સાહિત્ય પલ્લવ – ભાગ ૧/‘ઇત્યાદિ’ની આત્મકથા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘ઇત્યાદિ’ની આત્મકથા

નર્મદાશંકર

[‘ઇત્યાદિ’ શબ્દ પોતે પોતાની કથા કહે છે. આ રીતની કથાને આત્મકથા કહે છે. જીવતા માણસો તો પોતાની કથા કહે, પણ કોઈ વાર લેખકો કલ્પના કરે છે કે અમુક જડ વસ્તુ પોતાની કથા કહે તો કેવી રીતે કહે, અને પછી તે જે રીતે કહે એમ એમને લાગે તે રીતે લેખ તૈયાર કરે છે. આવી કલ્પિત આત્મકથાઓ જ્ઞાન સાથે રમૂજ આપનારી નીવડે છે. બોલનાર પદાર્થ ખાસ આપણને જ ભેદ ખોલીને પોતાની બધી વાત કહેતો હોય એમ લાગવાથી આપણે એમાં રસ પણ વધારે લઈ શકીએ છીએ. એવાં કારણોથી આવી કલ્પિત આત્મકથાઓ લખવાની પદ્ધતિ કેટલીક વાર લેખકો પસંદ કરે છે. ‘ઇત્યાદિ’ જેવા એક શબ્દનો જ્ઞાન અને ભાષાના ટૂંક ભંડોળવાળા ભાષણકર્તાઓ પોતાની દરિદ્રતા ઢાંકવા કેવી બેહૂદી રીતે ઉપયોગ કરે છે એ લેખકે બતાવ્યું છે. પણ ‘ઇત્યાદિ’ પોતે બોલનાર હોવાથી તે તો કહે છે કે તેની ‘માનરક્ષા’ કરે છે. પેલા લેખકોને પણ તેમની કચાશ ઢાંકવા આ શબ્દ ઠીક કામમાં આવે છે. ટૂંકામાં, તે કહે છે તેમ ‘હું પહોંચતાં જ અપૂર્ણ વિષય પૂર્ણ થઈ જાય છે.’ ન જાણે શી દુર્દશા થાત!— એમાં ‘ન જાણે’નો પ્રયોગ વિચિત્ર છે. ‘જાણે’નો કર્તા કયો? ‘જાણું’ હોત તો બોલનાર માણસ કર્તા એમ લઈ શકાત. ‘કોણ જાણે?’ — એ રીતે આપણે બોલીએ છીએ તેમાં ‘જાણે’નો કર્તા ‘કોણ’ સ્પષ્ટ છે, આ ‘ન જાણે’ સંસ્કૃત न जाने (હું જાણતો નથી. जाने પહેલા પુરુષ અને એકવચનનું રૂપ છે.) ઉપરથી અનુકરણમાં ગુજરાતી કરેલું રૂપ લાગે છે. આપણા સાક્ષર શ્રી. બળવંતરાય ક. ઠાકોર ‘નજાને’ એમ એક ભેગો શબ્દ જ ‘હું જાણતો નથી’ના અર્થમાં વાપરે છે. ‘અવ્યય’ વંશવાળાઓ — પદ(શબ્દ) માત્રના બે ભાગ પાડી શકાય:(क) વ્યયી પદ, એટલે કે જે શબ્દમાં ફેરફાર થાય છે તે; (ख) અવ્યય, જે શબ્દમાં ક્યારેય કશો પણ ફેરફાર થતો નથી તે. (૧) નામ, (૨) સર્વનામ,(૩) વિશેષણ અને (૪) ક્રિયાપદ વ્યયી પદ છે; કેમકે દા. ત. ‘ગામ’ નામ લઈએ તો તેમાં પ્રત્યય લાગવાથી ફેરફાર થઈને ગામો, ગામે, ગામમાં, ગામને, ગામોએ, એવાં રૂપ બને છે. સર્વનામ ‘હું’ લઈએ તો મને, મારું, મેં, એવા એનામાં ફેરફાર થાય છે. વિશેષણ ‘સારું’માંથી સારો, સારાં, સારી, સારા, એવાં અને ક્રિયાપદ ‘જવું’માંથી