સાત પગલાં આકાશમાં/૨૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૨

એક પ્રચંડ વાવાઝોડાની જેમ મૃત્યુ આવ્યું અને ઘડીક વારમાં ભયાનક ઊથલપાથલ કરીને ચાલ્યું ગયું. થોડા દિવસ પછી બહારથી તો શાંતિ પથરાઈ ગઈ, પણ અંદર હતી એક વેદનાભરી ઉજ્જડતા, ભય અને વીંખાઈ ગયેલા ભવિષ્યનો ભંગાર. પણ બધું ફરી ઊભું તો કરવું પડશે. ભવિષ્યની રચના કરવી પડશે. એક જીવન વિલીન થઈ ગયું, પણ જીવનનો પ્રવાહ તો અખંડ છે. જયાબહેન અત્યાર સુધી જાણ્યેઅજાણ્યે, વિપુલનાં મા હોવાને કારણે ઘ૨માં પોતાનું અધિકારભર્યું સ્થાન અનુભવતાં હતાં. વિપુલ જતાં તેમના મનમાં ભયનો એક ઓળો પથરાઈ ગયો. હવે પોતે એનાને આશ્રયે હતાં. એના પોતાને પહેલાંની જેમ સાચવશે? એનાની ન ગમતી વાતનો ખુલ્લો વિરોધ કરવાનું હવે પોતાથી બનશે? એનાને હજી પોતાને વિશે વિચાર નહોતા આવ્યા. તેનું હૃદય વિપુલથી ભરેલું હતું! કેટલા પ્રેમથી, કોઈક વિશાળતાને બાથ ભીડવાનાં સોણલાં સાથે બન્નેએ સહપ્રયાણ આદર્યું હતું! મૃત્યુ જીવનનું એક અવિભાજ્ય અંગ છે જ; પણ એ આટલો વહેલો કેમ ચાલ્યો ગયો? અને જતી વખતે અંતરમાં ગુસ્સો, કડવાશ, વિરોધભાવ લઈને ગયો. ઓહ, રોજેરોજ માણસ નજ૨ સામે જુએ છે અને છતાં તેને ખાતરી નથી થતી કે પોતાનું મૃત્યુ પણ કોઈ પણ પળે આવી શકે છે. એવી ખાતરી થતી હોત તો માણસ જીવનની એકેએક ક્ષણને સંપૂર્ણતાથી, મધુરતાથી જીવવાનું નક્કી ન કરત? વિપુલ મૃત્યુ વખતે હૃદયમાં શાંતિ ને સમતા લઈને ગયો હોત તો પોતાનો શોક જરા ઓછો હોત? ફરી ફરી મન એકની એક વાત વાગોળ્યા કરતું હતું : વિપુલે આટલો ગુસ્સો ન કર્યો હોત, તે આટલો તંગ ન રહેતો હોત, તો કદાચ આવું ન થયું હોત… પણ કવિતા લખવી એ શું ગુનો છે? દક્ષતાપૂર્વક કામ કરવું, લોકપ્રિય થવું, વધુ કમાવું — એ શું ગુનો છે? પતિ માટે એ જો ગુનો ન હોય તો પત્ની માટે એ ગુનો કેમ કરીને હોઈ શકે? આઠેક દિવસ પછી એનાએ સાસુને કહ્યું કે કાલથી હું કામ પર જઈશ. જયાબહેનને રાહત થઈ કે એનાની આવક સારી હતી, નહિ તો ઘર ચલાવવાનું મુશ્કેલ બનત. કામ પર જવાની તૈયારી કરતાં, એનાને શરૂના દિવસો યાદ આવી ગયા. બન્નેમાં ખૂબ ઉત્સાહ હતો. બન્ને બધાં કામ સાથે કરતાં. સાથે જ રસોડામાં જઈ ચા-કૉફી બનાવતાં, વાતે વાતે મજાક કરતાં, હસતાં. કામ કામ ન રહેતું — ૨મત