સાફલ્યટાણું/૯. એક યાદગાર સાહસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯. એક યાદગાર સાહસ

મુંબઈથી પુંતામ્બેકર સાહેબની રજા લઈ હું ચીખલી આવ્યો. ત્યાં જવા માટેનું મોટું આકર્ષણ હું જણાવી ગયો છું તેમ ત્યાં શરૂ થયેલી રાષ્ટ્રીય શાળાનું હતું. એની શરૂઆત કરનારાઓમાં હતા અમારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની જવાબદારી અદા કરતા અમારા ગામના એક આગળ પડતા જુવાન શ્રી નાનુભાઈ ગુલાબભાઈ દેસાઈ, બીજા હતા ઈન્ટરમાંથી અસહકારને કારણે અભ્યાસ છોડી આવેલા શ્રી નીછુભાઈ, શ્રી રમણલાલ દેસાઈ અને બહારથી આવેલા સાથીઓમાં શ્રી નટવરલાલ વીમાવાળા, શ્રી નર્મદાશંકર પંડ્યા, શ્રી કીકુભાઈ દેસાઈ, શ્રી કાંતિલાલ કસોટિયા, શ્રી મનુભાઈ નાયક વગેરે. ગામમાંથી શ્રી છોટુભાઈ ગુલાબભાઈ દેસાઈ જે એક કુશળ ખેડૂત વેપારી હતા તેમનો સક્રિય સાથ હતો. તેમની સહાયથી અગાઉ જ્યાં મેં અંગ્રેજી ભણવાની શરૂઆત કરેલી તે મકાન શાળા માટે મળ્યું. શાળા ત્યાં ચાલતી હતી. તે વખતના પેરેલલ બાર અકબંધ હતા. રમવા માટે પૂરતી જગ્યા હતી. આમલીપીપળીની રમત માટે પણ અનુકૂળતા હતી. આમ મકાન મળતાં ઘણી સગવડ મળી ગઈ. ફર્નિચર વગેરે માટે અમે કેવો પ્રબંધ કર્યો હતો તે યાદ નથી; પણ એ અંગે કોઈ વખત ચિંતા કરવી પડી હોય એવું સ્મરણ નથી. વળી આમાં ક્યાંથી ક્યાંથી પ્રેરણા મળી, દોરવણી મળી તેની પણ કોઈ સ્મૃતિ નથી, પણ એ પ્રેરણાનું કેન્દ્ર સુરતમાં હોવાનું યાદ છે. એ વખતે ઠેર ઠેર જે રાષ્ટ્રીય શાળાઓ સ્થાનિક ઉત્સાહથી શરૂ થતી તે બધી ગુજરાત વિદ્યાપીઠના આશ્રયે શરૂ થયેલી શાળાઓની ઢબે ગોઠવાતી જતી હતી.

આ શાળા શરૂ કરતાં પહેલાં અમારી સરકારમાન્ય પાંચ ધોરણની શાળાને રાષ્ટ્રીય શાળામાં ફેરવી નાખવાની હિલચાલ અમે શરૂ કરી દીધી હતી. એમાં જો સફળ થવાય તો અમારે નવી શાળા શરૂ કરવી પડે નહિ ને અમારી શક્તિનો ઉપયોગ લડતના રચનાત્મક કાર્ય માટે કરી શકીએ. આ વિચાર રાષ્ટ્રીય શાળાની સ્થાપના પછી વધુ વેગવંત બન્યો ને અમે જોરશોરથી એ ઝુંબેશ આદરી.