ગયો, જતાં, જાઉં, જાય, જશે, જા, જવા, જઈ, ગયેલું, જઈશું, એવાં રૂપો મૂળ શબ્દમાં કાંઈ ને કાંઈ ફેરફાર થવાથી થાય છે. જ્યારે (૫) ક્રિયાવિશેષણ અવ્યય, (૬) નામયોગી અવ્યય, (૭) ઉભયાન્વયી અવ્યય અને (૮) કેવળપ્રયોગી અવ્યય, એ પદો અવ્યય છે; એટલે કે (૫) કદી, ક્યારે, ક્યાં, સદા, દૂર, (૬) માટે, વડે, ઉપર, સારુ, (૭) અને, પણ, તો, ત્યારે,(૮) ઓહ! અફસોસ! હા! હા! અરે! હાશ! — આ શબ્દો તેવા ને તેવા જ રહે છે. એમનામાં કાંઈ ફેરફાર થતો નથી. તેમને કોઈ ‘પ્રત્યય’ લાગતા નથી એટલે એમના રૂપમાં ફરક પડતો નથી, જેવું વ્યયી પદોની બાબતમાં બને છે.] શબ્દસમાજમાં મારું કાંઈ જેવું તેવું માન નથી. મારું તો એટલું બધું સન્માન છે કે વક્તાઓએ અને લેખકો મને બળાત્કારથી પકડી જાય છે. એક આખા દિવસમાં તો મને કેટલાય જણા બોલાવવા આવે છે. સભા, સોસાયટીઓમાં જઈ જઈને મને ઊંઘવાની પણ ફુરસદ મળતી નથી. જો હું વગર બોલાવ્યે ક્યાંય જઈ ચડું છું તોપણ અતિશય સન્માનપૂર્વક મને યોગ્ય સ્થાન મળે છે. ખરું પુછાવો તો, શબ્દસમાજમાં હું, ‘ઇત્યાદિ’ શબ્દ, ન હોત તો લેખકો અને વક્તાઓની ન જાણે શી દુર્દશા થાત! પણ હા, આટલું બધું સન્માન મળવા છતાં પણ આજ સુધી કોઈએ મારી જીવનકથા ન લખી. સંસારમાં થોડું કામ કરનારાઓને માટે લેખકો મીઠું મરચું ભભરાવી પાનાં ને પાનાં ચીતરી કાઢે છે; પરંતુ મારે માટે તો કોઈએ એક લીટી પણ ન લખી. વાચક! તેમાં એક ભેદ છે. જો લેખકો મારા ગુણ બધા સાધારણ માણસો આગળ પણ પ્રકાશ કરે તો તેમની યોગ્યતાનું પોગળ જરૂર ખૂલી જાય; કારણ તેમની શબ્દદરિદ્રતાની અવસ્થામાં હું જ એકલો તેમનો આધાર છું. ઠીક, આજે ચારે તરફથી નિરાશ થઈ હું પોતે મારી આત્મકથા કહેવાને, ગુણાવલિ ગાવાને બેઠો છું. વાચકો, આત્મપ્રશંસાનો અથવા તો ‘વરની મા વરને વખાણે’ એ દોષ મારા ઉપર ન મૂકતા. તેની હું ક્ષમા ચાહું છું. મારા જન્મનો સન, સંવત, મિતિ, દિવસ, કાંઈ મને યાદ નથી, માત્ર એટલું જ યાદ છે કે જ્યારે ‘શબ્દનો મોટો દુકાળ’ પડ્યો ત્યારે મારો જન્મ થયો હતો. મારી માતાનું નામ ‘ઇતિ’ અને પિતાનું નામ ‘આદિ’ છે. મારી મા અવિકારી ‘અવ્યય’ કુટુમ્બ કુળની છે. મારે માટે આ થોડા ઘણા ગૌરવની વાત નથી; કારણ કે શેષશાયી ભગવાનની કૃપાથી ‘અવ્યય’ વંશવાળાઓ, પ્રતાપી મહારાજ ‘પ્રત્યય’ને કોઈ દિવસ આધીન નથી થયા; સદા સ્વતંત્રતાથી રહેતા