સાહિત્યિક સંરસન — ૪/રોંગ નંબર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
9. રોંગ નંબર

સ્વાતિ રાજીવ શાહ

Swati Rajiv Shah 1.png.jpg

અગિયાર વાગીને ચાલીસ મિનિટ થઈ ગઈ. આજે હજુ એનો ફોન આવ્યો નથી. રોજ તો બરાબર અગિયાર વાગીને પચીસ મિનિટે રિંગ વાગી જ હોય. પણ એક મિનિટ! હું એના ફોનની રાહ કેમ જોઈ રહ્યો છું? મને એના ફોનની આદત પડી ગઈ છે? શું અણગમતી ચીજોની પણ આદત પડી શકે? કે પછી… કંઈ સમજાતું નથી પણ એક વિચિત્ર પ્રકારની અકળામણ થાય છે. ફોન કેમ નહીં આવ્યો હોય? એ કોઈ તકલીફમાં હશે કે પછી કાલે મેં જે પૂછ્યું એ એને નહીં ગમ્યું હોય? જો ને, તરત જ ફોન મૂકી દીધો. મને એમ કે આજે ફોન આવશે ત્યારે ફરી પૂછી જોઈશ. પણ.. મેં કંઈ એવું તો નહોતું પૂછી લીધું કે કોઈ નારાજ થઈ જાય! તો પછી કેમ… કોઈ એને લડ્યું હશે? એ મને ફોન કરે છે એવી કોઈને જાણ થઈ ગઈ હશે, એટલે? તો શું એ ફરી ફોન નહીં કરે? કે પછી અલગ સમયે કરશે? રહી રહીને ઊપડતી ચળની જેમ થોડી થોડી વારે એના વિશે વિચારો આવ્યે જાય છે. કોઈ કામમાં મન ચોટતું નથી. એક સમય હતો કે મને એના ફોનથી ચીડ ચડતી. અગિયારને પચીસ મિનિટે ફોનનું રીસીવર સાઇડ પર મૂકી દેવા હું વિચારતો. ત્યાંથી લઈને હવે હું એના ફોનની રાહ જોતો થઈ ગયો છું. મને યાદ છે, થોડા દિવસ પહેલાંનો એ સમય, જ્યારે પહેલી વખત એણે ફોન કરેલો: બરાબર અગિયાર વાગીને પચીસ મિનિટે ફોનની રિંગ વાગેલી. મેં ફાઇલ બંધ કરીને, પેનનું ઢાંકણું પાછું લગાડીને ફોન ઊંચક્યો ત્યાં સુધીમાં તો ચાર રિંગ વાગી ગયેલી. “હલ્લો” મારા આટલું બોલતાં તો સામેથી રૂપાની ઘંટડી રણકી. “હલ્લો, કોણ વિજ્ઞેશભાઈ બોલો છો?” “ના, રોંગ નંબર.” કરીને હું ફોન મૂકવા જ જતો હતો ને એ ઉતાવળે બોલી પડી. “ફોન મૂકી ન દેશો. વિજ્ઞેશભાઈને બદલે હું બે મિનિટ તમારી સાથે વાત કરી શકું?” એના અવાજમાં એવી આજીજી હતી કે હું ના ન પાડી શક્યો. મેં હા પણ ન પાડી. મને ચૂપ જોઈને એ ઉત્સાહમાં આવીને બોલવા લાગી. “આજે છે ને, અમારો કામવાળો મોડો આવ્યો. તો નીલીના પપ્પાએ એને બરાબરનો ધમકાવી નાખ્યો.” “નીલીના પપ્પા એટલે…” આટલું જ બોલ્યો ત્યાં તો ડેમની પાળ તોડીને ધસી જતાં પાણીની જેમ એની વાણી વહી નીકળી. “અરે, મારા પતિ! એટલું ન સમજ્યા? કોઈ સ્ત્રી ‘એના પપ્પા’ એમ કહે એટલે એ પોતાના પતિ વિશે વાત કરતી હોય એટલું તો સમજી જ જવાનું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ નથી જોતા? એમાં દયાભાભી પણ ‘ટપુ કે પાપા’ કહે છે ને, બસ એમ જ. ‘ટપુ કે પાપા’ પણ નીલીના પપ્પાની જેમ કડક. પણ દયાભાભીને પ્રેમ પણ કેટલો કરે! તમને ખબર છે, એક એપિસોડમાં દયાભાભીએ નારાજ થઈને મૌનવ્રત લઈ લીધેલું? પછી તો એને બોલતી કરવા ‘ટપુ કે પાપા’એ કેટકેટલા કાલાવાલા કરેલા, કેટકેટલા ઉપાયો કરેલા”. એણે મોટો નિસાસો નાખ્યો. એની ધોધમાર વાણીમાં મને વચ્ચે બોલવાનો મોકો જ નહોતો મળ્યો. પણ એ નિસાસા પછી એણે અચાનક ફોન મૂકી દીધો. હાશ! મને રાહત થઈ ગઈ. આટલી વારમાં તો જાણે માથું દુઃખી ગયું હોય એમ મેં પટાવાળા પાસે ચા મંગાવી અને પીધી. ફરી ફાઇલ ખોલીને બેઠો પણ એકેય આંકડો મગજમાં બેઠો જ નહીં. “નકામો સમય બગાડી ગઈ!” હું બબડ્યો. ને ઉપરથી આજુબાજુના ટેબલવાળા મારી સામે તાકી રહેલા એ અલગ. મેં પરાણે નજરને ફાઇલમાં ખોસી દીધી. અત્યારે ખોસીને બેઠો છું ને, અદ્દલ એમ જ. માત્ર નજર ફાઇલમાં પણ મગજ હડતાલ ઉપર ઊતરી ગયેલું. તમે માનશો, પટાવાળો એક વખત આવીને જોઈ ગયો. થોડીવાર ઊભો પણ રહ્યો. એ પણ સમજી ગયો હતો કે અગિયાર પચીસનો ફોન પતે એટલે હું ચા મંગાવું જ. ને આજે મેં હજુ એને બૂમ પાડી નથી. પેલા સામેના ટેબલવાળા રાકેશને એની બાજુવાળા નિખિલ સામે ઇશારા કરતો મેં જોયો. જાણે કહેતો હોય કે આને હજુ પેલો ફોન આવ્યો નથી. મારે પરાણે નજરને ફાઇલમાં ખૂંપાવીને રાખવી પડે છે. પહેલીવાર ફોન આવ્યો એ દિવસે પણ ફોન મૂક્યો અને ચાનું કહ્યું કે તરત જ આ રાકલો આંખ મીંચકારીને બોલેલો, “કેમ ભગુભાઈ, કોનો ફોન હતો, ભાભીનો? આમ સાવ ચૂપચાપ સાંભળી લેવું પડે છે? હેં હેં હેં!" ‘તારું કામ કર ને દોઢડાહ્યા!’ કોઈનો પણ ફોન હોય, એને શું લેવાદેવા? પણ એવું બોલાય થોડું? મેં બહુ શાલીનતાથી જવાબ આપ્યો, “રોંગ નંબર હતો.” તો કહે, “રોંગ નંબર પર આટલી બધી વાર?” પણ ત્યાં સુધીમાં તો મેં ફાઇલ ખોલી નાખી હતી. બીજા દિવસે ફરી ફોન આવ્યો. હવે તો ફોન ઉપાડતાં જ… “કેમ છો, વિજ્ઞેશભાઈ? તમે ભલે મારા વિજ્ઞેશભાઈ નથી. પણ હું તમને વિજ્ઞેશભાઈ જ કહીશ. ચાલશે ને? તમને ખબર નહીં હોય, પણ વિજ્ઞેશભાઈ મારા મોટાભાઈના મિત્ર હતા અને નાનપણમાં અમારે ત્યાં બહુ આવતા. ઘણાં વર્ષો સુધી આવ્યા. મને સ્કૂલ વિશે, મારી બહેનપણીઓ વિશે, મને ભાવતી વાનગીઓ વિશે, મને ગમતાં ફૂલો વિશે પૂછતા. હું જે કહું એ બહુ ધ્યાનથી સાંભળતા. મને એ બહુ ગમતું. ભણવામાં