અમારી આ શાળાની સ્થાપનામાં અગાઉ જેમનો હું ઉલ્લેખ કરી ગયો છું તે ગોકળદાસ માસ્તરની ઘણી મોટી કામગીરી હતી. હું ભૂલતો ન હોઉં તો તેમણે બુદ્ધિ ચલાવી શાળાનો વહીવટ તાલુકાના મામલતદારના હસ્તક મુકાય એવી વ્યવસ્થા કરાવી હતી. એની પાછળ એમની દૃષ્ટિ એ હતી કે એ વખતે મામલતદારનું સ્થાન ગામના નગરશેઠ કરતાં પણ મોટું લેખાતું અને એમનો બોલ ભાગ્યે જ કોઈ ઉથાપી શકતું. એ શાળાનું વહીવટી મંડળ કેવા પ્રકારનું હતું તેનો ખ્યાલ મને નથી; પણ એવી કંઈક છાપ છે કે ગોકળદાસ માસ્તરે મહેનત કરી મામલતદારના મૅનેજરપદ હેઠળ ગામની જુદી જુદી કોમ ને ધંધાના અગ્રગણ્ય નાગરિકોની બનેલી સલાહકાર સમિતિની વ્યવસ્થા કરાવી હતી. એ મુજબ એ વખતના ચીખલીના મામલતદાર એક દક્ષિણી સજ્જન દેવની દોરવણી હેઠળ આ સમિતિને હસ્તક શાળાનો વહીવટ સોંપાયો. શાળા એ વખતે એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ નામે ઓળખાતી.

ચીખલીએ દેવ મામલતદારને વર્ષો સુધી કૃતજ્ઞ ભાવે યાદ કર્યાં છે. લોકો એમને દેવતુલ્ય જ લેખતા, એમણે મહારાષ્ટ્રમાં જે ભવ્ય વિદ્યોપાસનાની પરંપરા શરૂ થઈ હતી તેનું જો લઘુપુનરાવર્તન કરવું હોય તેમ એક સારસ્વતની નિષ્ઠાથી શાળાનો પાયો સુદૃઢ રીતે નાખવાના શ્રીગણેશ માંડ્યા. ગોકળદાસને સાથે રાખી પહેલાં તો ગામમાંથી એમણે ઉઘરાણું શરૂ કર્યું. મોટા દુકાનદારોને ત્યાં ધર્માદાપેટીઓ મુકાવી. એ મુજબ ગામેગામ કોઈક વાર પગપાળા તો કોઈક વાર બળદગાડામાં ફરી તેમણે જનસંપર્ક સાધ્યો અને ચીખલીની શાળા આખા તાલુકાના ચોસઠ ગામની શાળા છે એવી હવા ઊભી કરી. બહારગામ વસતા ચીખલીનિવાસીઓ પાસેથી પણ મદદ મેળવી. આ રીતે જે ભંડોળ એકઠું થયું તેમાંથી શાળા માટે હાલ જ્યાં એ શાળા છે તેના પાંચ ઓરડા બંધાયા. એ પહેલાં જે મકાન રાષ્ટ્રીય શાળા માટે અમે મેળવ્યું એમાં અમારી એ. વી. સ્કૂલ ચાલતી હતી. (જુઓ ‘મારી દુનિયા')

શાળા માટે મોટું કંપાઉન્ડ અને સરસ ઇમારત ઊભી કરી દેવ સાહેબ અટક્યા નહિ. શાળા માટે એમણે ગ્રેજ્યુએટ હેડમાસ્તરની નિયુક્તિ કરી અને એ રીતે અમારા પહેલા ગ્રેજયુએટ આચાર્ય શ્રી ધોળકિયા અમને મળ્યા. આમ આ શાળા સાથે અમારી લાગણીના તાર એ રીતે ગૂંથાયા હતા કે એને રાષ્ટ્રીય શાળામાં પલટાવી નાખવાની તક મળે તો અમને ધન્યતા લાગે અને અસહકારની લડત એક સિદ્ધિરૂપ એ બને, એટલે એ દિશામાં અમે સક્રિય બન્યા.

