સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/આઘાતક માહિતીક્રાન્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આઘાતક માહિતીક્રાન્તિ


વિડીયોમાં દીપિકાએ ‘માય બૉડિ માય ચૉઇસ’ કહ્યું: લગ્ન પહેલાં સૅક્સ માણું કે લગ્ન પછી પતિ સિવાયના બીજાઓ સાથે…મને ગમે તેવાં જ વસ્ત્રો પ્હેરું…રાતે ઘરે ગમે ત્યારે પાછી ફરું…માય ચૉઇસ: પતિએ પત્નીને કાઢી મૂકી કેમકે પત્નીએ વાઇફ-સ્વેપિન્ગની ના પાડી: વેટ્ટોરીએ ક્રિકેટને અલવિદા કહી દીધી: મનપસંદ હોલિવૂડ સ્ટાર્સની જાણવા જેવી ૨૦ બાબતો: શાળાની ૫૫ છોકરીઓ સાથે જાતીય અડપલાં કરવાનાં આરોપસર ૩ શિક્ષકોની ધરપકડ કરાઈ -બળજબરીથી ‘હગ’ કરતા’તા, ‘પ્રાઇવેટ પાર્ટ્સ’-ને ‘ટચ’ કરતા’તા, ‘ગંદી બાત’ માટે પટાવતા’તા… આપણે માહિતી-યુગમાં જીવીએ છીએ. આવા કશા પણ સમાચારોની માહિતી ખૉળામાં આવી પડે. ક્લિક્ વારમાં વાયરલ થઈ દુનિયાભરમાં ફેલાઈ જાય. ઍફ.ઍમ. રેડિયો ટીવી ગૂગલ ટ્વીટર યૂ-ટ્યુબ કે છાપાં, માહિતીના તોતિંગ કોઠાર છે. એ હવે નિત્યવર્ધમાન છે. એમાં રોજે રોજ વધારો થયા કરે. ઍડ-ઑન…ઍડ-ઑન. ચીજવસ્તુઓની જાહેરખબરો રૂપે મળતી માહિતી તો અપરમ્પાર છે. ચિત્તની પહેલી છાજલી પર નજર કરીએ તો માહિતીનો માળો જોવા મળે. ઊડતાં ઊડતાં બચ્ચન આવે, ટૅન્શન દૂર કરનારા તેલની બાટલી મૂકવા. ડોલતાં ડોલતાં શાહરૂખ આવે, શરીરને કૂલ કૂલ રાખનારા પાઉડરનો ડબ્બો મૂકવા. ઐશ્વર્યા પાંચ પ્રૉબ્લેમના એક સૉલ્યુશનવાળું શૅમ્પુ મૂકી જાય. કરીના કે કૅટરિના ખભા ને બાહુ ચોળતી-ઉલાળતી બતાવે કે સાબુ કેટલો તો મૉઇસ્ચર-સભર છે. કઠપૂતળીઓ જેવી મૉડેલો ચુસ્ત નિતન્બ બતાવતી સમજાવે કે પોતે વાપરે છે એ સૅનેટરી નૅપ્કિન કેટલો બધો શોષક છે – પ્રત્યેક ટીપું શોષી લે છે. પેલાએ એવી લંગોટચડ્ડી પ્હૅરી કે છોકરીઓ એના નાગા શરીર પર ઠેકઠેકાણે બચ્ચીઓ કરી ગઈ. આ લોકોને પોતા વડે પ્રસરતા મૅસેજીસની કશી નાનમ નથી. ઊંધું સંભળાવે છે -અમે તો સ્ક્રિપ્ટને વફાદાર રહીએ, અમારો શો વાંક. બચ્ચન જેવા પણ કહેતા હોય, અમે તો ‘નોકરી’ કરીએ છીએ! ( પગાર તો જણાવે! ). આમ, જાતભાતના તર્કવિતર્ક વાપરીને આ લોકો ‘મારો’ કરે છે જેને હું સારું લાગે માટે ‘માળો’ કહું છું. મને થાય, રોજ્જે માહિતી માણસના મગજને કીડી-મંકોડાની જેમ ચૂસી ખાવા ચોતરફ ચૉંટ્યા કરે છે. માહિતીને હવે ચિત્ર અને ચલચિત્રનો સંગાથ છે. કિંચિત્ કાવ્યત્વ, ટચૂકડી વાર્તા ને નાનું નાટ્ય; એટલું