કંઈ ન આવડે તો શીખવતા પણ ખરા. ક્યારેક મને ગાવાનું કહેતા અને પોતે સાંભળતા. પછી મને કહેતા, “વિદુ, તારો અવાજ બહુ સરસ છે. તારે સંગીત શીખવું જોઈએ.” હું ખુશ થઈ જતી. આવું બે-પાંચ વખત થયું ત્યારે મેં પણ કહ્યું, “મારે સંગીત શીખવું છે પણ કહેતાં ડર લાગે છે.” એમણે મોટાભાઈને વાત કરી અને મોટાભાઈએ બાપૂજીને. ને પછી…પછી વિજ્ઞેશભાઈ કદી ઘેર આવ્યા જ નહીં. થોડા વખતમાં મારાં લગ્ન થઈ ગયાં. વિજ્ઞેશભાઈ લગ્નમાં પણ ન આવ્યા. મને એમની બહુ યાદ આવે છે.” એણે એક ડૂસકું મૂક્યું અને સાથે સાથે ફોન પણ. આ વખતે હું વચ્ચે એક પણ શબ્દ બોલ્યો નહીં. મને કંઈ સૂઝ્યું જ નહીં અને એણે બોલવાનો મોકો પણ ન આપ્યો. બસ અગિયાર વાગીને પચીસ મિનિટથી લઈને અગિયાર ને પાંત્રીસ સુધી એ અવિરત બોલતી રહી. ફોન મૂકીને મેં તરત ચા મંગાવી. આ સ્ત્રી મને સમજાતી નહોતી. પહેલીવાર તો ચાલો, ભૂલથી ફોન લાગી ગયો હતો. પણ હવે તો એને ખબર છે કે હું વિજ્ઞેશભાઈ નથી. ને તો ય…એ માનસિક રીતે બીમાર તો નહીં હોય? પણ એની એક પણ વાત અસંબદ્ધ નહોતી. હા, એ કોઈપણ વાત પર બોલ્યા કરતી હતી. કોઈ નાટકમાં કામ કરતી હોય ને માત્ર બોલવાની પ્રેક્ટિસ કરતી હોય એવું બની શકે? પણ એનાં માટે તો એકલાં એકલાં પણ બોલી શકાય. દર્પણની સામે પણ બોલી શકાય. વળી એના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. ક્યાંય છળ કે નાટક નહોતું લાગતું. છેલ્લે એ તો ખુદ ભાવુક થઈ જાય છે ને મારું મન પણ વિચલિત થઈ જાય છે. રોંગ નંબર વાળી સ્ત્રી એક કોયડા જેવી લાગી મને. જે હોય તે, પણ મારે શા માટે કોઈનો આવો બબડાટ સાંભળવો જોઈએ? નકામો સમય બગાડવો, માથું દુખાડવું અને હાંસીપાત્ર બનવું એ નફામાં. મેં નક્કી કર્યું કે હવે ફોન આવે તો વાત કરવી જ નથી. પણ હું ક્યાં વાત કરતો હતો? માત્ર એ બોલ્યા કરતી હતી. મારે ભાગે તો સાંભળવાનું જ આવતું હતું. પણ હવે એ સાંભળવુંય નથી એવું મનોમન નક્કી કરીને હું કામે લાગ્યો. બીજા દિવસની સવારના અગિયાર વાગ્યા અને મારું દિલ ધક્ ધક્ કરવા લાગ્યું. ક્યારે ફોન આવે અને ક્યારે હું ફટાફટ એને ફરી ફોન કરવાની ના પાડીને ફોન પટકી દઉં. અગિયાર ને પચીસ…અને રિંગ વાગી. પેલો રાકલો ખીખીખી કરીને હસ્યો. મેં એની સામે ડોળા કાઢ્યા અને પાંચમી રિંગે ફોન ઉપાડ્યો. મનથી ભલે હું ના પાડી દેવા તત્પર હતો, તો પણ મેં પાંચ રિંગ વાગવા દીધી. રાકેશને તો ખબર પડે કે મને