સિગ્નેચર પોયમ્સ/બીજું હું કાંઈ ન માગું – બાદરાયણ (ભાનુશંકર વ્યાસ)
Jump to navigation
Jump to search
બીજું હું કાંઈ ન માગું
બાદરાયણ (ભાનુશંકર વ્યાસ)
બીજું હું કાંઈ ન માગું
આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઈ ન માગુંઃ
સુણજે આટલો આર્ત્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
તુંબડું મારું પડ્યું નકામું,
કોઈ જુએ નહીં એના સામું.
બાંધી તારા અંતરનો ત્યાં તાર,
પછી મારી ધૂન જગાવું :
સુણજે આટલો આર્ત્ત તણો પોકાર,
બીજું હું કાંઈ ન માગું.
એકતારો મારો ગુંજશે મીઠું,
દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું.
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું :
આપને તારા અંત૨નો એક તા૨,
બીજું હું કાંઈ ન માગું.