સાહિત્ય પલ્લવ – ભાગ ૩/રમણભાઈ નીલકંઠ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રમણભાઈ નીલકંઠ

[ભદ્રંભદ્ર આપણા ગુજરાતી સાહિત્યનો અમર પુરુષ છે. એની જો કોઈની જોડે તુલના કરવી હોય તો ડૉન કવીકઝૉટ જેવા વિશ્વવિખ્યાત અમર પુરુષ જોડે જ થઈ શકે. ‘ભદ્રંભદ્ર’ જે હાસ્યરસ પ્રેરે છે, અને જે કટાક્ષનો અધિદેવ છે તેનો પૂરો રસ માણવા માટે જે જમાનામાં એનું સર્જન થયું તે જમાનાનો થોડો ઘણો ખ્યાલ હોય તો ઠીક પડશે. તે વખતે દેશમાં એક વર્ગ એવો હતો કે જે નવું તે બધું ખરાબ અને જૂનું તે બધું સારું એ મતનો હતો — પછી કેમ તેમાં વહેમ, ભૂતપલિત વગેરેની વાતોમાં વિશ્વાસ વગેરે ન હોય; જ્યારે બીજો સુધારાવાળો પક્ષ જૂનામાં સારું હોય તે લેવું અને નવામાંનું સારું પણ અપનાવવું એ મતનો હતો. જૂનું તે બધું સારું એ મતના ઉપાસકો ભાષાશુદ્ધિની પણ બહુ ચીવટ રાખતા. પરભાષાના એક પણ શબ્દનો ઉચ્ચાર કરતાં તેમને ભ્રષ્ટ થઈ જવાની સતત ભીતિ લાગતી. આથી ‘ટિકિટ જેવો ‘યાવની’ શબ્દ તો કેમ જ બોલી શકાય? એટલે એને માટે અહીં ‘મૂલ્યપત્રિકા’ શબ્દ વપરાયો છે; તેવી જ રીતે સ્ટેશન માટે ‘અગ્નિરથસ્થાપનસ્થલ’ જેવો સમાસ વપરાયો છે. વળી ભદ્રંભદ્ર મહાશયનું મૂળ નામ તો દોલતશંકર – પણ ‘દોલત’ તો પરદેશી ભાષાનો શબ્દ! એ ખ્યાલ આવતાં દોલતશંકરને શું થયું હતું એ જાણવા માટે ભદ્રંભદ્રનું પહેલું પ્રકરણ જોવું — અને તેમાંથી દોલતશંકરના ભદ્રંભદ્ર કેમ થયા તેનો રસિક કિસ્સો જાણી લેવો. યવન શબ્દ પહેલાં આયોનિયન ગ્રીક લોકો માટે વપરાતો. એનો અર્થ પરદેશી. જે ભાગ અહીં ઉતાર્યો છે તે, ભદ્રંભદ્ર મુંબઈમાં માધવબાગની સભામાં સુધારાવાળાઓની સામે દિગ્વિજયનો ડંકો વગાડવા પ્રયાણ કરે છે તે પ્રસંગનો છે.]