સાહિત્યચર્યા/‘મા’ – એકાક્ષરી મંત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘મા’ – એકાક્ષરી મંત્ર

જ્ઞાનના અનેક પ્રકાર છે. વ્રત, તપ, યોગ, મંત્ર, યમ, નિયમ, સાધના, આરાધના, ઉપાસના, માર્ગ, પંથ, સંપ્રદાય આદિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. અલબત્ત, જ્ઞાન એ માત્ર પાંડિત્ય નથી, માત્ર વિદ્વત્તા નથી, માત્ર શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ અથવા કર્મકાંડ અને વિધિવિધાનનો અધ્યાસ નથી. જોકે પૂર્વોક્ત જ્ઞાન એ માત્ર જ્ઞાન છે. જ્યારે પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન એ માત્ર જ્ઞાન નથી, એ વિશેષ જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન છે; એ વિજ્ઞાન છે. જે મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને પરમેશ્વરનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. પરમેશ્વરનું આ પ્રત્યક્ષ જ્ઞાન, પરમેશ્વરનો આ પ્રત્યક્ષ અનુભવ એ જ સાચું જ્ઞાન છે, પરમ જ્ઞાન છે, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. જે મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને પરમેશ્વર સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે એવો સતત પ્રત્યક્ષ અનુભવ થાય છે; તેને અન્ય મનુષ્યો, પશુઓ, પંખીઓ, જંતુઓ આદિ – અરે નિર્જીવ પદાર્થો સુધ્ધાં–માં પરમેશ્વરનું દર્શન થાય છે; તેને પોતાના આત્મામાં સર્વ ભૂતોનું અને સર્વ ભૂતોમાં પોતાના આત્માનું દર્શન થાય છે. આ મનુષ્યને માટે કણકણમાં અને ક્ષણક્ષણમાં, આસપાસમાં અને શ્વાસેશ્વાસમાં પરમેશ્વર છે, પરમેશ્વર વિનાનું ક્યાંય ક્યારેય કશું જ નથી. એથી આ મનુષ્યને મોહ નથી, શોક નથી, ભય નથી, શંકા નથી, નિર્વેદ નથી, નિરાશા નથી, નીરસતા નથી, નિ:સારતા નથી. આ મનુષ્યને સતત અવિરત આ અનુભવ થાય છે. એથી એમાં એકવિધતા છે, એકસૂરતા છે. છતાં એનામાં નિરંતર અનંત આનંદ આનંદ જ હોય છે. આ ‘રસો વૈ સ:’નો અનુભવ છે એથી એનામાં સર્વ રસોના પર્યવસાનરૂપ શાંત રસ જ હોય છે. આ જ્ઞાન એ બીજ છે. આ બીજમાંથી જે વૃક્ષ ઊગે છે તે છે ભક્તિ. અને આ વૃક્ષ પર જે ફળ આવે છે તે છે કર્મ. આ અહૈતુકી ભક્તિ છે અને નિષ્કામ કર્મ છે. આ ભક્તિ જ્યારે સક્રિય થાય છે, ગતિશીલ અને ક્રિયાશીલ થાય છે ત્યારે એ સેવા