સુદામાચરિત્ર/કૃતિપરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિપરિચય

પ્રેમાનંદનાં ત્રણ ઉત્તમ ગણાયેલાં આખ્યાનોમાંનું એક તે ‘સુદામાચરિત્ર.’ ચૌદ જ કડવાંના આ નાનકડા આખ્યાનમાં સુદામા-કૃષ્ણની ગાઢ મૈત્રીનું આલેખન કરતા પ્રેમાનંદે જીવનના વિરોધમાંથી નીપજતું જીવનદર્શન ભારે લાઘવથી પ્રગટ કર્યું છે. સાંદીપનિ ઋષિના આશ્રમમાં બંધાયેલી કૃષ્ણ-સુદામાની મૈત્રી, પછીથી બંનેનો મંડાયેલો ગૃહસ્થાશ્રમ, સુદામાને ભાગે આવેલી કારમી ગરીબી ને બીજી બાજુ સોનાની દ્વારકાના સ્વામી કૃષ્ણનાં જીવન જુદે માર્ગે વહેતાં હોવા છતાં બંનેની મૈત્રીની ગાંઠ કેટલી મજબૂત છે તેનો પરિચય પત્નીની વિનંતીથી દ્વારકા પહોંચેલા સુદામા પ્રતિ કૃષ્ણે આચરેલા સ્નેહાળ વ્યવહારમાં પ્રેમાનંદે ભારે આદરથી આલેખ્યો છે. જીવનની વરવી વિષમતાઓની વચ્ચેય પ્રતિવ્ર્રતા નારી તરીકે સ્થાપિત થતી સુદામાપત્ની, સુદામા તથા ભક્તને પામી ન શકતી દ્વારકાની વૈભવશાળી પ્રજા, કૃષ્ણની વિવિધ રાણીઓ ને આ બધાંની ઉપર ગીતાના સ્થિતપ્રજ્ઞ શો અનાસક્ત ને નિર્મળ સુદામો – આ સૌનું વિવિધ રસોની જમાવટથી ચિત્રાત્મક આલેખન કરતો પ્રેમાનંદ સહૃદયને જીવનમૂલ્યોના પાઠ શીખવતાં શીખવતાં રસલીન બનાવીને એક નવા જ લોકમાં લઈ જવામાં સફળ બન્યો છે. આ કૃતિને માણવા આપણે કાવ્યમાં જ પ્રવેશીએ.