સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ગ્રામ્ય માતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગ્રામ્ય માતા

સુરસિંહજી ગોહિલ - ‘કલાપી’

ઊગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં!

મધુર સમય તેવે ખેતરે શેલડીના,
રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે!

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી;
અહો! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દિસે!

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે :
ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં!

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,
જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે;

ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક એ ઊઠી ત્યારે, ‘આવો બાપુ’ કહી ઊભો.

‘લાગી છે મુજને તૃષા, જલ ભરી દે તું મને’ બોલીને,
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ.
‘મીઠો છે રસ ભાઈ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી.

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી.
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

‘બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

કાપી કાપી ફરી ફરી અરે! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસ તણું કેમ હાવાં પડે ના?
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ,
‘નહિ તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી.

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતા તણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ! બાઈ!
‘એ હું જ છું નૃપ, મને કર માફ! ઈશ!

‘પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ અરે! ત્યારે જ ધાર્યું હતું,
‘આ લોકો સહુ દ્રવ્યવાન નક્કી છે, એવી ધરા છે અહીં,
‘છે તોયે મુજ ભાગ કૈં નહિ સમો તે હું વધારું હવે,
‘શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહિ?

‘રસે હવે દે ભરી પાત્ર બાઈ
‘પ્રભુકૃપાએ નક્કી એ ભરાશે;
‘સુખી રહો બાઈ! સુખી રહો સૌ,
‘તમારી તો આશિષ માત્ર માગું!’

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બહોળો વહે રસ અહો! છલકાવી પ્યાલું!

સ્વાધ્યાય

૧. આ કાવ્યને ગદ્ય-કથાના રૂપમાં ફરીથી લખો. એમ કરતાં જરૂર જણાયે નવી કલ્પના, નવા ભાવ કે નવા શબ્દોનો ઉપયોગ કરવો.
૨. હેમન્ત ઋતુના એક પ્રભાતનું ટૂંકું વર્ણન કરો.
૩. યુવાન આવ્યો ત્યારે બાળકો અને વૃદ્ધો શું શું કરતાં હતાં તે જણાવો.
૪. શેરડીમાંથી રસ શાથી ન નીકળ્યો?
૫. નૃપનો હૃદયપલટો કેવી રીતે થયો તે જણાવો.
૬. ‘ગ્રામ્ય માતા’ મથાળું બરાબર છે કે કેમ તે ચર્ચો.