રૂપે પ્રગટ થાય છે. આ મનુષ્યને માટે ભક્તિ નિર્ગુણની એટલે કે પરમેશ્વરની હોય અને સેવા સગુણની એટલે કે મનુષ્યો, પશુઓ, પંખીઓ, જંતુઓ આદિ – અરે, નિર્જીવ પદાર્થો સુધ્ધાં –ની હોય. આ મનુષ્યને માટે ત્યાગ નથી, વૈરાગ્ય નથી, સંન્યાસ નથી, મુક્તિ નથી, મોક્ષ નથી. આ મનુષ્યને માટે જનમોજનમ ભક્તિ અને સેવા જ હોય છે. આ ભક્તિ અને સેવામાં જ જ્ઞાન અને કર્મની સાર્થકતા છે. ભક્તિ વિનાનું જ્ઞાન શુષ્ક છે અને સેવા વિનાનું કર્મ જડ છે. આ જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ એટલે મા શારદામણિ. ગ્રંથના આરંભના પ્રકરણોમાં ઉલ્લેખો છે કે અલબત્ત, શારદામણિ નિરક્ષર ન હતાં, પણ ઔપચારિક અર્થમાં અલ્પશિક્ષિત તો અવશ્ય હતાં. દક્ષિણેશ્વરમાં ભત્રીજી લક્ષ્મી અને પછીથી પીતાંબર ભંડારીના પુત્ર પાસેથી વર્ણપરિચય તથા ભૃગે મુખુજ્જેની પુત્રી પાસેથી રામાયણ-મહાભારતની કથાઓનું વાચન કરી શકાય એટલું અનૌપચારિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પણ એમને પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું, પરમેશ્વરનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. આ સમગ્ર ગ્રંથ – બલકે શારદામણિનું સમગ્ર જીવન એના સાક્ષીરૂપ છે. એકબે ઉદાહરણ બસ છે : ‘ભગવાનમાં મન પરોવવું એ જ મુખ્ય વાત.’ (પૃ. ૧૪) ‘ભક્તિ એ છે હાથીનો દાંત, અને જ્ઞાન એ છે તેની ઉપરની સોનાની બંગડી.’ (પૃ. ૧૫) ‘હું તો ઋતંભરા પ્રજ્ઞા છું... સ્વલ્પ અક્ષરમયી હોવા છતાં સારવતી અખિલ વિદ્યા છું.’ (પૃ. ૨૪) આ ગ્રંથમાં અનેક પ્રસંગો અને પાત્રો છે. પાત્રો સજ્જન હોય કે દુર્જન, પુણ્યાત્મા હોય કે પાપાત્મા, જ્ઞાની હોય કે અજ્ઞાની, ઉચ્ચ હોય કે અવચ, રાય હોય કે રંક – શારદામણિ માટે તો સૌ એકસમાન છે, સૌ પરમેશ્વરનાં અને પોતાનાં પણ સંતાનો છે. સૌ એમની સેવાના એકસમાન અધિકારી છે. એમાં લિંગ કે વર્ણ, વય કે વર્ગ, ધર્મ કે જાતિનો – કોઈપણ પ્રકારનો ભેદ નથી. આ ગ્રંથના પાને પાને એનાં ઉદાહરણો છે. એટલું જ નહિ, પણ પશુઓ, પંખીઓ, જંતુઓ આદિ – અરે, નિર્જીવ પદાર્થો સુધ્ધાં – સૌ એમની સેવાના એટલા જ એકસમાન અધિકારી છે. એમને માટે કશું જ ક્ષુદ્ર નથી, ક્ષુલ્લક નથી, તુચ્છ નથી, નિમ્ન નથી. સૌનું મહત્ત્વ છે, સૌનું મૂલ્ય છે. કારણ કે સૌ પરમેશ્વરનાં સંતાન છે, સર્જન છે; સૌમાં પરમેશ્વર છે, સૌમાં ‘ઠાકુર બિરાજમાન છે.’ દક્ષિણેશ્વરમાં ગંગારામ પોપટને એમણે ‘મા’નું નામ-સ્મરણ કરાવ્યું હતું અને પ્રસાદ, પાન તથા મોહનભોગનું ભોજન કરાવ્યું હતું કારણ કે ‘એની અંદર પણ ઠાકુર બિરાજમાન છે.’ (પૃ. ૭૯). એક બિલાડી પાગલીમામીના પાણીના પ્યાલામાં ત્રણ વાર મોં બોળીને પાણી વટાળી ગઈ પછી ચોથી વાર પાણી પીતાં પાગલીમામીએ એને રોકી ત્યારે ‘ચૈતર મહિનો છે. પાણીતરસ્યાંને પાણી પીતાં ન રોકાય’ કહીને એમણે પાગલીમામીને રોકી હતી અને અંતે કહ્યું હતું, ‘કોની ઉપર મારી દયા નથી તે તો હું ખોળી શકતી નથી.’ (પૃ. ૮૭). ગંગાના બકુલતલાના ઘાટના પગથિયા પર એક રાતે અંધારામાં એમણે મગર પર પગ મૂક્યો અને ઊભાં રહ્યાં ત્યારે મગર કૂદીને પાણીમાં પડ્યો હતો (પૃ. ૯૨), વૃંદાવનમાં ગૌરીમાની ગુફામાં ગૌરીમાની સાથે વાતે વળ્યાં હતાં ત્યારે બે સાપ ભરાયા હતા. ગૌરીમાએ પ્રસાદમાંથી દૂધ પાયું તે પીને જતા રહ્યા હતા ત્યારે ગૌરીમાએ કહ્યું હતું, ‘બ્રહ્મમયીનું દર્શન કરવા આવ્યા છે.’ (પૃ. ૯૨). ચાના કૂચા ખાઈ ખાઈને મરવા પડેલાં બે કૂતરાં એમણે રાંધેલા રવાની રાબ અથવા માંસનો રસો ખાઈને હૃષ્ટપૃષ્ટ થયાં હતાં. (પૃ. ૯૬). એક વાર શામુકનું રસાદાર શાક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે એમણે વિરોધમાં કહ્યું હતું, ‘શામુક જેવાં કેટલાં બધાં જલચરોને મેં ઘાટ ઉપર હરતાં-ફરતાં રમતાં જોયાં છે. એમનું માથું હું ઇંટથી નહિ ફોડી શકું.’ (પૃ. ૯૬). એક વાર એક મોટી લાલ કીડી જતી હતી એને રાધુ મારવા ગઈ ત્યારે એમણે રાધુને કહ્યું હતું, ‘ખબરદાર, એને નહિ મારી શકાય.’ કારણ કે એમણે વિચાર્યું હતું, ‘બધા જ જીવો ઠાકુરના, બધા જ જીવોમાં ઠાકુર.’ (પૃ. ૧૧૦). એક વાર એક ભક્ત છોકરીએ ઝાડુ વાળીને એક બાજુએ સાવરણી ફેંકી દીધી ત્યારે એમણે કહ્યું હતું, ‘આ શું દીકરા, ઉપયોગ થઈ ગયો એટલે વસ્તુ આમ કાંઈ ફેંકી દેવાય? ફેંકી દેવામાં જેટલી વાર લાગે એટલી વાર લાગે ધીરે રહીને મૂકવામાં. વસ્તુ નાની એટલે કાંઈ આટલો બધો તિરસ્કાર કરાય?.... જેનું જેટલું સન્માન તેટલું તેને આપવું જોઈએ. સાવરણી પણ એવી રીતે માન્ય કરવી જોઈએ.’ (પૃ. ૧૩૭)

*

નારીનાં અનેક સ્વરૂપ છે : કન્યા, પ્રેયસી, પત્ની, માતૃ. એમાં માતૃત્વસ્વરૂપ શ્રેષ્ઠ છે. અન્ય સ્વરૂપો તો નારીના વ્યક્તિત્વનાં સ્તબકરૂપ છે, નારીના વિકાસનાં સોપાનરૂપ છે. માતૃસ્વરૂપ એ આ અન્ય સૌ સ્વરૂપોની પરાકાષ્ઠા છે, પરમ-ચરમ સીમા છે. માતૃસ્વરૂપમાં આ અન્ય સૌ સ્વરૂપોની સાર્થકતા છે, ચરિતાર્થતા છે. જોકે આ સૌ સ્વરૂપોમાં નારી સંસારી હોય છે, સંસારમાં હોય છે એટલું જ નહિ પણ સંસારની હોય છે, સંસારથી પર હોતી નથી. કારણ કે પિતા, પ્રેમી, પતિ, સંતાન પર આશ્રિત અને આધારિત એવાં આ સ્વરૂપો છે. જોકે નારી માત્ર નારી જ હોય એ જ એનું સ્વયંસિદ્ધ સ્વરૂપ છે, નરથી નિર્લેપ, નિરપેક્ષ એવું સ્વરૂપ છે; એનું સ્વતંત્ર, સ્વાયત્ત સ્વરૂપ છે. એમાં જ એનું પૂર્ણ વ્યક્તિત્વ છે, એની સંપૂર્ણ વ્યક્તિતા છે, એની આગવી અસ્મિતા છે, એની અસલ ઓળખ છે. પણ નારીનું એક એવું સ્વરૂપ પણ છે કે જેમાં નારી માત્ર નારી જ હોય છે, એ સંસારી હોય છે, સંસારમાં હોય છે પણ સંસારની હોતી નથી, સંસારથી પર હોય છે. નારીનું આ સ્વરૂપ છે : વિશ્વજનની. એમાં નારી માત્ર પિતા, પ્રેમી અને સંતાનની જ જનની નહિ પણ પતિ સુધ્ધાંની જનની છે. મનુષ્ય માત્રની જ જનની નહિ પણ મનુષ્યેતર સમગ્ર સૃષ્ટિની, સમસ્ત વિશ્વની જનની છે. આ ગ્રંથમાં શારદામણિનું આ વિશ્વજનની સ્વરૂપ જીવનના આરંભથી તે અંત લગી સતત, સાદ્યંત પ્રગટ થાય છે. જનનીની સંતાનો અંગેની પ્રથમ અને અંતિમ ચિંતાનો વિષય હોય છે એમનું શારીરિક સુખ અને સ્વાસ્થ્ય. અને શારદામણિ તો વિશ્વજનની. મનુષ્યો હોય કે મનુષ્યેતર પશુઓ, પંખીઓ, જંતુઓ હોય – જે કોઈ ભૂખ્યાં હોય એમને જમાડવાં અને જે કોઈ માંદાં હોય એમને સાજાં કરવાં એ જાણે એમનો નિત્યક્રમ છે. આ ગ્રંથને પાને પાને શારદામણિ અન્નપૂર્ણા અથવા પરિચારિકાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. ગ્રંથના કેન્દ્રમાં છે શારદામણિ. ગ્રંથનો પ્રધાન વિષય છે શારદામણિનું વિશ્વજનની સ્વરૂપ. ગ્રંથનો ગૌણ વિષય છે રામકૃષ્ણ અને શારદામણિનો સંબંધ. રામકૃષ્ણ અને શારદામણિનાં લગ્ન થયાં ત્યારે રામકૃષ્ણનું ત્રેવીસ વર્ષનું વય હતું અને શારદામણિનું પાંચ વર્ષનું વય હતું. રામકૃષ્ણ અને શારદામણિએ લગ્ન માટે એકમેકને પસંદ કર્યાં ન હતાં. પણ રામકૃષ્ણ અને શારદામણિને લગ્ન માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. ગ્રંથના પ્રથમ પૃષ્ઠ પર જ ઉલ્લેખ છે કે જ્યારે શારદામણિનું બે વર્ષનું વય હતું ત્યારે એમની માતાની કોઈ સખી અથવા સગીએ એમને પૂછ્યું હતું : લગ્ન કરવું છે? કોની સાથે કરવું છે? ત્યારે એમણે આંગળી ઊંચી કરી બરાબર બતાવતાં કહ્યું હતું, ‘પેલો છે ને, પેલો છોકરો, એ મારો વર... ઓળખતાં નથી કે શું? છોકરી કરતાં અઢાર વર્ષે મોટો. નામ ગદાધર.’ ત્રણ વર્ષ પછી જ્યારે રામકૃષ્ણનું ત્રેવીસ વર્ષનું વય હતું અને એમની માતા એમને માટે કન્યાની શોધમાં હતાં ત્યારે એમણે માતાને કહ્યું હતું, ‘મારા લગ્ન માટેની કન્યા... રામ મુખુજ્જેને ઘેર... નક્કી થઈ ગઈ છે.. રામ મુખુજ્જેની કન્યા મારે માટે નક્કી છે; નિર્ધારિત છે, નિવેદિત થયેલી છે.’ રામકૃષ્ણના માતા-પિતાએ ‘ગાંડો ગદાધર’ ડાહ્યો થાય એ માટે આ લગ્ન કરાવ્યાં હતાં. ત્યારે એમણે સ્વપ્ને પણ કલ્પ્યું નહિ હોય કે ગાંડો ગદાધર માત્ર ડાહ્યો જ નહિ પણ રામકૃષ્ણ પરમહંસ, પરમપુરુષ રામકૃષ્ણ થશે. આ લગ્ન સૌ સંસારી સ્ત્રી-પુરુષોનાં લગ્ન જેવાં સામાન્ય દુન્યવી લગ્ન ન હતાં. આ લગ્ન તો વિધાતાનો સંકેત હતો. આ લગ્ન તો શિવ અને શક્તિનું, પુરુષ અને પ્રકૃતિનું અદ્વૈત હતું. એથી જ ઠાકુર ઠાકુર હતા, ઠાકુર જે કંઈ હતા એનું રહસ્ય છે શારદામણિ. ‘શારદાને પામીને તેઓ પૂર્ણ થયા.’ (પૃ. ૮૨). જેમ શક્તિ વિના શિવ, પ્રકૃતિ વિના પુરુષ કંઈ જ નથી તેમ શારદામણિ વિના રામકૃષ્ણ કંઈ જ ન હતા. વિવેકાનંદ આદિ પ્રતિભાશાળી શિષ્યોએ શારદામણિને આ અંગેનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. પ્રકરણ ૩૦, ૩૧, ૩૨માં રામકૃષ્ણ અને શારદામણિના સંબંધનું ભવ્યસુંદર આલેખન થયું છે. આ રહસ્યનું પણ રહસ્ય છે. શારદામણિનું વિશ્વજનની સ્વરૂપ. જ્યારે કોઈએ શારદામણિને પૂછ્યું, ‘મા, તમે ઠાકુર પ્રત્યે કેવા ભાવે જુઓ છો?’ ત્યારે શારદામણિએ કહ્યું હતું, ‘સંતાન રૂપે જોઉં છું.’ (પૃ. ૧૬૬). ગ્રંથના પૂર્વાર્ધમાં શારદામણિ કેન્દ્રમાં છે. પણ રામકૃષ્ણના અવસાન પછી ગ્રંથના ઉત્તરાર્ધમાં સાથે સાથે રામકૃષ્ણ અને શારદામણિનો સંબંધ પણ કેન્દ્રમાં છે. રામકૃષ્ણના અવસાન પછી રામકૃષ્ણનું અધૂરું કાર્ય પૂરું કરવું એ જ જાણે કે શારદામણિના જીવનનો હેતુ છે, ઉદ્દેશ છે. રામકૃષ્ણના અવસાન પછી શારદામણિની જે દિનચર્યા છે એ પરથી એની પ્રતીતિ થાય છે. (પૃ. ૧૭૬-૧૭૭.) રામકૃષ્ણે જ શારદામણિને કહ્યું હતું, ‘અર્ધું કામ હું કરીને જાઉં છું. બાકીનું અર્ધું તમારે પૂરું કરવાનું.’ (પૃ. ૧૨૨).