એથી અમે ગોકળદાસ માસ્તરનો હૃદયપલટો કરવાનો પુરુષાર્થ આરંભ્યો. એ વખતે દેવ મામલતદાર બદલાયા હોવાનો મારો ખ્યાલ છે અને કયા મામલતદાર શાળાના મૅનેજરપદે હતા તેની આછી ઝાંખી પણ નથી; પરંતુ શાળા લોકોની હતી અને એના વહીવટકર્તા સરકારી નોકર હોય એ સામેનો અમારો વિરોધ અમે મહોલ્લે સભાઓ ભરી ગજાવવા મંડ્યા; પણ ગોકળદાસ માસ્તર જેમણે મને અસહકાર કરવા માટે કાશીબાની સંમતિ મેળવવામાં લાગણીપૂર્વક મદદ કરી હતી તે પોતાના સંતાન જેવી શાળાને તેમની માન્યતા મુજબ વેરવિખેર થતી જોવા રજમાત્ર તૈયાર ન હતા. એટલે શાળાને પલટાવવામાં નિષ્ફળતા મળતાં અમે શાળા ખાલી કરાવવા ઝનૂનથી પિકેટિંગ આદર્યું. અમે શરૂ કરેલી પ્રભાતફેરીમાં વિદ્યાર્થીઓને ઉત્તેજનાભરી હાકલ કરવા માંડી. શાળાના ઈન્સ્પેક્શનને માટે આવેલા, હું ભૂલતો ન હોઉં તો અમદાવાદના શ્રી કુમતરાય દેસાઈનો શાળામાં જવાનો માર્ગ અવરોધતાં અમે નદીના પૂરને ખાળતા બંધ જેવા ખડા થઈ ગયા. આમાં શાળા માટે મને અત્યંત કૂણી લાગણી હોઈ હું આગળ પડતો ભાગ લઈ શક્યો નહીં; પણ સારી રીતે એ રાષ્ટ્રીય શાળામાં પલટાઈ જાય તેવી પ્રાર્થના કરતો રહ્યો. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશતા બળજબરીથી રોકવાને બદલે, શ્રી કીકુભાઈએ ઊગતી પ્રજાના એક દક્ષ ઘડવૈયાની જેમ સુંદર વાતો શરૂ કરી. શાંતિનિકેતનના તેમના ભણતરનો પૂરો લાભ તેમણે વિદ્યાર્થીઓને અને આજુબાજુ ટોળે વળેલા લોકોને તેમ જ અમને પણ આપ્યો. પરિણામે શાળાનું ઈન્સ્પેક્શન થઈ શક્યું નહીં અને કેટલાક વિદ્યાર્થીઓ સરઘસ આકારે એમના દફતર સાથે અમારામાં ભળી ગયા અને અમે તે વખતનું શે ૨ીઓ ગજાવતું ગીત જે મને ખ્યાલ છે કે ડૉ. હરિપ્રસાદ દેસાઈની દેણ હતી તે ગાતા ગાતા ચીખલીના ઘણા મહોલ્લામાં ફર્યા. એ ગીતની શરૂઆત આ રીતે થતી હતી:

આવે છે રે આવે છે
સ્વરાજ સવારી આવે છે
જ્યનાદ ગગનમાં ગાજે છે
સ્વરાજ સવારી આવે છે
દૂર સ્વપ્ન થકી પણ કહેવાનું
થાઓ લાયક ત્યારે લેવાનું
શું બાળક ચાંદો માગે છે?
સ્વરાજ સવારી આવે છે.

આમાં આવતા સ્વરાજ શબ્દનો ઉચ્ચાર સવરાજ તરીકે થતો અને સંસ્કૃત શીખતો થયો ત્યારથી ઉચ્ચારશુદ્ધિ માટે સુરત જિલ્લામાં ‘શ’ ને સ્થાને વપરાતા ‘સ' બાદ કરતાં હું ઘણો આગ્રહ રાખતો; પણ કોણ જાણે કેમ ત્યારે મને સવરાજ શબ્દ ભારતની ભોળી ગ્રામજનતાની દેણ હોય તેવો કર્ણપ્રિય લાગતો.

