સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રણમાં પાછાં પગલાં ન કરવા વિષે.

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રણમાં પાછાં પગલાં ન કરવા વિષે

નર્મદાશંકર
(કડખો)

‘આગે પગ લો પત રહે, પીછે પગ પત જાય;
ભાગા ખેડે બ્હાવડે, વાકું રંગ ચઢાવ.’

અર્થ — શત્રુની સામે પગ વધાર્યો અથવા ટકાવી રાખ્યો ત્યાં સુધી પત રહે છે, પણ પાછું પગલું કીધું કે પત જાય છે, ને એમ છે માટે હઠ્યા એવા જે યોદ્ધાઓ તે જો પાછા શત્રુ સામા જઈ ઊભા રહે તો તેઓને રંગ ચઢાવો, એટલે તેઓને રંગ છે. ભાઈઓ, આપણે બહુ પાછા હઠ્યા છીએ! ના ન કહેવાય. — ના હઠીએ? જાણી જોઈને ભૂલ કરીએ ત્યારે પસ્તાવો શાનો? રે જાઓ જાઓ. જાણી જોઈને તે વળી કોઈ ભૂલ કરતા હશે? સ્વાર્થી આ સ્વાર્થને માટે, જાગતો બમણું ઘોરે તેની પેઠે જાણી જોઈ આંધળા થઈ રસ્તો ભૂલી જઈ ખાડામાં ન પડે વારુ? — ખરું કહો – ઊભા રહો, ઊભા રહો; પંચોપાખ્યાનમાં બ્રાહ્મણ ને ત્રણ ઠગની વાત છે તે આહા કેવી મઝાની છે! આપણે દ્રવ્યમાનના લોભથી કેટલી ધામધૂમ કરી મેલી હતી!! — આહા! વહેમજવન કેટલો નબળો પડ્યો હતો! પણ રે! તેવું ને તેવું ન ચાલ્યું! શેનું ચાલે? ‘ઢમ ઢોલ, માંહે પોલ ‘તે ક્યાં સુધી ચાલે? વહેલું મોડું ભોપાળું નીકળ્યા વિના રહે જ નહિ. ‘બાપ તેવા બેટા’ એ કહેવત ખોટી નથી. વાણિયાની નજર પૈસા તરફ ને બ્રાહ્મણની નજર ખાવા તરફ; — આપણા વાણિયા સાથીઓ સુધારો સુધારો પોકારી માન મેળવી આખરે હાલ પૈસો પૈસો ઝંખી રહ્યા છે; અને બ્રાહ્મણ સાથીઓ સુધારો સુધારો પોકારી ધર્માચાર્યો થવાનો ડોળ ઘાલી ઊભા હતા તે આજકાલ જુદી જુદી ટુકડીઓમાં બેઠા બેઠા નિરાંતે રસનેંદ્રિયને લડાવ્યા કરે છે. એક વાર આપણો વિચાર એકદમ જાતિભેદ તોડી નાંખવાનો હતો ને તેને માટે તૈયારી પર આવી રહ્યા હતા; એક વાર આપણે પુનર્વિવાહનો ચાલ ચલાવવાને આતુર થઈ જઈ તે અર્થે ઉદ્યોગ કરતા હતા; એક વાર આપણે સર્વોપયોગી વિષયો ઉપર સુંદર ભાષણો કરતા હતા ને વર્તમાનપત્રોમાં લખતા હતા; એક વાર આપણે ખોટે માર્ગે પૈસો મેળવવાને આહા કેવા ધિક્કારતા હતા! એક વાર આપણે પરસ્પર મળતા ને લોકોપયોગી વિચારો કરતા હતા; એક વાર આપણે આપણું જોર વધારી વહેમજવનના ઉપર મોટો ધસારો કરવાની તજવીજમાં ખંતે રહેતા હતા; પણ તે દહાડા ક્યાં ગયા? અફસોસ! આજકાલ આપણે પૈસાને જ પરમેશ્વર જાણી પૂજ્યા કરીએ છીએ. આજકાલ તો આપણે કહીએ છીએ કે ભાઈઓ જેમ બને તેમ પૈસા પેદા કરોને, પછે નચિંતે મનમાન્યો સુધારો કરીશું; આજકાલ આપણે કોઈ કોઈને મળતા નથી; આજકાલ આપણામાં કોઈને કોઈની દાઝ નથી; આજકાલ આપણે કોઈ કોઈના મિત્ર નથી; આજકાલ આપણામાં વિવેક નથી; આજકાલ આપણામાં શૌર્ય, ઉદ્યોગ, ને ખંત નથી (એક માત્ર પૈસો કમાવાની વાતમાં તે છે ખરાં); ટૂંકામાં, આજકાલ આપણે માણસ નથી. ‘સુતારનું ચિત્ત બાવળિયે ને ઊંટને મોઢે ઝાંખરાં.’ તે આપણાં ચિત્ત પૈસા તરફ છે. પૈસો મેળવ્યા પછી સુધારો કરીશું એ આપણું બહાનું છે. આપણામાં જેઓને પૈસા મળ્યા છે તેઓમાંના ઘણાક કરતા નથી; કરે છે તે આડી રીતના કરે છે; કરશે તો પણ આડી રીતના. જુવાનીના જોશમાં જે કામ થાય તે કામ ઘડપણમાં કરવાની ઉમેદ બાંધવી તેનું નામ તે બહાનું કે નહિ? માત્ર પૈસાથી જ સુધારો થયો એવું ઇતિહાસમાં કોઈ ઠેકાણે જોવામાં આવ્યું નથી. નિયમ તો સર્વત્ર આ જ જોવામાં આવે છે કે દેશનો સુધારો કરવામાં પ્રથમ વિદ્યા ને ઊંચી પ્રતિના સદ્ગુણો જોઈએ. પછી દ્રવ્યની સહાયતા હોય તો સુધારો વહેલો પ્રસરે, ન હોય તો મોડો પ્રસરે. અર્થાત્ લોકમાં વિદ્યા અને પ્રેમશૌર્યાદિક સદ્ગુણો હોય તો જ તેઓ સુધરેલા કહેવાય. તેમાં સુધારાવાળા ઉપદેશકોમાં તો એ ત્રણ વાત પહેલી જોઈએ. જે જે ઉપદેશકો થઈ ગયા છે તેઓ પ્રથમ નિર્ધન હતા; તેમાંના કેટલાકે પોતાના ઉદ્યોગમાં રહીને જ પૈસો પેદા કર્યો હતો; પણ આપણે તો, ‘શીરા સારુ શ્રાવક થવું’ એ કહેવત પ્રમાણે સ્વાર્થનો ને પરમાર્થનો ખરો ઉદ્યોગ છોડી દઈ દેવ ટળી રાક્ષસ થયા છીએ. રાક્ષસ તો સારા કે શત્રુના ઉપર શૌર્ય વાપરે, પણ આપણે તો શૌર્ય વિના જનાની થઈ ગયા છીએ. વગર આવડતને લીધે ઉત્પન્ન થતી ચીડમાં ‘કમ જોર ગુસ્સા બહોત,’ તેમ માંહોમાંહે એક એકને પોતાની પાસથી દૂર કરવામાં (રખેને હવે સુધારાવાળો કહેવાઉં ને વહેમી મંડળમાં અળખામણો થાઉં!) અને એકબીજાને ચાવવામાં આપણું બાયલું રાક્ષસીપણું વાપરીએ છીએ. ઉપદેશકોએ તો દ્રવ્યમાનનો લોભ ન રાખતાં દેશના કલ્યાણને અર્થે ખંતે પોતાનું કામ કર્યાં જવું જોઈએ. પૂર્વે આપણામાં તેમ હતું. બીજા દેશોમાં તેમ હતું. ને આજ પણ છે. પેટને સાંસા પડતા એવા યુરોપખંડના કેટલાક વિદ્વાનો જેમ તેમ ગુજારો કરી મોટાં પુસ્તકો લખે છે જે પુસ્તકો તેઓનાં મરણ પછી લોકની જાણમાં આવે છે, ને પછી કેટલેક વર્ષે ગ્રંથકારો પિતરરૂપે પોતાનાં યશસ્વી કૃત્યોની કીર્તિની વાસના લે છે -ધન્ય ધન્ય! વારુ, પૈસો મળ્યો એટલે મદ ને આળસ ઘર ઘાલે જ. જેટલું જોસ્સાનું બોલવું લખવું છે તે દુ:ખના વખતનું જ સારું હોય છે. પૈસાથી વિચારવાળું ને મહેનતવાળું કામ કરવાનું મન થાય જ નહિ, ને મન થાય તો તે કામ સારું પણ થાય નહિ. અર્થાત્ પૈસાથી અને પૈસા મળ્યા પછી સુધારો કરીશું