સુદામાચરિત્ર/આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આસ્વાદલક્ષી અભ્યાસ

૧. ભૂમિકાઃ આખ્યાનનો વિશેષ ગુજરાતીની કથા-કથન-પરંપરામાં આખ્યાન એક વિશિષ્ટ અને લોકપ્રિય કથા-કાવ્યપ્રકાર હતો. એની લાંબી સમૃદ્ધ પરંપરા રહી છે. જૈન કવિઓની ચરિત્રાત્મક કથાઓ ‘રાસા’ નામે ઓળખાતી એમાં કથાના નિમિત્તે સાંપ્રદાયિક ધર્મબોધ કેન્દ્રમાં રહેતો એ કારણે સંપ્રદાયમાં એનું ઝાઝું મહત્ત્વ રહેતું એ ખરું, પણ એમાં કથા પણ શ્રોતાઓને માટે એટલી જ રસપ્રદ રહેતી. પુરાણીઓ જે કથા કહેતા એમાં પૌરાણિક કથાઓ અને ચરિત્રોની ભવ્યતા પ્રભાવક બનતી. પરંતુ આખ્યાનોએ પુરાણકથાઓને સમકાલીન જીવન સાથે ઓતપ્રોત કરી વધુ રસપ્રદ ને વધુ જીવંત બનાવેલી. શામળની લોકવાર્તાઓમાં મનોરંજન ભરપૂર હતું પરંતુ એની કૌતુકમય સૃષ્ટિ વાસ્તવિક કરતાં વધુ રંગદર્શી રહેતી હતી. એટલે, જીવાતા જીવનની સમાન્તરે રહીને આનંદદાયક બની શકે એવો કાવ્યપ્રકાર તો આખ્યાન જ હતો. એક તરફ એમાં ધાર્મિક-પૌરાણિક કથાનકોની ભવ્યતા ને પ્રેરકતા હતી જે આનંદ સાથે ધર્મલાભ પણ આપતી. તો બીજી તરફ એમાં તત્કાલીન જીવનની વિવિધ ભાતો હતી – શ્રોતાઓને આખ્યાન-કથાનકોનાં પ્રસંગો-પાત્રોની રજૂઆતમાં પોતાના જીવનનું પ્રતિબિંબ પણ દેખાતું. આખ્યાનમાં પ્રસંગોની ખીલવણી થતી ને પાત્રોનાં ઘેરાં ને વિસ્તારિત ચિત્રો આલેખાતાં; વનનાં, સ્થળનાં, પાત્રોનાં રસદાયક વર્ણનો થતાં; પાત્રો વચ્ચેના સંવાદો આલેખાતા; કથનની સાથે અભિનયનું તેમજ ગાયનનું તત્ત્વ પણ એમાં ઉમેરાતું. આખ્યાનકાર અસરકારક ને ભાવવાહી કથન કરતો; સંસ્કૃત શૈલીની ભવ્યતા ઉપસાવતાં પ્રસંગાલેખનો કરતો; ક્યારેક છટાથી પાત્રો-પ્રસંગોની તીવ્ર રેખાઓ દોરતો ને તળપદા લહેકાથી પાત્રના ભાવોને તાદૃશ કરી આપતો; કથાની વચ્ચે આવતા લાગણીના ઉદ્રેકોને પદ-ગાનથી પણ અસરકારક બનાવતો. આખ્યાનકારોમાં માણભટ્ટો પણ હતા ને એ માણ (ધાતુની ગાગર) પર તાલ દઈને કથન-ગાનમાં શ્રોતાઓને તદ્રૂપ કરતા. આ બધાને કારણે આખ્યાન વિવિધ વય-રુચિના શ્રોતાસમુદાયને મંત્રમુગ્ધ કરનારું મધ્યકાલીન સ્વરૂપ બન્યું હતું – નાટકની જેમ એ ભિન્નરુચિના સર્વ મનુષ્યોનું તૃપ્તિભર્યું સમારાધન કરતું. આખ્યાનોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંસ્કૃતિનું જતન કરવાનું વિશિષ્ટ કાર્ય પણ બજાવેલું. પ્રજાનો મોટો વર્ગ નિરક્ષર હતો. એથી ધર્મગ્રંથો, મહાકાવ્યો આદિ દ્વારા ધર્મ-જ્ઞાનના વારસાનું જાતે આકલન કરવાનું ને એ રીતે દૃષ્ટિને સ્થિર ને વિકસિત રાખવાનું એને માટે શક્ય ન હતું. ત્યારે આખ્યાનોએ પૌરાણિક-ઐતિહાસિક ચરિત્રોનાં – નરસિંહ, ચંદ્રહાસ, રામ, સીતા, નળ ,દમયંતી, કૃષ્ણ, આદિનાં – રસપ્રદ ને સાક્ષાત્કારક આલેખનો દ્વારા ધર્મ અને જીવનના