અમારી પ્રવૃત્તિનું એક પરિણામ એ આવ્યું કે બીજે દિવસે અમારી શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ માબાપની સંમતિથી કે તેમની સામે બળવો કરીને આવી પહોંચ્યા. એમાં હતા ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેની પદવીએ પહોંચેલા શ્રી ધીરુભાઈ દેસાઈ અને જેના નામથી વિલેપારલેના એક જાહેર રસ્તાનું નામ પડ્યું છે તે શ્રી બાપુભાઈ વશી તથા મારા નાનાભાઈ ગુલાબભાઈ વગેરે. વિદ્યાર્થીઓ તો આવ્યા, મકાન પણ મળ્યું. પણ હવે? એ પ્રશ્ન એ વખતે કદી અમારા મનમાં ઉદ્ભવ્યો જ ન હતો. અમે તો આવેલા વિદ્યાર્થીઓને એકઠા કરી ગીતો ગવરાવવાથી શરૂઆત કરી. કીકુભાઈએ તેમને જાત જાતની કથાઓ સંભળાવવા માંડી. નેતાઓનાં જીવનચરિત્રો પણ અમે આપવા માંડ્યાં. લડતની વાત સંભળાવવા લાગ્યા. ‘નવજીવન'માંથી ગાંધીજીના લેખો સંભળાવતા થયા. જાતજાતની રમતો શીખવી તેમાં અમને મશગૂલ થઈ ગયેલા જોતા થયા. આમ અમારી ચીખલીની રાષ્ટ્રીય શાળાની શરૂઆત થઈ. શાળામાં ફી રાખી હતી કે કેમ તે અત્યારે યાદ નથી, પણ હાજરીપત્રક તૈયાર કર્યું. આવેલા વિદ્યાર્થીઓ બધા એક શ્રેણીના ન હતા. આજે જેને પાંચમી કહીએ તે પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી એમ વિવિધ કક્ષાના વિદ્યાર્થીઓ હતા. અમે એ બધાને હાજરીપત્રકમાં ક્રમવાર ભેગા ગોઠવી દીધા અને એ સૌને માટે એકસરખો કાર્યક્રમ યોજ્યો. જેને વાંચવું, લખવું અને ગણવું એ રીતે ઓળખીએ છીએ એથી આ અંગે અમે કંઈ બહુ પરવા ન હોય તે રીતે વર્તતા. અમને લાગતું કે થોડો વખત એ વિદ્યાર્થીઓ સ્વતંત્ર આબોહવામાં ફરે, ખડતલ જીવન જીવતાં શીખે અને દેશનું કામ કરવામાં ગૌરવ લેતાં શીખે તો ભણતર તો આપમેળે મળી જાય, આથી અમે લગભગ આખા દિવસનો એ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ ઘડ્યો.

સવારે અમે એમને લઈ નદીએ નાહવા જતા. વાડીવાળા ધરામાં તરવામાં મઝા આવે એવું પૂરતું પાણી હતું. અમારામાંથી જેમને તરતાં આવડતું હતું તેમણે વિદ્યાર્થીઓને શીખવવામાં ઊલટભેર ભાગ લીધો. આમાં ભાઈ બાલુભાઈ અને મારા જૂના મિત્રોનો ઘણો બધો સાથ અમને સાંપડ્યો. અમને નવાઈ એ વાતની હતી કે માબાપ આ બધી અમારી પ્રવૃત્તિ કેવી રીતે સાંખી શક્યાં હશે? કારણ કે જેના પર પૂરો વિશ્વાસ મૂકી શકાય એવી ઉંમરવાળા અમારામાં એકબે બાદ કરતાં કોઈ ન હતા, પણ અમને પીઠબળ હતું ગામમાં જે મોભાવાળા લેખાય એવા આગેવાનોનું. એ આગેવાનોને અમારામાં વિશ્વાસ હતો અને તેથી અમારી સામે વ્યક્તિગત વિરોધ કોઈએ કર્યો નહીં. આવા વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં ઉલ્લાસથી ભળતા થયા. તેઓ ઘેરે એની ઉમળકાભેર વાતો કરતા થયા. લોકોમાં અમારે માટે સદ્ભાવની હવા ઊભી થઈ. ગાંધીનાં માણસો તરીકે અમારે માટેનો સદ્ભાવ વધ્યો.

આ જ પ્રમાણે સાંજે એમને લઈ કોઈ વખતે ગામથી થોડેક દૂર આવેલી બામણવેલની ટેકરીમાં રમવા લઈ જતા. ત્યાં હિલફાઈટ જેવી રમતો રમતા, ટેકરી પર વેગથી ચડવાની અને ઊતરવાની હરીફાઈઓ યોજતા. તેની પર બેસી ચારેબાજુ અવલોકન કરી દરેક જણે જે કાંઈ જોયું હોય તે તેમની પાસે નોંધાવતા અને ત્યાર પછી એ વ્યક્તિગત નોંધ સમૂહમાં સંભાળવામાં આવતી. આ કાર્યક્રમને માટે ભારે ઉત્સાહ રહેતો અને દરેકને મહત્ત્વકાંક્ષા થતી કે એમની નોંધ સર્વોત્તમ બને. અમારામાંથી કોઈએ એ વખતે શિક્ષણશાસ્ત્રનો કક્કો પણ ઘૂંટ્યો ન હતો; પરંતુ જેને આપણે કેળવણી કહીએ છીએ તે તો મનુષ્યને સહજ પ્રાપ્ત એવી કુદરતની ભેટ છે. એનો ત્યારે અમને ખ્યાલ ન હતો; પણ અમારામાં સહજ રીતે પડેલી એ શક્તિએ અમને આ દિશામાં પ્રેર્યો.

