સિગ્નેચર પોયમ્સ/મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવસત્થી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મીઠી માથે ભાત

વિઠ્ઠલરાય આવસત્થી


ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ, ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ

નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ, રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું, મુખ દીઠું છે માંડ, મીઠી ઉંમર આઠની, બહેન લડાવે લાડ

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ, વાઘ, શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી, ઝૂકી રહી છે ઝુંડ, રસ મીઠાની લાલચે, ભાંગે વાડો ભૂંડ

ચિચોડો બેસાડવા પાંચે કર્યો વિચાર, બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજાું કામ, સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ

પટલાણી પેખી રહી, પટેલ કેરી વાટ
રોંઢા વેળા ગઈ વહી, પડતું ટાઢું ભાત

(ભુજંગી)
કહે મા, ‘મીઠે લે હવે ભાત આપું, કીકો લાવ મારી કને, જા તું બાપુ

હજી ઘેર આતા, નથી તુજ આવ્યા, ભૂખ્યા એ હશે, વાઢ-કામે થકાયા’

‘ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા, દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
મીઠી કેળ-સી, શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ, જલ્દી જવાશે.’

કહી એમ માથે, લઈ ભાત ચાલી
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી

(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ, ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ

ડુંગર ઝાડી ગીચમાં, કોડે કૂદતી જાય, સામો વાઢ ઝઝૂમતો, જોતાં તે હરખાય

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત, એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાટ, થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ

ભાત ઓઢણી તો રહ્યું, ઝરડામાં ઝકડાઈ, મીઠી બાળા મોતના, પંજામાં સપડાઈ
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ, વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ

સાંજ વહી સૂનકારમાં, ઓઢીને અંધાર, રાત રડે છે રાનમાં, આસુંડે ચોધાર
પ્હોંચી ઘેર પાંચો કરે ‘મીઠી! મીઠી!’ સાદઃ ‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ’

પટલાણી આવી કહેઃ ‘મેલી છે મેં ભાત, મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’
‘મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ, કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ!’

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ, ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ, ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુઃખ

‘મીઠી! મીઠી!’ પાડતાં બૂમ ઘણી માબાપ, જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ
પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ, તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ

ખાલી આ કોણે કરી? હશે સીમનાં શ્વાન? મીઠી કાં મેલી ગઈ?–બોલે નહિ કંઈ રાન
વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય, મીઠી કેરી ઓઢણી – પોકે પોકે રોય

‘હા! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર!’ ઉત્તર એનો ના મળેઃ બધુંયે વિશ્વ બધિર
નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ, ‘મીઠી! મીઠી! નામથી રડતાં આખી વાટ

વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત
તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત