સિગ્નેચર પોયમ્સ/ચૂમી છે તને – મુકુલ ચોક્સી
Jump to navigation
Jump to search
ચૂમી છે તને (ગઝલ)
મુકુલ ચોક્સી
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને;
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચદસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કૂંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઊઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.