સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/સભા એટલે જ્ઞાનોત્સવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સભા એટલે જ્ઞાનોત્સવ


વર્ગખણ્ડની વાતે હમેશાં મને પેલું પ્રાચીન દૃશ્ય યાદ આવે: વૃક્ષની છાયામાં કર્તવ્યતુષ્ટ મૌની ગુરુ ‘યુવાન’ દીસે છે અને છિન્નસંશયી શિષ્યો ‘જ્ઞાનવૃદ્ધ’ દીસે છે. બન્ને પક્ષ પ્રસન્ન છે. કેમકે સર્વ સમાધાન મળી ગયાં છે. સ્તબ્ધતાભરી શાન્તતા છવાઈ છે. આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે. આપણા વર્ગખણ્ડો આ આદર્શને વરે એવી મનીષા સેવું છું. બાકી તો એવું એવું સાંભળવા મળે છે કે આપણે અમસ્તા જ સ્તબ્ધ થઈ ટાઢા પડી જઈએ! દીવાલો વિનાની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતાઓ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિદ્યા-સમીપે હોય છે. સૌ સહભાગીતાનો ઉલ્લાસ માણતાં હોય છે. આ મોટા વિદ્વાન; આ નવાસવા; વગેરે પ્રકારની જડતાગ્રસ્ત ઉચ્ચાવચતા નથી હોતી. સૌ, સંવાદથી રસિત અને પ્રફુલ્લિત હોય છે. સૌએ સ્વીકાર્યું હોય છે કે પૂછવું કર્તવ્ય છે અને પૂછવું અધિકાર પણ છે. આનો વ્યવહારુ લાભ તો એ કે સૌને વિદ્યાકીય મૈત્રીનો મીઠો અનુભવ મળે છે. એટલે લગી કે વ્યાખ્યાતાને કોઈવાર કોઈ વિદ્યાર્થી-શિબિરાર્થી જરીક તોછડાશથી પણ પૂછી પાડે; પણ ત્યારે વ્યાખ્યાતાને ખોટું નથી લાગતું; એના ચ્હૅરે સ્મિત હોય છે. કેમકે એવા પ્રશ્નથી પણ એને તેમજ સભાને જુદું વિચારવાની ફરજ પડે છે. લાગણી થાય છે કે શીખવાનું તો કોઈની પણ પાસેથી હમેશાં સંભવિત છે. જ્ઞાનજ્યોત કોઈપણ પ્રગટવી શકે. જ્ઞાનપ્રકાશની આડે કશુંપણ આવી શકે નહીં. ચીલાચાલુ માન્યતા એવી કે ગુરુ મહાન છે. એને કોઈ શીખવી શકે નહીં. શિષ્યે એની આંગળી પકડીને ચાલવું. સેવા કરવી. એનાં ઘરકામ કરવાં. હમેશાં એની જ ધજા ફરકાવવાની. ગુરુ જો આવો હોય, તો એ પણ મારી દૃષ્ટિએ એક દીવાલ છે. સાચા શિષ્યને હમેશાં અડે-નડે. દુષ્પરિણામો આવે છે: શિષ્યનો વિકાસ અટકી પડે છે: ગુરુને પણ ‘શિષ્યાત્ પરાજય’ નામની ગૌરવશાળી ઘટનાનો કદી અનુભવ નથી મળતો: કેટલાક શિષ્યો આંગળી છોડતા જ નથી: કેટલાક, ખભે ચડી બેસે છે: ગુરુના ટાંટિયા ખેંચી પાડનારા પણ જડી આવે છે: તો, પોતાની પાલખી ઊંચકીને ફરે એવી વાસનાને જીવતા લાલચુ ગુરુઓ પણ ઘણા હોય છે: નિર્ણય એવો થાય છે કે, ચાલને યાર, કોઈ સાચાને -સદ્ ને શોધી