સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વસંત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વસંત

(સવૈયા)

ગઈ અમંગલ-વેશ શિશર શિર કેશ વિનાની જર્જરકાય,
મંગલ મુખડે મધુર મલપતી વસંત શી સુંદર સોહાય.
રંગરંગનાં ફૂલે ભરચક લીલી સાડી સુહાવત અંગ,
મલયાનિલના શ્વાસોચ્છ્વાસે સુગંધ-સેરો વહત અભંગ.
આંબા ઉત્તમ સોનામોરે વસંતનો કરતા સત્કાર, ૫
લાલ ધજા કેસૂડાંની લઈ ખાખર કરતા જયજયકાર.
વસંતના કર્ણાભરણાર્થે શિરીષ લાવે નાજુક ફૂલ,
કદંબ કટિમેખલા બનાવે, કુંદ કંકણો બે અણમૂલ.
લળી લળી ઓવારણ લેતી મધુમાલતી ફૂલગુચ્છ લચેલ,
મત્ત માધવી માદક ગંધતણી કરતી પથ રેલંછેલ. ૧૦
જાઈ જૂઈ શિશુના સ્મિત જેવાં કુસુમ લઈ મળવાને જાય,
બટમોગરા સમર્પે સુંદર સુમનો મઘમઘ જે મહેકાય.
કુંજ-ઘટાઓમાંથી કોકિલ વધામણાંનાં મીઠાં ગાન
ટુહૂ ટુહૂ સ્વરથી આલાપે પંચમ સૂરે ભૂલી ભાન.
વન ઉપવન ઉત્સવ ઊજવાતો, વિહંગ નૃત્ય કરતાં ગાય, ૧૫
ભ્રમરવૃંદ મધુપાન કરીને ગુણગુંજન કરવા ઊભરાય,
માનવકુળની યજ્ઞવેદીએ હવન હોળીઓ હર્ષિત થાય,
એ ઉષ્માએ આત્મ-વસંતે દિવ્ય કુસુમલક્ષ્મી લહરાય.
વસંત આવો હસંત, અંતરકુંજ કરો વિમલા વિકસંત,
શોક-જર્જરિત ઈહ-જીવનમાં રમો અમર યૌવન વિલસંત! ૨૦
[પારિજાતમાંથી]

સ્વાધ્યાય

૧. ચિત્રો જેમ કોઈ વાર સુન્દર રેખાઓથી તો કોઈ વાર રંગોની સુન્દર મિલાવટથી ખીલે છે, તેમ કાવ્ય પણ જુદાં જુદાં કારણોથી સુન્દર બને છે. તેમાંનું એક કારણ અક્ષરોની સરસ ગોઠવણી. અક્ષરોમાં વ્યંજન અને સ્વર બંન્ને આવે. અક્ષરો એકબીજામાં સરસ રીતે ભળી જાય એવી રીતે ગોઠવાયા હોય તેને વર્ણ-સગાઈ કહે છે. આ કવિતામાં એવી વર્ણ-સગાઈ ઠેર ઠેર છે. જેમકે, ‘મંગળ મુખડે મધુર મલપતી વસંત શી સુન્દર સોહાય.’ આમાં મ અને સ ની સુરીલી સજાવટથી એક જાતનું સંગીત નીપજતું આપણે જાણે કે અનુભવીએ છીએ. એવી જ રીતે ‘લળી લળી ઓવારણ લેતી મધુમાલતી ફૂલગુચ્છ લચેલ, મત્ત માધવી માદક ગંધતણી કરતી પથ રેલંછેલ;’ આ પંક્તિઓમાં કઈ કઈ વર્ણ-સગાઈ છે તે બતાવો, તેમ જ આખી કવિતામાંથી વર્ણ-સગાઈના જે જે દાખલા તમને નજરે પડે તે બતાવો. અનુસ્વારોના વિવેકભર્યા ઉપયોગથી મધુર બનેલી પંક્તિ કે પંક્તિઓ જો આ કાવ્યમાં તમારા ધ્યાન ઉપર આવે તો તે પણ બતાવો, અને એવી પંક્તિઓની તમારા મન પર કેવી અસર થાય છે તે જણાવો.
૨. ‘વસન્ત’ને કોણે કયા કયા શણગાર સજાવ્યા? કોણે એને સંગીતથી સત્કારી? કોણે એને નૃત્યથી રીઝવી? કોણે એનું ગુણગુંજન કર્યું?
૩. ‘વસંતનું સ્વાગત’ એવા શીર્ષક હેઠળ એક ટૂંકું પણ કાવ્યમય વર્ણન ગદ્યમાં કરો.
૪. ‘વસંત’નાં બીજાં કાવ્યો ભેગાં કરી તેનો એક નાનકડો સંગ્રહ કરો.
૫. આ કવિનાં પ્રકૃતિવર્ણનનાં બીજાં કાવ્યો જેવાં કે ‘એક સવાર’, ‘હેમન્ત’ વગેરે તમે તમારા પુસ્તકાલયમાંથી મેળવી વાંચજો.
૬. છ ઋતુઓ કઈ કઈ? તેમનાં લક્ષણો? ગમે તે એક પર નિબંધ લખો.