સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મોન્ના લિસા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. મોન્ના લિસા

રવિશંકર રાવળ

જગતનું એ એક સર્વોત્તમ ચિત્ર ગણાય છે અને હાલ તે પારિસના લુવ્રના શાહી ચિત્રસંગ્રહમાં છે. આ ચિત્રનું મહાન આશ્ચર્ય તો ચિત્રમાંની સ્ત્રી મોના લિસાના મુખ ઉપર ફરકતું સ્મિત છે. કોઈ નિગૂઢ તત્ત્વ આકાર પામતું મુખ પર વિલસી રહ્યું હોય એવું રહસ્યપૂર્ણ આ પાત્ર ચિત્રકારો અને પરીક્ષકોનો કોયડો બન્યું છે અને તે પર પુષ્કળ વિચારણા અને ચર્ચાઓ થાય છે. આ ચિત્ર પર ત્રણથી ચાર વર્ષ સુધી લિયોનાર્દોએ કામ કર્યું હતું. તેના પાત્રની એકધારી સુપ્રસન્નતા અને મનોહરતા ટકાવી રાખવા તેણે કલાગૃહમાં તેના આદર માટે કેટલીયે ગોઠવણો કરી હતી. ખાસ પસંદ કરેલી ફૂલકૂંડીઓ અને ઝરમર ધારા છોડતો ફુવારો કાચનાં કેટલાક પાત્રો પર પડીને મધુર સંગીતરવ ઉત્પન્ન કરતો. એક વીણા બજાવનારી તો કાયમ ત્યાં હાજર રહેતી. કોઈ કોઈ વાર સુંદર કથા કહેનાર કે ગીત સંભળાવનાર પણ આવતા, અને તેમની વાણીથી ઊપજતી અસરો છબીના પાત્ર ઉપર શી શી થાય છે તે કલાકાર સૂક્ષ્મપણે નીરખતો. આવી રીતે કદી એકાંત નહિ છતાં, પાત્રનું સૂક્ષ્મ અવલોકન અને અભ્યાસ કરતાં, કલાકારે તેના સ્વચ્છ પવિત્ર આત્માનું દર્શન કર્યું હતું, અને તેને મને મોન્ના લિસા ફલોરેન્સના ગાયોકોન્ડેની સ્ત્રી મટી જઈને સ્વપ્નમાંથી ઊતરી આવેલ કોઈ આદર્શ બની રહી હતી. એક પુનિત પ્રેરણા સમી એ મૂર્તિમાં કળાકાર પોતાનાં જ સત્ય, શિવ અને સૌંદર્યનું સર્જન કરી રહ્યો હતો. એ ચિત્રની બીજી કલાકરીની તો વાત જ શી? કુદરતની આબેહૂબ નકલ કેટલી હદ સુધી ઉપજાવી શકાય તેનો એ સર્વોત્તમ નમૂનો છે. જીવતી આંખોમાં હોય એવી ભીનાશ અને ચળકાટ એમાં ખરેખરાં હોય એવાં લાગે છે. ભ્રમરના વાળ ખરેખર ચામડીમાંથી જ ઊગ્યા હોય એવા, નાસિકા શ્વાસ લેતી જાણે કે હમણાં ધ્રૂજશે, અને ગાલ પરની સુરખી કોઈ રંગની બની નથી પણ અંદરથી જીવતા લોહીની ઊર્મિ હોય, એમ જ લાગે છે. અને ગળા પરના વાટા જુઓ તો નીચેની નસો ધબકતી હોય એવી ભ્રમણા થશે. કલાકૃતિઓ પાર વગરની જોઈ નાખી હોય એવા ઉસ્તાદો અને નિષ્ણાતો આ ચિત્ર આગળ માથું નમાવે છે. લિયોનાર્દોની અમાપ પ્રતિભા છતાં તેની આખી કારકિર્દીમાં તેણે કોઈ બાબત પૂરી કરી નહિ, કારણ કે તે હમેશાં આદર્શ સંપૂર્ણતા લાવવાનો તલસાટ રાખતો. મોન્ના લિસાની તસવીરમાં પણ એ જ ઘટના બની છે. એ છબી પૂરી થયેલી જોવા મોન્ના લિસા કદી ભાગ્યશાળી થઈ નહિ અને પહેલી જ સુવાવડમાં તે ગુજરી ગઈ, અને આ ચિત્ર કળાકારનું જ જીવનધન બની રહ્યું. તેની ૬૪ વર્ષની ઉમ્મરે મિલાન તજી તેણે ફ્રાન્સના રાજાનો આશ્રય સ્વીકાર્યો ત્યારે પણ તે સાથે જ લઈ ગયો, અને ઈ.