આદર્શો સામાન્ય પ્રજાજનોમાં જીવતા રાખવાની ને એ રીતે એમની ધર્મશ્રદ્ધાને તથા એમની સંસ્કારિતાને સંકોરતા જવાની અપ્રતિમ સેવા બજાવી છે. પદ-ભજનાદિ ઊર્મિકવિતાથી જેમ પ્રજાની ધર્મકેન્દ્રીતા જળવાઈ એ જ રીતે આખ્યાન આદિ કથાત્મક કવિતાથી એમનામાંનો સંસ્કૃતિ-શ્રદ્ધાનો તાર જીવંત રહ્યો, સંસ્કારિતા પોષાતી રહી અને વિધર્મી આક્રમણો વખતે પણ આંતરિક બળથી ટકી રહેવાની એક પોષક શક્તિ એમને મળતી રહી. ધર્મશ્રદ્ધા ભલે જીવનના કેન્દ્રમાં રહેલી હોય પણ જીવાતું જીવન કદી એક-વિધ રહી શકતું નથી. પ્રજાની ઉત્સવપ્રિયતા વિવિધતાનો એક મોટો સ્રોત બનતી હોય છે – એ ઉત્સવો ધાર્મિક પણ હોય અને સામાજિક પણ હોય. જન્મ, લગ્ન, સીમંત આદિ ઉત્સવોનું રૂપ જેટલું સામાજિક એટલું જ ધાર્મિક પણ રહેતું હતું. કૃષ્ણ-જન્મ, રુક્મિણીવિવાહ, સીતાસ્વયંવર આદિ, પૌરાણિક પાત્રો સાથે સંકળાયેલા ઉત્સવોને પ્રજાએ પોતાના સામાજિક-પારિવારિક ઉત્સવો સાથે ઓતપ્રોત કરેલા છે. નરસિંહ મહેતાએ કરેલા મામેરાના ‘વ્યવહાર’ નરસિંહના સમયથી લઈને છેક પ્રેમાનંદના સમયમાં તે તે સમાજના રીતિ-રિવાજને પ્રતિબિંબિત કરતા રહ્યા છે. આખ્યાનકારોએ જેમ તત્કાલીન સમાજજીવનના આ રંગોનું વૈવિધ્ય ગ્રહણ કર્યું એમ જ એમના શ્રોતાસમુદાયે, આખ્યાનકારોએ ખીલવેલા આ પ્રસંગોમાંથી વળી પાછું વિશેષ પોષણ પણ મેળવ્યું હશે. સંસ્કૃતિની એ પણ એક વિશિષ્ટ ભાત છે ને આખ્યાન જેવાં સ્વરૂપોમાં ઝિલાતી ને પ્રસરતી રહે છે.

૨. સ્વરૂપનાં લક્ષણોનો ક્રમિક વિકાસ આખ્યાનનું સ્વરૂપ નીપજાવવામાં એક તરફ મહાકાવ્યોની કથાઓ, પુરાણોની કથાઓ તથા તે સમયના જૈન રાસાઓ – કથા-કથનની એક પરંપરા રચવામાં કંઈક પ્રેરક બન્યાં. પરંતુ આ બધા કરતાં આખ્યાન મધ્યકાલીન ગુજરાતીનું એક વિશિષ્ટ સ્વરૂપ પુરવાર થયું એ એના ચિત્રાત્મક વાર્તાકથનની લાક્ષણિકતાને કારણે. મહાકાવ્યોમાં પહોળે પટે થતાં કાવ્યાત્મક વર્ણનો કેન્દ્રમાં રહે, પુરાણોમાં કથાઓ અને આખ્યાયિકાઓનું વટવૃક્ષ વિસ્તારથી આકાર ધારણ કરતું હોય જ્યારે આખ્યાન કોઈ એક પ્રસંગને – ઉપાખ્યાનને – લઈને કે એક ચરિત્રને લઈને ચાલતું હોય ને એ પ્રસંગ/ચરિત્રને બહેલાવીને રસાવહ કરવાની એની નેમ હોય. હેમચંદ્રાચાર્યે એમના ‘કાવ્યાનુશાસન’ નામના ગ્રંથમાં આખ્યાન સંજ્ઞા ઉપાખ્યાન આદિના અભિનયન્‌ પઠન્‌ ગાયન્‌-માં જોયેલી એ બતાવે છે કે આવી કથા-રજૂઆતની એક પરંપરા હતી. પછીથી ગુજરાતી આખ્યાનમાં એ પરંપરા સ્વતંત્ર રીતે વિકસી. ઊર્મિઆલેખન કરતા પદ જેવા પ્રકારોમાં પ્રસંગો ઉમેરાતાં ને સંકલિત થતાં કથાનું આછું રૂપ બંધાતું ગયું, એ આપણને સૌથી પહેલાં નરસિંહમાં જોવા મળ્યું. એનાં આત્મચરિતનાં પદો તથા ‘સુદામાચરિત’ પદમાળારૂપ આખ્યાનો તરીકે સંકલન પામતાં ગયાં. ભાલણના ‘રામબાલચરિત’માં