સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/વિદેશવાસી ગુજરાતી મા-બાપોને એક પ્રેમપત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિદેશવાસી ગુજરાતી મા-બાપોને એક પ્રેમપત્ર


સ્નેહીશ્રી સૌ વિદેશવાસી ગુજરાતી મા-બાપો: આ પત્ર પ્રેમથી લખી રહ્યો છું. પ્રેમથી વાંચી જવા વિનન્તી. બને કે બધાંને ન પહોંચે. આશા કરું કે દેશવાસીઓ પોતાનાં સ્વજનોને આની વાત તો કરશે. અનેકાનેક ગુજરાતીઓ વિદેશ વસે છે. વિદેશ-વસવાટના લાભ ઘણા -સૌ જાણીએ છીએ. પણ લાભીએ તેની સાથે ને સાથે એક નુકસાન પણ ચાલુ થઈ જતું હોય છે. એ નુકસાન તે માતૃભાષાનું વિસ્મરણ. ભાષા ભુલાઈ જતાં, જાણીતું બધું ભુલાવા માંડે છે. જતે દિવસે માણસને થાય કે પોતામાં ‘ગુજરાતી’ જેવું કંઈ બચ્યું જ નથી! પરભોમમાં બધું છે પણ પોતે જાણે એકલો છે… આગળના કાળમાં આપણે જાવા-સુમાત્રા અને લંકા જઈ વસેલા. પછી આફ્રિકા. આજે બ્રિટનમાં અને સવિશેષે, અમેરિકામાં. એમાં હવે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ઉમેરાયાં છે. આ બધા વારાફેરા દરમ્યાન ગુજરાતીમાં બોલવાનું કે ગુજરાતી વાંચવા-લખવાનું ઓછાથી ઓછું થયા કર્યું છે. મધરટન્ગ એટલે માતૃભાષા, મા-ની ભાષા, કહો કે, બા-ની ભાષા. એ ક્રમે ક્રમે ભુલાતી રહી છે. મા-બાપો ભૂલી રહ્યાં છે એ તો ખરું જ પણ સન્તાનો ભૂલી રહ્યાં છે. એ હકીકત વધારે ચિન્તાકારક છે. આપણને ખબર ન પડે એ રીતે નુકસાનની શરૂઆત થતી હોય છે. જરા યાદ કરી લઈએ: શું અમેરિકામાં કે શું ઇન્ગ્લૅન્ડમાં ઘર બહાર નીકળીએ કે તરત ગુજરાતી બોલવાનું બંધ થઈ જાય -કેમકે જરૂર પડતી ન હોય. અંગ્રેજી જ બોલવું પડે -કાં સારું, ઓછું સારું, અથવા જેવું આવડે એવું. ઘરમાં ગુજરાતી બોલીએ. પણ વડીલો સાથે. બાળકો સાથે બોલવા કરીએ, પણ થોડી જ વારમાં અંગ્રેજીમાં આવી જઈએ. અરે, એમની જોડે જેટલું કંઈ ગુજરાતી બોલીએ, લાગે ગુજરાતી, બાકી એમાં દરેક બીજો કે ત્રીજો શબ્દ અંગ્રેજી હોય. આખો વ્યવહાર ‘ગુજરેજી’માં ચાલે. કેમકે બીજો રસ્તો નહીં. ભલે; યાદ કરીએ -સન્તાન ગુજરાતી બોલે છે? ઉત્તર માટે રાહ જોવાની જરૂર નથી. જાણીએ છીએ કે એ બોલતું જ નથી. ને બોલે છે ત્યારે કેવુંક બોલે છે. અલબત્ત, ઇન્ગ્લૅન્ડ-અમેરિકામાં ચોખ્ખું ગુજરાતી બોલતાં કોઈ કોઈ સન્તાનો મેં જરૂર જોયાં છે. પણ એ તો અપવાદ. ઘરની બહાર ગુજરાતી વાંચવા જવલ્લે જ મળે. સ્વાભાવિક છે. ઘરમાં? મળે: તિથિ-તહેવાર જોવા લટકાવેલું તારીખિયું. ચોઘડિયાં જોવા સંઘરી રાખેલું પંચાંગ. ઇન્ડિયાથી આવેલી કંકોતરી. ફુઆનો ફોઈની તબિયતની વીગતો આપતો કાગળ. કશું ગુજરાતી મૅગેઝિન. ઇન્ડિયાથી આવ્યા ત્યારે જો લાવ્યા હોઈએ તો ‘ભગવદ્ ગીતા’નો અનુવાદ. સંક્ષિપ્ત ‘રામાયણ’. ‘આશ્રમ ભજનાવલિ’. વાસ્તવિકતા એ છે કે વિદેશમાં સન્તાનો ભણીગણીને તૈયાર થાય ને તેમની કારકિર્દી બને એ માટેની મા-બાપોની વ્યસ્તતા દિવસે દિવસે એટલી બધી વધતી ચાલે છે કે આમાંનું તેઓ ભાગ્યેજ કશું વાંચી શકે છે. ગુજરાતી વાચનને માટેનો એમનો બાકી બચેલો રસ પણ છેવટે સુકાઈ જાય છે. જરા યાદ કરીએ -સન્તાન ગુજરાતી વાંચે છે? સવાલ અસ્થાને છે. કેમકે એને કક્કો જ નથી આવડતો! એના માટે ગુજરાતી અક્ષરો, જાણે ધીમી ચાલે ચાલતા