કાઢીએ. ‘સદ્ગુરુ’ શબ્દ અમસ્તો નથી શોધાયો. મને આદિ શંકરાચાર્ય (૭૮૮-૮૨૦ CE) અને ‘કર્મકાણ્ડી’ મન્ડન મિશ્ર વચ્ચેનો વિવાદ યાદ આવે છે. શંકર યુવાન હતા. મન્ડન મિશ્રની અરધી જિન્દગી ‘મીમાંસા’ પાછળ વપરાઈ ગયેલી. તે કહે, અનુભવ વગરના જુવાનિયા જોડે મારે શો વાદ કરવો! છતાં મોટાઈ બતાડવા ‘હા’ પાડી. ન્યાયાધીશ પસંદ કરવા કહ્યું. પ્રસ્તાવનો શંકર સ્વીકાર કરે છે. મિશ્રની પત્ની ભારતી ન્યાયાધીશ રૂપે નિમાય છે. સભા એટલે કે જ્ઞાનોત્સવ શરૂ થાય છે. જ્ઞાનાતુર નગરજનો શીખવાના હેતુથી રોજ હાજર થઈ જતાં. વિવાદ છ મહિના ચાલેલો. મન્ડન મિશ્રના તર્ક સુતીક્ષ્ણ પરન્તુ સંચિત જ્ઞાન કુણ્ઠિત હતું -આગળની ઊંચાઈએ પ્હૉંચી શકેલું નહીં. બ્રહ્માનુભૂતિને વરેલા શંકર આગળ એની શી વિસાત! સરવાળે, મન્ડન મિશ્ર હાર્યા. પણ ભારતી વિદ્યાવાન ચતુરા નારી હતી. શંકરને કહે, વિવાદમાં સામાવાળાની પત્નીને પણ હરાવવી ઘટે છે. શંકરને ઝટ એણે પતિ-પત્નીના દામ્પત્ય વિશેના સાંસારિક સવાલો કર્યા. એને વિશ્વાસ કે બ્રહ્મચારી શંકર કશા જવાબો આપી શકશે જ નહીં. શંકરે કહેલું પણ ખરું -હું બ્રહ્મચારી, એ બધું શું જાણું! શંકરને સમય અપાય છે. અનુભવાર્થે શંકરે શું કર્યું એ વાર્તા ઘણી લાંબી છે. પણ પાછા ફર્યા ત્યારે એમની પાસે સ્ત્રી-પુરુષ સમ્બન્ધનું, દામ્પત્ય-જીવનનું, પરસ્પરનાં દાયિત્વ વગેરેનું અનુભવસિદ્ધ જબરું જ્ઞાન હતું. પરિણામ એ આવેલું કે મન્ડન મિશ્ર અને ભારતી પ્રભાવિત થઈ ગયેલાં. ઝૂકીને બન્નેએ પરાભવનો સ્વીકાર કરેલો. વિવાદ સમાધાનકારી સંવાદ રૂપે સમ્પન્ન થયેલો. પ્રસંગ ઘણું ઘણું સૂચવે છે: સભા જ્ઞાનોત્સવ હોય; એમાં નગરજનો સમેતનાં સૌ જ્ઞાન સમીપે હોય. જ્ઞાનપિપાસુ સૌને સરખાં લેખવાં જોઈએ: મન્ડન મિશ્રની જેમ માનીએ કે જ્ઞાન મારી આગળ પૂર્ણ થઈ ગયું છે, તો એ મહા ભ્રમ છે. આપ-મતમાં પુરાયેલા ન રહેવાય: ચર્ચાનો અધિકાર સૌને છે. એમાં સ્ત્રી-પુરુષ, બુધ-અબુધ કે ડાહ્યો-ડોબો જેવો ભેદ નથી. શંકરાચાર્ય જેવા મનીષીને એક સ્ત્રી પણ સાગ્રહ પૂછી શકે. એથી પણ શીખવા જ મળે: ઍરિસ્ટોટલના ગુરુ પ્લેટો, પ્લેટોના સૉક્રેટિસ. પણ સૉક્રેટિસના? સૉક્રેટિસ જેવા સૉક્રેટિસે પણ પોતાના ત્રણ ત્રણ ગુરુ હોવાનો નિર્દેશ કર્યો છે! આનન્દાશ્ચર્યની વાત એ કે એ ત્રણે ત્રણ સન્નારીઓ હતી. એકે શાણપણની કલા, બીજીએ વાક્-કલા અને ત્રીજીએ એમને પ્રેમ-કલા શીખવેલી. સન્નારી