સાત પગલાં આકાશમાં/૩૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૭

સલીનાએ જે વાત કરી તે ટૂંકમાં આ પ્રમાણે હતી : એક ચાલમાં રહેતી ત્રણ છોકરીઓ સિનેમા જોઈને રાતે ઘરે પાછી રહી હતી, ત્યારે કેટલાક ગુંડા જેવા જુવાનોએ તેમને આંતરી. છોકરીઓએ સામનો કર્યો. બૂમાબૂમ કરી. ઝપાઝપી થઈ. બે છોકરીઓને વધુ વાગતાં તે પડી ગઈ. લોકો દોડી આવ્યા, પણ તે દરમિયાન ત્રીજી રત્ના નામની છોકરીને લઈને ગુંડાઓ ભાગી ગયા. બીજી સવારે તે અર્ધબેભાન જેવી, બેહાલ સ્થિતિમાં તેના ઘરની નજીકમાં મળી. આવી. તેને કહેવામાં આવેલું કે આ વિશે પોલીસમાં ફરિયાદ કરી છે તો તારા આખા ઘરનું ધનોતપનોત નીકળી જશે. સલીનાના ક્રાન્તિજૂથને આ બનાવની જાણ થઈ. એ લોકોએ વધુ ઊંડા ઊતરીને તપાસ કરી. ખબર પડી કે જુવાનો મધ્યમ વર્ગના, કૉલેજના ઉંબરાને અડી આવેલા છોકરાઓ હતા અને દાણચોરીનો ધંધો કરતા હતા. તેમના ધંધામાં એક મિનિસ્ટરનો દીકરો સંકળાયેલો હતો તેથી તેમને પોલીસ સામે રક્ષણ મળી રહેતું હતું. એ સલામતીના ભાનમાં તેઓ ચકચૂર થઈને ફરતા હતા; કોઈ ગુનાને ગુનો ગણતા નહોતા. તેમને આ છોકરીઓ સાથે કાંઈ લાગતુંવળગતું નહોતું પણ એક વાર પ્રધાનપુત્ર સાથે એ જુવાનો દરિયાકાંઠે બેઠા હતા ત્યાં આ ત્રણે બહેનપણીઓ ત્યાંથી પસાર થઈ. પ્રધાનપુત્રે તેમનું ટીખળ ને મશ્કરી કરતાં ગુસ્સો આવ્યો અને તેણે આગળપાછળ જોયા વિના ચંપલ કાઢીને ફટકારવા માંડી. લોકો ભેગા થઈ ગયા. હોહા મચી ગઈ. લોકો વધુ ઓળખે તે પહેલાં પ્રધાનપુત્ર ને તેના સાગરીતો ત્યાંથી ૨વાના થઈ ગયા. પણ એને અંગે અંગે ઝાળ લાગી ગઈ હતી. હું મિનિસ્ટરનો દીકરો — અને એ બે બદામની છોકરી મારું અપમાન કરે? ત્યારથી એ વેર વાળવાની પેરવીમાં હતો, અને છેવટે તેણે બદલો લીધો હતો. ‘રત્ના પણ મનુષ્યની જાતિની જ છે. પેલો મિનિસ્ટરનો દીકરો એટલે એના અપમાનનો બદલો લેવાવો જોઈએ; અને રત્ના ગરીબની દીકરી એટલે એણે અપમાન ખમી ખાઈ ચૂપ બેસવું જોઈએ એવું થોડું છે?’ સલીનાનો અવાજ રોષથી ઊંચો થવા લાગ્યો. ‘રત્ના પરનો અત્યાચાર એ સત્તા ને સંપત્તિમાં ભાન ભૂલેલાં લોકોનો, ગરીબ-પીડિત-અસહાય લોકો ૫૨નો અત્યાચાર છે. અમે આ ઘૂંટડા ગળી નહીં જઈએ. અમે ધાંધલ કરીશું. ઊહાપોહ મચાવીશું. અમે એવું કંઈક કરીશું કે એ લોકો હંમેશ માટે ખો ભૂલી જાય.’ વસુધાનું હૃદય ફફડી ઊઠ્યું. ‘પણ બેટા, તમે લોકો શું કરશો? એ લોકોના હાથ તો બહુ લાંબા હોય છે.’ ‘હજી આગળની વાત તો સાંભળો, મા! અમારા જૂથ તરફથી મા૨ી એક મિત્ર કાવેરી આ છોકરીઓનાં માબાપ પાસે ગઈ હતી. રત્નાનાં માબાપ તો ગભરાયેલાં થઈને, લમણે હાથ દઈને બેઠાં હતાં. કાવેરીએ તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવવાં કહ્યું તો તેઓ પારેવાનાં બચ્ચાંની જેમ થથરી ગયાં. કરગરવા લાગ્યાં કે એક તો આવી વાત બની તે જ મોટી નામોશી છે. એ જગજાહેર થાય તો તો અમારી આબરૂના કાંકરા જ થઈ જાય. છોકરીને આખી જિંદગી મોં બતાવવા જેવું ન રહે, અને ઉ૫૨થી એ લોકો આપણે ફરિયાદ કરી તે માટે ગુસ્સે થાય અને આપણને ક્યાંયના ન રહેવા દે…’ સલીનાના અવાજમાં આગ સળગવા લાગી. ‘મા, જરા વિચાર કરો. આ કેટલી ભયંકર બાબત છે! આખેઆખો ગુનો એક માણસ કરે, અને એની જન્મભ૨ની સજા ગુનાનો ભોગ બનનારને માથે. આ તે કઈ રીતની સમાજરચના છે? સ્ત્રી શું ફક્ત શરીર છે કે તેની સઘળી આબરૂ એમાં જ સમાઈ જાય? એ લોકો કહે : સ્ત્રીની ઇજ્જત જાય પછી શું બાકી રહે? અમે કહ્યું : બધું જ બાકી રહે છે. આવા લોકો સામે લડવાનું બાકી રહે છે. આપણા પર અત્યાચાર થાય તેથી આપણી આબરૂ જતી નથી, પણ આવા ગુંડાઓનાં અસુરકૃત્યો સામે નમી પડીએ તેમાં ચોક્કસ આપણી આબરૂ જશે…એમને બહુ સમજાવ્યાં, ત્યારે છેવટે એ લોકો ફરિયાદ નોંધાવવા કબૂલ થયાં. પોલીસચોકીએ ગયાં તો પહેલાં તો પોલીસે દાદ જ આપી નહીં. પછી કાવેરીએ ધાંધલ કરી ત્યારે ફરિયાદ તો નોંધી પણ આગળ કશાં પગલાં લીધાં નહીં. ઊલટું કાવેરી ૫૨ કૉલેજમાં એક નનામા પત્રમાં ધમકી આવી કે આમાં માથું ન મારવું, નહીં તો રત્નાના જે હાલ થયા, તેવા તારા થશે…મા, એમની ધૃષ્ટતા તો જુઓ!’ ધૃષ્ટતા નથી બેટા, એ ભય છે. એ ભયને સંતાડવા તેમણે તુમાખીનું મહોરું પહેર્યું છે. જે માણસ ગુનો કરે છે એને પરિણામનો ભય લાગતો હોય છે.’ ‘પણ અમારે શું કરવું? મિનિસ્ટરનો દીકરો આમાં સંડોવાયેલો છે એટલે પોલીસ કશું કરશે નહીં, ગુંડાઓ છૂટી જશે અને કાવેરીના માથે એટલે કે અમારે માથે હંમેશાં તલવાર લટકતી રહેશે. રત્નાનાં માબાપને એ લોકો હેરાન ક૨શે એ જુદું. પ્રધાનના એ દીકરાએ તો બીજીયે કેટલીક સ્ત્રીઓને હેરાન કરી છે. અમે બધી માહિતી મેળવી છે. કમિશન ખાઈને એણે ભળતા માણસોને કૉન્ટ્રેક્ટ આપ્યા છે. એમાંના જ એક કૉન્ટ્રેક્ટરે બાંધકામમાં હલકી સામગ્રી વાપરેલી એટલે એક મકાન બંધાતાં જ તૂટી પડેલું અને ચાર મજૂરો માર્યા ગયા હતા. ત્યારે પણ વિશેષ તપાસ થઈ નહોતી. પણ અમે કાચાંપોચાં નથી. અમે એના રંગરાગ અને શાનશૌકતનાં ચીંથરાં ઉડાડી મૂકશું, પોલીસનો કાનૂન અને અદાલતનો કાનૂન — એનાથી વધુ શક્તિશાળી એક સામાજિક ન્યાય છે, તેની તેને ખબર પાડીશું. હું કે કાવેરી એકલાં થોડાં છીએ? અમારી સાથે પ્રાણને લઈને ફરતા જુવાનોનું જૂથ છે. અમે લડત ઉપાડીશું તો એમાં હજારો-લાખો લોકો, સત્તા અને ભ્રષ્ટાચારને હાથે જેમણે સહન કર્યું છે તેવા અસંખ્ય લોકો જોડાશે. અમે એનાં સઘળાં કરતૂતો ખુલ્લા પાડીશું, એક નવા મનુષ્ય-ન્યાયની સ્થાપના કરીશું, અમે ચૂપ નહીં રહીએ…’ એક દિવસ મેં પણ કહ્યું હતું કે હું ચૂપ નહીં રહું — વસુધાને યાદ આવ્યું. પણ એ માત્ર એક વ્યક્તિના અન્યાય વિરુદ્ધ ઉઠાવેલો અવાજ હતો. આ, એવી વ્યક્તિઓ જેમાંથી પોષણ મેળવે છે એ સમાજનાં જ સડેલાં અંગો પર ઘા કરવાની વાત છે. મારા પછીની પેઢી મારા કરતાં એક ડગલું આગળ જઈ રહી છે. વસુધાએ સલીના માટે ગર્વ અનુભવ્યો. સાથે ચિંતા પણ થઈ. ‘પણ હવે તમે લોકો કરવા શું ધારો છો?’ ‘એ જ વિચાર કરીએ છીએ. કંઈક તો જલદીથી કરવું પડશે. કૃષ્ણનને મેં ક્યારનો પત્ર લખી નાખ્યો છે. તમારી પાસે પણ હું એટલા માટે જ સવારના પહોરમાં નીકળી ઝડપથી આવી છું. તમારી શી સલાહ છે?’ વસુધા દિગ્મૂઢ થઈ ગઈ. ‘પણ મેં તો આવું કામ કદી કર્યું નથી. મને કેમ કશી ખબર પડે?’ ‘કામ ભલેને ન કર્યું હોય, પણ તમને ખબર તો પડે જ છે. તમેયે ક્રાન્તિકારી જ છો. મને તમારામાં શ્રદ્ધા છે. તમારી પાસેથી ચોક્કસ અમને કંઈક નવી દોરવણી મળશે.’ વસુધાને લાગ્યું — પોતાની અંદર કંઈક હચમચી રહ્યું છે; એક ઝંઝાવાત આવી રહ્યો છે, ઘર છોડ્યું — એ અંત નહોતો. એ તો એક શરૂઆત હતી. સલીનાને શો જવાબ આપવો તે વસુધાને સૂઝ્યું નહીં. ઉભડક અવાજે પૂછ્યું : ‘કૃષ્ણનનો શો જવાબ આવ્યો?’ ‘જવાબ નથી આવ્યો. બનતાં સુધી એ પોતે જ આવશે. કદાચ અત્યારે કાર્યાલય પર આવીયે ગયો હોય.’ મિત્રા વસુધાને બોલાવવા આવી, તેને પણ સલીનાની વાત કરી. મિત્રાની બન્ને આંખો તપેલા અંગારાની માફક સળગી ઊઠી. એના, અલોપા પણ આવ્યાં. આભા કામ પર ગઈ હતી. એનાએ કહ્યું : ‘ખરી વાત છે. આપણે કશુંક ક૨વું જોઈએ. હમણાં જ છાપાંઓમાં રિપોર્ટ હતા કે આપણે ત્યાં દર બે કલાકે એક બળાત્કાર થાય છે.’ ‘અને સ્ત્રીઓ એ વાંચીને છાપું બાજુ પર મૂકી દે છે.’ સલીનાએ ફરિયાદના સૂરે કહ્યું : ‘પોતાના સંબંધમાં જ્યાં સુધી એક ઘટના ન બને ત્યાં સુધી એના તરફ આવા ઉદાસીન અને રીઢા બની રહેવાનું? એક બાબત ભલેને હજારો વરસથી બનતી આવી હોય, તેથી શું તેની ક્રૂરતા ઓછી થઈ જાય છે?’ તેનું તરુણ હૃદય આક્રન્દી રહ્યું. ‘એક સ્ત્રી ૫૨ વેર વાળવા તેના શરીરને ખંડિત ક૨વું એ શું એક હત્યા કરતાં ઊતરતો અપરાધ છે? શાસ્ત્રો તો કહે છે : શરી૨ આત્માનું મંદિર છે. ઇદં શરીર દેવવીણા — આ શરીર દેવોની વીણા છે. પણ આ વીણાના તાર રોજેરોજ તોડવામાં આવે છે, અને આપણે કશું બોલતાં નથી! આ સમગ્ર સ્ત્રીજાતિનું અપમાન છે. એ વિશે પત્રકારો તો છાપામાં ઊહાપોહ કરે છે, પણ આપણે સ્ત્રીઓએ કશુંક કરવું ન જોઈએ? આજે આ રત્નાના સંબંધમાં બન્યું, કાલે મારા-તમારા, કોઈના પણ સંબંધમાં બની શકે.’ ‘પણ ધારો કે આપણે કંઈક ચળવળ કરીએ અને ગુંડાઓને સજા પણ થાય, પણ રત્નાને જે નુકસાન થયું તે તો થયું જ ને? એ થોડું જ ભૂંસી શકાશે?’ અલોપાએ પૂછ્યું. ‘ભૂંસી કેમ ન શકાય?’ મિત્રાએ કહ્યું : ‘એના નુકસાનનું વળતર અપાવવું જોઈશે. હાથપગ તૂટી જાય તો લોકો જવાબદાર કંપની પર વળતર માટે દાવો નથી કરતા? તો આ કેટલું મોટું નુકસાન કહેવાય! ઘણી સ્ત્રીઓ તો આવું બનતાં મગજનું સંતુલન ગુમાવી બેસે છે.’ ‘રત્નાએ પોતાની વાત જાહે૨ ક૨ી ઘણી હિંમત દર્શાવી છે. એનું સન્માન થવું જોઈએ. તો આવા અત્યાચારનો ભોગ બનતી સ્ત્રીઓ એની સામે લડવા માટે ઊભી થશે. અત્યારે તો એવી સ્ત્રીઓ પોતાની જાતને સંતાડતી રહે છે, જાણે પોતે લાંછિત હોય.’ વસુધાએ કહ્યું : ‘અને ઘણી વાર તો ગ્લાનિમાં ડૂબી આત્મહત્યા કરે છે.’ સલીનાની આંખમાં વસુધાની વાત સાંભળીને એક ચમક આવી. ‘પહેલાં તો ગુનેગાર કાયદાની કોઈ છટકબારીથી કે પૈસા ને સત્તાના જોરથી છૂટી ન જાય તે જોવું પડશે. ગુનેગારને આકરામાં આકરી સજા મળવી જોઈએ. ઇસ્લામી દેશોમાં તો મૃત્યુદંડ સુધીની સજા આ માટે થાય છે. આ કંઈ અંધ દેહાવેગમાં વાસનાપૂર્તિ માટે થયેલો ગુનો થોડો છે? આ તો વેર વાળવા ઘડાયેલું કાવતરું છે. કાયદો ગુનેગારને સજા કરે તે ઉપરાંત, રત્નાને તેણે કરેલું નુકસાન પણ કોઈક રીતે ભરપાઈ કરી આપવું જોઈએ.’ ‘એનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ.’ મિત્રાએ ઉગ્ર સ્વરે કહ્યું. એક જણને હણી નાખવામાં આવે ત્યારે આપણો જ એક અંશ નાશ પામે છે. એટલે — મને તો કાંઈ થયું નથી. મારે શું? — કહીને કોઈ સ્ત્રી આ પ્રશ્નથી અળગી ન રહી શકે.’ ‘કાયદો કદાચ ગુનેગારને સજા કરશે, પણ સમાજ તો સ્ત્રીને જ અપ્રતિષ્ઠિત ક૨શે. આપણે બેવડાં બળો સામે લડવાનું છે. કાયદો ને સમાજ — બન્ને પાસેથી ન્યાય મેળવવાનો છે. આપણે એવાં કોઈક પગલાં વિચારવાં જોઈએ કે બન્ને ઉદ્દેશ સાથે સરે.’ વસુધા બોલી અને તેને નવાઈ લાગે કે પોતે પહેલાં આ વિશે કદી કાંઈ વિચાર્યું નહોતું, છતાં આટલી સ્પષ્ટતાથી આવા વિચારો તેને ક્યાંથી સૂઝતા હતા? ‘તમે એકદમ સાચું કહ્યું, મા!’ સલીનાના અવાજમાં પ્રશંસા હતી. ‘આપણે તો ત્રણ ભૂમિકાએ લડવાનું છે. તમે કહ્યું તે ઉપરાંત સ્ત્રીને પોતાનેય આપણે સમજાવવું પડશે કે તે ફક્ત શરીર નથી. તેનાં બધાં માન-પ્રતિષ્ઠા-આબરૂ માત્ર શરીરને જ અવલંબીને રહેલાં નથી. આપણે ત્યાં તો સદીઓથી સ્ત્રીનું એવું બ્રેઇનવૉશિંગ કરવામાં આવ્યું છે કે તેને લાગે છે, પોતાની આખી હસ્તી શરી૨માં જ સમાયેલી છે, અને એટલે એ શરીર પર અત્યાચાર થતાં આખું અસ્તિત્વ રોળાઈ જાય છે. એટલે પહેલાં તો સ્ત્રીને જ સમજાવવાનું છે કે તેનીય એક ચેતના છે, જે શરીરથી ઉપર છે.’ સલીનાની વાણી ધોધની જેમ વહેવા લાગી. ‘અને સમાજની બળાત્કારની ઘટના તરફ જોવાની દૃષ્ટિ બદલવાની છે. અત્યારે તો જે સ્ત્રીનું સ્વત્વ લૂંટાય, તેનું જીવન પણ સમાજ લૂંટી લે છે. ગુનો કરનાર છૂટી જાય તો કોઈ તેને કશું પૂછતું નથી, પણ ગુનાનો ભોગ બનનારને કપાળે જન્મભરનું કલંક ચોંટે છે. આ હડહડતો અન્યાય નથી? આપણે બધાં શું એટલાં નિર્માલ્ય છીએ કે આપણા વાંક વગર આપણને સજા થતી રહે અને એની સામે આપણે એક હરફ પણ ન ઉચ્ચારીએ? અને આવું વલણ દાખવવામાં સ્ત્રીઓનોય