સાત પગલાં આકાશમાં/૩૮
સલીના કાર્યાલય પર પહોંચી ત્યારે તેને વિશ્વાસ હતો કે કૃષ્ણન ચોક્કસ આવી ગયો હશે; પણ તે આવ્યો નહોતો. તેનો પત્ર પણ નહોતો. મનમાં સહેજ ચિંતા થઈ. પણ પછી કામના વેગીલા વહેણમાં ચિંતાનું તણખલું તો ક્યાંયે ઘસડાઈ ગયું. ઝડપથી ઘણાં કામ પતાવવાનાં હતાં. અત્યાર સુધી અન્ય સ્ત્રીસંસ્થાઓ અને સલીનાના જૂથ વચ્ચે કશો સંપર્ક નહોતો. ક્રાન્તિજૂથનું કામ તો બહાર કોઈને ખબર ન પડે એ રીતે લગભગ ચાલતું. પણ આ મોરચા માટે બધી જ સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું. પાપડ-વડી તૈયાર કરનારાં મહિલામંડળોથી માંડી સ્ત્રી-ધારાશાસ્ત્રીઓનાં સંગઠનો સુધીની બધી જ નારી-સંસ્થાઓ પહેલી વાર એક કાર્યક્રમ માટે એકત્ર થઈ. એક વિશાળ બેઠકનું આયોજન થયું. બેઠક મળી ત્યારે સભાગૃહનો મોટો ખંડ સ્ત્રીઓથી ઊભરાતો હતો. તસુ જેટલીયે જગ્યા ખાલી રહી નહીં. મોટા ભાગની સ્ત્રીઓ યુવાન હતી. કંઈ કંઈ કરી નાખવાની તમન્ના ને જોશથી તેમના પ્રાણ થનગનતા હતા. એક એક સ્ત્રી જાણે એક એક મશાલ હતી. એક ક્ષણ તો એમ લાગે કે જ્યાં આવો શક્તિથી ઊભરાતો સમૂહ હોય ત્યાં સ્ત્રી પરનો અત્યાચાર સંભવી કેમ શકે? બેઠક શરૂ થઈ. પહેલાં વિવિધ સંસ્થાઓના અધ્યક્ષોએ ટૂંકમાં વાત કરી. સલીનાની ઓળખ આપી. પછી સલીના ઊભી થઈ. તેના ઊભાં થતાં જ આખો ખંડ તાળીઓથી ગાજી ઊઠ્યો. હજી વીસી પણ વળોટી નહોતી એવી, આગના લિસોટા જેવી, ઊંચી, પાણીદાર આંખવાળી આ તરુણીનું તેજ સભાખંડ પર છવાઈ ગયું. બધાં શાંત થઈ ગયાં. માઇકને બરોબર ગોઠવીને સ્પષ્ટ રણકતા અવાજે એક એક શબ્દ છૂટો પાડીને તે બોલી : ‘રત્નાની વાત તમે સાંભળી. સ્ત્રીના મૂલ્યને શરીર સામે તોળવાના દિવસો હવે પૂરા થયા છે, હવે સ્ત્રીની અન્ય શક્તિઓનું પ્રતિષ્ઠાપન કરવાનો યુગ આવ્યો છે. અને મિત્રો, એ યુગની શરૂઆત આપણે કરવાની છે…’ સભામાં જોરદાર તાળીઓ પડી. ‘આ પહેલા તબક્કે આપણે એકીસાથે બેવડા મોરચે લડવાનું છે. આપણે ધારાસભ્યોને ઢંઢોળીને કાયદા બદલાવવાના છે, જેથી દહેજ, અત્યાચાર અને બળાત્કારના ગુના કરનારને ત્વરિત અને આકરી સજા થઈ શકે. અને આપણે સમાજનાં ધોરણો બદલવાનાં છે, જેથી ગુનાનો ભોગ બનનારને ગુનેગારના પાંજરામાં ઊભા રહેવું ન પડે. આપણા દેશમાં આજ સુધી સ્ત્રીઓએ સ્ત્રીઓના પ્રશ્નો માટે સાથે મળીને મોટું જાહે૨ આંદોલન કર્યું નથી. આજે એ જવાબદારી આપણા પર આવી છે. અને આ કામ સહેલું નથી. સદીઓની સદીઓથી લોકમાનસને ભરડો લઈ બેઠેલી માન્યતાઓને પડકારવાનું કામ સહેલું નથી. આપણો વિરોધ થશે. આપણા પ્રયત્નોને પીંખી નાખવામાં આવશે. સંસ્કૃતિ નષ્ટ થવાનો ભય દેખાડી આપણને પાછાં પાડવામાં આવશે. આપણે ઘણું ઘણું હોડમાં મૂકવું પડશે.’ ‘અમે તૈયાર છીએ.’ સભામાંથી કાન ફાડી નાખે એવા પોકારો આવ્યા. ‘અમે કંઈ પણ કરવા તૈયાર છીએ.’ સલીનાના અવાજનો રણકો વધુ બુલંદ થયો. ‘બહેનો, આપણે આ જે કરીશું તે મોટા ભાગના પુરુષોને નહીં ગમે. આપણે આપણી વેદનાને વાણી આપીએ, આપણી સ્થિતિ સુધારવા પ્રયત્નો કરીએ તે તેમને પસંદ નહીં પડે. પોતાનું સામ્રાજ્ય હાથમાંથી સરી જઈ રહ્યું છે, એમ તેમને લાગશે, કારણ કે આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ રહ્યો છે. અને તેમણે આપણને શું કર્યું છે તે જુઓ. ‘નારી તું નારાયણી’ અને ‘આદર્શ ભારતીય નારી’ જેવા રૂપાળા શબ્દોથી આપણને ભરમાવ્યાં છે, સતી સતી કહીને ચિતા પર ચડાવ્યાં છે. તેમનું વર્ચસ્વ ટકી રહે એવી બાબતોને સ્ત્રીઓનાં સદ્ગુણ તરીકે ઠોકી બેસાડી છે. અને એટલે ત્યાગમૂર્તિ બનવાનું કોણે? તો કહે સ્ત્રીઓએ. નમતું આપવાનું, જતું કરવાનું, સહી લેવાનું કોણે? તો કહે સ્ત્રીઓએ. પોતાનું વ્યક્તિત્વ વિલીન કરી પતિ સાથે એકરૂપ થઈ રહેવાનું કોણે? તો કહે સ્ત્રીઓએ. અને સાથી ગુમાવતાં નિરાધાર અસહાય ઓશિયાળા બની જીવવાનું કોણે? તે પણ સ્ત્રીઓએ જ. અને પુરુષે શું કરવાનું? તેણે માલિક થવાનું, ધનના સ્વામી થવાનું, સત્તાનો દોર પોતાના હાથમાં રાખવાનો, સ્ત્રીને મિલકત ગણવાની, એક સ્ત્રી મરી જાય તો પટ દઈને બીજી સ્ત્રીને પરણી જવાની… ‘અને આપણી એ મૂર્ખતા છે કે તેમના આ વ્યવહારમાં આપણે જ તેમને સાથ આપ્યો છે, તેમના વહેમ અને અંધ માન્યતાઓને પોષ્યાં છે. તેમણે આપણને અબળા ગણી ઊતરતા દરજ્જાએ મૂક્યાં, તો આપણે પણ આપણું સ્થાન ઊતરતું સ્વીકારી લીધું. પુરુષોની માન્યતાઓનો આપણા પર કેટલો પ્રભાવ છે તે તો જુઓ, કે સ્ત્રી હોઈનેય આપણે જ પુત્રીજન્મ થાય તો ચૂપ રહીએ છીએ અને પુત્રજન્મ થાય તો પેંડા વહેંચીએ છીએ; પતિ સ્ત્રીને અનુકૂળ થઈને રહે તો તેને નમાલો કહીએ છીએ અને સ્ત્રી પતિને અનુકૂળ થઈને રહે તો તેને શાણી ને સમજુ ગણીએ છીએ. ઘરનું કોઈ કામ કરવાનું આપણે પોતાને માટે નાનપભર્યું નથી ગણતાં, પણ પુરુષ ઘરમાં ઝાડુ કાઢે કે પત્નીને પાણીનો પ્યાલો લાવી આપે તો સ્ત્રીઓ જ ‘અરે અરે, તમે રહેવા દો, તમે શા માટે કરો છો?’ કહીને, જાણે તે કાંઈ હલકું કામ કરતો હોય તેમ તેને અટકાવે છે. ‘આપણે સ્ત્રીઓ જ લગ્ન માટે છોકરી પસંદ કરવા જતાં તેની સુંદરતા ને વિનયશીલતા જોઈએ છીએ, તે બુદ્ધિશાળી કે સર્જનશીલ છે કે નહીં તે જોતાં નથી. સ્ત્રીના મસ્તક કરતાં તેના શરીરને વધુ મહત્ત્વ આપીએ છીએ; સાસુ થઈને વહુને દાબમાં રાખીએ છીએ, દીકરા માટે દહેજ માગીએ છીએ. આમ, પુરુષો તો આપણને અન્યાય કરે જ છે, આપણો પોતાનો વાંક પણ ઓછો નથી. આજે આ ઓગણીસો ત્યાંશીની સાલમાં પણ, હજી ઘણા લોકો એવા છે, જે માને છે કે સ્ત્રીએ તો હંમેશા પતિની આજ્ઞામાં જ રહેવું જોઈએ. એવાં સામયિકો નીકળે છે જેમાં પતિ પરમેશ્વર છે, પત્નીએ પતિની છાયાની જેમ તેને અનુસ૨વું જોઈએ, પત્નીનું પરમ કર્તવ્ય પતિને પ્રસન્ન રાખવાનું, પતિ સાથે એકરૂપ થવાનું છે એવું લખાણ લખાય છે, છપાય છે, વંચાય છે. પત્નીએ સહધર્મચારિણી બનવાનું હોય છે, પતિ માટે સહધર્મચારી બનવાનું કોઈ લખતું નથી. આજે પણ ફિલ્મોમાં હજુ સ્ત્રીઓ પતિના ચરણે ઝૂકી પડે છે. દારૂડિયા પતિના પગને વળગીને ન જાઓ સૈયાંનાં ગીત ગાય છે. આપણે આવાં સામયિકોની સામે, આવી ફિલ્મોની સામે અવાજ કેમ ઉઠાવતાં નથી? ‘આજે એક સ્ત્રી કમાતી હોય, શિક્ષિકા કે નર્સ કે ડૉક્ટર હોય, દહેજ આપીને પરણે છે; પતિના ઘેર મારપીટ વેઠે છે; પિતાને ઘેરથી વધુ પૈસા ન લઈ આવે તો બાળક પેટમાં હોય તોપણ પુરુષ અડધી રાતે તેને ઘરની બહાર કાઢી મૂકે છે, કેરોસીન છાંટી તેને સળગાવી દે છે. રોજરોજ છાપાંનાં પાનાં આવા સમાચારોથી ભરેલા હોય છે, છતાં તે વાંચીને આપણે ચૂપ થઈને બેસી રહીએ છીએ, એ કેવી લજ્જાની વાત છે?’ સલીનાનાં નસકોરાં ફડફડ થવા લાગ્યાં. તેની આંખોમાંથી જ્વાળાઓ નીકળી. ‘આપણામાં સહેજ પણ સ્વાભિમાન છે કે નહીં? આપણે ચેતનાવાન મનુષ્ય છીએ કે પછી માત્ર ખાધાખોરાકી અને માથે છાપરું મળે એ માટે સ્વત્વને વેચી દેનાર, માટીના પામર પિંડ છીએ?’ ‘શેઇમ…શેઇમ…’ શ્રોતાવૃંદમાંથી જોરદાર અવાજો આવ્યા. ‘આપણું આંદોલન એક એવી નૂતન સમાજરચના માટે છે જેમાં સ્ત્રી ને પુરુષનો મોભો સમાન હોય, હક્કો સમાન હોય, આદર સમાન હોય. કામ તેઓ ગમે તે કરે, તેને લીધે કોઈ ચડિયાતું કે કોઈ ઊતરતું ન હોય. અને પોતે શું કામ ક૨વું, તેની પસંદગી દરેકની પોતાની હોય; એક સ્ત્રીને બૅન્ક મૅનેજ૨ થવું હોય અને એક પુરુષને પાકશાસ્ત્ર-નિષ્ણાત થવું હોય, તો તેમાં કશું અસ્વાભાવિક નથી તેમ જ્યાં સ્વીકારાતું હોય અને આ માટે સૌથી પહેલાં તો જાણ્યેઅજાણ્યે આપણે જ અન્યાયના વાહક બની સ્ત્રીની હીનતા માટે જે રીતે જવાબદાર બનીએ છીએ તે બંધ કરવું પડશે. બહેનો પૈસા આપીને પરણવું એ મહાપાપ છે; પોતાની