સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ખાંડાની ધારે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખાંડાની ધારે

અરદેશર ફરામજી ખબરદાર

[પુજરાવળી છંદ.]

ભર આકાશે વાદળ છાયાં, અંધારે વનવન ગૂંચવાયાં,
ઘૂડ ચીબડિયાં જ્યાં ત્યાં ધાયાં : કોણ પૂરે પાંચાલી-ચીર?
આશનિરાશે આતમ દાંડી ડોલંતી, દે ધૈર્ય ન છોડી,
ડગમગતું જગ રહે દૃગ માંડી : વહારે કોણ જશે નરવીર?
ઊંડાં અજવાળાં જો આવે, ગુર્જર વીર! ગુર્જર વીર!
ઘૂડ ચીબડિયાં શું ત્યાં ફાવે? ગુર્જર વીર! ગુર્જર વીર
ઊંડાં અજવાળાં જો આવે, ઘૂડ ચીબડિયાં શું ત્યાં ફાવે?
નવરસભર નવજીવન લાવે, ચીર પુરાવે ગુર્જર વીર!

ખૂણે ખૂણે ખોજ કરીને, ઉર ઉત્સાહ ઉમંગ ભરીને,
મરતા પ્રાણે આશ ધરીને, કોણે ઊંચાં કીધાં શિર?
મસ્તતણી તોડી મસ્તાની, તનધનની કીધી કુરબાની;
નમ્ર, અભય, સ્વાધીન, સ્વમાની, સાવજ એ ગુર્જર નરવીર!
શું ખાલી ગરજીને સૂતા? ગુર્જર વીર! ગુર્જર વીર!
શું મેઘે જળધોધ ન હૂતા? ગુર્જર વીર! ગુર્જર વીર!
શું ખાલી ગરજીને સૂતા? શું મેઘે જળધોધ ન હૂતા?
શું ભય ભાળી ઉરભીરુતા કદી જણાવે ગુર્જર વીર?

પગલે પગલે કંટક ભાગ્યા, ચરણ રુધિર ઝરતા ભર લાગ્યા,
પથરે પથરે પ્રાણ જ જાગ્યા. પદસ્પર્શે ટૂટી જંજીર;
હૈયાંનાં પિંજર સળગાવ્યાં, ભૂત તણાં ભરણાં છોડાવ્યાં,
દ્વાર નવાં દશ દિશ ઉઘડાવ્યાં : વંદન હો તેને નરવીર!
શું એકલડા આજ પડ્યા છે? ગુર્જર વીર! ગુર્જર વીર!
એકલડા પણ શૂર ઘડ્યા છે: ગુર્જર વીર! ગુર્જર વીર
શું એકલડા આજ પડ્યા છે? એકલડા પણ શૂર ઘડ્યા છે;
ખાંડાની ધારે જ ચડ્યા છે, બિરદ બતાવે ગુર્જર વીર!

હો વીરા! સારથિ શું કરશે? ધર્મ મર્મ ગીતા ઉચ્ચરશે;
અર્જુન રણ ટંકારે ભરશે, તો જ વિજય પામે રણધીર;
છિન્ન ભિન્ન અરિદળ બળ પળશે, જુગજુગનાં અંધારાં ટળશે,
સત્યધજા ઊડતી ઝળહળશે, સ્નેહે જગ છાશે નરવીર!
એ નવજીવન જીવવા આવો ગુર્જર વીર! ગુર્જર વીર!
એ નવચેતન આત્મ જગાવો ગુર્જરવીર! ગુર્જરવીર!
એ નવજીવન જીવવા આવો, એ નવચેતન આત્મ જગાવો,
ગુર્જર શૌર્ય જગે અંકાવો, જય જય હાવે ગુર્જર વીર!
‘રાષ્ટ્રિકા’માંથી

સ્વાધ્યાય

૧. આ કવિતાનું મથાળું ‘ખાંડાની ધારે’ શા માટે રાખ્યું હશે?
૨. જગ શા માટે દૃગ માંડી રહે છે?
૩. ‘ઘૂડ ચીબડિયાં શું ત્યાં ફાવે?’ એટલે શું?
૪. મસ્ત તણી તોડી મસ્તાની......... સાવજ એ ગુર્જર નરવીર! - આ પંક્તિઓ સમજાવો.
૫. ‘શું ખાલી ગરજીને સૂતા?’ એટલે શું? કોને માટે કવિ આવો પ્રશ્ન પૂછે છે?
૬. છેલ્લી કડીમાં ‘સારથિ’ તરીકે કોનો ઉલ્લેખ છે? કર્તવ્ય કોણે કરવાનું છે? સારથિએ? અર્જુનનો રણટંકાર એટલે શું?