સુદામાચરિત્ર/કડવું ૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૧૩

[અહીં સુદામા પોતાને ગામ પહોંચે છે ત્યારે પોતાની પર્ણકુટીની જગ્યાએ રાજમહેલ જોઇને વિચારમાં પડી જાય છે. પોતાના ઘરમાં સઘળું કાંઈ બદલાઈ ગયું છે – પત્નીનું રૂપસુધ્‌ધાં. આથી મૂંઝાયેલા સુદામા ત્યાંથી નીકળી જવા પગ ઉપાડે છે. ત્યારે એની પત્ની દોડતી આવીને એને કૃષ્ણની કૃપા વિશે વિગતે વાત કરે છે.]


રાગ-રામગ્રી

શુક્જી ભાખે હરિગુણગ્રામ જી, દીઠું સુંદર કંચનધામ જી.
મેડી અટારી અદ્‌ભુત કામ જી, ઋષિ વિચારે ‘ભૂલ્યો ઠામ જી. ૧

ઢાળ

ઠામ ભૂલ્યો પણ ગ્રામ નિશ્ચે, ધામ કો ધનવંતનાં;
એ ભુવનમાં વસતા હશે, જેણે સેવ્યાં ચરણ ભગવંતનાં’ ૨

એવું વિચારી વિપ્ર વળિયો, બધું નગર અવલોકન કરી;
એંધાણી સહુ જોતો જોતો, આવ્યો મંદિર ફરી. ૩

પછી સુદામો પડ્યા સાંસામાં, વિચાર કરે વેગળા જઈ;
‘આ ભુવન કોણે કર્યાં હશે? પર્ણકુટી મારી ક્યાં ગઈ? ૪

એ વિશ્વકર્મા રચી રચના, મનુષ્ય પામર શું કરે?
કુટુંબ મારું ક્યાં ગયું? ઋષિ વામ-દક્ષિણ ફેરા ફરે. ૫

કોઈ કીર્તિ બોલે, હસ્તી ડોલે, હયશાળામાં હય હણહણે,
દાસી કનકકલશ ભરી પાણી લાવે, ઊભા અનેક સેવક આંગણે. ૬

દંદુભિ ગાજે ઢોલ વાજે, મંડપ ઓચ્છવ થાય છે;
મૃદંગ ઢમકે ઘૂઘરી ઘમકે, ગીત ગુણીજન ગાય છે. ૭

જોઈ સુદામે નિઃશ્વાસ મૂક્યો, ‘કોઈ છત્રપતિનાં ઘર થયાં,
આશ્રમ ગયાનું દુઃખ નથી, પણ બાળક મારાં ક્યાં ગયાં? ૮

હોમશાળા, રુદ્રાક્ષમાલા, પવિત્ર કુશની સાદડી;
ગોપીચંદન સંમાર્જની, વિપત્ય આવડી ક્યમ પડી? ૯

દૈવની ગત્ય ગહન દીસે પડ્યો પ્રાણ કર્મ આધીન;
કુટુંબ વિજોગની વિટંબણા, હંને દૈવે દંડ્યો દીન. ૧૦


તૂટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર;
સડ્યાં સરખાં છોકરાં, નવ મળ્યાં બીજી વાર.’ ૧૧

સંકલ્પવિકલ્પ કોટી કરતાં, ઋષિ આવાગમન હિંડોળે ચઢ્યા;
બારીએ બેસી પંથ જોતાં, નિજ કંથ સ્ત્રીને દૃષ્ટે પડ્યા. ૧૨


સાહેલી એક સહસ્ર લેઈને, સતી ગઈ પતિને તેડવા;
જળઝારી ભરીને નારી જાએ, હસ્તિની કલશ ઢોળવા. ૧૩

હંસગામિની ને હર્ષપૂરણ, અભિલાષ મનમાં ઇચ્છિયા;
ઝાંઝર ઝમકે, ઘૂઘરી ઘમકે, વાજે અણવટ વીંછિયા. ૧૪

સુદામે જાણી આવી રાણી, ઇન્દ્રાણી કે રુક્મિણી;
સાવિત્રી કે સરસ્વતી, કે શક્તિ શિવશંકર તણી. ૧૫

સાહેલી સહુ વીંટી વળી, પદ્મિની લાગી પાય;
પૂજા કરીને પાલવ ગ્રહ્યો, તવ ઋષિજી નાઠા જાય. ૧૬

થરથર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, છૂટી જટા ઉઘાડું શીશ;
હસ્ત ગ્રહેવા જાય સુંદરી, તવ ઋષિજી પાડે ચીસ. ૧૭

‘હું તો સ્હેેજે જોઉં છું ઘર નવાં, મને નથી કપટવિચાર;
હું તો વૃદ્ધ ને તમો જોબન નારી, છે કઠણ લોકાચાર. ૧૮

ભોગાસક્ત હું નથી આવ્યો, મને પરમેશ્વરની આણ;
જાવા દ્યો મને કાં દમો છો? તમને હજો કલ્યાણ. ૧૯

આંગણામાં કોઈ નર નથી, આ દીસે સ્ત્રીનું રાજ્ય;
તમને પાપણિયો, પરમેશ્વર પૂછશે, હુંને કાં આણો છો વાજ્ય?’ ૨૦


ઋષિપત્ની કહે, ‘સ્વામી મારા, તમે રખે દેતા શાપ;
દારિદ્ર ગયાં, નવાં ઘર થયાં, શ્રીકૃષ્ણચરણ પ્રતાપ.’ ૨૧

એવું કહી કર ગ્રહીને ચાલી, સાંભળ પરિક્ષિત ભૂપ;
બેલડિયે વળગ્યાં દંપતી, રતિ કામજોડું લજાવિયું. ૨૨