બામણવેલની ટેકરી ઉપરથી એક બાજુ વાંસદા, ધરમપુરની ગિરિમાળાઓ દેખાતી તો બીજી બાજુ પારનેરાનો ડુંગર અને આ બાજુ એંધળની ટેકરી અને ચોમેરની વિવિધ વૃક્ષવાળી વનરાઈ. આ બધાના અવલોકનમાં વિદ્યાર્થીઓ મશગૂલ થઈ જતા અને એમની જિજ્ઞાસા અનેક રીતે પાંગરતી જતી. એમાંથી એમને ભૂગોળનો, પૃથ્વી પરના વિવિધ પ્રદેશોનો ને એવો ઘણો ખ્યાલ આવતો. અનુબંધપદ્ધતિ તરીકે અમારો આ અભિગમ ઓળખાવી શકાય એવો અમને કશો જ ખ્યાલ ન હતો, પણ અમને લાગતું કે અમારા વિદ્યાર્થીઓ પુસ્તકો ભલે બીજા વિદ્યાર્થીઓ જેટલાં વાંચતા ન હોય પણ તેમની સમજશક્તિ તો અવશ્ય વધુ વિકસતી જતી હતી.

અમારા ગામની નજદીક આવેલાં કેટલાંક સુંદર સ્થળોની મુલાકાતે પણ અમારા વિદ્યાર્થીઓને લઈને અમે જતા. એમાં નાળિયે ૨ીધોધ નામે ઓળખાતું એક રમણીય સ્થળ હતું. અહીં કાવેરી નદી એક ઊંચા ઢોળાવ પરથી જાણે પડતી હોય તેવું આકર્ષક દેશ્ય નજરે પડતું. કોઈ કોઈ લોકો એ સ્થળે ઉજાણી પણ કરતા. અહીં પણ પેલી અનુબંધપદ્ધતિ આપોઆપ પોતાનું આગવું સ્થાન લઈ લેતી અને અમે અમારી પાસે જે કાંઈ આછીપાતળી માહિતી હતી તે તેમને આપતા. આમાં કાવેરી નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે એની વાત પણ આવતી. એના ઉપર વાંસદા, આનાવલ આદિ એમને પરિચિત સ્થાનોનો પણ ઉલ્લેખ આવતો. એ ઉપરાંત સાગરને મળતાં પહેલાં એ અંબિકાને મળે છે તેની પણ વાત આવતી. એ અંબિકામાં ભળે છે એ ઉલ્લેખથી એમનું વતનનું અભિમાન ઘવાતું, કારણ કે અંબિકા અમારાથી છ માઈલ દૂર આવેલા બીલીમોરાની નદી અને કાવેરી અમારી નદી. તો કાવેરીને અંબિકા મળે છે તેમ રેમ ન કહેવું? અને તેમને સમજાવ્યા કે એ બન્ને મળે પછી તો એક જ થઈ ય છે; પણ જેની લંબાઈ અને પટ વિશેષ તે મોટી લેખાય અને નાની બહેન નીટાની આંગળીએ ચાલે એમાં બન્નેનું ગૌરવ છે. આવા હળવા પ્રસંગો પણ આવતા. ગંગા, જમુના, બ્રહ્મપુત્રા આદિ નદીના સંગમોની વાતો નીકળતી અને અણધારી રીતે ભારતની ભૂગોળનો-ખાસ કરીને નદીઓનો એમને અનાયાસે પરિચય મળી જતો.