રમતાં હોય એવું લાગતું. પોતે નાહવા ગઈ હોય ત્યારે વિપુલ નાસ્તા માટે ટેબલ તૈયાર કરતો, ઘણી વાર ગરમ ગરમ પૂરી બનાવી નાખતો. આ મારું કામ, આ તારું — એવા ભેદ હતા નહિ. મુક્તિ ધીરે ધીરે, ટુકડાઓમાં કદાચ આવતી હશે — એનાએ શોકપૂર્વક વિચાર્યું. કામની બાબતમાં વિપુલને ખાસ ભેદભાવ નહોતો, પણ પોતાના કરતાં એના વધુ લોકપ્રિય હોય એ તેનાથી સાંખી શકાયું નહિ. પુરુષ સ્ત્રી કરતાં ચડિયાતો જ રહેવો જોઈએ — એવું એ માનતો હશે? પણ એવી સરખામણી જ શા માટે ક૨વી જોઈએ? બન્ને એકબીજા માટે, ઘર માટે, બાળકો માટે હોય — બન્નેની જે કાંઈ આંતરબાહ્ય સમૃદ્ધિ હોય તેનો લાભ એકબીજાને મળતો હોય, પછી આવી સરખામણી કરવાની જરૂર જ શી? પુત્ર પોતાના કરતાં વધુ કમાય તો પિતા રાજી થાય છે. તો એ જ માણસ, પત્ની પોતાના કરતાં વધુ કાયમ તો રાજી કેમ થઈ શકતો નથી? એનો અર્થ એમ થાય કે પત્નીને એ પોતાની ગણતો નથી? શોકભર્યા હૃદયે તેણે કપડાં પહેર્યાં — હંમેશા પહેરતી હતી તે જ. પોતાની વ્યથાને વસ્ત્રો જેવાં બાહ્ય ચિહ્નોમાં પ્રગટ કરવાનું તેને હંમેશા છીછરું લાગ્યું હતું. પણ ચાંલ્લો કરવા જતાં તે એક ક્ષણ થોભી. કપાળે તે રોજ મોટો ગોળ લાલચટક ચાંલ્લો કરતી. ચાંલ્લા સાથે કેવી માન્યતા જોડાયેલી છે તેની તેને ખબર હતી. પણ તેને માટે ચાંલ્લો કપાળનો માત્ર એક શણગાર હતો અને શણગારની કિંમત શણગારથી વધુ તેણે ગણી નહોતી. કપાળ પર નાનો-મધ્યમ-મોટો ચાંલ્લો કરી જોઈને, કપાળ કોરું રાખી જોઈને છેવટે તેણે મનોમન નક્કી કર્યું હતું કે પોતાનું કપાળ મોટા ચાંલ્લાથી વધારે શોભે છે. દરેક મનુષ્યની જેમ, કહો કે દરેક સ્ત્રીની જેમ, તેની પણ શણગાર દ્વારા એકમાત્ર ઇચ્છા ચહેરો વધુ દર્શનીય બની ૨હે તેટલી જ હતી. ચાંલ્લાને કે બીજા કોઈ જ શણગારને, કપડાંને કે કપડાના રંગને વિપુલ હોવા ન હોવા સાથે કાંઈ જ સંબંધ નહોતો. પણ તેને ખબર હતી કે સાસુ પોતાના કપાળ પર ચાંલ્લો જોતાં જ હચમચી જશે. તે અને તેમના જેવી લાખો-કરોડો હિંદુ સ્ત્રીઓ માનતી હતી કે પતિ હોય ત્યારે સ્ત્રીની વેશસજ્જામાં તે બાબતની જાહેરાત થતી રહેવી જોઈએ અને પતિ ન હોય ત્યારે પણ તેણે પોતાના વેશ ને શણગાર કે શણગારના અભાવ દ્વારા સતત એ બાબતની જાહેરાત કરતાં ફરવું જોઈએ, કે તેનો પતિ હયાત નથી. પુરુષો તો કદી પત્ની હોવાની