સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સુરસિંહજી ગોહિલ - ‘કલાપી’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સુરસિંહજી ગોહિલ – ‘કલાપી’

[આ કાવ્યનું મથાળું ‘ગ્રામ્ય માતા ’ છે. પણ સંસ્કૃતમાં ગ્રામ્ય શબ્દ પ્રાકૃત, અણઘડ કે જંગલીના અર્થમાં પણ વપરાય છે, જ્યારે આ કાવ્યમાં કવિ ગામડામાં રહેનાર–ભોળી—એવો અર્થ કરે છે. એ અર્થમાં અહીં ગ્રામ્ય શબ્દ લેવો. આ કાવ્યની કથા અતિ સરળ છે. આવી કથાઓ લગભગ દરેક દેશમાં હશે. ‘રાજા તેવી પ્રજા’ એવી આપણી એક જૂની કહેવત છે. એ કહેવત અનુસાર સારા રાજકર્તાના અમલમાં લોકો સુખી રહે. પણ જો રાજા લોકનાં સુખની અદેખાઈ કરે, અરે, લોકો પાસે ઠીક સમૃદ્ધિ છે એમ વિચારી તેમાં ભાગ પડાવી પોતાની તિજોરી તર કરવા વિચાર કરે તો? આ કાવ્યમાં એ પ્રશ્ન ચર્ચ્યો છે. એમાં થોડોક ચમત્કારનો અંશ પણ કવિએ દાખલ કર્યો છે, પણ એથી કવિતાના હેતુને કંઈ નુકસાન પહોંચતું નથી એટલું જ નહિ, પણ કવિએ જે સ્વાભાવિક્તાથી એ ચમત્કારનું વર્ણન કર્યું છે તે ઉપરથી તો એમ જ માનવાનું મન થાય કે આવું જરૂર બને. આ કવિતામાં કટલાંક વર્ણનો સુન્દર છે. શરૂઆત જ કેવી સુન્દર છે! સુરખી-ભર્યો હેમન્તનો મૃદુ રવિ જાણે પહેલી પંક્તિ વાંચતાં આપણે અનુભવવા મંડીએ છીએ, અને બીજી ત્રીજી પંક્તિમાં તો પ્રસન્ન ભૂરું આકાશ અને સવારનો આહ્લાદક શીતળ પવન જાણે આપણને પ્રસન્નતાથી ભરી દે છે. ને પછી આવતું ખેડૂતનાં ગભરુ બાળકોનું વર્ણન! તાજગી અને તંદુરસ્તી ભર્યાં, ખીલેલાં કમળ જેવા બાળકોના ગાલ જોતાં જાણે તે કમળ તો નથી એમ ભુલાવામાં પડી, સૂર્ય પોતાનાં કિરણો તેની ઉપર ફેલાવે છે. આવું સુરેખ ચિત્ર કવિ જ્યારે આપણા મન આગળ ખડું કરે છે ત્યારે આપણે એના દર્શનમાં મશગૂલ બની જઈએ છીએ. શ્રી. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની એક ઘણી જાણીતી પંક્તિ આપણને યાદ આવે છે :

ગોરે ગાલ અડપલાં કરતો
શિયાળો આવ્યો સૂસવતો!

શિયાળામાં બાળકોના ગાલ ફાટી જાય તેનું કેવું સુન્દર વર્ણન છે. બાળકોના ગુલાબી ગાલનું કલાપીનું વર્ણન પણ એવું જ મઝાનું છે. એ વર્ણનની ‘રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે’ પંક્તિમાં કવિએ સજીવારોપણ અલંકારનો ઉપયોગ કર્યો છે. કોઈ નિર્જીવ વસ્તુમાં જીવનું આરોપણ કરવામાં આવે તેને સજીવારોપણ કહે છે, જેમકે સંધ્યાએ ગુલાબી સાડી પહેરી. અહીં સંધ્યાની સ્ત્રી તરીકે કલ્પના કરી તેમાં સજીવતા આરોપી છે. આ કાવ્યમાંથી આવાં બીજાં વર્ણન અને ચિત્રોનો આસ્વાદ કરવા માટે એ મોઢે જ કરવું જોઈએ.]