ફોન ઉપાડવાની કંઈ પડી નથી! ફોન ઉપાડતાં જ… “વિજ્ઞેશભાઈ, આજે તો હદ થઈ ગઈ.” એનો રડમસ અવાજ સંભળાયો. “આજે તો…આજે તો…” એનાથી આગળ બોલી નહોતું શકાતું. પછી જરા અટકી, ગળું ખંખેરીને એ બોલી, “આજે મારો દીકરો એના પપ્પા સાથે નીલીના અભ્યાસ બાબતે ચર્ચા કરતો હતો. નીલીને કમ્પ્યૂટરનું ભણવું છે પણ બાપ-દીકરાને એને હોમ-સાયન્સ કરાવીને આદર્શ ગૃહિણી બનવાની ટ્રેનિંગ અપાવવી છે, જેથી એનાં સાસરેથી ક્યારેય કોઈ ફરિયાદ ન આવે. મેં દીકરાને ખાલી એટલું જ કીધું કે તું એનાં મનની વાત જરા સમજ તો ખરો! ને એણે તરત મને વડકું ભરી લીધું. કહે, તું ચૂપ જ રહે, મમ્મી! તને કશી ખબર ન પડે. અમારી ચર્ચામાં તારે કંઈ બોલવાનું નહીં. વિજ્ઞેશભાઈ, આજે તો મારા દીકરાએ પણ એના પપ્પાના પેંગડામાં પગ ઘાલી દીધો, બોલો! મારો દીકરો થઈને મને ચૂપ કરી દીધી. મારે ક્યાં જઈને બોલવાનું? તમે કહો તો, હેં વિજ્ઞેશભાઈ! હું ક્યાં જાઉં, શું કરું?” કહીને એ રડવા માંડી. હું શું કહું! મેં ફોન હાથમાં પકડી રાખીને આજુબાજુ જોઈ લીધું. બધાની આંખો જાણે કાન થઈને મને ચોંટી ગઈ હતી. આવામાં મારું કંઈ પણ બોલવું આખી ઓફિસમાં સંભળાઈ જવાનું હતું. હું ચૂપ રહ્યો. કશું બોલી જ ન શક્યો. જોકે એ વાત આજે કબુલ કરું છું કે મને બોલવાનો વિચાર સુદ્ધાં નહોતો આવ્યો. થોડીવાર પછી જાણે જાતે જ આંસુ લૂછી લીધાં હોય એમ જરા સ્વસ્થ અવાજ આવ્યો, “ફોન મુકું છું, હો!” મને હાશકારો થયો. ફોન મૂકાયા પછી યાદ આવ્યું કે મારે એને ફોન કરવાની ના પાડવાની હતી. પણ હવે શું? બોલવું જોઈએ ત્યારે કશું જ ન બોલ્યો. આજુબાજુનાં ટેબલવાળાં સાથે આંખ પણ મેળવી શક્યો નહીં. બસ ચા મંગાવી અને ફાઇલો ખોલીને બેસી ગયો. એ દિવસે મને બપોરે ભૂખ પણ ન લાગી. મનમાં રહી રહીને એનો અવાજ ગૂંજતો રહ્યો. “વિજ્ઞેશભાઈ, હું ક્યાં જાઉં, હું શું કરું?” મને જ કંઈ નહોતું સમજાતું, હું એને શું કહું? બસ એક વાત સમજાતી હતી કે આ સ્ત્રી દુઃખી હતી. એની પીડા મને પીગળાવવા લાગી હતી. એ મારી પાસેથી બીજું કંઈ નહોતી ઇચ્છતી. માત્ર બે કાન ઇચ્છતી હતી, જે એનું કહેલું સાંભળે. આમ જુઓ તો એવું કરવામાં મને કંઈ વાંધો પણ ન હોવો જોઈએ. પણ આ રાકેશ… ઓફિસના લોકો… એ લોકોની મશ્કરીઓ વધવા લાગી હતી. પટાવાળો હવે માંગ્યા વગર અગિયાર વાગીને પાંત્રીસ મિનિટે ચા લાવીને આપી જવા લાગ્યો હતો. હવે વિદુનો ફોન આવે તો હું માત્ર સાંભળવા તૈયાર