેલાઈ; પછી શાંત અને ગંભીર અવાજથી કૅપ્ટન બોલ્યો: “ગૃહસ્થો! હું બધી ભાષાઓ સારી રીતે બોલી શકું છું. મેં પહેલી વખતે તમારી સાથે જાણીજોઈને વાતચીત નહોતી કરી. ફક્ત તમારા ત્રણેના મોઢે તમારો વૃત્તાંત બરાબર સાંભળી લીધો. પ્રોફેસરસાહેબ જેવા વિદ્વાન અને નેડલૅન્ડ જેવા ઉત્તમ શિકારીને અકસ્માત્ મારા વહાણમાં આવી ચડેલો જોઈને મને આનંદ થાય છે. પહેલી વાર તમને મળ્યા પછી તમારું શું કરવું તેનો વિચાર હું કરતો હતો. તમે નસીબજોગે એક એવા માણસ પાસે આવી. પહોંચ્યા છે કે જેણે દુનિયા સાથેનો પોતાનો સંબંધ ઘણાં વરસેથી સાવ તોડી નાખ્યો છે. હું જાણું છું કે તમારો ઇરાદો અમારે નાશ કરવાનો હતો…”

“નહિ, કૅપ્ટનસાહેબ! તમારી ભૂલ થાય છે. અમારો વિચાર ઇરાદાપૂર્વક તમારા નાશ કરવાનો નહોતો. તમને ખબર નથી કે તમે આખી દુનિયામાં કેવો હાહાકાર મચાવી દીધો છે. તમારા વહાણને એક મોટું રાક્ષસી દરિયાઈ પ્રાણી સમજીને અમે તેના શિકારે નીકળ્યા હતા.” મેં ખુલાસો કર્યો.

કૅપ્ટનના હોઠ ઉપર એક ઝીણું હાસ્ય ફરકયું. ધીમેથી પણ વીંધી નાખે તેવા અવાજમાં તે બોલ્યો: “પ્રોફેસરસાહેબ, ધારો કે તમને ખબર હતી કે આ વહાણ જ છે; તો તમે તેના ઉપર હુમલો ન કરત, કેમ?’

આ તો મારી પાસે ઉત્તર નહોતો. મને લાગે છે કૅપ્ટનનું માનવું સાચું હતું.

કૅપ્ટને વળી આગળ ચલાવ્યું: “તમારી સાથે શત્રુઓના જેવું વર્તન ચલાવવાને મને હક્ક છે. તમને કોઈ પણ જાતની સગવડ આપવા માટે હું બંધાયેલ નથી. હું તમને પાછો દરિયા ઉપર તરતા મૂકીને ચાલ્યો જાઉં તોપણ મને તેમાં કાંઈ ખોટું લાગતું નથી. તમે કદાચ મને જંગલી કહેશે, પણ મને તેમાંયે વાંધો નથી. હું સુધરેલો રહેવા માગતો નથી, અને સુધરેલી દુનિયા સાથે મારે કશો સંબંધ પણ નથી. સુધરેલી દુનિયાના કાયદાઓ મને લાગુ પડતા નથી. તમારી સુધરેલી દુનિયાની એક પણ વાત મને કરવાની જરૂર નથી.”

કૅપ્ટનની આંખમાંથી જાણે આગ ઝરતી હતી. દુનિયાનો આવો કટ્ટર વેરી અમારી સામે ઊભો છે અને અમે તેના હાથમાં કેદી છીએ, એનો ખ્યાલ આવતા હું થરથરી ઊઠ્યો. આની પાસેથી બચવું એ તેના હાથની જ વાત હતી. થોડી વાર પછી પાછો કૅપ્ટન બોલ્યો: “પણ. મારો વિચાર તમને મારવાનો નથી. તમે આ વહાણમાં રહો. તમારે ક્યાં સુધી અહીં રહેવું તે હું કહી શકતો નથી. કદાચ જિંદગીભર રહેવું પડે. તમે અહીં છૂટથી હરીફરી શકશો. ફક્ત એક જ શરત કે તમને થોડા દિવસે પૂરી રાખવામાં આવે તો તેમાં તમારે કશો વિરોધ કરવો નહિ. તમને આ વહાણમાંનો કેટલો ભાગ જેવા દેવો તે મારે નક્કી કરવાનું છે.”

મેં વચ્ચે પૂછ્યું: “પણ આ તો એક કેદીને અપાય એટલી જ સ્વતંત્રતા થઈ! એ પૂરતી નથી.”

“તો તમારે તે પૂરતી છે એમ માની લેવું પડશે.” કૅપ્ટને કહ્યું.

“એનો અર્થ એમ જ ને, કે અમારે પણ દુનિયા સાથેનો અને અમારાં સગાંવહાલાં સાથે સંબંધ પૂરો થયો સમજી લો?” મેં પૂછ્યું.

“હા જી, એમ જ. મને લાગે છે કે એમાં બહુ દુઃખ પામવા જેવું નથી.” “હું જાહેર કરું છું”, હાથ ઊંચો કરીને કહ્યું કે, “હું નાસી જવાનો પ્રયત્ન નહિ કરું એવું વચન નહિ આપું.”

“મિ. લૅન્ડ! મેં તમને આવું વચન આપવાનું કહ્યું જ નથી.”

નેડ ચૂપ થઈ ગયો.

“કૅપ્ટનસાહેબ! તમે અમારી દયામણી સ્થિતિ જોઈને અમારા ઉપર જુલમ કરો છો.” મેં કહ્યું.