સાહિત્યદ્રવ્ય ખરું. એટલે એ હવે ‘ટેલિ’ છે ‘વિઝન’ છે ‘ઍક્શન’ છે. આંખ-કાનને તો પકડે પણ સ્પર્શનો. સ્વાદનો કે ગન્ધનો પણ આભાસ રચે. પંચેન્દ્રિયભોગ. લલચાવાય છે. ચલિત થવાય છે. થવાય છે કે નહીં? ભવિષ્યવાદી અમેરિકન ચિન્તક ઍલ્વિન ટૉફલરના (૧૯૨૮—) જગવિખ્યાત પુસ્તક ‘ફ્યુચર શૉક’-ની ૬૦ લાખ નકલો વેચાઈ પછીથી પણ વેચાણ ચાલુ છે. ફ્યુચર શૉક એટલે આવનારા ભવિષ્યમાં મારું તમારું કે માનવજાતનું શું થશે એ જાતનો આઘાતક મૂંઝારો. વ્યાપક સતામણી. કારણ શું? ટૉફલર જણાવે છે, અતિ ટૂંકા સમયગાળામાં અતિશયિત બદલાવ જે થયો એ એનું કારણ છે -ટૂ મચ ચેન્જ ઇન શૉર્ટ અ પીરિયડ ઑફ ટાઇમ. માનવજાતે ૨૦-મી સદીનાં છેલ્લાં ૫૦ વર્ષમાં જોયેલાં પરિવર્તનો અતિશયિત છે. મુખ્ય પરિબળ છે સાઇબરનૅટિક્સ, કમ્પ્યુટર-સાયન્સ અને ઇન્ટરનેટ ટૅક્નોલોજીથી સંભવેલું ડિજિટલ-રીવૉલ્યુશન. ઇન્ફર્મેશન-રીવૉલ્યુશન, માહિતી-ક્રાન્તિ. જરા વિચારોને, ૪૦-૫૦ વર્ષમાં આપણે જ કેટલાં બદલાઈ ગયાં! છોકરાથી છોકરી સામે ટીકીને ન જોવાય -મનાઈ હતી. આજે તો બન્ને વચ્ચે દરેક બાબતે ‘હા’ છે. પહેલાં તો, ભરરસ્તે પણ માંડ પાંચ-સાત વાહનો હોય. એક-બે કાર -ભૂલી પડી હોય. એ-ના-એ રસ્તાઓ પર વાહનોની હવે જકડાજકડી છે. વડોદરાના સૂરસાગર સામેના ફૂટપાથિયા ‘સ્ટુડિયો’ પર ગોઠવાઈને બ્લૅક ઍન્ડ વ્હાઈટ ફોટો ટૅસથી પડાવતા. આજે હું જ મારો કલર્ડ સૅલ્ફી અનેક પોઝમાં અનેક વાર લઈ શકું છું. નળિયાંવાળાં ત્રણ-મજલી મકાનો ન રહ્યાં. બધું ફ્લૅટ થઈ ગયું. ભોજનની થાળીને પાટલે મૂકી પાટલે બેસી જમતાં’તાં. ડાઈનિન્ગ ટેબલ આવી ગયાં.. પથારી પાથરીને સૂતા’તા, સવારે વાળી લેતા’તા. બેડ આવી ગયા. રેડિયો આવતાં સ્પેશ્યલ કબાટ કરાવી રૂમને સજાવ્યો’તો ત્યાં તો ખભે લટકાવવાનાં ટ્રાન્ઝિસ્ટર આવી ગયાં. ટીવી ક્યારે ઘૂસી ગયા; ભાન જ ન રહ્યું. મોબાઇલે કાળિયા ઘડા જેવા ફોનને ક્યાંય ફગાવી દીધો. આજે મોબાઇલ વિનાની હથેળી જડવી મુશ્કેલ છે. તમે કેટલા સ્માર્ટ છો એનો અંદાજ તમારા ફોનની સ્માર્ટનેસથી લગાવાય છે. બ્રાન્ડના નેઇમ-નમ્બરથી નક્કી થાય કે તમે કેટલા આઉટડેટેડ નથી. તરત બોલે -તારો ‘આઇ-સિક્સ’ છે, મારો તો આઈ-ટેન છે. માહિતી સારી વસ્તુ પણ વિવેક એનો બાપ ગણાય. શું લેવું ક્યારે શા માટે. વ્યક્તિ કે સમાજ માટે ભલે આવકાર્ય, પણ કેટલું. ‘માય બૉડિ માય ચૉઇસ’ મૅસેજ અપીલિન્ગ લાગે, બરાબર, કેમકે એ ઍટ્રેક્ટિવ સલૅબ્રિટી દીપિકા દ્વારા વ્હૅતો થયો