રહેતો. એ લોકોને ખબર નહોતી પડતી કે ફોન કોનો હોય છે અને વાત શું થાય છે. એટલે એ લોકો અટકળ લગાડ્યા કરતા. પણ ધીરે ધીરે હું એ લોકોને ઇગ્નોર કરતાં શીખી ગયો હતો. ક્યારેક એ નાની બાળકીની જેમ ખુશ થઈને ઉત્સાહથી વાતો કરતી, તો ક્યારેક ફરિયાદોનું પોટલું ખોલતી. હું ચૂપચાપ સાંભળ્યા કરતો. એમાં ફરી એક દિવસ એ ફોન પર ખૂબ રડી. એના “નીલીના પપ્પાએ” મહેમાનોની હાજરીમાં એને ખખડાવી હતી. એ હીબકે ચડી ગઈ. મને લાગ્યું કે મારે કશુંક કહેવું જોઈએ, કશું કરવું જોઈએ. આમ પણ ઓફિસવાળાઓની આંખો અને કાન હવે આ દિશા ભૂલવા લાગ્યા હતા. મેં કહ્યું, “બહેન તમે કોણ છો? તમારું આખું નામ શું છે? તમે ક્યાં રહો છો? મને તમારી ચિંતા થાય છે. તમે ઇચ્છો તો હું તમારા પતિ સાથે વાત કરીને એમને સમજાવી શકું. એ તમારી સાથે ખરાબ વર્તન ન કરે એવી એમને ભલામણ કરી શકું. એમનો ફોન નંબર કે સરનામું આપો. મને તમારી ખરેખર બહુ ચિંતા થાય છે.” આટલું સાંભળીને એનાં હીબકાં બંધ થઈ ગયાં. પણ એ કંઈ બોલી નહીં. એટલે મેં ફરી કહ્યું, “હલ્લો, તમે સાંભળો છો?” એણે તરત જ ફોન મૂકી દીધો. મને નવાઈ લાગી. કોઈ જવાબ પણ ન આપ્યો! સાવ આવું? મેં તો એને મદદ કરવાની વાત કરેલી. આ ગઈકાલની જ વાત છે. મને અડધી રાત સુધી ઊંઘ ન આવી, બોલો! થયું કે આજે ફોન આવે ત્યારે ફરી પૂછીશ. પણ… પણ… આજે ફોન આવ્યો જ નથી. એ કયા નંબર પરથી ફોન કરે છે એ જાણવાની દરકાર મેં આજ સુધી કરી નથી. આમ તો એ ખબર પડી શકે. પણ સામેથી ફોન કરાય? કરું અને એનાં બદલે બીજું કોઈ ફોન ઉપાડે તો શું કહેવું? એનું તો નામ પણ નથી પૂછ્યું. કોને બોલાવી આપો એમ કહેવું? વિદુ થોડું કહેવાય? રાહ જોઉં. એ ફરી ફોન કરશે? બીજા કોઈ સમયે કરશે? પણ હું આટલો શા માટે અકળાઉં છું? ન કરવો હોય તો ન કરે! એની જિંદગી છે, એ જાણે! મારે શું? હું કંઈ સાચે જ થોડો એનો વિજ્ઞેશભાઈ છું? નક્કામો પારકી ઉપાધિ માથા પર લેવાનો શું શોખ કરવાનો! પણ તરત જાણે પોતાના સવાલનો પોતે જવાબ આપતો હોય એમ અંદરનો ભાર્ગવ બોલી ઊઠ્યો, "એની જગ્યાએ હેમાક્ષી હોત તો?" નણંદ ભાભીના ઝઘડામાં એણે મારી સાથે પણ સંબંધ કાપી નાખ્યો. જોકે મેં પણ ક્યાં ક્યારેય સામેથી એની સાથે વાત કરવાની તસ્દી લીધી છે! વર્ષો વીતી ગયાં, એ અમેરિકા ચાલી ગઈ. શું હેમાક્ષી પણ વિદુની જેમ આમ જ.... અકળામણ સહન ન થતાં મેં ચા મંગાવી ને પીધી. પણ કોઈ ફરક ન પડ્યો. હું ઓફિસમાં