જાતનું ભયંકર અપમાન છે. આપણે સહુ પ્રતિજ્ઞા કરીએ કે લગ્ન નહીં થાય તો કુંવારાં રહીશું, પણ દહેજ આપીને તો કોઈ કાળે નહીં પરણીએ…’ તાળીઓનો પ્રચંડ ગડગડાટ થયો. સ્ત્રીઓએ હાથ ઊંચા કર્યા. રૂમાલ ફરકાવ્યા, પગ ઠોક્યા. સલીનાના મોં પર સ્મિત આવ્યું. ‘અને આપણે બધી સ્ત્રીઓને બહેનો ગણીશું. અંગત દ્વેષ, સંકુચિતતા, પોતાનું સાચવી બેસવાની સાંકડી મનોવૃત્તિ છોડીને સર્વ બહેનોનાં હિત સાથે આપણું હિત જોડીશું, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને લાંછિત નહીં થવા દઈએ. જ્યાં ક્યાંય પણ સ્ત્રી, માત્ર સ્ત્રી હોવાને કારણે અન્યાય, ત્રાસ, શોષણનો ભોગ બનતી હશે તેને માટે આપણે લડીશું, બધું ભગવાન કે ભાગ્ય પર છોડી દઈને ચૂપ નહીં રહીએ. ‘અને યાદ રહે કે આપણે પુરુષોની સામે લડતાં નથી; અન્યાય સામે લડીએ છીએ. પુરુષો આપણા ભાઈઓ છે, પતિ છે, પિતા છે, પણ તેઓ આપણા સમકક્ષ મિત્રો છે, સ્વામી કે ધણી નથી. આપણે તેમની સાથે સહિયારી રીતે સૃષ્ટિ સર્જીએ છીએ, સાથે સંસાર ચલાવીએ છીએ. આપણને તેમની જરૂર છે, તો તેમને પણ આપણી જરૂ૨ છે જ. પરસ્પરની જરૂરિયાતનો સંબંધ સમાનતાની ભૂમિ પર જ વિકસી શકે, અને એવા સંબંધો વડે જ સંસાર સુખપૂર્વક અને ન્યાયપૂર્વક ચાલી શકે. આપણું કર્તવ્ય તેમના કરતાં ઊતરતું નથી. શરી૨૨ચનાની ભિન્નતા વડે કાંઈ દરજ્જાની ભિન્નતા પુરવાર થતી નથી. સ્ત્રી બધું જ કરી શકે છે. તે અવકાશયાત્રી બની શકે છે, પ્રાઇમ મિનિસ્ટર બની રાજ્ય ચલાવી શકે છે. ઇઝરાયલની સ્ત્રીઓ યુદ્ધમાં લડવા પણ જાય છે. આપણે ત્યાં રાણી અહલ્યાબાઈ હોલકરે દુશ્મનો સામે લડવા નારીસૈન્ય ઊભું કર્યું જ હતું. ‘પણ…આપણને યુદ્ધો નથી ખપતાં. મા બનવું એ સ્ત્રીની વિશેષ શક્તિ છે. એક મા જાણે છે કે સંતાનના મૃત્યુની વેદના કેવી હોય! એટલે આપણે તો યુદ્ધો નાબૂદ કરવા માગીએ છીએ. થોડીક સ્ત્રીઓ સત્તા પર હોય ત્યારે તેને પુરુષ રાજનેતાની જેમ આક્રમક બનીને રાજ્ય ચલાવવું પડે છે. પણ બહુમતી રાજનેતા સ્ત્રીઓ હશે તો દુનિયા વધારે શાંતિમય બનશે. આપણું અંતિમ લક્ષ્ય શાંતિ છે. દુનિયામાં શાંતિ, સમાજમાં શાંતિ, કુટુંબ ને ઘરમાં શાંતિ, હૃદયમાં શાંતિ. ગળું ઘોંટીને જન્માવેલી શાંતિ નહીં પણ પરસ્પર સંવાદમાંથી પ્રગટેલી શાંતિ. અને આ શાંતિનો પાયો છે સમાનતા, સમાદર સ્નેહ. જે માન્યતા-પ્રણાલિકા-પરંપરા-રૂઢિ આનાથી વિરુદ્ધનાં મૂલ્યો પર આધારિત છે તેની સામે આપણી લડાઈ છે. ‘આપણો મોરચો આ લડાઈની શરૂઆત છે. આપણે અંધાધૂંધી મચાવવા નથી માગતાં, ન્યાય અને સર્વ-મનુષ્ય-સમભાવની પુનઃ સ્થાપના કરવા માગીએ છીએ. આ માટે દુનિયાભરની સ્ત્રીઓએ — આપણે એક થવાનું છે. સમાજના પરિવર્તન માટે યાહોમ કરીને ઝંપલાવવાનું છે. ડરવાની જરૂર નથી, છેવટે ન્યાયનો જ વિજય થવાનો છે. દુનિયાની કોઈ સત્તા પરિવર્તનના આ ધસમસાટ કરી આવી રહેલા પ્રવાહને ખાળી શકે તેમ નથી.’ શબ્દે શબ્દે જાણે શંખ ફૂંકાતો હતો. એક એક વિચારે એક એક તણખો સળગતો હતો. શ્રોતાઓમાંથી કોઈકે ખરેખર જ શંખ ફૂંક્યો. હવામાં વીજળીનો આવેશ થયો હોય એમ વાતાવરણ પ્રકંપિત થઈ ગયું. સલીનાએ ઊંડો શ્વાસ લીધો. તાળીઓનો ગડગડાટ થયો. અવાજો ખંડની છત સાથે અફળાયા અને સમૂહના પ્રાણમાં પ્રતિધ્વનિ થયા. સલીના પછી મિત્રાએ સભાને સંબોધી. તેના વ્યક્તિત્વની જેમ તેના શબ્દો પ્રબળ અને ધારદાર હતા. તેણે કહ્યું કે પ્રચલિત માન્યાતાઓથી જુદો ને નવો વિચાર લઈને કોઈ આવે છે ત્યારે સમાજના હાથે તેને સહન કરવું પડે છે; આપણે પણ સહન કરવા તૈયાર રહેવું પડશે. સ્ત્રીઓએ શોર મચાવી મૂક્યો. સભા પૂરી થતાં મિત્રા ને સલીના આસપાસ છોકરીઓની પડાપડી થઈ. ઘણાં ઘણાં વર્ષો પહેલાં, ક્રોધે ભરાયેલા ઉન્મત્ત બેકાબૂ ટોળાઓએ બેસ્ટાઇલની તુરંગના તોતિંગ લોખંડી દરવાજા તોડી નાખ્યા હતા. આજે એથીયે વધુ લોખંડી દરવાજાની ભીડેલી ભોગળો ભાંગવાની હતી નિઃશસ્ત્ર કોમળ હાથો વડે. તરુણ છોકરીઓ મોરચામાં જોડાવા માટેના સંદેશા લઈ વંટોળિયાની જેમ સ્ત્રીઓની વચ્ચે ઘૂમી વળી. વધારામાં ઉમેર્યું : બને એટલાં કાળાં કપડાં પહેરીને આવજો. ઇતિહાસમાં કોઈ દિવસે નોંધાઈ ન હોય એવી અભૂતપૂર્વ ઘટનાની રાહમાં તેમનાં હૃદય થનગની રહ્યાં. છેક બીજા દિવસે રાતે સલીના વસુધા પાસે આવી શકી. સખત થાકેલી હતી. આવતાવેંત ઢગલો થઈને પડી. વસુધાએ એને બોલાવી નહીં. ગરમ ગરમ દૂધ પિવડાવ્યું, આરામ કરવા દીધો. છેવટ સૂઈ જતાં પહેલાં પૂછ્યું : ‘કૃષ્ણન આવ્યો, સલીના?’ સલીનાએ ડોકું ધુણાવ્યું. ‘સમજ નથી પડતી. એ આવવો તો જોઈએ. ન આવે એવું તો બને જ નહીં.’ તેના અવાજમાં વેદના હતી. આ પળે કૃષ્ણનના સાથની એને કેટલી બધી જરૂ૨ હશે, તેની વસુધાએ કલ્પના કરી જોઈ. સલીનાના માથે હાથ ફેરવતાં મૃદુતાથી કહ્યું : ‘કદાચ પત્ર મોડો મળ્યો હશે. ચિંતા કરીશ નહીં. આજે નહીં તો કાલે આવશે.’