કે ન હોવાની માહિતી પોતાનાં કપડાં પર, શરી૨ પ૨ લઈને ફરતા નથી… તે બબડી અને સાસુ સાથે હવે કેવો સંઘર્ષ થશે તેની કલ્પના કરી રહી. એક પળ થયું, જવા દોને, ચાંલ્લો કરવાથી કે ન ક૨વાથી શો ફરક પડવાનો છે? હું તો જે છું તે જ છું. પણ પછી યાદ આવ્યું. નક્કી કર્યું હતું કે સંઘર્ષના ભયથી કોઈ ખોટી વાત કબૂલ નહિ કરી લઉં. મારે ચાંલ્લો કરવો કે ન કરવો, તે ફક્ત મારી રુચિની વાત છે, મને ન ગમે ને હું ચાંલ્લો ન કરું તે જુદી વાત છે. પણ પતિ મૃત્યુ પામે એટલે ચાંલ્લો ન કરાય — એવી વાહિયાત માન્યતાને પોતે પોતાના આચરણ દ્વારા કદી ટેકો નહિ આપે. તૈયાર થઈ, પર્સ લઈને તે બહાર નીકળી. સાસુ કંઈક કામમાં હશે ને પોતાને નહિ જુએ તો અત્યાર પૂરતી તો કડવાશની થોડી ક્ષણો ટળી જશે એવી આશા સાથે તેણે બૂમ મારી : ‘મા, હું જાઉં છું.’ અને પગમાં ચંપલ પહેર્યાં. પણ જયાબહેન નજીકમાં જ હતાં. એના ઘરની બહાર પગ મૂકે તે પહેલાં જ તે ત્યાં આવી ગયાં. એનાને જોઈ આઘાત પામી મોટેથી બોલી પડ્યાં : ‘હાય હાય, વિધવાથી ચાંલ્લો કરાય?’ ઉંબર ઓળંગવા જતી સાસુનું વચન સાંભળી અટકી ગઈ. સાસુ ભણી ફરીને બોલી : ‘કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વિધવાથી ચાંલ્લો ન કરાય?’ પછી વળી જાણે યાદ આવ્યું હોય તેમ બોલી : ‘અને ધારો કે એવું લખ્યુંયે હોય, પણ છેવટે એ શાસ્ત્રોયે પુરુષોએ જ રચેલાં ને?’ હવે પોતે એનાને આશ્રયે છે એ લાગણીની જાણીઅજાણી પકડ મન પર હોવા છતાંયે જયાબહેનથી રહેવાયું નહિ. એક ચિત્કાર કરીને તે બોલ્યાં : ‘આવા ને આવા વિચારોથી તેં મારા દીકરાનો જીવ લીધો.’ એક ક્ષણ એનાના અંતરમાં આગ સળગી ઊઠી. પણ બીજી જ ક્ષણે તેનું હૃદય દુઃખથી છલોછલ ભરાઈ ગયું. સાસુની વાતનો જવાબ આપવાનું મન થયું નહિ. પણ હવે એમની સાથે જ રહેવાનું છે; ના, હવે એમને પોતાની સાથે રાખવાનાં છે. આમ પણ કોઈનું મન પોતાના વિશેની ગેરસમજથી દુખી થયા કરે, એવી પરિસ્થિતિ તેનાથી સહન થતી નહિ. સ્વભાવથી તે બીજાઓ સુખી રહે એવી ઇચ્છા રાખનારી અને એ માટે શક્ય એટલી કોશિશ કરનારી સ્ત્રી હતી. અંદર જઈ, હાથમાંથી પર્સ બાજુ પર મૂકી ખુરશીમાં બેસી પડતાં તે શક્ય એટલી શાંત થઈને બોલી : ‘એ માત્ર તમારો દીકરો જ હતો, મા? મારો પતિ નહોતો? મને શું એને માટે પ્રેમ નહોતો?’ તેનો અવાજ રૂંધાઈ ગયો. ‘બોલો, બોલો, તમારા હૃદય પર હાથ મૂકીને કહો, તમે ખરેખર એમ માનો છો કે મને એને માટે પ્રેમ નહોતો?’ જયાબહેન જરા પાછાં પડી ગયાં, પણ પોતાને સંભાળી લઈને બોલ્યાં : ‘એમ નહિ, પણ તેં જરાક વધુ કાળજી લીધી હોત…?’ ‘કઈ કાળજી, મા? ખરી વાત એ છે કે તમને મારે માટે પ્રેમ નથી અને એને પણ નહોતો. વિપુલ કરતાં મેં તમારું વધુ નજીકથી વધારે ધ્યાન રાખ્યું છે, પણ તમારે મન હું તમારા દીકરાની પત્ની જ છું, એથી વધારે કશું જ નહિ. હું તમને પૂછું — વિપુલની જગ્યાએ ધારો કે મારું મૃત્યુ થયું હોત, તો શું તમે વિપુલને કહેત કે તેં તારી જીદ અને અહંથી એનાનો જીવ લીધો?’ એના ખુલ્લા વિચારોની હતી તેની જયાબહેનને ખબર હતી, પણ તે આટલી સ્પષ્ટતા ને હિંમતથી આવી વાતો ઉચ્ચારી શકે, તેનો તેમને અનુભવ નહોતો. તેમનું મોં ઝાંખું પડી ગયું. ‘તમે તો ભગવાનમાં માનો છો. બધું ભગવાનની ઇચ્છા પ્રમાણે જ થાય છે તેમ કહો છો. તો કોઈનો જીવ લેવા જેવી પ્રચંડ શક્તિ તમે મારામાં શી રીતે આરોપી?’ ‘તેના મન પર તાણ રહેતું હશે. એની જ તેના હૃદય ૫૨ અસર થઈ હશે. એ તાણ તારે કારણે હતી. તેં કવિતાઓ ન લખી હોત તો ન ચાલત? પોતાના પતિના સુખશાંતિ કરતાં કવિતા લખવાનું વધારે મહત્ત્વનું છે?’ સાસુ પ્રયત્ન કરીને બોલ્યાં, પણ તેમને એનાના જવાબનો ભય લાગ્યો. એનાને આખી વાતનો ખૂબ થાક લાગ્યો. સાસુની વાત સાંભળી ન સાંભળી કરીને ઘરમાંથી નીકળી જવાનું મન થયું. કામ પર જવાથી જરા સારું લાગશે. સારું છે કે આ લંડન છે, ભારતનું કોઈ શહેર નથી. ત્યાં તો લોકો ‘હાય હાય’ અને ‘બિચારી’ જેવા શબ્દોથી દયા બતાવીને જીવ ખાઈ જાત. પણ હવે પોતાને સહન તો કરવું પડશે. પતિ ગુમાવવાનું દુઃખ જાણે ઓછું હોય તેમ લોકો પણ જાતજાતનાં વલણો વડે તેને દુખી કરશે. હવે ઘણી રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એમાં થાકી ગયે, ભાગી છૂટ્યું નહિ ચાલે. પોતાના વિચારોનું તથ્ય તાર્કિક રીતે રજૂ કરવું પડશે. એક ઊંડો શ્વાસ લઈ, તે સ્વસ્થ કંઠે બોલી : ‘ઠીક, મારી વાત સમજો, મા! એના મન પર તાણ હતું તે મારા કારણે કે એની પોતાની માન્યતાઓને કારણે? હી વૉઝ અ વિક્ટિમ ઑફ હિઝ ઓન બિલિફ… આપણા સમાજમાં ઘણીબધી ‘મિથ’ છે. ‘મિથ’ એટલે સમજો છો ને? પુરુષને હમેશાં લાગતું હોય છે કે