સાહિત્ય પલ્લવ – ભાગ ૧/સદાકાળ ગુજરાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સદાકાળ ગુજરાત

(રાગ આશાવરી — લાવણી)


જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ,
જ્યાં ગુર્જરના વાસ;
સૂર્યતણાં કિરણો દોડે ત્યાં ૫
સૂર્યતણો જ પ્રકાશ:
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજપ્રફુલ્લ પ્રભાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુજ્જર વાણી, ગુજ્જર લહાણી
ગુજ્જર શાણી રીત; ૧૦
જંગલમાં પણ મંગલ કરતી
ગુજ્જર ઉદ્યમપ્રીત;
જેને ઉર ગુજરાત હુલાતી તેની સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી ૧૫
પુણ્યવિરલ રસભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે—
કોણ જાત ને કોમ!
ગુર્જર ભરતી ઊછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ૨૦

અણકીધાં કરવાનાં કોડે,
અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્યતણા ઉર
વૈભવરાસ રચાય:
જય જય જન્મ સફળ ગુજરાતી! જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
[રાષ્ટ્રિકામાંથી]

સ્વાધ્યાય

૧. ‘સદાકાળ’ ગુજરાત શા માટે?
૨. આ કાવ્યની જોડે બીજું કોઈ પણ ગુજરાતને લગતું એક કાવ્ય સરખાવો.
૩. ગુજરાત વિષે આ કાવ્યમાંથી શું જાણવા મળે છે?
૪. ગુજરાત સાથે જે શબ્દોના પ્રાસ મળે છે તે જુદા તારવી તેમના ચોક્કસ અર્થ સમજવા પ્રયત્ન કરો.
૫. મીરાંનાં ઘણાંખરાં કાવ્યો ‘પ્રભુ ગિરધર નાગર’ એ શબ્દોથી ઓળખાઈ આવે છે. કવિશ્રી ખબરદારનાં કેટલાંક ગીતોને છેડે ક્યાંક ‘અદલ ‘શબ્દ વપરાયો હોય છે; બીજા આવા દાખલા ખ્યાલમાં હોય તો જણાવો.