છે. એથી સ્ત્રી-સશક્તિકરણને વેગ મળ્યાનો દાવો થાય, બરાબર, પણ એમાં ફ્રીડમની પાછલી બાજુની, નામે રીસ્પોન્સિબિલિટીની, અવગણના છે. ને હા, પતિ પાસે પણ બૉડિદાર ચૉઇસિસ ક્યાં નથી! યુવતીને ઊંધું પણ થાય -દીપિકાને અનુસરવાની તાકાત કે હિમ્મત મારામાં કેટલી!: મૅસેજ અતિ અતિશયિત છે. વાઇફ-સ્વેપિન્ગ-પાર્ટીમાં પેલાને ‘માય-ચૉઇસ’-ને નામે કામવાસનાનો ઑચ્છવ જણાયો પણ વાઇફને એ નથી મંજૂર! તો એની એ ચૉઈસનું શું? એને થાય, પૂરી વફાદારીથી વર્ષોથી એની પત્ની રહી છું. તો શું પત્ની થઈને હવે જાતીયજીવનને અદલબદલની પ્રવૃત્તિ ગણું? છિ:! એના સ્વચ્છ મનોવલણ આગળ પણ સ્ત્રી-સ-શક્તિકરણ ફાલતુ અને ફિક્કું ભાસે છે. અંગત મરજી, સામાની મરજી અને જીવનમૂલ્યો વચ્ચે ત્રિ-પક્ષી ટકરાવ છે. અસ્તિત્વસંલગ્ન છે. હટાવી નહીં શકાય. એને ઓળખીને જીવતાં આવડતું જોઈશે. માય ચૉઇસને નામે યુનિવર્સલ વૅલ્યુઝને અભરાઈએ મેલો એ તો ઍસ્કેપ છે -પલાયન; એનું રૂપાળું નામ આજકાલ દીપિકા છે. મારી દૃષ્ટિએ ઇન્ડિયન ઇથોસનું પોત -જીવનધરમ-ભાવ-ભાવનાનું પોત -ઈન્ફર્મેશનલ હાઇપ (hype)થી ઘડાઈ રહ્યું છે. એટલે કે, ઍક્ઝાજરેટેડ ક્લેઇમ્સથી, અતિશયોક્તિભરી ગુલબાંગોથી. રાજકારણીઓ, નટ-નટીઓ અને ક્રિકેટ વગેરે રમતોના વીરોની જરૂરી-બિનજરૂરી માહિતીથી પ્રજા વિહ્વળ રહે છે. ચિત્તમાંથી રાહુલ કે ધોની કે બચ્ચન શાહરૂખ સલમાન પ્રિયંકા કે અનુષ્કા ખસતાં નથી. ‘મહાનાયક’ અને ‘કિન્ગ ખાન’ તો આખો દિવસ ફિલ્મોમાં ટૉક-શોમાં ઍડ-માં ટીવી વગેરે મલ્ટી-મીડિયામાં કે વિશ્વવ્યાપી સોશ્યલ-નેટમાં, સર્વત્ર, હરતાફરતા ભમતા જોવાય. એમનાથી ધરાઈને ઊંઘેલો નાગરિક સવારે જાગે ત્યારે છાપાંમાં પણ એમને જ ભાળે! પાછો, મલકી પડે! આ બધાં જાણે કલ્ચરલ ઍમ્બેસેડર હોય એમ એમનાથી મળતા મૅસેજીસને લોકો ઑથોરિયલ ગણે છે. એમના વર્ચ્યુઅલ -આભાસી- સંસર્ગમાં ઍક્ચ્યુઅલને વીસરીને સપનાં ગૂંથે છે. દરેક મૉડલે દન્તપંક્તિ તો બતાડવાની, સ્લીવલેસમાં નાચતાં-કૂદતાં જ આવવાનું, એમના એ સ-પ્રયાસ ચાળા, બનાવટી વાળનાં ‘રેશમ’, ‘મુલાયમ’ જ ત્વચા, કપડાં સાબુ ક્રીમ પ્રજામાનસ પર રોજ છપાયા કરે છે. યુવતીને થાય, ક્યારે કરીનાવાળો સાબુ લાવું. યુવકને થાય, ક્યારે સૈફવાળા બનિયનમાં માચો થઈ જઉં. યુગલો ફૅન્ટસીઓ રચે ને એવું નકલિયું જીવે. આ અદૃશ્ય આક્રમણ છે. અતિશયિત બદલાવનો અંધાધૂંધ સમય છે. સાહિત્યકારોએ એને ઓળખીને લખવું જોઈશે — ખોટું કહું છું?

= = =