સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/ત્રણેય સાહિત્યસંસ્થાઓ માટે
હું આ ‘સાહિત્ય સાહિત્ય’-ની છતરી હેઠળ બેઠેલો છું એવો મેં તાજેતરમાં ઉલ્લેખ કરેલો. એટલે એક નવોદિત સન્મિત્રે ફોનમાં કહ્યું કે એ છતરી હેઠળ તમારે આપણી સાહિત્યસંસ્થાઓ-અકાદમી, પરિષદ અને દિલ્હી અકાદમી-વિશે પણ લખવું જોઈએ; કેમ નથી લખતા? પરિષદમાં સિતાંશુ પ્રમુખ ચુંટાયા છે તો એમને તમે સ્વાયત્તતા વિશે પૂછો. એમની રાબહરી હેઠળ થયેલાં કામો વિશે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ પ્રશ્નો કર્યા છે, જાહેરમાં ચર્ચામાં મૂક્યા છે, એ વિશે પૂછો. અકાદમીમાંથી માધવ રામાનુજે રાજીનામું આપ્યું, તમે વિદેશ છો, તો નિર્ણયો કોણ લે છે? જણાવો. મેં કહ્યું : દોસ્ત, આમાં મને તમારી પૂરેપૂરી નિસબત વરતાય છે, અભિનન્દન – હા પણ તમે સંસ્થાઓમાં માનતા નથી એટલે લખશો કે કેમ? – હું વાક્ય પૂરું કરું એ પહેલાં જ બોલેલો. મેં કહ્યું, હા, બધા વિશે લખીશ. શનિવારે ‘છતરી’ તું જોઈ લેજે. ઓકે ફાઇન, કહીને ફોન એણે મૂકી દીધેલો. આમ તો હું સંસ્થાઓ વિશે ઇન-જનરલ અને હાસ્યવ્યંગની રીતે કહેતો હોઉં છું, આવા પર્ટિક્લુયર પ્રશ્નોને નથી અડતો. પણ ત્રેણેય સંસ્થાઓ વિશેની સન્મિત્રની આ માંગ તીવ્ર છે એટલે ટાળી નથી શકતો. તો, એ પરત્વે આવું કંઈક લખું : સન્મિત્રને જણાવું કે અકાદમી-અધ્યક્ષ વિષ્ણુભાઈને ચૅટ-મૅસેજમાં આવા મતલબનું હું ઑલરેડી લખી ચૂક્યો છું : માર્ગદર્શક મંડળમાં અને કાર્યવાહક સમિતિમાં સભ્યસંખ્યા જુદાંજુદાં કારણોથી ઘટી ગઈ છે. તાજેતરમાં માધવ રામાનુજે રાજીનામું આપ્યું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કઈ બહુમતિથી નિર્ણયો લેવાય છે. મને ડર છે કે જે નિર્ણયો લેવાશે એ, હકીકતમાં નહીં હોય તોપણ, આપખુદ લેખાશે : ખાસ ઉમેર્યું છે : બનતી ઉતાવળે બન્નેની નવરચના કરજો. આ વર્તમાનની તાકીદ છે બલકે અકાદમીની ભાવિ નીતિરીતિ અને તે અનુસારની બહુસમ્મત કાર્યપ્રણાલિ પરત્વે અત્યન્ત જરૂરી છે : મને આશા છે, ઘટતું થશે. પરિષદ-પ્રમુખને પૂછવા કરતાં સિતાશું યશશ્ચન્દ્ર મારા મિત્ર છે એ નાતે એમને આવું કંઈક કહું : સ્વાયત્તતા માટેની લડતને પરિષદ ભલે ચાલુ રાખે. પણ એ માટે અકાદમીના કાર્યક્રમો અને ‘શબ્દસૃષ્ટિ’ જોડે અસહકાર બાબતે ફતવાથી કે અન્ય દબાણોથી, રાજીનામાં વગેરે ઘટનાઓ ઘટેલી એ વાતનું દુ:ખ સાહિત્યસમાજથી વીસરાયું નથી. વળી, એ કારણે આ લડત સમગ્ર સાહિત્યસમાજની છે એમ માનવું ત્રાહિત પ્રજાજનો માટે