એ કહેવું કેવળ બહાનું છે. વળી એમ કરતાં પૈસા કમાવા પછવાડે રોજ ૧૨ કલાક ગાળવા તો અઠવાડિયામાં ૧ કલાક પણ મિત્રને મળવામાં અને આગળ થવાની મોટી લડાઈને સારુ કવાયત શીખવામાં ન ગાળવો? ભાઈઓ, જેમ આપણું જોર નરમ છે તેમ વહેમજવનનું જોર પણ નરમ છે, પણ આપણે ઘણા જ પાછા હઠ્યા છીએ ને હજીયે હઠીશું. વહેમજવન પણ હઠે છે ખરો, પણ તે કીડીની ચાલે. (બન્નેને હઠાવનાર પૈસા માન છે.) પણ આપણામાંના કેટલાએક જેઓ વહેમજવનને નિંદતા તેઓ જ તેની પૂજા કરે છે, તેથી જ્યારે પાછી લડાઈ શરૂ થશે ત્યારે વહેમજવન આપણા ઉપર ખૂબ દોડ કરી આવશે. જે ઉમંગથી આપણે આરંભ કર્યો હતો તે ઉમંગ ને તે શ્રમ રાખી રહ્યા હતા તો વહેમજવનને ઘણે દૂર નસાડ્યો હતો. પણ રે તેમ ન કરતાં આપણે આજ પાછે પગે દોડી પૈસા-માનના ગુલામ થઈ રહ્યા છીએ! ઓ ભાઈઓ, મારું સાંભળો. જેમ રજપૂતની સેનાની આગળ કડખા બોલનાર હોય છે ને જેઓને કડખેદ કહે છે તેવો હું સુધારાના સૈન્યનો કડખેદ છું. હું તમારા જેવો દીવાનો નથી બન્યો, આપણું ને સામાનું બંનેનું સૈન્ય જોયા કરું છું ને તે ઉપર વિચારો કર્યા કરું છું. નક્કી, નક્કી ભાઈઓ, વહેમજવનના સૈન્યને દ્રવ્યનો કેફ ઊતરશે ને તે શુદ્ધિમાં આવી આપણી તરફ નજર કરશે ને જોશે કે સુધારાવાળા તો ઘણા જ પાછા હઠ્યા છે તો પછી તેઓને આપણા પર ધસી આવવાને, આપણને ગભરાવવાને, આપણને હરાવવાને અને આપણને પસ્તાવો કરાવવાને શો વિલંબ લાગનાર છે? ભાઈઓ, હું કહું છું તે સાંભળો ને તમારો ઉદ્યોગ પાછો આરંભો. ભાઈઓ, આપણે સુધારાનો ઉપદેશ કરવાને યોગ્ય નથી. નથી ચોખ્ખું આપણી ભાષાનું જ્ઞાન; — સંસ્કૃતનું તો કંઈ જ નહિ; — ગુજરાતી લિપિમાં લખાયેલા શ્લોક પણ ન વાંચી જાણીએ તો બાળબોધ લિપિમાં ક્યાંથી વંચાય? અંગ્રેજી પણ સાધારણ લખી વાંચી સમજી જાણીએ છીએ —બાકી તે ભાષામાં કાવ્ય, ઇતિહાસ, ન્યાય, માનસિક શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર સંબંધી થોડું જ જાણીએ છીએ. આપણે આપણા બીજા હજારો ભાઈઓ કરતાં આપણું ગુજરાતી બોલવું લખવું સારી પેઠે જાણીએ છીએ, તેઓના કરતાં વધારે પૃચ્છક છીએ(વાદ તો કરી જાણતા જ નથી) અને દેખાદેખીથી સંસાર-સુધારાવટ વિષે કંઈ વધારે વિચાર કરી શકીએ છીએ એટલું જ આપણું જોર છે. આપણને સંસારનો અનુભવ પણ પૂરો નથી. ખરેખર સુધારાના ઉપદેશકોમાં વિદ્યા, વાચાળપણું, લખવાની છટા તેમ ઉદ્યોગ, ખંત, નિર્લોભ, લોકાપવાદભયમુક્તિ, નિ:સ્પૃહતા, સર્વ જન સાથે મળતાવડાપણું, ટેકીપણું, સ્વાત્મસુખદુઃખનો સ્વલ્પ વિચાર, એ સૌ સદ્ગુણો જોઈએ, તે તો આપણામાં પ્રથમથકી જ નહિ, તો હમણાં તે ક્યાંથી હોય? જેમ નાનાં બાળક રમત કરે છે તેમ આપણે કોડમાં ને હોંશમાં સુધારો કરવાની રમત કરવી શરૂ કીધી, પણ હવે ગવાઈ ચૂક્યા, છપાઈ ચૂક્યા, લોકના શત્રુ થઈ ચૂક્યા, ને જે કંઈ નહિ તે મોટું મહાભારત થઈ રહ્યું; હવે આપણાથી નહિ નિભાય એમ સમજી શું આરંભેલું કામ મૂકી દેવું? ના, ના ‘માથે પડી વિશ્વદેવા.’ હવે તો આપણે પાછા ઠેકાણે આવી જઈ ઉદ્યોગ જારી રાખવો ઘટે છે. પૈસાથી બહારનો સુધારો છે, — અંદરનો નથી. અંદરનો સુધારો વિદ્યાથી છે, અને વિદ્યા શ્રમ કર્યા વિના ને દુ:ખ ખમ્યા વિના પ્રાપ્ત થતી નથી. દુ:ખને અંતે જે યશ તે જ ખરો યશ છે. ધનબળે દેશનું કલ્યાણ કરનારાઓના કરતાં તનબળથી દેશનું કલ્યાણ કરનારાઓનું માન ને કામ વધારે ઊંચી જાતનું, ઘણી વાર રહે તેવું, અને મૂલ્યવાળું છે. હવે ગમે તેવા છીએ, થોડી પૂંજીએ ઘણું દેખડાવીએ છીએ. કાયર છતે શૂરવીરના ડોળ ઘાલનારા થઈ પડ્યા છીએ. ગમે તેવા છીએ, તોપણ હવે જેવું આપણે ડોળ કર્યું છે તેવું મરતાં લગી રાખી રહેવું જોઈએ. રે ડોળ રાખી રહેવું એટલું જ નહિ, પણ ઉપદેશની દૃષ્ટિએ મનરૂપી ખેતરોને સદ્બુદ્ધિથી ભરપૂર કરી નાખવાં જોઈએ. મૂળ દુઃખના ધર્મ કોણ રાખી રહ્યા છે? બ્રાહ્મણોમાં બ્રાહ્મણપણું નથી ને ક્ષત્રીમાં ક્ષત્રીપણું નથી. રજપૂતે જનોઈ ફેંકી દીધાં ને બ્રાહ્મણે માત્ર લોકલાજે રાખ્યાં છે. ખરું જોતાં, દેશ, રાજ્ય, કુળ, ધર્મ, રૂઢિ, વિદ્યા, બધી વાતમાં આપણાં સેંકડો રૂપાંતરો થઈ ગયાં છે — આપણે બધી વાતે સંકર છીએ. હિંદુરૂપી વહાણ સેંકડો વર્ષ થયાં દુર્દશાના દરિયામાં તોફાન ખાઈ ખાઈને ખોખું થઈ રહ્યું છે, — એટલું છે કે હજી પૂરું ભાંગ્યું નથી. અંગ્રેજી રાજ્ય છે એ યોગરૂપી હોકાથી કંઈ દિશા માલૂમ પડવા લાગી છે, પણ આપણે ખલાસીઓ એકસંપે કામ કરતા નથી. ભાઈઓ, પ્રથમ ગરબડ હોય તો પછી સ્વસ્થતા થાય, ગાજવીજ હોય તો વૃષ્ટિ સારી થાય ને ધાન્ય પાકે. ભીલ પીંડારાઓએ જ રાજ્ય મેળવ્યાં છે તેમ આપણે આજકાલ સુધારાવાળા ગર્જના કરીએ છીએ તે એવી ને એવી જારી રાખીશું તો દેશમાંથી વહેમજવનને હાંકી કાઢવા સમર્થ કેમ નહિ થઈએ? રે દિલગીર થવાનું એટલું જ છે કે આપણે એ ઉદ્યોગ જારી રાખતા નથી. ખરેખર આપણે ઘણું કરવાનું છે. વિદ્યાજ્ઞાનનો પ્રસાર કરવો છે, શુદ્ધ ધર્મ ચલાવવો છે, ઘર સુધારવટ કરવી છે, દેશી રાજ્યની ઊંઘ ઉરાડવી છે, — ટૂંકામાં, નાના-પ્રકારે દેશનો ઉત્કર્ષ કરવો છે. આપણાથી તે કંઈ સઘળું થવાનું નથી, તોપણ શું આપણાં છોકરાં પણ નહિ કરે? જો આપણે અમુક સીમ બાંધી જઈએ તો આપણાં છોકરાંઓને તેટલી તો મહેનત ઓછી. તેઓ પછી