સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મિત્રો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. મિત્રો

રવિશંકર રાવળ

ફોટોગ્રાફીની સહાયથી ઉપજાવેલું આ ચિત્ર આપણી દૃષ્ટિને કુતૂહલ ઉપજાવે છે. નાનાં બાળકોની અનેક રમતોમાંની એક, પોતાના સાથી આગળ સંતાયા હોય ત્યાંથી અણધારી રીતે છતા થઈ જઈ ચમકાવવાની કે ડરાવવાની છે. પોતાના દોસ્તને આવતો જોતાં, બારણાને ઓથે સંતાઈ જઈ દોસ્ત બારણા પાસે આવે કે તરત ‘હાઉ’ કરી નીકળી આવી મિત્રને ડરાવતા બાળકની રમત તો આપણે અનેક વાર જોઈ હશે. એવી જ જાણે કોઈ એક રમત આ ચિત્રમાંનો કૂકડો એના બાળસાથી સાથે ખેલી રહ્યો ન હોય એવું એ જોતાં વેંત આપણને લાગે છે. ભીંત તરફ મોં કરી બેઠેલો બાળક પોતાની રમતમાં મશગૂલ હતો. ત્યાં કોણ જાણે ક્યારે પાછળથી છાનોમાનો આવી આ કૂકડો ગુપચુપ બેસી ગયો છે. એની લુચ્ચાઈ જે ઠાવકાઈથી એ બેઠો છે તેમાં દેખાઈ આવે છે. એના મનમાં જાણે કે હતું: ‘મને જોતાં કેવો ડરી જશે કીકે!’ અને સાચે જ કીકો કૂકડાને આમ એકાએક પડખામાં આવી બેઠેલો જોઈ જરાક ચમકે છે. પણ તે બી ગયો લાગતો નથી. કૂકડો જરાય અવાજ કર્યા વિના આમ ચૂપચાપ લપાઈને કેમ બેસી ગયો છે તેનો તે વિચાર કરતો હોય અને જાણે કે તેની લુચ્ચાઈ તે સમજી ગયો હોય એમ લાગે છે. પણ બાળક ભીંત આગળ શા માટે બેઠો હતો? ફોટોમાં તેના રૂપાળા મોંનો ખ્યાલ આપતો પડછાયો જાણે કે ખુલાસો આપે છે કે, તે પોતાના પડછાયા સાથે રમતો હતો. કલાકારે પાત્રની પસંદગીમાં જે સાદાઈ અને સુરુચિ બતાવી છે તે જ ચિત્રની વિશિષ્ટતા છે. ચિત્રમાં નિરુપયોગી આકારો અને વાતાવરણ આવવા દીધાં નથી, છતાં પાત્રની નિર્દોષ છટા અને કૂકડાનું મીંઢાપણું સાચવી ચિત્રનું કુતૂહલતત્ત્વ જમાવી દીધું છે. ફોટોગ્રાફીની ખૂબી પણ એની અનેક ઠંડી ચડઊતર છાયાઓમાં સમાયેલી છે. એક પણ ભાગને અતિ શ્યામ કે અતિ ઉજ્જવળ થવા દીધો નથી અને પ્રકાશની બધી કરામત દ્વારા એક ક્ષણની બાળકની સહજ લીલા ઉપર મન એકાગ્ર બનાવે છે. હવે તુરત કોણ પહેલું અવાજ કરશે એ પ્રશ્ન પર આ દૃશ્ય વિચારને અધ્ધર રાખે છે.