પણ વિવિધ ભાવ-પરિસ્થિતિ આલેખતાં પદો છે. પરંતુ આ વિદગ્ધ કવિ આપણો પહેલો એવો કવિ છે જેણે મોટા પ્રમાણમાં પૌરાણિક કથા-વિષયોનું આલેખન કર્યું. એની આવી રચનાઓમાં સૌ પ્રથમ કડવાબંધ (=પ્રકરણબંધ) જોવા મળે છે – કથાના પ્રસંગોની એક સાંકળ રચાય છે, ને એથી આખ્યાનને એક સુબદ્ધ કથાપ્રકાર તરીકેનો આકાર મળે છે. આ કારણે જ ભાલણને આખ્યાન-કાવ્યપ્રકારનો પિતા કહેવામાં આવે છે. નાકરમાં આખ્યાનનું માળખું વધારે સ્પષ્ટ બને છે. આખ્યાનના આરંભે ‘મુખબંધ’ની પરંપરા હતી, નાકર કડવાને અંતે આવતા ‘વલણ’થી એને ઘાટ આપે છે. પૌરાણિક કથાનકોમાં સમકાલીન જીવનરંગો ઉમેરવાનું પણ નાકરથી આરંભાય છે ને પ્રેમાનંદમાં એ પૂર્ણ રૂપ પામે છે. આખ્યાનના વિવિધ પ્રસંગો જેમાં પ્રકરણરૂપ પામે છે એ કડવું. કડવું સામાન્ય રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય – પ્રસંગનો આરંભ કરતી એક (કે બે) કડીઓનો પ્રસ્તાવનાદર્શી ‘મુખબંધ’ (કેશવલાલ હ. ધ્રુવે એને માટે ‘મ્હોડિયું’ શબ્દ પણ યોજ્યો છે.) એ પછી કડવાનો મુખ્ય પ્રસંગાલેખન-અંશ. એને ઢાળ કહેવાય. કોઈ એક દેશી(રાગઢાળ)માં એ આલેખાયું હોય. કડવાને અંતે સમાપ્તિસૂચક ‘વલણ’ની એક કડી હોય, જે જુદા છંદ/દેશીમાં હોય. (વલણને ક્યારેક ‘ઊથલો’ પણ કહેવાય છે.) વલણના કેટલાક શબ્દો બીજા કડવાના ‘મુખબંધ’ માં પુનરાવર્તિત થતા હોય એવું પણ જોવા મળે. આ રીતે સાંકળ જેવી રચનાનો એક ઘાટ પણ ઊપસે છે. વિવિધ કડવાંમાં વિવિધ દેશીઓ યોજાઈ હોય, કોઈ કડવું ક્યારેક ઉદ્રેકસભર પદ રૂપે પણ આલેખાતું હોય. આખ્યાનના આરંભે – પહેલા કડવામાં – કવિ ગણપતિ, સરસ્વતી કે કોઈપણ ઈષ્ટદેવની પ્રાર્થના કરે ને કથાવસ્તુને નિર્દેશતું મંગળાચરણ કરે ને પછી શ્રોતાઓને કથાપ્રવાહમાં આગળ લઈ જાય. આખ્યાનના અંતે ધર્મલાભ માટેની ફલશ્રુતિ હોય, ક્યારેક આખ્યાન રચ્યાનાં વર્ષ-માસ-તિથિનો ને સ્થળનો નિર્દેશ હોય ને કવિનામ(કવિપરિચય)નો નિર્દેશ પણ હોય. આખ્યાનનું આ એક વ્યાપક માળખું. બધા જ કવિઓનાં બધાં જ આખ્યાનોમાં આ સર્વ અંશો ન પણ હોય. રોજરોજ શ્રોતાસમુદાય સામે કહેવાતું, વર્ણવાતું, ગવાતું – એક રીતે કહીએ તો ‘ભજવાતું’ – આખ્યાન દરરોજ એક કે બે કડવાંમાં કથારસ પીરસી, પછીના દિવસની કથાનું વિસ્મયભર્યું સૂચન કરી, પ્રત્યેક દિવસે શ્રોતાના રસને જાગતો રાખીને, છેવટે કથાની રસભરી પૂર્ણાહુતિ કરે. આખ્યાનમાં — ઉત્તમ કવિઓનાં ઉત્તમ આખ્યાનોમાં — આજે પણ કથનકલા-નિપુણતાનો તેમજ કવિત્વનો આહ્‌લાદક અનુભવ થાય છે. સમય ઘણો વહી ગયો છે અને સંદર્ભ ઘણા બદલાઈ ગયા છે છતાં આજે પણ આખ્યાન કથા અને કવિતાની સંતર્પકતાના અનુભવ સુધી આપણને લઈ જઈ શકે છે એ એની સિદ્ધિ છે. અને આવી સિદ્ધિમાં સૌથી મોટો ફાળો છે કવિ પ્રેમાનંદનો. – શ્રે.