મંકોડા -‘બગ્સ’! સારું; મા-બાપો ગુજરાતી લખે છે ક્યારે? અગાઉ બૅળે કરીને પણ લખતા. અમેરિકન (કે બ્રિટીશ) ટિકિટો ચૉડીને મામાને પત્રનો જવાબ લખી મોકલતા. પછી? છેલ્લા બે-અઢી દાયકામાં સંદેશાવ્યવહાર બાબતે ધરખમ ફેરફારો થયા. ફોન-ફૅસેલિટી સસ્તાથી સસ્તી થઈ ગઈ. કમ્પ્યૂટર જોડે ઇન્ટરનેટ ને સેલફોન આવ્યાં. પત્ર લખવાનું રહ્યું જ નહીં! પરિણામે ગુજરાતીમાં લખવાનું તો ક્યાંય હડસેલાઈ ગયું -ઘણાંને યાદ નથી કે છેલ્લે પોતે શા કારણે ને શું લખેલું. કેટલાકને પોતાના હસ્તાક્ષર પણ ભુલાઈ ગયા છે! કહેતા હોય -મોતીના દાણા જેવા હતા. કહેતા હોય -ગાંધીજીના હતા એવા હતા. આમાં, દેખીતું છે કે સન્તાનો ગુજરાતી લખે એ વાત તો, સાવ અશક્ય જેવી! ઘણાં મા-બાપોએ દલીલ કરી છે કે સુમનભાઈ, અમારે ગુજરાતી બોલવાની કે વાંચવા-લખવાની જરૂર જ ક્યાં છે! સન્તાનોને તો નથી જ! વાત સાચી. પણ હું ધારું છું કે અનેક જરૂરિયાતોથી દોરવાયા કરતી ત્યાંની ‘ડિવર્સિફાઇડ લાઇફ-સ્ટાઈલ’-માં ‘માતૃભાષા ગુજરાતી’ નામની જરૂરિયાતને પણ ઉમેરી શકાય. વળી એને ‘જરૂરિયાત’ ન કહીએ, સન્તાનો પ્રત્યેનું કર્તવ્ય ગણીએ. વિદેશમાં પ્રકાર પ્રકારની બાબતો ‘મૅનેજ’ કરી શકાય છે, તો આ શું કામ નહીં? બાકી, માતૃભાષાનું વિસ્મરણ મોટું નુકસાન છે. નુકસાનનો આંકડો સન્તાનો લગી પહોંચે ત્યારે ઘણો મોટો થઈ ગયો હોય. તેઓ બેઝબૉલ શીખે છે, વાયોલિન વગાડતાં શીખે છે. વધારાની ભાષા તરીકે સ્પૅનિશ કે ફ્રૅન્ચ શીખે છે. આતંકવાદીઓને સમજી શકાય એ માટે એમને હવે ઉર્દૂ પણ શિખવાડાય છે. પણ ગુજરાતી? દીકરો ઑન્કોલૉજિસ્ટ થયો હોય કે દીકરી લૉયર, પણ ગુજરાતી ન જાણતાં હોય. સોનાની થાળીમાં લોઢાની મેખ. એક ઇલાજ ચલણમાં છે: અંગ્રેજી અનુવાદોથી કામ ચલાવી લેવું. સન્તાનો ગાંધીજીની ‘આત્મકથા’-નો અંગ્રેજી અનુવાદ વાંચી લે. અંગ્રેજી સબ-ટાઈટલવાળી ડિવીડીમાં હનુમાનજી, ગણેશ કે ‘મહાભારત’ સીરિયલના કૃષ્ણને જોઈ લે. ડૂબતાને તરણું પણ વહાલું લાગે, એવી વાત. ઇલાજ થોડોક તો કારગત નીવડે છે; પણ ક્યાં લગી? અમુક વખત પછી ‘વાયા અંગ્રેજી’-વાળો રસ્તો પણ ભુલાઈ જાય છે. પ્રશ્ન ચોફેરથી અનુત્તર રહે છે. સન્તાનોને ગુજરાતી આવડે નહીં. શીખવવાનો કોઈ માર્ગ જડે નહીં. મા-બાપો દુ:ખી દુ:ખી રહે. છેવટે, મને કે કમને, આખી વાતને અભરાઈએ ચડાવી દે. શું કરે? વિદેશમાં ઊછરી રહેલાં સન્તાનો ઇચ્છે તો ‘ડિસાઇડ’ કરી શકે: ‘મધર્સ લૅન્ગવેજ, માય લૅન્ગવેજ’: ‘બા-ની ભાષા, મારી ભાષા.’ શીખવા ચાહે તો બા એમને બોલતાં, વાંચતાં ને લખતાં પણ શીખવી શકે. આવડી જાય. માતા-પિતાને દાદા-દાદીને મામા-મામીને કાકા-કાકીને, ગુજરાતી ગ્રાહકોને દર્દીઓને ક્લાયન્ટ્સને, ગુજરાતીમાં બરાબર સમજી શકે. પોતાની વાત પણ સારી રીતે સમજાવી શકે. કાર્યક્ષેત્રમાં સન્તાનો જુદાં પડી આવે. પ્ર-ગતિ કરી શકે. આમે ય બા-થી મોટો શિક્ષક કોઈ નહીં! જરૂર એ છે કે મા-બાપો આ પ્રશ્ન અંગે સાવધ થાય, ઉકેલ માટે ખાંખાંખોળા કરતા રહે; ખાસ તો સન્તાનોમાં ઇચ્છા -‘ડીઝાયર’- જગાડે. મને ઉમેરવા દો કે માતૃભાષા જોડે જોડાઈએ એટલે ભુલાઈ ગયેલું બધું જ યાદ આવી જાય. જાણીતું વધારે જાણીતું થઈ જાય. લાગે કે આપણે ‘પૂરાશૂરા ગુજરાતી’ છીએ -એકલા-ફેકલા નથી…

= = =