સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ'

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભનુભાઈ વ્યાસ – ‘સ્વપ્નસ્થ’

[સૂના, ખાલીખમ, ખાવા ધાતા ધગધગતા આકાશમાં, વેળા વીતી ગયા છતાં, હજુ મેઘનાં કોઈ ચિહ્નન નથી તેવા કોઈ દુઃસહ પ્રસંગને, તે પ્રસંગને અનુરૂપ વેગ અને વેદના ભરી વાણીમાં ઉતારતું આ ગીત વાણીમાં જે શક્તિ રહેલી છે તેના સરસ નમૂના જેવું છે. ‘ઝંખે છે ભોમ પાણી પાણી’ – એ પંક્તિમાં પાણી શબ્દના પુનરાવર્તનથી કથન કેટલું જોરદાર બન્યું છે તે નોંધજો, અને આવી તીવ્ર તૃષા -તે ‘હે મેઘ, એક તને જ અજાણી? ’ કેવો સ્વાભાવિક, પણ કેવો વેદના-ભર્યો પ્રશ્ન! જો મેઘને કાન હોય તો આટલા એક પ્રશ્નથી જ તે દોડી આવી, એમ ન કહેવા મંડી જાય કે, ‘ના, ના. એવું નથી. હું જાણું છું. હું જાણું છું. આ હું આવ્યો.’ પણ ના, મેઘ એટલો સહૃદય નથી –કે કદાચ તે રીઝવા માટે વધુ તપની અપેક્ષા રાખતો હશે. એટલે કવિ કહે છે કે, ‘જાણે મૃત્યુની ખીણ ન હોય તેમ આકાશ મેલું મેલું બની ગયું છે, અને ત્યાં તો સૂરજની ચિતા જલી રહી છે. એ ચિતાને ઠારવા ખડા (ખડક જેવાં વાદળાં) હજુયે ન ખેંચાય? પણ આટલું તપેય જાણે ઓછું હોય તેમ મેઘ ઉપર તો આ આર્ત વાણીની કંઈ અસર નથી થતી. એટલે કવિ કહે છે : ‘વાયરા રૂંધાયા છે, દિશાઓ તપેલી ગોરજથી રતૂમડી બની ઘેરાઈ રહી છે, છતાં એ આરજૂ (ઇચ્છા) તું નથી કળી શકતો? અરે! ટીંબા (ટેકરા) પરની વાવ ખાલી ખમ ભેંકાર (ભયંકર) પડી છે, ને સીમે જાણે શોકની સોડ તાણી છે! હવે તો તું આવ! ધરતી જાણે સહરા જેવી બની ગઈ છે તોય શું તારા મનમાં એમ છે કે એને પ્યાસ (તરસ) ક્યાં લાગી છે? ભલા, પ્યાસનું આથી ભૂંડું બીજું કોઈ ચિહ્ન છે ખરું?’ અને કવિને તરતજ ખ્યાલ આવે છે કે મેઘ કહેશે કે આ તો બધી નિર્જીવ દુનિયાની વાત થઈ. સજીવ સૃષ્ટિનું શું? એટલે તરત જ કવિ કહે છે: ‘અરે, ભાઈ, જોજો, ભાંભરી ભાંભરી ગાય ભેંસ બીચારાં અધમૂઆં થઈ ગયાં છે. પંખી ગુપચુપ જુએ છે, અને એમની ચાંચો! — ઓ મેહુલા, જો, જો. જરી તો જો! કેવી એ ઘડી ઘડીમાં ઊઘડી ઊઘડી બિડાઈ રહી છે! જીવતી જાગતી જિંદગી જાણે તને પોકારી રહી છે. તેની વાણી તું નહિ સાંભળે? અને અમે માનવીયે કેવાં વિહ્વળ બની, કેવી આતુરતાથી એ કરાળ ક્ષિતિજ ઉપર મીટ માંડી બેઠાં છીએ! પણ તારી એંધાણી ક્યાં?’ કેમેય ન રીઝતા આ ‘મેહુલા’નું ગીત તીવ્ર વેદનાથી પ્રાણને હચમચાવી નથી મૂકતું? ‘ચાંચો ઉઘાડી ... બિડાણી ... ઓ મેહુલા!’ જેવી પંક્તિઓ કેટલી સુન્દર છે! બીજું કાવ્ય ‘કંટક-પ્યાસ’ એ જ કવિનું છે. જળની પ્યાસ હોય, ધનની પ્યાસ હોય, કીર્તિની પ્યાસ હોય, પણ આ તો કંટક-પ્યાસ! શું છે એ? કવિતા વાંચીને જાતે જ શોધી લેજો, અને કવિતામાં શું સુન્દર છે તે પણ તમે જાતે જ નક્કી કરજો. ૨. આડંબર – ફટાટોપ. સામાન્ય રીતે આ શબ્દનો ઉપયોગ આપણે દબદબો કે ખોટા ડોળના અર્થમાં કરીએ છીએ, પણ અહીં એ અર્થ નથી લેવાનો.]