તેણે સદાય આગળ જ રહેવું જોઈએ. તેણે કદી નબળા ન પડવું જોઈએ. નિષ્ફળ ન જવું જોઈએ. એનાથી રડાય તો નહિ જ. એનું પરિણામ શું આવે છે તે જુઓ! કેટલા બધા પુરુષો હૃદયરોગ કે બીજા આકરા રોગનો ભોગ થઈ પડતા હોય છે? આવો અહંકાર શું કરવા, મા? બધા મનુષ્યોમાં અમુક શક્તિ હોય છે, અમુક નિર્બળતાઓ હોય છે, એ સ્વીકા૨વામાં શા માટે અભિમાન આડે આવવું જોઈએ? ૨ડી લેવામાં કશો વાંધો નહિ એમ પુરુષ માને, પોતે સદૈવ સામર્થ્યની પ્રતિમા બની રહેવાનો પ્રયત્ન ન કરે; સરખામણી, સ્પર્ધા, ઈર્ષ્યા, પોતે બધાથી આગળ રહેવો જોઈએ એવો આગ્રહ — એ બધાથી તે ગ્રસ્ત ન થાય તો તેને આટલી મોટી કિંમત ન ચૂકવવી પડે. વિપુલે પોતાની જીદ અને અહંકારનું વજન આટલું વધારી મૂક્યું ન હોત, તો… કદાચ… તેનું હૃદય એ ભાર નીચે તૂટી ગયું ન હોત. ‘તમે કહો છો, પતિનાં સુખશાંતિ કરતાં લખવાનું કાંઈ વધારે મહત્ત્વનું નથી. ઠીક, આ દુનિયામાં હજારો-લાખો કલાકારો છે, લેખકો છે, સંગીતકારો છે. તેમની પત્નીઓ ક્યારેય નથી કહેતી કે મારે માટે પ્રેમ હોય તો ચીતરવાનું કે ગાવાનું બંધ કરી દો. ઊલટાનું સ્ત્રીઓ તો તેમને મદદ કરે છે, તેમની ધૂનો, ખાસિયતો સંભાળી લે છે. ઘરના મોરચે પુરુષો આટલા નિશ્ચિત હોય છે તેથી તેઓ પોતાનાં કાર્યોમાં પૂરું ધ્યાન આપી શકે છે અને સિદ્ધિઓ મેળવી શકે છે; સ્ત્રી ગમે તેટલું મહત્ત્વનું કામ કરતી હોય તોપણ પોતાનું ધ્યાન ને શક્તિનો અમુક ભાગ તો તેણે ઘર માટે આપવો જ પડે છે. તમે ટીવી પર વ્યવસાયી સ્ત્રીઓના ઇન્ટરવ્યૂ નથી જોતાં? સ્ત્રી વિજ્ઞાની હોય, સંશોધક હોય કે સંસદસભ્ય હોય — બધા પ્રશ્નો પૂછ્યા પછી છેલ્લે એક પ્રશ્ન તો હંમેશા પુછાય જ કે તમારો વ્યવસાય અને તમારી ઘરની જવાબદારી : બેનો મેળ તમે કેવી રીતે કરો છો? તમારું કામ ગૃહિણી ફરજની આડે નથી આવતું?’ ‘તો તારું એમ કહેવું છે પુરુષો ઘરનું કામ કરે અને સ્ત્રીઓ કમાવા જાય?’ જયાબહેને જરા રુક્ષતાથી કહ્યું. એના દુખી થઈ જઈને બોલી : ‘એવો વાંકો અર્થ શું ક૨વાને કરો છો, મા? મારું એમ કહેવું નથી કે આણે આ કામ કરવું કે તેણે આ કામ કરવું. પણ જીવનની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જોઈએ કે બેઉને પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાનાં સપનાંની સફળતા અનુભવાય. કોણે