આવ્યા છે. હું જ્યારે બાળક હતો ત્યારે મારા માબાપે એક જોશીની પાસે મારા અદૃષ્ટનું ફળ જોવરાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આ છોકરો વિખ્યાત અને પરોપકારી થશે. એના મંડળમાં એ સૌનો પ્રિય બનશે, પરંતુ દોષમાં દોષ એટલો જ છે કે એ કુંવારો રહેશે; લગ્ન નહિ થવાથી તેને છોકરાં છૈયાં નહિ થાય.’ આ સાંભળીને મારાં માબાપના મનમાં પહેલાં તો થોડું દુઃખ થયું. પરંતુ કરે શું? એ તો થવાનું જ નશીબમાં લખાયું હતું. એથી કરીને દિલગીરી છોડી દઈને તેમને મન વાળવું પડ્યું. એ બંનેએ પોતાનું નામ ચિરસ્મરણીય કરવા માટે (મારાથી જ તેમના વંશની ઇતિશ્રી હતી) મારું નામ બીજું કાંઈ ન રાખતાં પોતાનાં જ નામોને જોડી દઈને એ મને બોલાવવા લાગ્યાં. એથી હું ‘ઇત્યાદિ’ કહેવાયો. શરૂઆતમાં મારી એટલી બધી પ્રસિદ્ધિ નહોતી. કારણ, એક તો બાલ્યાવસ્થામાં બહુ થોડા લોકો સાથે મારી ઓળખાણ પિછાણ હતી. બીજું, એ વખતે બુદ્ધિમાનોના બુદ્ધિભંડારમાં શબ્દની દરિદ્રતા પણ નહોતી. પરંતુ જેમ જેમ શબ્દદારિદ્રય વધતું ગયું તેમ તેમ મારું સન્માન પણ વધતું ગયું. આજકાલની વાત તો પૂછવી જ નહિ. આજકાલ તો મારા જેટલાં સન્માનવાળો મારા મંડળમાં ભાગ્યે જ કોઈ વિરલો હશે. મારો આદર વધતો ગયો તેની સાથે નામ પણ વધતાં ગયાં. આજકાલ મારાં અનેક નામ છે. ભિન્ન ભિન્ન ભાષાના ‘શબ્દસમાજ’માં મારાં ભિન્ન ભિન્ન નામ છે. મારો પહેરવેશ પણ જુદો જુદો છે. જેવો દેશ તેવો વેશ કરી હું સર્વત્ર ફરતો ફરું છું. તમે તો જાણતા જ હશો કે સર્વેશ્વરે અમને શબ્દોને સર્વવ્યાપક બનાવ્યા છે, એથી હું એક જ વખતે અનેક જગ્યાએ કામ કરું છું. જે વખતે હું વિલાયતની પાર્લમેન્ટમાં બેઠો હોઉં, તે જ વખતે ભારતવર્ષની પંડિત મંડળીમાં પણ બિરાજમાન થઈ શકું છું. જ્યાં જુઓ ત્યાં હું હાજર જ છું. મારામાં એક મોટો ગુણ એ છે કે, રાજા કે રંક, પંડિત કે મૂર્ખ, ગમે તેને ઘેર જવામાં હું સંકોચ રાખતો નથી, માન અપમાન પણ ગણતો નથી. મારા બીજા શબ્દ બન્ધુઓમાં આ ગુણની ખોટ છે. કેટલાક મારા શબ્દ બન્ધુઓ તો બોલાવ્યા છતાં પણ નવા આવવામાં બહુ આનાકાની કરે, બહુ માન માગે છે, અને ગયા પછી માનવાળી જગ્યા ન મળવાથી ગુસ્સે થઈ ઊઠી પણ આવે છે. આપણને તો એમાનું કાંઈ જ ન મળે, અને તેથી જ હું બધા સાક્ષરોનો અતિ માનવંતો સ્નેહી અને સહાયક થઈ પડ્યો છું! પરોપકાર