સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સમયસુંદર-નયસુંદર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમયસુંદર — નયસુંદર

[નળાખ્યાનનો કરુણમાં કરુણ પ્રસંગ કોઈ હોય તો તે વનમાં દમયંતીને એકલી છોડીને નળ રાત્રે ચાલ્યો જાય છે એ છે. તે પ્રસંગનું જૈન કવિઓએ કેવું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે તે નીચેની પંક્તિઓ પરથી સમજાશે. નળાખ્યાન એટલું બધું લોકપ્રિય હતું કે જૈનો પણ પોતાના ધર્મના આદર્શો એ વાર્તા દ્વારા પ્રજા આગળ રજૂ કરવા આકર્ષાયા હતા અને તેથી જૈન કવિઓએ તે વાર્તાને અપનાવી હતી. એમના હાથમાં એ કથા ખીલી હતી એમ પણ નીચેના કાવ્યખંડો ઉપરથી દેખાશે.

સમયસુંદરે, દમયંતી-પરિત્યાગને પ્રસંગે નળના બે હાથ વચ્ચે સંવાદ થયો કે કયો હાથ ચીર છેદે એમ કલ્પના કરીને, પ્રસંગની કરુણતા વધારી મૂકી છે. બંને હાથની તકરારમાં હાસ્ય પણ છે. પરંતુ તે હાસ્ય કરુણતાના અંશને વધુ ઘેરો બનાવે છે, જેમ અમાસની કાળી રાતના અંધારાને વીજળીનો ઝબકારો વચ્ચે ઝબકી જઈને વધારે ઘેરું બનાવી દે છે. બંને હાથ અંદર અંદરની તકરાર છોડીને એકમત થઈ નળને વીનવે છે. પણ વ્યર્થ.

નયસુંદરનો સં. નલાયન ઉપરથી રચેલો ‘નળદમયંતી રાસ’ બહુ પ્રખ્યાત છે. (એમની કૃતિ નીચે પહેલી મૂકી છે.) તે સમયસુંદર કરતાં સહેજ ફેર કરે છે. બે હાથ વચ્ચે નહિ પણ નળ અને હાથ વચ્ચે એ સંવાદ કલ્પે છે. પણ તે પહેલાં તે નળનું આત્મમંથન રજૂ કરે છે. તેમાં એ આપણા બીજા મહાન કવિ પ્રેમાનંદના નળાખ્યાનને પણ એક વાતમાં ટપી જાય છે. પ્રેમાનંદ વર્ણવે છે કે, દમયંતીના હાથ અમૃતસ્રાવિયા હોઈ, તળાવમાંથી ઝાલીને નળે એને આપેલાં માછલાં જીવતાં થઈ જઈ પાછાં પાણીમાં ચાલ્યાં ગયેલાં; તેને વિષે નળે માની લીધું કે, દમયંતી એકલપેટી થઈને ખાઈ ગઈ અને તેથી તે રાતને વખતે ચાલ્યો ગયો. નયસુંદર કહે છે કે, બંનેએ દમયંતીને પિયર જવાનો વિચાર તો કરેલો, પણ નળને તે ઠીક ન લાગ્યું. વળી, રાજ્ય જે ખોયું હતું તે પાછું મળવાનો સંભવ ન હતો. આવી મહાન સ્ત્રી તે પોતાના જેવા વ્યસનીને પડખે શોભે નહિ. બીજું, છોડી ગયા પછી પણ તે પાછો વળી વળીને આવે છે. અને છેવટે વિગતવાર સંદેશો મૂકતો જાય છે. અને પોહ ફાટ્યા સુધી એના પગ આગળ વધી શક્તા નથી. પ્રેમાનંદ વાર્તારસમાં ચતુરાઈની ચમક લાવી શક્યો છે, તો નયસુંદરમાં ભારોભાર માણસાઈ આપણને જોવા મળે છે.

૧. ૧. હેલા- રમત. ૩. ધ્વંસ - નાશ. ૪. જટ્ટ- બુદ્ધિહીન, નઠોર (કરાંચી-કચ્છના ગુજરાતીઓમાં વપરાય છે). ૫. ધ્યાય - વિચારે. ૭. ભૈમી – ભીમ રાજાની પુત્રી, દમયંતી. ૯. મનશું—મન સાથે (=મોટેથી નહિ). ૧૨. આપણો – પોતાનો. કેવો લાડભર્યો પ્રયોગ છે! ૧૩. પ્રેમથી બે ભાગ કર. ૧૬. પાળી – છરી. ૧૭. જુઆ — દ્યૂત, જુગાર. ૧૮. કૂવામાં. ૧૯, જૂવટું- જૂગટું. હેલાં-રમતમાં. ૩૧. વલ્લભ –પ્રિય. કાતર - ભીરુ. ૩૨. ભણી—લીધે. કલીવ-કાયર. ૩૪. કિંશુક – ખાખરાનું ઝાડ. (કેસૂડાં પોપટની ચાંચ જેવાં લાલ હોઈ किं शुक:-શું શુક કે? એવો પ્રશ્ન જેને વિષે થાય છે તે ઝાડ. વાનર પણ તેવો શબ્દ છે. वा + नर ‘અથવા માણસ,’ ‘માણસ તો નહિ?’, એવો જેને વિષે વિચાર થાય છે તે.) ૩૫. દિયરઘર: નયસુંદરે પોતાની કથામાં દિયરને સારો વર્ણવ્યો છે. ૩૮. આણવિરાધી - આજ્ઞા શબ્દ ઓળંગ્યો હોય તે. ૪૦. નિધાન - ભંડાર ૪૨. કુલિશ – વજ્ર.

૨. ૧. કૃપાણિકા - છરી. ૬. હાથીવાળે - હસ્તમેળાપ વખતે. ૧૦. જમણો હાથ કાન તરફ પણછ સાથે જાય છે ને ડાબો આગળ જૂઝ (યુદ્ધ) કરે છે. ૧૧. ઠમારી - બરોબર- ઠીકઠાક કરવું. શૂલ - કાંટા. ૧૨. આ જૈન કવિ છેવટે તો વાણિયા, એટલે નળ જેવો રાજા જેને કદી તાજવાથી તોળવાનો પ્રસંગ ભાગ્યે જ આવ્યો હોય તેના હાથ પાસે આ વસ્તુ કહેવડાવી છે. ૧૪. પુણ્યે પાપ ઠેલાય, અને ૧૮. જેમ સો તેમ પચાસ, કહેવતો છે.]