કયું કામ કરવું, તે સમાજ કે પરંપરા નક્કી ન કરી આપે, પોતે જ પોતાની રુચિ ને સમજથી નક્કી કરે. પુરુષનેય ઘરે રહીને ઘરનું કામ કરવાની છૂટ હોવી જોઈએ. પોતાની પર સંપૂર્ણપણે આધારિત થઈ ૨હેતાં કુટુંબોનો પુરુષોને પણ શું બોજ નહિ લાગતો હોય? ઘર ને કુટુંબનું સર્જન કરવા સ્ત્રીપુરુષ બંનેની જરૂર પડે છે, તો ઘર ને કુટુંબની બધી જવાબદારી પણ બંનેમાં વહેંચાય તો તેમાં ખોટું શું છે? હંમેશાં સ્ત્રી જ બધું વૈતરું કરે, હંમેશાં તે જ સેવામૂર્તિ, ત્યાગમૂર્તિ બનીને બધું જતું કરે, એવું શું કરવા? કોઈ વાર એક જણ જતું કરે, કોઈ વાર બીજું… વિપુલને મારા લખવા સામે વાંધો નહોતો. એનું મૂળ કારણ તો જુદું હતું. તમે જ કહો, વિપુલને મારે માટે ખરેખર પ્રેમ હતો? જેને માટે પ્રેમ હોય એની કદી ઈર્ષ્યા આવે ખરી?’ જયાબહેન જવાબ આપી શક્યાં નહિ. એનાની વાત ખોટી નહોતી. ભગવાન આપણને દુઃખ-સંકટો મોકલે છે એથી વધારે દુઃખનો ભાર આપણે જ આપણી માન્યતાઓ વડે માથે ઊંચકી લેતાં હોઈશું? તેમનો ઝંખવાયેલો ચહેરો જોઈ એના માયાળુતાથી બોલી : ‘હું તમને દુઃખ લગાડવા નથી માગતી, મા! પણ મને નવાઈ લાગે છે કે તમેય સ્ત્રી છો. આટલો બધો અન્યાય તમારી નજરે કેમ નથી ચડતો? આપણે સ્ત્રીઓ જ આ અસમાનતાને કેમ ચાલુ રાખ્યા કરીએ છીએ? આપણને એનું કેમ લાગી આવતું નથી? મારો ચાંલ્લો જોઈને તમે આઘાત પામી ગયાં. પણ મને લાગે છે કે પુરુષોનું તો ધ્યાન પણ નહિ જતું હોય કે કોણ ચાંલ્લો કરે છે ને કોણ નથી કરતું. આપણે જ આ બધી નકામી કચકચ લઈને બેસીએ છીએ. સ્ત્રીઓને કોઈ મહત્ત્વની વાત વિચારવાની હોતી નથી તેથી જ તે તુચ્છ વસ્તુઓનું વળગણ લઈને ફરે છે.’ ‘પણ વિધવા ચાંલ્લો કરે તો પછી એ વિધવા છે કે સધવા તેની ખબર કેમ પડે?’ ‘પણ કોને એવી ખબર પાડવી જરૂરી છે, અને શા માટે? પુરુષ વિધુર છે કે — ’ એના અટકી. સધવાની સામે કોઈ પુલ્લિંગી શબ્દ તેને જડ્યો નહિ. પત્નીવાળા પુરુષ માટે કોઈ શબ્દ નથી. એમ તો પત્ની વગરના પુરુષ માટે પણ નથી. ‘ધવ’ એટલે પતિ. સધવા એટલે પતિયુક્ત, વિ-ધવા એટલે પતિ વગરની. પણ પુરુષ માટે વિધુર શબ્દ છે. ધુરા વગરનો એટલે વિધુર તો પત્ની શું ધુરા છે? નરસિંહ મહેતાએ પત્ની મરી જતાં ગાયેલું : ‘ભલું થયું ભાંગી જંજાળ.’ કોઈ સ્ત્રી પતિ મરતાં ‘જંજાળ મટી’ એવું પ્રગટપણે કહી શકે? સ્ત્રીને તો પતિ મરતાં, પોતે મરી જવું પડતું, ‘સતી’ થવું પડતું. હવે એ શક્ય નથી, એટલે હવે એને અંદરથી ઉજ્જડ કરી મૂકવામાં આવે છે. ‘મને તો એ સમજાતું જ નથી કે પુરુષ વિધુર થાય તેથી તેના જીવનક્રમમાં જો કોઈ ફરક પડતો ન હોય, તેનાં વસ્ત્રોમાં, કામમાં, સામાજિક મોભામાં ફ૨ક પડતો ન હોય, તો સ્ત્રી માટે શા સારુ વિધવા થતાં બધું બદલાઈ જવું જોઈએ — તેની જીવંતતા, ઇચ્છા ને આનંદોનો અંત આવી જવો જોઈએ?’ એનાએ ઊભા થઈને રૂમમાં આંટા માર્યા. ગમે તેમ પણ જયાબહેન થોડાંક ખુલ્લાં તો હતાં, શિક્ષિત હતાં. એના કામ કરવા જાય. વિપુલને ‘તું’ કહીને બોલાવે, ઘણા દિવસો લખવામાં ગાળે, એ વિશે તેમને કશો વાંધો નહોતો. પોતાને માટે થઈને તેમણે કદી એના ૫૨ હુકમ ચલાવ્યા નહોતા કે ત્રાસ વરતાવ્યો નહોતો. સહેજ વધારે ધીરજ રાખું તો તે ચોક્કસ મારી વાત સમજી શકશે… આંટા મારતાં તે અરીસા પાસે ઊભી રહી. ‘દુનિયામાં આપણા કરતાં ચડિયાતા લોકો હોવાના જ. આજુબાજુના અગણિત લોકોનું ચડિયાતાપણું જો કબૂલ રાખી શકાતું હોય તો પત્નીનું શા માટે નહિ?’ તેણે સાસુ ભણી નજ૨ નોંધી. ‘તમને નથી લાગતું મા, કે આમાં તમારો પણ વાંક હતો?’ જયાબહેન અસ્વસ્થ થઈ ગયાં. ‘મારો વાંક? મારો વાંક કઈ રીતે? તું કહેવા શું માંગે છે? તેમનો અવાજ તીણો થઈ ગયો. ‘તમે જો માનતાં હોત કે સ્ત્રીએ હંમેશાં પુરુષથી ઊતરતાં રહેવાની જરૂ૨ નથી, તો તમે વિપુલને એનું અભિમાન છોડી દેવા સમજાવ્યો ન હોત?’ એનાએ જવાબ આપ્યો. તેણે અરીસામાં પોતાનું મોં જોયું. આ ચહેરો ચાંલ્લા વડે ખૂબ શોભે છે. તેને મનમાં વિચાર આવ્યો. કંકુની ડબ્બી પાસે જ પડી હતી. તેણે આંગળી પર કંકુ લીધું ને તે સાસુની નજીક આવી. ‘આપણી માન્યતાઓ ખોટી છે, આપણને દબાયેલાં રાખવા માટે બીજાઓએ એ આપણા મન પર ઠસાવી છે એમ ખબર પડે ત્યારે એ માન્યતાના કુંડાળામાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. શું પહેરવું ને ઓઢવું તે નહિ, પણ સાચા વિચારો હોવા, પ્રેમાળ હૃદય હોવું એ જીવન જીવવા માટે વધારે જરૂરી છે.’ અને તેણે સાસુ કાંઈ સમજે તે પહેલાં આગળ આવી કંકુવાળી આંગળી વડે તેમના કપાળમાં લાલ સુંદર ટપકું કરી દીધું. ‘જુઓ, અરીસામાં જુઓ, તમારું મોં ચાંલ્લા વડે કેટલું શોભે છે!’ જયાબહેન બૂમ પાડી ઊઠ્યાં : ‘એના, આ તેં શું કર્યું?’ તેમણે ઝડપથી કપાળ પરથી કંકુ ભૂંસી નાખ્યું. ‘મુક્તિનું નાનકડું ચિહ્ન કર્યું છે, મા!’ એનાએ શાંત અવાજે કહ્યું. ઘડીક વા૨ તે એમ ને એમ સાસુ ભણી જોતી ઊભી રહી, અને પછી પર્સ લઈને કામ પર ચાલી ગઈ.