*

આ ચરિત્રગ્રંથ છે. ચરિત્રગ્રંથ એ પ્રધાનપણે કથનાત્મક સ્વરૂપ છે અને ગૌણપણે વર્ણનાત્મક સ્વરૂપ છે. પણ ચરિત્રકારે આ ચરિત્રગ્રંથમાં લગભગ સૌ પ્રસંગોમાં પાત્રોના સંવાદો યોજ્યા છે. એથી સવિશેષ તો એનું નાટ્યાત્મક સ્વરૂપ છે. એમાં ચરિત્રકારની મૌલિકતા પ્રગટ થાય છે. વળી વાચકને નાટ્યાત્મક અનુભવ થાય છે. એથી પ્રસંગો અને પાત્રો હૂબહૂ આબેહૂબ પ્રત્યક્ષ થાય છે, વાચકની સમક્ષ તાદૃશ થાય છે. વાચક જાણે કે એ પ્રસંગોમાં પાત્રોની સાથે ઉપસ્થિત ન હોય! વળી સંવાદોમાં કલ્પનો, પ્રતીકો, પુરાકલ્પનો, ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાંતોને કારણે વાચકને કાવ્યાત્મક અનુભવ થાય છે. સંવાદો, કથનો અને વર્ણનોમાં પ્રશિષ્ટ શબ્દો અને બોલચાલના શબ્દોનું મિશ્રણ છે. એથી સમગ્ર ગ્રંથમાં એકસાથે સહજ, સરલ અને સાદી, સ્પષ્ટ ભાષા અને મંત્રરૂપ વાણી છે. પાને પાને વાક્યરચનામાં વ્યુત્ક્રમો થાય છે. એથી ભક્તિના ભાવોદ્રેકનો અને સેવાના ભાવાવેશનો અનુભવ થાય છે. સંવાદો, કથનો અને વર્ણનોને અંતે પાત્રોના સંદર્ભમાં વિશેષણો અને નામો યોજવામાં આવ્યાં છે એ સૌ વિશેષણો અને નામો અત્યંત અર્થપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ છે. વળી સંવાદો, કથનો અને વર્ણનોને અંતે યોજવામાં આવ્યાં છે એથી એમાં ક્યાંય અતિશયોક્તિઓ નથી, બલકે અલ્પોક્તિઓ છે. એથી અર્થ અને ઔચિત્યની પ્રતીતિ થાય છે. ચરિત્રગ્રંથના વસ્તુવિષયમાં જે આધ્યાત્મિક શ્રી છે અને શૈલીસ્વરૂપમાં જે કાવ્યમય સૌંદર્ય છે તે અનુવાદમાં સાદ્યંત અને સાંગોપાંગ પ્રગટ કરવામાં અનુવાદક સફળ રહ્યા છે.

*

ચરિત્રકારે શારદામણિના નામ પર શ્લેષ દ્વારા અને બંગાળીમાં સંસારના વિશિષ્ટ ઉચ્ચાર ‘સંગસાર’ દ્વારા માતૃમંત્ર સિદ્ધ કર્યો છે, ‘જે સાર આપે તે સારદા. કયો સાર છે આ સંસારમાં? સંસારમાં સાર કાંઈ હોય તો તે મા, જ્ઞાનસ્તન્યદાયિની મા, સમસ્ત બ્રહ્માંડ જ માતૃઅંક.’ (પૃ. ૬). ‘સંગસાર (સંસાર)નો ‘સંગ’ એટલે છલના અથવા તમાશો ફેંકી દઈને જે ‘સાર’ છે તે લો. જેવી રીતે હંસ પાણીને પડતું મૂકીને દૂધ લે છે, જેવી રીતે કીડી રેતી પડતી મૂકીને ખાંડ લે છે. અને સાર આપું છું એટલા માટે તો હું સારદા.’ (પૃ. ૧૭૬). આમ, શારદામણિ તે વિશ્વજનની. આ માતૃમંત્ર એકાક્ષરી મંત્ર છે. ‘કૃષ્ણનું નામ પાર ઉતારે છે. રામનું નામ તારે છે. બે અક્ષરનું નામ લેતાંય અમારાથી થાકી જવાય છે. અમને આપ એકનો મંત્ર, એકાક્ષરી મંત્ર. તે મંત્ર તે જ તું.’ (પૃ. ૧૭૪). આ માતૃમંત્ર, એકાક્ષરી મંત્ર તે ‘મા.’ આ ચરિત્રગ્રંથમાં ‘મા’ – એકાક્ષરી મંત્ર પાને પાને સતત સાદ્યંત ગુંજી રહ્યો છે. (અચિન્ત્યકુમાર સેનગુપ્તાના બંગાળી ગ્રંથ ‘પરમાપ્રકૃતિ શ્રી શ્રી સારદામણિ’ના મોહનદાસ પટેલકૃત અનુવાદ ‘પરમાપ્રકૃતિ શ્રી શ્રી સારદામણિ’ની પ્રસ્તાવના. રવીન્દ્રજન્મદિન ૧૯૯૮)