“ના સાહેબ! તમે ભૂલો છો. હું તો તમારા તરફ ઊલટી દયા રાખું છું. ખરું જોતાં તો તમે મારા યુદ્ધના કેદી છો. હું ધારું ત્યારે દરિયાને તળિયે તમને ડુબાવી દઈ શકું છું. તમે મારા ઉપર હુમલો કર્યો છે એટલું જ નહિ, પણ દુનિયામાં હું જે વસ્તુની કોઈ માણસને ને ખબર પડવા દેવાનો નહોતો તે વસ્તુ તમે જાણી ગયા છો. હવે તમને કેદ પૂરી રાખવા એ એક જ રસ્તો મારી પાસે ખુલ્લો છે. એમાં બીજું કાંઈ થઈ શકે તેમ નથી.”

થોડી વાર શાંતિ પથરાઈ ગઈ. થોડી ક્ષણ પછી તે બોલ્યો: “પ્રોફેસરસાહેબ! તમને તથા તમારા સાથીઓને અહીંથી નાસી જવા સિવાયની બીજી દરેક સ્વતંત્રતા મળે છે. તમારા સાથીઓને વિશે હું નથી કહી શકતો, પણ તમને તો જરૂર કહી શકું કે તમારા જેવા વિજ્ઞાનશાસ્ત્રીને મારી સાથે રહેવામાં જરાયે ગુમાવવાપણું નથી; ઊલટું દુનિયા ઉપર વિજ્ઞાનશાસ્ત્રીઓએ કદી નહિ જોયેલાં અને નહિ કલ્પેલાં દૃશ્યો જોવાની તમને તક મળશે.”

કૅપ્ટનના આ શબ્દોએ મારા ઉપર ખૂબ અસર કરી. દરિયાની અંદર રહેલી સૃષ્ટિનો અનુભવ થશે એ વિચારથી મારું મન પ્રફુલ્લિત થયું.

“આપને મારે કયે નામે બોલાવવા?’ મેં પૂછ્યું.

“કૅપ્ટન નેમોને નામે બોલાવશો તે ચાલશે.’ કૅપ્ટને કહ્યું.

આ પછી તરત જ મારા સાથીઓ તરફ ફરીને બોલ્યોઃ “તમારે માટે તમારી ઓરડીમાં ભોજન તૈયાર છે. આ માણસ તમારી સાથે આવશે. અને પ્રોફેસરસાહેબ! તમે નાસ્તા માટે મારી સાથે ચાલો.”

હું કૅપ્ટન નેમોની સાથે ચાલ્યો. સાંકડી એવી ઓસરી ઉપર થઈને થોડી વારમાં અમે ભોજનના ઓરડામાં આવી પહોંચ્યા. વીજળીની બત્તીથી આખો ઓરડો પ્રકાશિત હતો. ઓરડાની અભરાઈઓ ઉપર જાતજાતનાં ચકચકિત વાસણા ચળકાટ મારતાં હતાં. ઓરડાની વચ્ચે કીમતી ટેબલ હતું ને તેના ઉપર નાસ્તાનો થાળ મૂકેલો હતો. અમે નાસ્તો શરૂ કર્યો.

નાસ્તામાં શી શી ચીજો છે તે હું પૂછું તે પહેલાં જ કૅપ્ટન બોલી ઊઠ્યો: “તમે આ બધાથી અજાણ્યા હશો, પણ આ બધી વાનીઓ મને સમુદ્રમાંથી મળી છે. દરિયો મને જે જોઈએ તે પૂરું પાડે છે. કોઈ કોઈ વાર હું દરિયાની અંદરનાં જંગલોમાં જઈને શિકાર પણ કરી લાવું છું. મને સમુદ્ર ખાવાનું આપે છે, એટલું જ નહિ પણ કપડાં પણ મને તેમાંથી જ મળી રહે છે. આ તમે પહેરેલાં કપડાં પણ દરિયાની અંદર થતા એક પ્રકારના ઘાસના રેસાઓમાંથી થયેલાં છે. દરિયામાં અત્તર પણ મળે છે. તમારી પથારીનું ગાદલું પણ દરિયાના એક પ્રકારના ઘાસમાંથી જ બનાવેલું છે. હોલ્ડર પણ વહેલ માછલીનાં હાડકાંમાંથી બનાવેલું છે. શાહી પણ કેલેમારી નામની માછલીમાંથી નીકળતા પદાર્થની બનાવેલી છે. મને બધું દરિયામાંથી મળી રહે છે. અને એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આ બધું પાછું દરિયામાં જ મળી જશે.”

“તમને દરિયા ઉપર ખૂબ પ્રેમ લાગે છે!” મેં કહ્યું.

“પ્રેમ તો શું, દરિયો એ મારું સર્વસ્વ છે. દરિયામાંથી હું મારું જીવન મેળવું છું. દરિયા ઉપર મનુષ્યો સત્તા મેળવવા ભલે સામસામા કપાઈ મરે, પણ દરિયાની નીચે તેમનું બળ નકામું છે. ત્યાં આગળ સત્તા જેવી વસ્તુ જ નથી, ત્યાં હું સ્વતંત્ર છું.”

આમ બોલતાં બોલતાં તે જાણે મને ભૂલી ગયો હોય એમ લાગ્યું. થોડી વારે પાછો તે સ્વસ્થ થયો અને બોલ્યોઃ “પ્રોફેસરસાહેબ! તમારી ઇચ્છા હોય તો આપણે હવે આ મારું ‘નૉટિલસ’ વહાણ જોવા જઈએ.”