*

તેના ગયા પછી જયાબહેને કપાળ ફરીથી ઘસીને ધોઈ નાખ્યું. એનાએ આ શું કરી નાખ્યું? મોં લૂછીને તે અરીસા પાસે આવ્યાં. સામે એક ચહેરો હતો — શુભ, નિષ્કલંક. ઘણાં વરસો સુધી એ કપાળ પર લાલચટક ચાંલ્લો વિરાજતો હતો. પોતાનું એવું ચાંલ્લાવાળું મોં પોતાને જ ખૂબ ગમતું હતું! અચાનક એમને વિચાર આવ્યો : પતિ હોય તો જ ચાંલ્લો કરાય એવું તો નથી! લગ્ન નહોતાં કર્યાં ત્યારે પણ હું ચાંલ્લો કરતી જ હતી ને! ભૂતકાળના સુશોભિત ચહેરાની એક સુખદ યાદમાં તે ખોવાઈ ગયાં. અરીસામાં દેખાતું મોઢું, કરચલી વિનાનું કપાળ તેમને એક આમંત્રણ આપી રહ્યું. માત્ર પતિ જ સૌભાગ્ય છે એવું કોણે કહ્યું? નરસિંહ મહેતાનું એક ભજન અચાનક યાદ આવ્યું : ‘અખંડ સૌભાગી અમને કીધાં.’ — સૌભાગ્યો ઘણી જાતનાં હોઈ શકે. એના જેવી પુત્રવધૂ હોવી — એ સૌભાગ્ય છે. તેમણે થથરતી આંગળી પર કંકુ લીધું, મનને સ્થિર કર્યું અને પછી કપાળની બરોબર વચ્ચે એક સરસ લાલ બિંદી કરી. કપાળ ખૂબ સોહી ઊઠ્યું. કોઈક કપાળમાં ચાંલ્લો ન પણ શોભે; આ કપાળમાં શોભે છે. તેમણે બીજા કોઈનું એ કપાળ હોય એટલી તટસ્થતાથી વિચાર્યું. અંગ્રેજ સ્ત્રીઓ તો ચાંલ્લો નથી કરતી! એ લોકો લિપસ્ટિક લગાડે છે. છેવટે બધું ચહેરાની શોભા વધા૨વા તો છે! એક નાનું અમથું ગોળ લાલ ટપકું… કોઈને કરવું હોય તો કરે ને ન કરવું હોય તો ન કરે. એના વળી નિયમો શા ને નિષેધ શો? એકાએક તે ડૂસકાં ભરીને રડી પડ્યાં. ઊંડે ઊંડે થયું : પતિએ જ્યારે કહ્યું કે મારાં કરતાં તારી આવક વધારે હોય એ હું નહિ ચલાવી લઉં, ત્યારે પોતે ચુપચાપ માની લેવાને બદલે થોડો વિરોધ કર્યો હોત, દઢતાપૂર્વક ટ્યૂશનો ચાલુ રાખ્યાં હોત, તો વિપુલને કદાચ તેની ઈર્ષ્યા ને અહંકારમાંથી પાછો વળવા સમજાવી શકાયો હોત. પોતે તો એનાને જ વિપુલના અહંને પંપાળવા કહ્યું હતું. વિપુલને એની જીદ છોડી દેવા કહ્યું નહોતું. ડૂસકાં ભરતાં ભરતાં જ તે પૂછી રહ્યાં : ‘ભગવાન, તેં અમને માણસોને, અમારી માન્યતાના પિંજરામાં આવાં કેદી કેમ કર્યાં?’