આજે પણ મુશ્કેલ રહ્યું છે. ખાસ તો એથી, અકાદમી-સંલગ્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કે ખાર પ્રગટેલો છે. એને નષ્ટ કરે. કોઈપણ સાહિત્યકાર મુક્ત અને પોતીકી સ્વાયત્તતાનો અનુભવ અને વિનિયોગ કરી શકે એ હેતુથી એ ઠરાવોને સુધારે ને જાહેર કરે. એથી આપણે સૌ સૌહાર્દની ભૂમિકાએ વિકાસશીલ થઈ શકીશું. નવોદિત પેઢીને વિશ્વાસપૂર્વકનું પ્રાણસભર વાતાવરણ મળશે. મૈત્રીના એ જ નાતે કહું કે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ જે જાહેર પૃચ્છા કરી છે તેનું શક્યતમ નિરસન કરે. એટલે કે, એ પ્રશ્નો અંગેનાં તથ્યો સાહિત્યસમાજ માટે પ્રકાશિત કરે. નિયમાનુસાર અકાદમી એવી ચર્ચામાં ન ઊતરી શકે એમ હોય તોપણ વાતનું નિરાકરણ કરવું વાતાવરણની શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. અનૌપચારિક ભૂમિકાએ અસંભવિત નથી. મારી દૃષ્ટિએ, સાહિત્યસંસ્થાનું કામ સાહિત્યસમાજ માટે સાહિત્યિકપ્રવૃત્તિઓ કરવી એ છે. વ્યાખ્યાનો પરિસંવાદો અધિવેશનો જ્ઞાનસત્રો કે પ્રકાશનો વડે : સાહિત્યના સર્વ અભિગમોનું સ્વાગત થઈ શકે એવું નિષ્પક્ષ એટલે કે પોષક હવામાન રચી શકે : સાહિત્યપદાર્થ-સંલગ્ન સત્યોનું પ્રસરણ કરી શકે : નીવડેલાઓને જોડીને આશાસ્પદ નવોદિતોને ભાથું બંધાવી શકે : આ બાબતોનું સરખું પાલનપોષણ થાય તો, કોઈપણ સંસ્થા ‘સાહિત્યિક સંસ્કૃતિ’ માટે શ્રેયસ્કર છે. પરન્તુ, સાહિત્યિક પ્રવૃત્તિ અને વૈયક્તિક સર્જન/લેખન વચ્ચેનો ભેદ સૌ સમજી રાખે એ અત્યન્ત જરૂરી છે. વ્યક્તિએ સર્જક કે સમીક્ષક પોતે જાતે, જાતના બળે, થવાનું હોય છે. સંસ્થાના મોહમાં એ સત્યને એ જો વીસરી જાય, તો નુકસાન એને છે. ઘરના એકાન્તે કરવાનું કામ-જેથી સમગ્ર કારકિર્દીના મૂળાધાર સમી નિજી સમ્પદા એકઠી થાય. સદા પોતાની વર્કશોપને અદીન રહેવાની વાત. કેમકે વૈશવિક સાહિત્ય-સમજની તુલનામાં સંસ્થાઓની કાર્યપદ્ધતિ બંધારણબદ્ધ હોય છે. ગાંઠે બાંધી રાખવાની વાત. પરન્તુ એ લાલો સંસ્થામાં આવતો-જતો રહે છે એટલે ભ્રમમાં આવી જાય છે કે પોતે સાહિત્યકાર થઈ ગયો! એને પ્રમુખ બનવાનાં સપનાં આવવા લાગે છે. સંસ્થાઓ આપવડાઈમાં વીસરી જાય છે કે પોતાની સર્જક મોટો છે ને સર્વથા સ્વાયત્ત છે. ઇન્સ્ટિટ્યુશન સાહિત્યપદાર્થને ઇન્સ્ટિટ્યુટ કરે પણ સાહિત્યકાર આખેઆખો ઇન્સ્ટિટ્યુટ થઈ જાય તો સાહિત્યનું સત પ્રશ્નાર્થ હેઠળ આવી જાય. સર્જનશક્તિ કે સમીક્ષાત્મક નિપુણતા, બીબાંઢાળ બની જાય. લાલચને કારણે માણસો બીબાંમાં ઢાળ્યા ઢળાય પણ ખરા. આ સંભવિત હ્રાસમાં ઉમેરાય છે, સંસ્થાકયી રાજકારણ. અને સંસ્થાઓમાં રાજકારણ તો મુખ્ય રસાયન છે! કોઈપણ ક્ષણે વ્યક્તિના ખોળામાં જઈ પડે ને એને દઝાડીને જંપે. અને સાંભળો, રાજકારણ સ્મૃતિનાશક છે. સંભવ છે કે એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઈ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે. હા, ચૂંટણી લડીને સપનું સાચું પાડી શકે. પ્રમુખ થાય. નિજી સમ્પદાથી સભર હોય તો જુએ કે આજે વિશ્વસાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય સાથેનો આપણો અનુબન્ધ નહિવત્ રહી ગયો છે. કેટલી હાણ થઈ રહી છે. પણ લોકશાહી છે એટલે નિજી સમ્પદાવાળા ન પણ મળે. મુક્તચિત્ત મતદારને થાય, કોને મત આપું? લિસ્ટમાં ખરા સાહિત્યકારો તો જૂજજાજ છે! એને થાય, મારે આને, ‘પ્રમુખ’ ચૂંટવાનો? સમજો, લોકશાહી પોતાના સ્વરૂપે કરીને અલ્પતમ ગુણવાનને ય પ્રવેશ તો આપે છે પણ આવશ્યક વિવેક ન હોય તો ફળ નથી આપી શકતી. લોકશાહીની એવી અન્યર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હમેશાં મુશ્કેલ રહેવાનું. સંસારમાં ઉત્તમ સાહિત્યો વર્કશોપોમાંથી કે કોટરીઝમાંથી – સમાન રસરુચિધારીઓની મંડળીમાંથી – પ્રભવ્યાં છે એ સત્ય તો સાવ ભુંસાઈ જવાનું. આ કારણોથી હું સંસ્થામાં નથી માનતો. પણ હું સંસ્થાદ્રોહી નથી. ભૂતકાળમાં, જરા જેટલા ય પ્રચાર વિના મધ્યસ્થમાં બે વાર ભરપૂર મતોથી ચુંટાયો છું. પણ કારોબારીની ચૂંટણીમાં મને દગો કરીને હરાવાયો, એટલે પછી, ત્યારથી છૂટાછેડા છે. છતાં નિમન્ત્રણથી પરિષદનાં કામો હમેશાં કર્યાં છે : અકાદમી દિલ્હીની સલાહકાર સમિતિનો સભ્ય રહ્યો છું ને મીટિન્ગોમાં નકામી યોજનાઓના જરૂરી વિરોધ કર્યા છે, છતાં, મેં એને સમ્પાદનો કે અનુવાદો કરી આપ્યાં છે : ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે ઉમાશંકરે શરૂ કરેલી ઝુંબેશમાં, ‘શબ્દસૃષ્ટિ’-નો હું પહેલો માનાર્હ તન્ત્રી હતો તે છતાં, જાહેરમાં, લખીને, સૂર પુરાવેલો છે. એથી પ્રગટેલા કંકાસને કારણે મુક્ત થતાં મેં વાર ન્હૉતી કરી. તેમછતાં, વર્તમાનમાં અકાદમીના નિમન્ત્રણથી જોડાયેલો છું. ટૂંકમાં, મારાં ધોરણોને અનુકૂળ કામો માન-અપમાનની પરવા વગર સાહિત્યની સેવા અર્થે હમેશાં કર્યાં છે. મારે કહેવું તો એ છે કે ઉપર્યુક્ત વિચારો મને કોઈ ચૉપડીમાંથી નથી મળ્યા. ૫૪ વર્ષથી ગુજરાતી સાહિત્યની સન્નિકટે અહોરાત રહેવાથી અને એના નિરન્તરના સખળડખળ પરિદૃશ્યને નિ:સ્વાર્થ ભાવે નિહાળવાથી સૂઝેલા છે. રામ રામ.