સાહિત્ય પલ્લવ – ભાગ ૧/પદ્મપાણિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. પદ્મપાણિ

રવિશંકર રાવળ

ચિત્રોની વાણી પૃથ્વીના સર્વ મનુષ્યો સમજી શકે છે. ભાષાઓનો વિકાસ થયો તે પૂર્વે જગતના સર્વ દેશોમાં મનુષ્યો ચિહ્નો અને આકૃતિ દ્વારા પોતાનો ઇરાદો જણાવતા અથવા ભવિષ્યની પ્રજા માટે પોતાની ચિત્રકથા ભીંતો પર મૂકી જતા. આવો પ્રકાર પ્રાચીન ઈજિપ્તની ભીંતો પર આજ સુધી ટકી રહ્યો છે. પછી તો કેટલાય સૈકા સુધી તેમાંથી કંઈક સંપ્રદાયો અને પ્રથાઓ દેશદેશમાં ગઈ હશે પણ તેનો અકબંધ ઇતિહાસ મળી શકતો નથી. પણ ઈ.સ. પૂ. ત્રીજા સૈકાથી આઠમા સૈકા સુધી અજંતાની ગુફામાં અને હિંદની બીજી ગુફાઓની ભીંતો પર જે ચિત્રકામ થયું છે, તે માત્ર ચિહ્નો કે સંકેતો નહિ પણ મનુષ્યની સૂક્ષ્મ લાગણી અને જીવનના ઊંચા આદર્શો પ્રત્યક્ષ કરનારી કળાની કોટિનું છે. એના ચિતારાઓ પાસે તેનીયે પૂર્વેના ઉસ્તાદોની તાલીમ, રંગ-મિલાવટ અને રેખા-કૌશલનો અદ્ભુત વારસો હતો, તેથી જ બૌદ્ધ ધર્મના ઉચ્ચ સંસ્કાર અને મહાન પ્રેરણા તળે એ ચિત્રો સર્જાયાં છે અને આજના યુગમાં પણ કળાપરીક્ષકોના બહુમાનને પાત્ર બન્યાં છે. અજંતામાં લગભગ ૨૯ ગિરિગુફાઓ છે. તેના દ્વારપ્રદેશો અને પરસાળોમાં અને અંદરના મંડપોમાં જમીન સિવાય ભીંત અને છતના ખૂણેખૂણા પર અપાર સમૃદ્ધ ચિત્રકામ થયેલું હતું. પરંતુ કાળનાં અનેક પરિબળોએ તેમાંના મોટા ભાગનો નાશ થયો અને કોઈ કોઈ ગુફાઓમાં થોડું થોડું ચિત્રકામ થીગડાંરૂપે રહ્યું છે. એટલાથી પણ એનો દિગ્વિજય સ્વીકારાયો છે. આપણી પાસે પહેલા નંબરની ગુફાના અંદરના મંડપમાંનું શ્રીપદ્મપાણિનું સુપ્રસિદ્ધ ચિત્ર એક નાની છાપરૂપે છે. એ ગુહામંડપનો અંદરનો ચોરસ ૪૦ ફૂટ લાંબો પહોળો છે. તેની ચારે તરફ સ્થંભો છે અને ફરતો પ્રદક્ષિણા માર્ગ છે. તેની ભીંતોમાં નાની કોટડીઓ કોતરેલી છે. આ મંડપની આગળ પરસાળ છે અને ત્યાંથી જ ગુહાનો પ્રવેશ છે. તેની બરોબર સામે પ્રદક્ષિણા-માર્ગ વટીને ગર્ભમંદિરની પરસાળ અને મંદિર છે. પહાડના પેટાળમાં આ બધું અચૂક ભૂમિતિ પ્રમાણે કોતરાયેલું છે અને સ્થળે સ્થળે શોભા માટે કરેલું શિલ્પકામ પણ મનોહર અને સુંદર છે. પણ દર્શને આવનારા યાત્રિકોનું ત્યાંનાં ચિત્રો જ મુખ્ય આકર્ષણ બની રહે છે. નં. ૧ની ગુહાનાં ચિત્રો બહુ જ ઉત્કૃષ્ટ સમયનાં ગણાય છે અને તેમાં પણ શ્રીપદ્મપાણિનું આલેખન તો લાવણ્ય અને સાત્ત્વિકતાનું પ્રતીક છે. એ અસલ ચિત્ર સાધારણ માનવ પ્રમાણથી સવા દોઢ ગણું મોટું છે. એથી એના પરથી લેવાયેલ ફોટોગ્રાફ કે નાની છાપ કદી તેની ખરેખરી ખૂબી રજૂ કરી શક્યાં નથી. અદ્ભુત કારીગરીપૂર્ણ સુવર્ણ મુકુટવાળું, જરા ચિંતનભારે નમેલું, એ કરુણાર્દ્ર મુખારવિન્દ અને જમણા હાથની અંગુલી-મુદ્રામાં સ્થાપિત ભૂરા ઇંદીવર કમળથી શોભતી ચંદનવર્ણી એ દેહશ્રી, ડાબો હાથ કમરબંધ ઉપર ટેકવી ત્રિભંગ કરી રહી છે. ડાબે ખભે મોતીથી ભરેલી સ્કન્ધમાળા લહેરાતી જમણા હાથની કોણી આગળ ઝૂલી રહી છે. ડાબી બાજુએ સ્ત્રીની આકૃતિ છે તે યશોધરા હશે એમ માનવામાં આવે છે. આસપાસ ગંધર્વો અને કિન્નરોની દેવસૃષ્ટિ વિસ્તરી રહી છે. પણ કલાકારે જે કૌશલ અને ભાવનિરૂપણ આ મુખ્ય પાત્રને આપ્યું છે તેથી તે આખીયે ચિત્રસૃષ્ટિમાં અનોખા સર્જનરૂપે તરી આવે છે. કમનસીબે એનો જરાય ખ્યાલ આપનાર બીબું આપણને મળી શક્યું નથી. ઉપરનાં વચનોની ખાતરી કરવા તો અસલની જ કૃતિ જોવી જોઈએ.