ત્યાંથી આગળ વધશે. રણમાં પડ્યા પછી હવે બીવું શું? મહેનત કરતાં લડતાં મરવું એ સમાન પુરુષાર્થ બીજો ક્યો છે? મરતાં લગી ઘાથી રિબાયા તોપણ શું લીધેલું પણ મૂકવું? ખરું કહું છું કે પાંચ જ વીર – ને તેઓ સંસારી સુખની તૃષ્ણા મૂકી દે અને રાત દહાડો સુધારો પ્રસારવાના ઉદ્યોગમાં રહે તો બેશક આપણે ઘણા આગળ વધીએ! રાજ્ય મદદમાં છે — છાપખાનાં મદદમાં છે — શ્રીમંતો પણ ભાવે કભાવે મદદમાં છે અથવા થશે. પણ એ દહાડો ક્યાં કે આપણે પાંચ પણ એકઠા રહીએ? પાંચ તે પાંચ હજારને ભારે પડીએ. પણ સંસાર તૃષ્ણાવાળા અને એકલપેટા સ્વાર્થીઓથી શું થાય? વિલાયત જવું સહેલું હોય તો વિલાયત જઈ આવનારને કોણ માન આપે? જાતિભેદ ઝટ તોડાતો હોય ને પુનર્વિવાહ સહજ થતો હોય તો આટલી બધી ચૂંથાચૂંથ શેની થાય? સંસારમાં સર્વ વસ્તુ નાશ પામે છે. એક માત્ર કીર્તિ નાશ પામતી નથી. માટે સુધારો કરી નામ કરવું અને આવતી પ્રજાને રૂડો દાખલો આપવો એ આપણું પહેલું કામ છે. આપણે પરસ્પર વર્તવાની રીત જુદી છે. અલબત્ત એકેકના વિચારમાં અંતર તો હોય જ, પણ તેટલા ઉપરથી માંહોમાંહે વેર મત્સર રાખવાં, દ્રવ્યમાનને અર્થે ખુશામતિયા થવું, લોભમાં દોસ્તી બાંધવી ને બાંધીને ન નિભાવવી એ નીચ કુળનું લક્ષણ છે. પ્રીત કરી તો કે આગળથી જોઈ તપાસીને બાંધવી, બાંધી કે પછી તેમાં આગળ એકાદું નઠારું નીકળ્યું તોપણ તેને નિભાવવું. જેની સાથે કામ પાડ્યું, જેને માટે લોકોમાં ગવાયા, જેને આપણે આપણું પોતાનું એક વાર પણ કહ્યું, જેની સાથે બેસીને પાન ચાવ્યાં, તેને બાંહે ગ્રહ્યાની લાજ એ બહાને પણ હરગિસ મૂકવું નહિ. પણ અફસોસ, આપણે આજકાલ કોઈ કોઈના નથી! હશે. અગર ઘરમાં ગમે તેમ આપણે ભાઈઓ ભાઈ લડીએ, તોપણ બહાર તો એક જ છીએ એમ બતાવવું જોઈએ.

સ્વાધ્યાય

૧. લીધેલી વાત ન મૂકવા વિષે નર્મદના શા વિચારો છે?
૨. પૈસામાન, વહેમજવન, સુધારો, – એ બધા વચ્ચે પરસ્પર સંબંધ શો છે?
૩. નર્મદ એટલે ‘જોસ્સો’(આ શબ્દ એનો જ છે.) આ પાઠમાંથી જોસ્સાનાં વચનો જુદાં તારવો.
૪. નિબંધ ભાષણ તરીકે વાંચવા માટે લખાયેલો છે. પોતે સામે બેઠેલા ભાઈઓને બે શબ્દ કહેતો હોય એ રીતે લેખકે લખેલો છે. ૪ થી કંડિકામાં ‘એક વાર’ એ શબ્દથી ઘણાં વાક્યો શરૂ થાય છે તે ભાષણની પદ્ધતિ જ સૂચવે છે. લેખમાં વચ્ચે વચ્ચે ‘ઊભા રહો! ઊભા રહો!’ ‘ધન્ય ધન્ય!’ એવા ઉદ્ગારો આવે છે તે પણ બોલવાની છટા જ બતાવે છે. તેવી છટાવાળા ફકરાઓનું યોગ્ય રીતે વાંચન કરો.
૫. આ લેખમાં આવેલી કહેવતો અલગ એકઠી કરો અને તે સમજાવો. દરેક ઉપર, બને તો, દૃષ્ટાંતરૂપે એક એક વાત રજૂ કરો.