અને બીજાઓની માનરક્ષા એ તો મારું જીવન-કર્તવ્ય જ છે. એમ કર્યા વગર મને ઘડી પણ ચેન પડતું નથી. દુનિયામાં એવું કોણ છે કે જેને ત્યાં અવસર આવતાં હું કામમાં ન આવ્યો હોઉં? ગરીબ લોકો ભાડાનાં કપડાંલત્તાં પહેરીને મોટી મોટી સમાજોમાં પણ માન મેળવે છે; કોઈ તેમને ગરીબ ધારતું નથી. તેમ હું પણ નાના નાના વક્તાઓ અને લેખકોની દરિદ્રતાને એકદમ દૂર કરી દઉં છું. લો તેના એક બે દાખલા. વક્તા મહાશય ભાષણ આપવા ઊભા થયા છે. પોતાની પંડિતાઈ બતાવવાને માટે બધાં શાસ્ત્રોની થોડી ઘણી વાત કહેવી જોઈએ. પરંતુ શાસ્ત્ર તો ક્યાંય રહ્યાં, પણ એ શાસ્ત્રોનાં પાનાં ઉથલાવવાનું પણ સૌભાગ્ય તેમને મળ્યું નથી. આમતેમથી સાંભળીને એક બે શાસ્ત્ર અને શાસ્ત્રકારનાં નામ માત્ર તેમણે જાણી લીધાં છે. ભાષણ કરવા તો ઊભા થયા છે, પણ કહે શું? હવે તે ચિન્તાના સમુદ્રમાં ગોથાં ખાવા અને મોં ઉપર રૂમાલ દાબી ઉધરસ ખાતાં ખાતાં આમતેમ જોવા લાગ્યા. જે મુખકમળ પહેલાં ઉત્સાહસૂર્યનાં કિરણોથી ખીલી નીકળ્યું હતું, તે હવે ગ્લાનિ અને સંકોચ પડવાથી કરમાવા લાગ્યું. તેમની આવી દશા જોઈ, મારા હૃદયમાં દયા ઊભરાઈ આવી. એ વખતે વગર બોલાવ્યે હું તેમની મદદે જઈ ઊભો અને તેમના કાનમાં છાનુંમાનું કહ્યું ‘મહાશય! કાંઈ ફિકર નહિ. હું આપની મદદે છું. આપના મનમાં જે આવે તે બોલવું શરૂ કરો, પછી તો બધું હું નિભાવી લઈશ.’ આમ હિંમત મળવાથી વક્તા સાહેબના જીવમાં જીવ આવ્યો. થોડાક વખતને માટે તેમના મોં પરના આકાશમંડળમાં ચિંતા-ચિહ્નનું વાદળ દેખાયું હતું, તે મારી હિંમતના ધડાકાથી એકદમ ફાટી ગયું, અને ઉત્સાહનો સૂર્ય પાછો પ્રકટી આવ્યો, અને તેમણે પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું. ‘મહાશયગણ, મનુ ઇત્યાદિ ધર્મશાસ્ત્રકાર, વ્યાસ ઇત્યાદિ પુરાણકાર, કપિલ ઇત્યાદિ દર્શનકારોએ કર્મવાદ, પુનર્જન્મવાદ ઇત્યાદિ જે જે દાર્શનિક તત્ત્વો ભારતના ભંડારમાં ભર્યાં છે એ જોઈ મૅકસમૂલર ઇત્યાદિ પાશ્ચાત્ય પંડિતો ઘણા આશ્ચર્ય પામી ચૂપ થઈ જાય છે.... ઇત્યાદિ, ઇત્યાદિ.’ જણાવવાની જરૂર નથી કે વક્તા મહાશય ધર્મશાસ્ત્રકારોમાં માત્ર મનુ, પુરાણકારોમાં માત્ર વ્યાસ, અને દર્શનકારોમાં ફક્ત કપિલનું જ નામ જાણે છે. પરંતુ જુઓ, મેં તેમની દરિદ્રતા દૂર કરીને ઉપરથી એવાં કપડાં પહેરાવ્યાં કે અંદરનાં ફાટ્યાં તૂટયાં મેલાં ચીંથરાંઓ કોઈએ જોયાં નહિ. વળી સાંભળજો. કોઈ સમાલોચના (ગ્રન્થાવલોકન) કરનાર સાહેબનું ઘણા દિવસથી કોઈ ગ્રન્થકાર સાથે ઊંચું મન થયું છે. એ ગ્રન્થકારનું કોઈ પુસ્તક તેમની પાસે અવલોકન માટે આવ્યું ત્યારે એ ઘણા ખુશી થયા. ઘણા દિવસથી એ દાવની શોધમાં ફર્યા કરતા હતા. પુસ્તકને ઘણા ધ્યાનપૂર્વક ઉથલાવી ઉથલાવીને તેમણે જોયું. કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ખાસ દોષ પુસ્તકમાં તેમને જડ્યો નહિ. છાપવાની બેએક સામાન્ય ભૂલો ખોળી, પરંતુ એથી જગસમાજ સંતોષાય નહિ; – એવી સ્થિતિમાં બિચારા અવલોકનકાર સાહેબ એકદમ મારે શરણે આવ્યા એટલે પછી પૂછવું જ શું? પોબાર! તેમણે પુસ્તકનું અવલોકન કર્યું કે: ‘પુસ્તકમાં કેટલાક દોષો છે એ બધા બતાવીને ગ્રન્થકારની અયોગ્યતાનો પરિચય આપવા તથા અમારા પત્રની જગ્યા રોકવા અને વાચકોનો સમય ગુમાવવા અમે ચાહતા નથી. પરંતુ બેએક સામાન્ય દોષ અમે બતાવી દઈએ છીએ કે......ઈત્યાદિ, ઇત્યાદિ.’ વાચકવૃન્દ! જોયું? અવલોકનકાર સાહેબનું મેં કેવું સરસ કામ કર્યું? આ અવસર ચાલ્યો જાત તો પછીથી તે પોતાનો દાવ કેવી રીતે વાળત? આ તો થઈ ખરાબ સમાલોચનાની વાત; પણ સારી સમાલોચના કરવાનું કામ પડે તોપણ મારા આશ્રયથી ખરાબ પુસ્તકોની પણ એ સારી સમાલોચના કરી શકે છે. હું તો કેટલું કહું? હું મૂર્ખને પંડિત બનાવું છું, યુક્તિ ન સૂઝે તેને યુક્તિ સુઝાડું છું, લેખકને ભાવ પ્રકાશ કરવાને ભાષા નથી જડતી તો હું યોગ્ય ભાષા શોધી આપું છું, કવિને જ્યારે ઉપમા નથી મળતી ત્યારે હું ઉપમા બતાવું છું: ખરું પુછાવો તો, હું પહોંચતાં જ અપૂર્ણ વિષય પૂર્ણ થઈ જાય છે. બસ, આટલું કહ્યાથી શું મારો મહિમા પ્રકટ નથી થતો?

સ્વાધ્યાય

૧. ‘ઇત્યાદિ’ની જીવનકથા તમે તમારા શબ્દોમાં (તમે કહેતા હો તેમ) લખો.
૨. ‘આગગાડી’, ‘રૂપિયો’, ‘કાગળ’, ‘ચાક’(ખડી), ‘ભાંગેલી તલવાર’, ‘પરીક્ષાનો દિવસ’,—આમાંથી કોઈ પણ એકની આત્મકથા લખો.
૩. વ્યયી પદો અને અવ્યયોમાં શો ફેર છે? બંનેના દાખલા (‘મનુ ઇત્યાદિ’ જેવું ન થાય એ ધ્યાનમાં રાખીને) આપો અને શા માટે બેમાં ફેર છે એ દાખલાની મદદથી સમજાવો.
૪. નીચેનાં પદો વ્યયી છે કે અવ્યય તે નક્કી કરો: તું, ત્યાં, ત્યારે, સારુ, સારું, હા, ને, ખાતાં, શાળામાં, ઘરને, ખૂબ.
૫. પ્રત્યય એટલે શું? તેના નમૂના આપો.