સાહિત્યિક સંરસન — ૪/સમ્પાદકીય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમ્પાદકીય

સુમન શાહ

‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના 52મા અને 53મા શિબિરમાં રજૂ થયેલી ટૂંકીવાર્તાઓ મને વધારે ગમેલી અને વિચાર આવેલો કે એનું સમ્પાદન કરવું જોઈએ. એ વિચાર મેં અતુલ રાવલને જણાવ્યો, એને વિચાર ગમ્યો, અને એનું પરિણામ તે આ "સાહિત્યિક સંરસન - ૪ : ટૂંકીવાર્તા -વિશેષાંક".

આ બન્ને અને પૂર્વેની બધી શિબિરોમાં ઘણી વાર હું એક સાવધ વાચકની જેમ બેઠો હોઉં છું. વાર્તાકારમિત્રોએ કરેલી કૃતિનિષ્ઠ ચર્ચાઓમાં મારા તરફથી ઉમેરા કરતો હોઉં છું. એ ઉમેરા ટૂંકીવાર્તાની કલા વિશે વધારે હોય છે, કૃતિની મર્યાદા વિશે ઓછા. આ સમ્પાદન માટે મેં લખેલી દરેક ટૂંકીવાર્તાની સમીક્ષાત્મક નૉંધમાં પણ હું વાચકના પક્ષે રહ્યો છું, તેમછતાં, કૃતિના ગુણપક્ષે પણ રહ્યો છું.

મુખ્યત્વે મેં એ બાબત પર ધ્યાન આપ્યું છે કે વાર્તાના વસ્તુને લેખકે કેવોક ઘાટ આપ્યો છે, એમાં ટૂંકીવાર્તાની કલા માગે એ કેવીક સર્જકતાથી નીપજ્યું છે. વાર્તાની અને એ દ્વારા વાર્તાકારની વિશેષતાની મેં સહર્ષ નૉંધ લીધી છે. મને વાર્તામાં flaw, tone કે અતિમુશ્કેલ એવા atmosphere તત્ત્વોનો પણ ઠીક ઠીક અનુભવ મળ્યો છે. વાક્યરચના, ઉક્તિ અને સંવાદ વિશે બધા મિત્રો સજાગ વરતાયા છે. અને મેં જોયું છે કે મોટાભાગના મિત્રો આવશ્યક કથનકેન્દ્રની ઉચિત પસંદગી કરી શક્યા છે. જોકે એ વિશે વાર્તાકારોએ વધુ વિચારણા કરવી જોઈએ એમ પણ લાગ્યું છે. સફળતાથી ગુણ સૂચવાય કે ન-સફળતાથી મર્યાદા સૂચવાય, પણ એ માટે મેં કથકને જવાબદાર ગણ્યો છે, વાર્તાકારને નહીં. કથક વાર્તાકારનું જ સર્જન છે, છતાં, કૃતિનિષ્ઠ ચર્ચામાં આપણે વાર્તાકારને બલકે એના નામને ન લાવીએ એ જરૂરી છે, કેમકે વાર્તાકાર અને એનું નામ કૃતિની સરખામણીએ વ્યાપક હોય છે.

જોકે મને જોડણીની અને તેેમાં ય અનુસ્વારની ઘોર અરાજકતા જોવા મળી છે. મિત્રો એટલા બધા ખુશ થઈ જાય કે ‘ખૂશ’ લખે; ખુલ્લું ઓછું પડતું હોય એટલે ‘ખૂલ્લું’ લખે. આ સ્વૈરાચરણને કારણે કેટલીયે વાર મને મારી જોડણી વિશે શંકાઓ થઈ હતી ને મેં જોડણીકોશ"નાં પાનાં ઉથલાવેલાં. મેં સૌની મારાથી થઈ શકી એટલી જોડણી સુધારી છે.

બધી વાર્તાઓનાં સઘન વાચન અને અધ્યયનને પરિણામે, મને ટૂંકીવાર્તા સંદર્ભે સર્વસામાન્ય ચર્ચા કરી શકાય એવી બે વાતો સૂઝી છે:

એક - હજી આપણો વાર્તાકાર કેન્દ્રસ્થ, પ્રત્યક્ષ અને વર્તમાન ઘટનાના ઊંડાણમાં નથી જતો. એને સ્થાને પાત્રોની પરિસ્થિતિના ઈતિહાસમાં ચાલી જાય છે, ભૂતકાલીન પ્રસંગોથી બધું પાથર્યા કરે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે એ વાસ્તવની પકડમાંથી છૂટી શક્યો નથી. કલ્પનાનો આશ્રય કરીને અ-વાસ્તવના નિરૂપણની પૂરી સંભાવના, જરૂરિયાત, કે અનિવાર્યતા હોય તો પણ, એ તો બસ હકીકતોથી બધું સમર્થિત જ કર્યા કરે છે. ઠોસ વાસ્તવિકતાની પ્રતીતિજનકતા ઊભી કરવા માટે એ તનતોડ મહેનત કરે છે