સ. ૧૫૧૯માં પંચોતેર વર્ષે અવસાન પામ્યો ત્યારે તેના સ્ટુડિયોમાં તેની દૃષ્ટિ સામે જ તેને તેણે રાખ્યું હતું. તેણે તેના વિલમાં પોતાના આશ્રયદાતા ફ્રાન્સિસ પહેલાને એ ચિત્ર અર્પણ કર્યું હતું ત્યારથી તે ફ્રાન્સની મિલકત બની રહેલું છે. દેવકૃપાથી એટલી બધી પ્રજ્ઞા, બુદ્ધિસંપન્નતા અને પ્રતિભા કોઈ એક જ માનવરત્નમાં અસાધારણ અને અકુદરતી પ્રમાણમાં ક્વચિત્ ઊભરાતાં જણાયાં છે. સૌંદર્ય, લાવણ્ય અને પ્રભાના એકસામટા સંચયથી તેનાં કાર્યો એટલા ચમત્કારભર્યાં ભાસે છે કે બીજા બધા પાછળ પડી જાય છે અને એમ જ કબૂલ કરવું પડે કે એ અવતારી પુરુષ છે. એવાને કોઈ શાળા સરજી શકે નહિ. વિન્ચી નગરનો લિયોનાર્દો એવી જ એક વ્યક્તિ હતો. તેના પોતાના દેહસૌંદર્યની તો વાત જ શી કરવી, પણ તે બીજા જે જે વિષયો હાથ ધરતો તેમાં તે પૂર્ણ પ્રભુત્વ જ દાખવતો. અજબ દાક્ષિણ્ય, સામર્થ્ય અને મગજની શાહી હિંમત અને ભવ્ય સાહસવૃત્તિના ગુણોથી તેના જીવનકાળમાં પણ તેની કીર્તિ ચોપાસ પસરી હતી અને તેનું સર્વત્ર બહુમાન થતું. તેના અવસાન પછી તેથીય વધુ તેનો વિસ્તાર થયો. એ એના યુગનો મહાન ગણિતી હતો, મહાન ભૂમિતિકાર હતો, મહાન યંત્રવિધાતા હતો, સ્થપતિ હતો. આર્નો નદી આગળથી અમુક ખોદકામ કરી પીઝાથી ફલોરેન્સ સુધી નહેર કરવાનો વિચાર તેણે પ્રથમ આપ્યો હતો, જે બસો વરસ પછી બીજા કારીગરે પાર ઉતાર્યો. આજના યુગની કોઈ પણ શોધ એવી નથી કે જેનો પ્રથમ વિચાર લિયોનાર્દોએ બહાર પાડ્યો ન હોય. ઊડવાના યંત્રના પ્રથમ પ્રયોગો તેણે કરેલા. તેણે લખેલા કેટલાય ગ્રંથો આજે તેની સાખ પૂરે છે. કોઈ બીજા અધિકારી તુરત વાંચી ન લે માટે તે અવળું લખાણ કરતો, અને તે અરીસામાં ધરવાથી વાંચી શકાતું. વિદ્વત્તા અને વાર્તાલાપમાં તે અગાધ જ્ઞાની અને રસવેત્તા ઠર્યો હતો. સંગીતનાં કેટલાંક વાદ્યો તેણે ઉપજાવ્યાં અને કેટલાક નવા સ્વરપાઠ પણ તેણે રચ્યા હતા. તેના આશ્રયદાતા ઠાકોરો માટે તેણે યુદ્ધકાળનાં રક્ષણો અને સંહારસાધનો પણ યોજ્યાં હતાં. તેમને માટે દારૂખાનાના દેખાવો અને મન બહલાવનારાં યાંત્રિક રમકડાં પણ તે બનાવી આપતો. એમ છતાં તેના પ્રધાન વિષયો ચિત્ર અને શિલ્પ હતા. ચિત્ર માટે તેણે કેટલાય પદાર્થોના પ્રયોગો કરેલા. વિદ્યાર્થીઓ માટે નિયમો રચેલા. શરીરરચના સમજવા મૃત દેહો પરથી તેણે જે આલેખો તૈયાર કર્યા છે તે આજના નિષ્ણાતોને વિસ્મયમુગ્ધ કરી દે એટલા ચોક્કસ અને સ્વચ્છ છે. લિયોનાર્દો બાળપણથી તજાયેલો બાળક હતો, પરંતુ જીવનમાં તેણે અદ્ભુત શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી. તેણે કદી લગ્ન કર્યું જ નહોતું. તેની શક્તિઓથી તે ઘણું દ્રવ્ય મેળવતો, પણ અનાથોને, દુઃખીઓને અને વિદ્યાર્થીઓને આપી દેતો. તેના વિશાળ ભવનમાં શિલ્પીઓ, યાંત્રિકો, રસાયણશાસ્ત્રીઓ અને કવિઓ તથા ગાયકોનો મેળો જામતો. સૌ તેને શિરોમણિ ગણતા, છતાં તેની વિનમ્રતા અને આત્માની ભવ્યતા અનિર્વચનીય હતી. પ્રાણીઓ, પશુઓ, પંખીઓ પ્રતિ તેની અનુકંપા પાર વગરની હતી. તે વખતો-વખત પક્ષી વેચનારાઓ પાસેથી મૂલ્ય ચૂકવી પક્ષીઓ ખરીદી લેતો અને પાંજરાં ખુલ્લાં મૂકી ઉરાડી મૂકતો તે વખતે મુક્તિનો આનંદ કેવો હોય છે તે આર્દ્ર ચિત્તે જોઈ રહેતો. તેના ચહેરાનું તેજ એવું હતું કે કોઈ પણ તેનાથી અંજાઈ તેની ઇચ્છાને અધીન થતું. જક્કી પ્રતિસ્પર્ધીની પાસેથી પણ તે ધારી હા કે ના કઢાવી શકતો. તેની શારીરિક શક્તિ અજબ હતી. ગમે તેવા તોફાની કદાવર અશ્વને તે તુરત કાબૂમાં લાવી શકતો અને બારણાના મજાગરા જેવા જાડા સળિયા તે હાથથી વાળી દેતો. તેના મૃત્યુના ખબરથી તેને જાણનારા સૌ દુ:ખી થયા. કળાની સૃષ્ટિમાં ભાગ્યે જ આવી સમર્થ વિભૂતિ થઈ હશે.