હિસ્સો ઓછો નથી. આપણે સલામતીની શય્યામાં આળોટતી એ બધી બહેનોને ઢંઢોળવી પડશે. એમને સમજાવવું પડશે કે આ તેમનું પણ અપમાન છે. આપણી લડત ગુંડાઓ સામે છે; ક્રૂર-નિષ્ઠુર પ્રણાલીઓ સામે પણ છે. આપણે માનવજાતનો અડધોઅડધ ભાગ છીએ. આપણા પર અન્યાય ને અત્યાચાર કરીને એ લોકો સુખની ઊંઘ નહીં ઊંઘી શકે…’ રૂમની હવામાં વીજળી વહી હોય એમ વાતાવરણ આવેશિત થઈ ગયું. ‘આપણે બધી સ્ત્રીઓને સંગઠિત કરવી પડશે.’ એનાએ કહ્યું. ‘દરેક પીડિત સ્ત્રી આપણી બહેન જ છે, અને તેની પડખે ઊભા રહેવાનો આપણો સ્ત્રી-ધર્મ છે એ તેમને ઠસાવવું પડશે.’ વસુધાએ કહ્યું, અને તેને એકાએક થયું કે દુનિયાની દરેક પીડિત સ્ત્રી પ્રત્યે પોતાની જવાબદારી છે. આશાના મૃત્યુ વખતે જે લાગણી મનમાં જાગી હતી તે યાદ આવી. ‘સ્ત્રી-ધર્મ’ શબ્દનો આજ સુધી એક ચોક્કસ અર્થ થતો આવ્યો હતો. આજે વસુધાએ એને એક નવો જ અર્થ, નવું જ પરિણામ આપ્યું. એના વસુધા પર ખુશ થઈ ગઈ. મિત્રાએ ટેબલ પર મુક્કો પછાડ્યો. ‘દુનિયાભરની સ્ત્રીઓ એક થાઓ. તેઓ સાસુ-વહુ હોય, નણંદ-ભોજાઈ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, ભારતની હોય કે પશ્ચિમની હોય — બધી બહેનો જ છે. આપણાં હિત એક છે. આપણામાંની કોઈ પણ એકની વેદના તે આપણા સહુની ચીસ છે.’ વસુધા સહેજ વિચાર કરી રહી. સલીના ભણી જોઈ ધીમા સ્વરે બોલી : ‘આપણે જે કાંઈ કરીએ, તેનું ધાર્યું પરિણામ આવશે ખરું?’ ‘પરિણામનો વિચાર કરીને તો બધાં કામ કરી શકાતાં નથી, મા!’ સલીના વેદનાપૂર્વક બોલી : ‘તમે મા, તમે નિવૃત્તિ લેવાનો વિચાર કર્યો ત્યારે ઘરમાંથી નીકળી જવું પડશે એવી કલ્પના કરેલી? અને ધારો કે એવો ખ્યાલ આવ્યો હોત, તો શું તમે સાચા થવાનું માંડી વાળત?’ તેણે વસુધાના હાથ પર હાથ મૂક્યો. ‘રત્નાનો કિસ્સો તો એક શરૂઆત છે. આપણે સમાજની દૃષ્ટિ બદલવાની છે. એમ ન બને ત્યાં સુધી આપણી લડત એક અથવા બીજા રૂપે, એક અથવા બીજા સ્થળે ચાલુ રહેશે. મને ખાતરી છે કે અંતે આપણે જીતીશું, કારણ કે ન્યાય આપણા પક્ષે છે.’ વસુધા સલીનાની શ્રદ્ધાથી ભરેલી તેજદાર આંખો જોઈ રહી. એમાં બલિદાન આપવા તત્પર બનેલી વીરાંગનાની ખુમારી હતી. તેણે સલીનાની પીઠ પર હાથ મૂક્યો. ‘હું-અમે-બધાં તારી સાથે છીએ, બેટા!’