પાસેથી કલા શીખવાનું કોને ન ગમે?: શંકરાચાર્ય સમા પરમ જ્ઞાની પણ ચર્ચામાં આગળ ધપવાની ના પાડે છે. સ્વાનુભવ વિના નથી બોલતા. એને ‘જ્ઞાનાય વિવેક’ કહેવાય. મેં આપણે ત્યાં એવા અવલોકનકારો જોયા છે જેમની પાસે રચનાનો રસાનુભવ હોય નહીં પણ હાંક્યે રાખે. રચનાકારની ઘોર ટીકા કરે. વાસ્તવમાં એમણે આખું પુસ્તક વાંચ્યું જ ન હોય. એને પ્રજ્ઞાનો અપરાધ કહેવાય: વિવાદ જો તત્ત્વબોધતરફી ન હોય, તો એ પણ જ્ઞાનમાર્ગની દીવાલ બની રહે. રકઝક કે માથાકૂટ. એથી વૈમનસ્ય વધે. બન્ને પક્ષના વિદ્વાનોએ સંવાદસુખતરફી રહેવું જોઈએ. આપણે ત્યાં ઊંધું છે -સામા મળ્યા હોય તો મોઢાં ફેરવી લે છે! જ્ઞાન, અહમ્-ની અથડાઅથડી માટેનું ઑજાર નથી: આપણે વિરુદ્ધ મતવાદી હોઈએ પણ અન્યના મતનો વિચાર કરવા અને લાગે તો સ્વમત છોડવા તત્પર રહેવું જોઈએ. વય-જ્યેષ્ઠ મન્ડન મિશ્ર યુવા શંકરાચાર્યના શિષ્ય બની ગયેલા ને છેવટે વેદાન્તી તરીકે પંકાયેલા -એમનું સ્વરૂપાન્તર થઈ ગયેલું. વધારામાં કહું કે જ્ઞાન સર્વથા મુક્ત સ્વાયત્ત અને સ્વપ્રતિષ્ઠ છે. આપણે જ એને સ્વાર્થરંજિત પક્ષાપક્ષીથી અભડાવીએ છીએ. એ પર નામનો સજ્જડ સિક્કો લગાવી દઈએ છીએ -જેમકે, ‘ઍરિસ્ટોટલિયન’ પોએટિક્સ પર્ફેક્ટ છે. વાદનો કડક બંદોબસ્ત બેસાડી દઈએ છીએ -‘પ્રતીકવાદી’ હોય તો જ કવિ. સમ્પ્રદાય-ની સંકડાશમાં દોરી જઈએ છીએ -‘અલંકાર’ સમ્પ્રદાય, ‘રીતિ’ સમ્પ્રદાય. રાગદ્વેષથી કલુષિત કરી મૂકીએ છીએ -જેમકે, ઉમાશંકર જોશી વર્સિસ સુરેશ જોષી. ભૂલી જઈએ છીએ કે જ્ઞાન અપૌરુષેય છે. એને જ્ઞાનીઓના ટેકાની પણ જરૂર નથી રહેતી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા-માં ઠરેલા વેદાન્ત-જ્ઞાનને નામ-સરનામાંની કદી જરૂર પડી ખરી? જ્ઞાન ફલાણા વિવેચકે ઘડેલી-ગોઠવેલી પરિભાષા આગળ કે કોઈ મતીલા ચર્ચકના પક્ષાઘાતી મગજ આગળ પતી નથી જતું. જોકે એવા સમયો પણ આવે છે જ્યારે સિદ્ધ-પ્રસિદ્ધ જ્ઞાન વિશે ફેરવિચાર કરવાની ફરજ પડે છે. કેમકે જ્ઞાન અનન્ત છે. નિરન્તરની શોધયાત્રા. જાણીને નવાઈ થશે કે હવે એમ પણ કહેવાઈ રહ્યું છે કે સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ સર્વથા આઉટડેટેડ ફિલસૂફો છે! એ ત્રિપુટીએ વિચારવાની જે ટેવો પાડી છે એ જરઠ-જડ થઈ ગઈ છે. સમય પાકી ગયો છે કે માણસજાત એ પ્રરૂઢિથી મુક્ત થઈ જુદી જ રીતે વિચારવા માંડે. માણસને માણસ નહીં, જ્ઞાન દોરવે…

= = =