નદી સાથેના અમારા સંબંધે એક જંગમ શાળાનું રૂપ લીધું. સાંજે અમે એમને ઘણીવાર ધોબીઘાટમાં રમવા લઈ જતા અને ત્યાંની રેતીમાં અનેક જાતની રમતો રમાડતા. રેતી આમ તો કશું જ ઉત્પાદન ન કરી શકે એવું મનાય; પણ એમાં થતાં કલિંગરનો વિસ્મય વિદ્યાર્થીઓને રહેતો અને એમને એમાંથી જુદી જુદી પ્રેરણા મળતી. પાણી ધરતીમાં નીચે ઊતરે છે અને દૂર દૂર સુધી જાય છે એની વાત સમજાવતાં અમે કોઈ કોઈ જગાએ રેતી ખસેડી નખાવતા અને એ જગાએ સહેજ ઊંડે જતાં પાણીનાં ઝરણ ફૂટી નીકળતાં. આ રમત વિદ્યાર્થીઓ માટે નવી ન હતી. તેઓ નદીના પટમાં રમવા જતા ત્યારે તરસ લાગતાં આવા ખાડા ખોદી તેમાંથી નીતર્યું અને ઠંડું નીર મેળવી તરસ છીપાવતા. આ તો નદીકાંઠાનાં ગામોનો પરાપૂર્વથી ચાલ્યો આવતો વૈભવ! પરંતુ એમાંથી વિદ્યાર્થીઓના કુતૂહલને ઉત્તેજી ધરતીના પેટાળમાં શું શું હશે એવી જિજ્ઞાસા તેમનામાં અમે જગાડતા અને તેનો અમારી જાણ મુજબનો ટૂંકો ખ્યાલ પણ આપતા. એમાંથી ધરતીકંપ, જ્વાળામુખી આદિની વાત નીકળતી અને અમારા ગામથી થોડેક દૂર આવેલા ઉનાઈના ગરમ પાણીના કુંડની વાત આપોઆપ ચર્ચાતી. આ બધું અમારા માટે જાણે કે જીવનનું નવું દર્શન હતું અને તે નક્કી કરવું મુશ્કેલ છે કે શિક્ષણના ક્ષેત્રમાં મારે માટે એણે કઈ કઈ નવી દિશાઓ ઉઘાડી આપી હશે. યૌવનમાં પ્રવેશતી એ ઉંમરથી જ હું એમ માનતો થયો કે આપણે જે કાંઈ જાણીએ છીએ એનાથી ઘણું વધારે અંતરમાં પડેલું હોય છે.

અમારી આ જંગમ શાળાને કોઈ કોઈ વખત બબ્બે ત્રણ-ત્રણ કલાક માટે અમે સ્થાવર પણ કરી દેતા. ત્યારે પ્રચારાર્થે બહારથી આવેલા કોઈ મહેમાનોની વાતોનો લાભ એમને મળતો અને એમની સાથે પરિચય સધાતો. આવી રીતે અમારા ગામથી થોડે દૂર આવેલા નોગામા ગામના ભાઈ નૂરૂમિયાંના નિમંત્રણથી અમે તેમને ગામ થોડાક વિદ્યાર્થીઓને લઈને ગયા હતા. ત્યાં મુસ્લિમ રીતરિવાજ અને સંસ્કારની કેટલીક વિગતો વિદ્યાર્થીઓને જાણવાની મળી અને નૂરૂમિયાંના સૌજન્ય અને દેશભક્તિથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. આ લખાતી વખતે બેએક દિવસ પહેલાં જ મેં ધીરુભાઈ પાસેથી જાણ્યું · કે નૂરૂમિયાં હજુ હયાત છે. કમભાગ્યે તેમણે આંખ ગુમાવી છે; પણ મનથી અગાઉ જેટલા જ એ ખમીરવંતા અને આશાવાદી છે. આમ અમારી સ્થાવર શાળામાં અમે જે કાંઈ કામચલાઉ ટાઈમટેબલ યોજી અમલમાં મૂકતા તેમાં પાર વિનાની મોકળાશ રહેતી. એમાંથી પણ આંખથી મળતા શબ્દ કરતાં કાનથી મળતા શબ્દ કેટલા વધુ જીવંત અને પ્રાણવાન છે એનો અમને અનુભવ થતો.