કદી સિગરેટ પીતો નથી. પણ આજે… સળગાવી. રાકેશ આંખો નચાવતો બોલી ઊઠ્યો, “કેમ ભગુભાઈ…” પણ મેં ડોળા કાઢ્યા એટલે ટોન જરા હળવો કરીને કહે, “ભાર્ગવભાઈ, શું વાત છે? બહુ અપસેટ લાગો છો?” હું સમજી ગયો કે એણે વાત કઢાવવા માટે દાવ જરા અલગ રીતે ખેલ્યો છે. પણ “કંઈ નહીં, જરા માથું દુઃખે છે.” કરીને હું ઓફિસની બહાર નીકળી ગયો. પગથિયાં ઊતરવા જતાં વિચાર આવ્યો કે પેલી વિદુ ફોન કરશે તો? ને હું પાછો વળી ગયો. જેમ તેમ કરીને કયા નંબરથી ફોન આવતો હતો એ શોધી કાઢ્યું અને ફોન લગાડ્યો. મારું હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યું. મેં ખિસ્સામાંથી રૂમાલ કાઢીને કપાળ પરનો પરસેવો લૂછ્યો. ટીક…ટીક…ટીક…ને.. "તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા ઇચ્છો છો, એમનો ફોન સ્વીચ ઓફ છે." બે વખત ટ્રાય કરી જોયું. એ જે મોબાઇલ ફોન પરથી વાત કરતી હતી એ હવે બંધ છે. હવે શું થશે? એ ફોન ચાલુ થશે? વિદુ એના વિજ્ઞેશભાઈને ફોન કરશે? હવે એ રોંગ નંબર સાથે વાત થશે? મને ફસાવીને એ ફોન બંધ થઈ ગયો હતો. આમ ને આમ દિવસ પસાર થઈ ગયો. કોઈ કામમાં ચિત્ત ચોંટ્યું નહીં. મનમાં જાણે આફરો ચડ્યો હતો. સાંજ પડ્યે એક પછી એક સૌ ઘેર જવા માંડ્યા. હું મૂઢ જેવો બેસી રહેલો. આખી ઓફિસ ખાલી થઈ ગયા પછી અચાનક મેં ફોનનું રીસીવર ઊંચક્યું ને મનમાં જે આવે તે આંકડો દબાવતો ગયો. નવ, સાત, એક, ત્રણ, બે, પાંચ…. સામેથી ફોન ઊપડ્યો, “હલ્લો!” મેં કહ્યું, “હલ્લો વિદુ, સવારથી રાહ જોઉં છું. ફોન કેમ નથી કર્યો?” ને સામેથી “રોંગ નંબર!” કહીને ફોન મૂકાઈ ગયો.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

સ્માર્ટ ફોન લગી પ્હૉંચેલા સરળતમ કૉમ્યુનિકેશનના જમાનામાં અજાણ્યા ફોન અનિચ્છાએ પણ રીસીવ કરવા પડે; એટલું જ નહીં, એથી આગળ, ક્રમશ: અનિચ્છાનું ઇચ્છામાં પરિવર્તન થઈ જાય, અને ફોન કરનારી વ્યક્તિ સાથેની શરૂઆતની એ કંટાળાભરી અરસિકતા આછીપાતળી રસિકતામાં પરિણમે, એવા બનાવોની હવે નવાઈ નથી. એવો બનાવ સ્વાતિ રાજીવ શાહની આ વાર્તામાં બન્યો છે. ઑફિસ જેવા, પ્રમાણમાં જાહેર સ્થાનમાં બેઠેલા ભાર્ગવ શાહ જેવા ઑફિસરના બારામાં બન્યો છે, કદાચ સાદા ફોનથી બન્યો છે. ફોન ગમે તે ટાઇપનો હોય, વાતચીત અને એથી ઊભી થયેલી નગમતી-ગમતી ઘટના તો અહીં સ્ત્રી અને પુરુષ વચ્ચે ઘટી છે, કુતૂહલવશ પુરુષ સ્ત્રીને મદદ કરવા ગયો એ કારણે થઈ છે.

પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી કહેવાયેલા એ બનાવમાં ભાર્ગવને આપણે એ સ્ત્રીના ફોનની રાહ જોતો જોઈ-સાંભળી શકીએ એવા એના શબ્દો છે: ‘અગિયાર વાગીને ચાલીસ મિનિટ થઈ ગઈ. આજે હજુ એનો ફોન આવ્યો નથી’. ભાર્ગવે પોતાની જાતને ત્રણ સરસ પ્રશ્ન કર્યા છે: હું એના ફોનની રાહ કેમ જોઈ રહ્યો છું? મને એના ફોનની આદત પડી ગઈ છે? શું અણગમતી ચીજોની પણ આદત પડી શકે?’ એ કહે છે એમ એને ‘વિચિત્ર પ્રકારની અકળામણ’ થાય છે. ફોન કેમ ન આવ્યો એ વિશે એને અનેક સવાલો થાય છે. જરાક ખૂલીને એ એમ પણ કહે છે કે ‘રહી રહીને ઊપડતી ચળની જેમ થોડી થોડી વારે એના વિશે વિચારો આવ્યે જાય છે. કોઈ કામમાં મન ચોટતું નથી. એક સમય હતો કે મને એના ફોનથી ચીડ ચડતી’. અણગમતી ચીજની આદત, અકળામણ, ચીડ અને ચીડથી આતુરતામાં પરિવર્તન પામેલી ભાર્ગવની આ મનોદશા વાચકમાં કુતૂહલ જગવે છે કે - ફોનને કારણે આ ભાઈના દાખલામાં એવું તે શું બન્યું હશે... રચનાનો આ સ્વરૂપનો ઉઘાડ વાચક માટે આકર્ષક નીવડે એવો છે અને એ કારણે કથનકેન્દ્રની વાર્તાકારે કરેલી પસંદગી ઉપકારક ઠરે છે, સાર્થક ઠરે છે. એ પછી ભાર્ગવ એ પહેલા દિવસે આવેલા ફોન વિશે માંડીને વાત કરે છે. વાચકને જાણવા મળે છે કે સ્ત્રી પરણેલી છે, એને બે બાળકો છે. કોઇ વિજ્ઞેશભાઇ વર્તનથી એને નાનપણથી ગમી ગયેલા, વિજ્ઞેશભાઈને એ ગમી ગયેલી. પણ વર્તમાનમાં વિજ્ઞેશભાઈ નથી. એ સ્ત્રી વિજ્ઞેશભાઈને બદલે ભાર્ગવ જોડે ફોન કરવા માગે છે. અવારનવાર ફોન કરતી થઇ જાય, વાતો ઘરગથ્થુ હોય; વળી, નિસાસા નાખે, રડે. ટૂંકમાં, વિજ્ઞેશભાઈના અભાવમાં એ ભાર્ગવનો ઉપયોગ કરે છે. વાચક જોઈ શકે છે કે ભાર્ગવ ભલે સહાય કરવા ગયો પણ ક્રમે ક્રમે કેવો તો ભેરવાયો છે. વાચકનું કુતૂહલ વિકસીને ભાર્ગવની મનોદશામાં સ્થિર થાય છે, એ નિરૂપણ નૉંધપાત્ર છે. એક ક્ષણે ભાર્ગવને સમ્બન્ધ કાપીને અમેરિકા ચાલી ગયેલી હેમાક્ષી યાદ આવે છે. વિદુની વાતે એ બોલી ઊઠે છે, ‘એની જગ્યાએ હેમાક્ષી હોત તો?...શું હેમાક્ષી પણ વિદુની જેમ આમ જ..’ આ સ્થાને, વાર્તાકારે રમી લીધું હોત - ભાર્ગવ ઘેર પ્હૉંચીને કે એ પહેલાં હેમાક્ષીને ફોન કરે, અને ત્યાંથી પણ જવાબમાં એને રૉન્ગ નમ્બર મળે! તો ભાર્ગવના એ સંદિગ્ધ અનુભવમાં ઉમેરો થયો હોત અને રચનામાં ઊંડાણ સંભવ્યું હોત. પણ કદાચ વાર્તાકાર ભાર્ગવને વધારે તકલીફ આપવા નથી માગતા. ભાર્ગવની એટલે કે કથકની વાતોના કેટલાંક આકર્ષક દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- આટલું જ બોલ્યો ત્યાં તો ‘ડેમની પાળ’ તોડીને ધસી જતાં પાણીની જેમ એની ‘વાણી’ વહી નીકળી. -- હા, એ ‘કોઈપણ વાત’ પર બોલ્યા કરતી હતી. કોઈ ‘નાટકમાં’ કામ કરતી હોય ને માત્ર બોલવાની ‘પ્રેક્ટિસ’ કરતી હોય એવું બની શકે?

-- મનથી ભલે હું ‘ના’ પાડી દેવા ‘તત્પર’ હતો, તો પણ મેં પાંચ રિંગ વાગવા દીધી. -- બધાની ‘આંખો જાણે કાન થઈને મને ચોંટી ગઈ હતી’.

= = =