સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્'

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’

[મેઘમાં રહેલાં અસાધારણ કલા, રંગો અને તેની અનેક લીલાની આ કવિના મન પર બહુ ઊંડી છાપ પડેલી હોય એમ તેમનાં કાવ્યો જોતાં લાગે છે. વાદળીનું નામ આવતાં જ જાણે તેમનું હૃદય આનંદથી થનગની ઊઠે છે. એ થનગનાટ ‘કાવ્યમંગલા’માંની એમની ‘રંગ રંગ વાદળિયાં’ નામની એક કવિતામાં છે. વળી ‘વાદળી’, ‘માગણ’ અને ‘મેઘનૃત્ય’ નામનાં ‘કાવ્યમંગલા’માંનાં બીજાં ત્રણ કાવ્યોમાં પણ એ જ વિષય છે. ‘દુનિયાનો દાતાર’ અને ‘બહુરૂપિણી’માં પણ એ જ વિષય છે. ‘દુનિયાનો દાતાર’ ‘કાવ્યમંગલા’માંથી છે. ‘બહુરૂપિણી’ ‘વસુધા’માંથી છે. ‘કાવ્યમંગલા’માં એ એક જ વિષય ઉપર અનેક કાવ્ય લખ્યા છતાં એનું આકર્ષણ કવિના મનથી જરાય ઓસર્યું નથી બલકે વધ્યું છે, એ આપણને ‘વસુધા’માંની ‘બહુરૂપિણી’માંથી દેખાય છે. એટલું જ નહિ, પણ એક જ વિષય ઉપર ઊંડું ચિંતન કરતાં, વારંવાર રટણ કરતાં, તે વિષયના તત્ત્વને કેવી સરસ રીતે પકડી શકાય છે તે પણ એમાંથી માલૂમ પડે છે. ‘બહુરૂપિણી’માં કવિ મેઘની લીલાનું વિરલ દર્શન ઝીલી શક્યા છે. ‘દુનિયાનો દાતાર’માં મેઘને ધરતીના ધારણહાર તરીકે વર્ણવ્યો છે. ધરતી તો કેવડી મોટી! કેવી વિરાટ! તેનો તો એ ધારણહાર છે જ, પણ નાનકડા નાજુક તરણાનોય તારણહાર મેઘ જ! અને એના હાથમાં એ કેટકેટલી ભેટો લાવ્યો છે તે તો જુઓ! એનાં અમૂલ્ય અમૃત-બિદુઓથી ધરતીને એ નવાજે છે. તેની આગળ હીરા મોતીનું શું ગજું! અને ધેનુ માટે એ દૂધની ધાર ને બાળગોપાળ માટે મીઠાઈ લાવ્યો છે. એ તો મામો મેઘરાજ! ધરતી પર આમ એણે લીલાલહેર કરાવી મૂકી. સ્વર્ગનેય તે બાકી રાખે ખરો? ગડગડાટ ડંકા વગાડી સૂતેલા ‘ઇન્દરરાજ’ને એણે જગાડ્યા, અને પછી? કવિની વાણીમાં જ એ તો આપણે સાંભળવું જોઈએ. અને આમ બધાને જગાડતો, બધાં ઉપર અમૃત-છંટકાવ કરતો એ આવ્યો છે, ત્યારે શિયાળાની અસહ્ય ઠંડી અને ઉનાળાના ધગધગતા અંગારથી બચવા માટીની ચાદર ઓઢી ધરતીમાં પોઢી ગયેલાં બીજ, વેલી વગેરેનું શું? તેમને તો જાણે જીવનસંદેશ જ મળ્યો. તેમની બધી ચિંતા, બધો તાપ સરી પડ્યો અને પોતાની માટીની ચાદરમાંથી મેં બહાર કાઢી તાજગીભર્યાં ચહેરે તેઓ જાણે થનગની રહ્યાં! આવા આ પરમ ઉત્સવ અને ઉલ્લાસનું અમૃતગાન આ કાવ્યમાં ભર્યું છે. કેવા અનંત આશીર્વાદ જગત ઉપર મેઘ ઉતારે છે તેનું આ સુન્દર વર્ણન ફરી ફરી વાંચી, ‘બહુરૂપિણી’ વાંચશો તો ખૂબ આનંદ આવશે.]