મોરચાનો દિવસ આવ્યો. સ્વરૂપ, આદિત્ય, વિનોદ, અગ્નિવેશ, ગગનેન્દ્ર — આનંદગ્રામના બધા પુરુષસભ્યો સહેજ ચિંતિત હતા. આદિત્યને તરત પાછું જવાનું હતું પણ તે રોકાઈ ગયો. કૃષ્ણન હજુ પણ આવ્યો નહોતો. મોરચામાં આ બધા સામેલ થઈ શકે એમ નહોતા, કારણ કે મોરચો માત્ર સ્ત્રીઓનો જ હતો. તેમણે મોરચાથી દૂર રહીને ફૂટપાથ પર ચાલી મોરચાની અગ્ર હરોળની સાથે રહેવાનું નક્કી કર્યું. તેમને ચિંતા હતી કે ક્યાંકથી પ્રહારો આવશે. શોષિત લોકો જ્યારે સ્વતંત્રતાનો ઝંડો ફરકાવે છે, ત્યારે સ્થાપિત હિતો તરફથી પ્રહારો થાય જ છે. આનંદગ્રામ દ્વારા નવાં મૂલ્યો સ્થાપવાનો જે પળે આરંભ કર્યો ત્યારથી જોખમ તો શરૂ થઈ ગયું હતું અને હવે આ ઝંઝાવાતમાં ઝુકાવ્યા સિવાય છૂટકો નહોતો. બપોર પડી. થોડીક સ્ત્રીઓનું એક જૂથ એક ચોકમાં આવીને ઊભું. કેટલાક લોકોએ તે જોયું પણ તે પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું નહીં. સ્ત્રીઓએ નખશિખ કાળાં વસ્ત્રો પહેર્યાં હતાં, શરીર પર એક પણ અલંકાર નહોતો. તેમના ચહેરા ગંભી૨ ને જ્વલંત હતા. તેમના હોઠ ભીડેલા હતા. બે સ્ત્રીઓએ એક મોટું પ્લેકાર્ડ ઊંચું કર્યું. તેના પર લખ્યું હતું : સ્ત્રી ફક્ત શરીર નથી રસ્તે ચાલતી થોડીક સ્ત્રીઓએ ઊભાં રહી જઈને કુતૂહલતાથી જોયું. ફૂટપાથ પરથી જતી સ્ત્રીઓ થંભી ગઈ. બાજુનાં મકાનોની બારીઓમાંથી, બારણાંમાંથી, ગૅલરીઓમાંથી સ્ત્રીઓનાં ડોકાં દેખાવા લાગ્યાં. બીજા એક ચોકમાં બીજું જૂથ આવી ઊભું. એ જ કાળાં વસ્ત્રો. ચહેરા પર મક્કમતા અને મૌન. હાથમાં બૅનર ઊંચકેલાં હતાં. તેમાં વચ્ચે પ્રધાનપુત્રનો ચહેરો દોરેલો હતો. નીચે લખ્યું હતું :
થોડુંક ચાલીને બન્ને જૂથ એક રસ્તા પર સાથે થઈ ગયાં. રસ્તે જતી સ્ત્રીઓમાંથી થોડીક કુતૂહલથી સાથે સાથે ચાલવા લાગી. ત્રીજા ચોકમાં ત્રીજું જૂથ. અને પછી ઠેકઠેકાણે, અચાનક ધરતીમાંથી ફૂટી નીકળ્યાં હોય એમ જૂથો દેખાવા લાગ્યાં. જંગલની આગની જેમ મોરચાની હવા પ્રસરી ગઈ. ઘણી સ્ત્રીઓના હાથમાં ઊંચાં ઉઠાવેલાં પ્લેકાર્ડ હતાં. લગભગ દરેક પ્લેકાર્ડ ૫૨ પ્રધાનપુત્રની છબી હતી. નીચે વિવિધ સૂત્રો લખેલાં હતાં. એકમાં લખ્યું હતું : ‘જે લૂંટે છે તે ગુનેગાર છે, જેનું લૂંટાયું છે તે નહીં.’ ઘણી સ્ત્રીઓ પાસે છાપેલી પત્રિકાઓ હતી, જે તેમણે રસ્તા પ૨ જતી સ્ત્રીઓના હાથમાં પકડાવવા માંડી. ‘દુનિયાભરની સ્ત્રીઓ એક થાઓ. આપણે કશું ગુમાવવાનું નથી — સિવાય ભય.’ પત્રિકાઓ ઝડપથી વહેંચાતી ને વંચાતી ગઈ. સરઘસની પહોળાઈ ને લંબાઈ વધવા લાગી. એક પછી એક નાનાં નાનાં અસંખ્ય જૂથો જુદે જુદે ઠેકાણેથી જાતજાતનાં પ્લેકાર્ડ લઈને નીકળવા લાગ્યાં અને નાનીમોટી અનેક વિસ્તીર્ણ ધારાઓ એક વિશાળ સરિતામાં આવી મળે એમ મુખ્ય સમૂહ સાથે ભળી જવા લાગ્યાં. સરઘસ મોટું ને મોટું થતું ગયું. આ ફૂટપાથથી સામી ફૂટપાથ સુધી, આ છેડાથી પેલા છેડા સુધી રસ્તો ખીચોખીચ ભરાઈ ગયો હતો. રસ્તામાં સ્ત્રીઓ સમાતી નહોતી. તલપૂર પણ ખાલી જગ્યા દેખાતી નહોતી. કાળાં કાળાં મોજાંનો એક મહેરામણ એક એક ડગલે આગળ વધી રહ્યો હતો. કોઈ શબ્દ નહીં, કોઈ અવાજ નહીં…સીવેલા હોઠની અંતહીન ચુપકીદી; અને એક પછી એક ઊપડતાં પગલાંનો લય! જાણે કાંઠા કિનારા ભાંગી નાંખતું કાળનું મહાપૂર ઊમટ્યું હતું, સદીઓથી અન્યાય સહી લેતી આવેલી શક્તિ હવે હુંકાર કરતી જાગી હતી, પરિવર્તનની આંધી બનીને ફૂંકાતી હતી. આ માત્ર એક ઘટના માટે નહોતું. એક બહેકેલા જુવાને એક નિર્દોષ યુવતી ૫૨ કરેલી બળજબરી માટે જ નહોતું. આખીયે સ્ત્રીજાતિના સ્વત્વનું ચારેબાજુ જે ખંડન થઈ રહ્યું છે — ઘરમાં, ઑફિસમાં, સમાજમાં, દુનિયામાં — તેની વિરુદ્ધની આ જેહાદ હતી. જેણે એ જોયું તે હતાં ત્યાં થંભી ગયાં. દુકાનમાં ખરીદી કરતી, શાકભાજીના ભાવતાલ કરતી, ઘરમાં આરામ કરતી, ચા બનાવતી, રસોઈની તૈયારી ક૨તી સ્ત્રીઓ પોતાનાં કામ છોડી સરઘસ જોવા દોડી આવી અને ઘરમાંથી નીકળીને તેમાં જોડાઈ ગઈ. બહુ જ થોડી સદ્ભાગી સ્ત્રીઓને બાદ કરતાં બાકીની આ બધી સ્ત્રીઓએ, માત્ર સ્ત્રી હોવા બદલ થતા અન્યાયનો કડવો સ્વાદ ચાખ્યો હતો. એમાં શ્રીમંત સ્ત્રીઓ હતી, મધ્યમ અને ગરીબ વર્ગની સ્ત્રીઓ હતી : સુંદર અને સુઘડ, શિક્ષિત ને આધુનિક, બહારથી સુખી ગણાતી પણ ભીતરની વેદના પોતે જ જાણતી, દાઝેલી, દુભાયેલી, મુક્તિના શ્વાસ માટે તલસતી સ્ત્રીઓ, ઊડી ગયેલા નૂરવાળી, કથળી ગયેલાં શરીર, ફિક્કા ચહેરા ને નિસ્તેજ આંખોવાળી, કબ્રસ્તાનમાં પોઢી ગયેલી કબરો જાગીને, ઊઠીને, આવી હોય તેવી નિષ્પ્રાણ, હણાયેલા ચેતનવાળી સ્ત્રીઓ… કચડાયેલી આકાંક્ષાવાળી, અનેક ક્ષેત્રે વિશિષ્ટતાથી ઝળકવાની શક્તિ છતાં ચાર દીવાલમાં બંધાઈ ગયેલી, પોતાના બધા તેજસ્વી મનોરથોને નજ૨ સામે ભસ્મીભૂત થતા જોનારી સ્ત્રીઓ… મથામણ ને સંઘર્ષ કરતી, વિરોધ વહોરી લેતી, અંધારામાં ફંફોસીને પોતાનું સ્થાન ખોળતી, અન્યાય સામે અણનમ ઊભી રહેતી સ્ત્રીઓ… અતિશ્રીમંત પતિના ઘરમાં શોભાની એક વસ્તુ બનીને રહેતી અને પોતાનું મૂલ્ય ન અનુભવવાથી વિફળતાની લાગણીથી પીડાતી સ્ત્રીઓ… પતિની જોહુકમી નીચે થરથરી રહેતી અને ઘરની વાત બહાર ક્યાં કહેવી? — ના ખ્યાલથી મોં બંધ રાખતી, દહેજ આપીને પરણેલી, પતિ અને સાસરિયાનો બેરહમ માર ખાતી, મૃત્યુમાં જ જીવનનો છુટકારો કલ્પતી