આ પ્રવૃત્તિની મુંબઈના મહાવિદ્યાલયના મારા મિત્રોને પણ હું અવારનવાર ખબર આપતો. એથી પ્રેરાઈ ભાઈ શિવરામ શાસ્ત્રી એક વખત ચીખલી આવી ગયા. વિઘાલયમાં મારી સાથે ભણતી બે વિદ્યાર્થિનીઓ કુ. સુલોચના મોતીવાલા અને કુ. ઈન્દિરા સંત પૈકી સુલોચનાના મારા પર અવારનવાર પત્ર આવતા અને તેમાં મહાવિદ્યાલયના સમાચાર આપવા સાથે અમારી પ્રવૃત્તિઓના અહેવાલથી તેને થતી મીઠી ઈર્ષાની વાત પણ એ લખતી.

અમારી આ બધી પ્રવૃત્તિઓ તે વખતે અમને ખ્યાલ હતો તે મુજબ એક વર્ષ પૂરતી જ હતી. એ વર્ષને અંતે એટલે કે ૧૯૨૧ ના ડિસેમ્બર સુધીમાં તો સ્વરાજ આવી ગયું હશે એવો આશાવાદ અમારા મનમાં પ્રબળ હતો. એને દર અઠવાડિયે નવજીવનમાં આવતાં ગાંધીજીનાં ધારદાર લખાણોથી ઘણું બળ મળતું. એ વર્ષે કૉંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં મળવાનું હતું. એ હકીકતે અમારા ઉત્સાહને વધુ વેગ આપ્યો અને અમારાં જાહેર વ્યાખ્યાનોમાં ઠેર ઠેર એ અધિવેશનની તૈયારીઓની વાત અમે કરતા અને ગાંધીજીનાં લખાણોમાંથી પસંદ કરેલા ફકરા સભામાં વાંચી સંભળાવતા. એ મુજબ અધિવેશનની તૈયારીને અનુલક્ષી લખાયેલા એક લેખમાં ગાંધીજીની ભાષા એની ચરમસીમાએ પહોંચી હતી અને તેનો ફરીથી ને ફરીથી પાઠ કરતાં અમે થાકતા નહિ. આ રહ્યો એમાંનો કેટલોક ભાગ:

“ગુજરાતની પરીક્ષાના દહાડા નજીક આવતા જાય છે. કાયદાનો સવિનય ભંગ? એથી આપણે અજાણ નથી; પણ માર્શલ લૉ થાય તો? ગુરખા આવે, ટૉમી ઍટિકન્સ આવે અને પછી ભાલા મારે, ગોળી છોડે, પેટે ચલાવે તો? અરે ભલેને આવે. છો આવતો. પેટે ચલાવે તો વારુ? મરીએ પણ પેટ ન ઘસડીએ. ભાલું મારે તો ભલે મારે, મરકીને બદલે ભાલે મરશું, ગોળીબાર કરે તો થોડા આપણે પીઠ ફેરવવાના હતા? હવે તો જોર આવ્યું છે કે છાતી? ખુલ્લી મૂકીને જેમ મોઈ-દાંડિયામાં મોઈ ઝીલીએ તેમ છૂટતી ગોળીને છાતીએ ઝીલશું.

“હું વિશ્વાસ રાખું છું કે ગુજરાત આ વખતે કરી બતાવશે. પણ આ વચન લખતાં કલમ ભારે લાગે છે. ગુજરાતે બંદૂકના ભડાકા કર્યો દિવસે સાંભળેલા? ગુજરાતે લોહીની નદીઓ ક્યારે જોયેલી? ફટાકડાની જેમ બંદૂકો ફૂટતી હોય ને માટલીની માફક માથાં ફૂટતાં હોય એ ગુજરાતથી જોયાં જાય કે? બીજાનાં માથાં ફૂટતાં ગુજરાત જોઈ શકે તો એ ગરવી ગુજરાત મટે, પોતાનાં માથાં ફૂટતાં જુએ તો ગુજરાત અમરપદ મેળવે, તેને સારુ તાલીમ શી?’

આવાં ઉદ્બોધનોના વાતાવરણમાં અમદાવાદમાં ભરાવાના કૉંગ્રેસના અધિવેશનની તડામાર તૈયારીઓના છાપામાં આવતા હેવાલોએ અધિવશનમાં જવા અમને ઉત્સુક બનાવ્યા અને એ પર્વ જોતજોતામાં આવી પહોંચ્યું.