*

પછી શું પગલાં લેવાં તેની ચર્ચા થઈ. મિત્રાને દહેજની લડત માટે પોતે પ્રયોજેલી સામાજિક બહિષ્કારની રીતો યાદ આવી. કાયદો દહેજ લેનારને પકડે કે ન પકડે, પણ સમાજમાં તેવા માણસની બદનામી થતી જ હતી. પણ મિત્રાને લાગતું હતું કે આમાં ખરું કામ તો છોકરીઓએ પોતે કરવું જોઈએ; દહેજ આપીને લગ્ન કરવાની તેણે ચોખ્ખી ના ભણવી જોઈએ; અને એવી માગણી કરનારાનાં નામ-સરનામાં નારી-સંસ્થાઓને મોકલી આપવાં જોઈએ, જેથી તેમના બહિષ્કારની કાર્યવાહી થઈ શકે. ઉપરાંત ‘ના’ પાડનાર છોકરીઓને પગભર થવાની અને એમનો આદર્શવાદી જુવાનો સાથે સંપર્ક કરાવવાની વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ. તેની સંસ્થાઓ આ બધાં કામ સઘનપણે કરતી હતી, આજે આ પડકાર આવતાં તેનો જુસ્સો જાગી ઊઠ્યો. ‘ગુનેગાર પકડાય તેનો કેસ ત્વરિત ચાલે અને તેને યોગ્ય સજા થાય એમાં સહાય કરવા ધારાસભ્યોની મદદ લઈએ તો? સ્ત્રી-ધારાસભ્યો પર આપણે દબાણ લાવી શકીએ.’ ‘એ લાંબા ગાળાનું કામ છે. એના બદલે વડા પ્રધાન પાસે ડેપ્યુટેશન લઈ જઈએ તો?’ એનાએ કહ્યું. અલોપાએ ડોકું ધુણાવ્યું. ‘એથી કાંઈ વળશે નહીં; દિલ્હીમાં સ્ત્રીઓ સામેના ગુના સૌથી વધુ બને છે.’ ‘તો?’ બધાં વિચારી રહ્યાં. સમાજને ખળભળાવી મૂકે, નિશ્ચિંત બેઠેલાઓને વિચાર કરવા પ્રેરે, એવો કોઈક જબરદસ્ત કાર્યક્રમ શોધી કાઢવો જોઈએ. ‘મને કંઈક સૂઝે છે.’ વસુધાએ કહ્યું. બધાંની નજર તેના પર મંડાઈ. સલીનાએ ઉત્સુકતાથી પૂછ્યું : ‘શું?’ ‘આપણે મોરચો લઈ જઈએ.’ મોરચા તો રોજ નીકળે છે.’ સલીના નિરાશ થઈ ગઈ. ‘સાંભળ. આપણે માત્ર સ્ત્રીઓનો જ મોરચો લઈ જઈએ. સૂત્રોચ્ચાર નહીં. અવાજ નહીં. હાથમાં માત્ર પ્લેકાર્ડ હોય. એના પર પ્રધાનપુત્રની છબી લગાડીને લખીએ કે ગુનેગારને સજા કરો. જે મિનિસ્ટરનો દીકરો સંડોવાયેલો છે, તેના ઘર પર જ મોરચો લઈ જઈએ. કહીએ, છોકરાને અમારી સામે હાજર કરો. એ છોકરાનું શું કરવું તે ત્યારે નક્કી કરીએ. જોઈએ તો એના મોં પર ધોલ મારીએ કે એની પાસે સમૂહ સમક્ષ માફી મગાવીએ.’ ‘વાહ, આ તો સરસ વિચાર છે.’ સલીનાના લોહીમાં ભરતી આવી. ‘પણ આવી માગણી કોઈ કબૂલ તો ન જ રાખે ને?’ ‘એ તો નહીં જ રાખે. ભલેને; પણ આખા શહેરને ખબર તો પડશે કે કોણ ગુનેગાર છે! અને ભોગ બનેલી સ્ત્રી વતી આખો સ્ત્રીસમાજ જુદા પ્રકારનો ન્યાય માગી શકે છે એની પણ સહુને જાણ થશે…’ બધાંને આ યોજના અસરકારક લાગી. સલીનાએ વસુધાને કહ્યું : ‘તમે કહેતાં હતાં ને કે તમને શી ખબર પડે? આખી યોજના તો તમે ઘડી આપી. હવે તમે જ અમારાં નેતા બનો આ મોરચામાં.’ વસુધા અસ્વસ્થ થઈ ગઈ. ‘નેતા? હું?’ મિત્રાએ સલીનાને ટેકો આપ્યો, ‘હા, વસુધા, આ પહેલો મોરચો તારી નેતાગીરી નીચે.’ ‘પણ એક વાત છે,’ અલોપાએ ચેતવણીના સૂરે કહ્યું. ‘કાયદો તો કદાચ પણ આપણને સાથ આપશે, પણ સમાજનું પરિવર્તન સહેલું નથી, ઊંડી જડ ઘાલીને બેઠેલી માન્યતાઓ, વલણો, પ્રણાલીઓ સામે અવાજ ઉઠાવવાનું સહેલું નથી. પુરુષો તો વિરોધ કરશે જ. સ્ત્રીઓ પણ નહીં સમજે કે આ તેમની માનસિક ગુલામીમાંથી તેમને બહાર લાવવાના પ્રયત્નો છે.’ ‘અઘરું તો છે જ…’ વસુધાએ કહ્યું. ‘એ માટે આપણે સહન પણ કરવું પડશે.’ ‘નવાં મૂલ્યો સ્થાપવાનો પ્રયત્ન કરનાર દરેકને સહન કરવું જ પડે છે. ઇતિહાસમાં શહીદોની સંખ્યા ઓછી નથી. આપણે પણ સહન કરવા તૈયાર રહીશું.’ મિત્રાએ દૃઢતાપૂર્વક કહ્યું. “માત્ર રત્ના પર જોખમ ન આવે તો સારું.’ એનાએ કહ્યું. ‘મોરચો નીકળશે ત્યારે સૌથી આગળ, રત્નાની સાથે હું ચાલીશ.’ મિત્રાએ કહ્યું. ‘હું પણ…’ વસુધાએ મિત્રા સામે જોયું. ‘હું પણ સાથે જ ચાલીશ.’ ‘તું તો નેતા તરીકે સૌથી આગળ હોઈશ જ ને!’ મિત્રાએ વસુધા સામે જોયું. એ દૃષ્ટિમાં એક અજબ ચમક હતી.

*

મોરચાની વિગતોની થોડી ચર્ચા કરી, છેવટ સલીના જવા માટે ઊભી થઈ. વસુધાએ સહેજ સ્પર્શીને એને અટકાવી. ‘કેમ મા?’ ‘કૃષ્ણન ન આવે તો —’ આવી ગરમ ગરમ વાતોની વચ્ચે થઈને માએ કૃષ્ણનને યાદ રાખ્યો જોઈ સલીનાનું હૃદય આર્દ્ર થઈ ગયું. વસુધાને ભેટી પડવાનું મન થયું. પણ અત્યારે એવી લાગણીઓ વ્યક્ત કરવાનો સમય નહોતો. ‘આજે આવી જ ગયો હશે. મને મળશે કે તરત તમારી પાસે લઈ આવીશ.’ સલીના ગઈ. કમળતળાવડીના કાંઠે ચાંદની રાતે ગુંજેલાં ગીતોની યાદ સંઘરી બેઠેલું હૃદય ઊર્મિઓનું એક ભીષણ ઘમસાણ અનુભવી રહ્યું. હજી હમણાં સુધી હું પતિની છાયામાં રહેતી, પુત્રોને રાંધી ખવડાવતી એક સાદી સ્ત્રી હતી. અને અત્યારે એક મોરચાના નેતા બનવાનું આહ્વાન આવ્યું છે. થોડા જ કલાકોમાં ફરી એક વાર તેને થયું : જિંદગી ક્યાંથી ક્યાં સફર કરે છે! સ્વરૂપ, આદિત્ય, વિનોદ, ગગનેન્દ્ર — બધા આવ્યા. નવી પરિસ્થિતિની વાત થઈ. આનંદગ્રામનું હંમેશાં શાંત રહેતું વાતાવરણ ઉત્તેજનાથી ખળભળી ઊઠ્યું.