સ્ત્રીઓ…નોકરી કરતી અને સાંજે ઘેર આવતાં ઘરનું કામ ને બાળકો સંભાળતી અને હિંડોળે ઝૂલતી સાસુની કશી સહાનુભૂતિ ન પામતી સ્ત્રીઓ…વિધવા થવાથી એકાએક જ જીવનના સ્વાભાવિક આનંદોમાંથી નિર્વાસિત થયેલી સ્ત્રીઓ…બીજી સ્ત્રીઓ ખાતર પતિએ જેમને અવગણી છે તેવી ત્યજાયેલી, અપમાનિત, સંગીહીન, દિવસ-રાત અંદર ને અંદર સળગતી ને રાખ થતી સ્ત્રીઓ, તુચ્છકારાતી, પતિથી હંમેશા બે વેંત નીચે રહેતી, થોડાક પૈસા માટે ઓશિયાળી બનતી, કમરતોડ મહેનત કરવા છતાં પોતાની કશી કમાણી વગરની સ્ત્રીઓ; પતિ અને બાળકોને જ સર્વસ્વ સમજતી, તેમની જ સિદ્ધિઓને પોતાની સિદ્ધિ ગણતી, પોતાની બૌદ્ધિક અસ્મિતાથી તદ્દન અભાન સ્ત્રીઓ… ચોતરફ બસ, સ્ત્રીઓ જ સ્ત્રીઓ હતી. ઊંચીનીચી, નાનીમોટી, ગૌર-શ્યામ, સેંકડો, હજારો સ્ત્રીઓ એક પછી એક સરઘસમાં જોડાતી ગઈ અને જીવનમાં પહેલી વાર મળેલી આ અભિવ્યક્તિમાં પોતાના મૂક સૂરો ઉમેરતી ગઈ. આ શહેરે આજ સુધી આવું અચરજ દીઠું નહોતું. મોરચા તો આજ સુધીમાં ઘણા જોયા હતા : વેતનમાં વધારા માટેના, સગવડોની માગણીના, કિંમત-વધારા સામે વિરોધના. પણ સ્ત્રીઓને માટે સર્વ સ્તરે ન્યાયની માગણી કરતો, ફક્ત સ્ત્રીઓનો આવો વિરાટ મૌન મોરચો શહેરે કદી જોયો નહોતો. એ લાખો પગલાંના ધ્વનિથી ઘરોની દીવાલો ધ્રૂજી ઊઠી, કોટના કાંગરા હચમચવા લાગ્યા. આગળ જતાં બધી ધારાઓ મળી ગઈ, અને એક જબરદસ્ત મોટો પ્રવાહ મિનિસ્ટ૨ના ઘર ભણી ગતિ કરી રહ્યો. સૌની મોખરે હતાં રત્ના અને વસુધા. તેની બે બાજુ કાવેરી અને સલીના હતાં. આત્મવિશ્વાસ, દૃઢતા, સંકલ્પ અને ઉન્નત મસ્તકથી તેમનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી લાગતું હતું. તેમની સાથે હતાં મિત્રા ને એના. પછી આખો સમુદાય શોધ્યે છેડો ન જડે એવો એક વિરાટ રેલો અવાજ કર્યા વગર વહી આવતો હતો. સલીના ને કાવેરીના હાથમાં ગુનેગારની છબીવાળું પ્લેકાર્ડ હતું : ‘ગુનેગારને હાજર કરો, એને સજા કર્યા વગર અમે જંપીશું નહીં.’ મિત્રાના હાથનું પ્લેકાર્ડ હતું : ‘દુનિયાભરની સ્ત્રીઓ! ઊઠો, જાગો, તમારી બધી શક્તિઓ પ્રગટ કરો.’ વસુધાનું પ્લેકાર્ડ હતું : ‘સુખી જીવન સમાનતા, સમાદર અને સ્નેહની ભૂમિ પર પાંગરી શકે.’ ‘સમાનતા, સ્વતંત્રતા, બંધુતા’ના પેલા મશહૂર સૂત્રની જેમ અહીં સૂત્ર હતું : અમને જોઈએ છે ન્યાય, અમને જોઈએ છે સ્નેહ, સમાનતા, સમાદર.’ હવામાં ઊંચકાયેલા પ્લેકાર્ડ નવા યુગની ધજા લહેરાવતાં હોય એમ લાગતું હતું. ચુપચાપ ચાલતું સરઘસ લક્ષ્યસ્થાન નજીક આવી પહોંચ્યું.