સુમન શાહની વાર્તાસૃષ્ટિ/ફૉક્સવેગન છોકરી તેમજ રેનૉ ડસ્ટર છોકરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફૉક્સવેગન છોકરી તેમજ રેનૉ ડસ્ટર છોકરો


સૂર્યમોહન ટાવરના આઠમા માળે ર્હૅ છે. ફ્લૅટની બાલ્કનીએથી થોડી–થોડી વારે સામેનો રોડ જોવાની એમને આદત છે. બન્ને હથેળીઓની માથા પાછળ ગ્રિપ બનાવીને ઊભા હોય. બાંય વિનાનું બાંડિયું પ્હૅર્યું હોય. વાસ મારતી બગલોની ઍસીતૅસી. ઉનાળામાં તો બાંડિયું પણ નહીં –ઉઘાડા.

રોજે રોજ જાત જાતની બાબતો એમના ધ્યાને આવે છે: સાઇક્લો નથી દેખાતી –ભૂલી પડેલી ચકલી જેવી કોઈ દોડી જતી હોય તો દોડી જતી હોય. રિક્શાઓ સીધી પણ ઉબડખાબડ લીટીઓ જેવી –આવે, તેમ જાય. કોઈ બાઇક, હોય કોઈ વાર. સ્કૂટરો ઓછાં થઈ ગયાં છે. જાણે કોઈ એમને બીજે વાળી ગયું. જ્યાં–ત્યાંથી સફેદ લાલ બ્લૅક કારો જ કારો–આવે, જાય. ખૂબ વધી છે, ધક્કામુક્કી કરતી હર કોઈને ભગાડી રહી છે. પગે ચાલનારાં અટવાતાં છે. હા, મારગ એમને મળી જાય છે.

જોકે પણ ગયા અઠવાડિયે જુદું બન્યું. એ જોતા ઊભા’તા બાલ્કનીએ ને પાછળથી સૂર્યા આવેલી. ધબ્બો મારતાં ક્હૅ, સૂર્ય, તમે એ જોયું? મૅં તો જોયું, મારા રૂમની બાલ્કનીમાંથી, કે છોકરીઓ હવે પંજાબી નથી પ્હૅરતી, જીન્સ ને ટીશર્ટમાં આવી ગઈ છે, રિવાજ બદલાઈ ગયો…ફેરફાર જોજો તમે, કોઈપણ છોકરીને, જોજો…

આનો અર્થ એ કે સૂર્યમોહન જે બાલ્કનીમાંથી નીચે જુએ છએ એ બાલ્કનીએથી સૂર્યા નથી જોતી. નીચે જોવા માટે બન્ને પોતપોતાના અલગ–અલગ રૂમની અલગ–અલગ બાલ્કનીઓ વાપરે છે.

સૂર્યાએ કહેલું એ એમણે બરાબર યાદ રાખ્યું. વીણી–વીણીને જોતા રહ્યા. જણાયું કે રોડ પરની દરેક છોકરી જીન્સ–ટીશર્ટમાં છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી એમના ધ્યાને આવ્યું કે ટાવરની છોકરીઓ પણ દરેકે દરેક, જીન્સ–ટીશર્ટમાં છે. જોયું કે પ્હૅલાં એક જ મેઇનગેટ ખુલ્લો રાખતા’તા, હવે બે યે બે રાખે છે. દરેક પર બે–બે મળીને કુલ ચાર–ચાર વૉચમૅન છે. ડાબી બાજુના ગેટ પરની સઘળી આવન–જાવન માત્ર એ છોકરીઓની જ છે. એમને વધારે તો એ લાગ્યું કે એ દરેકે દરેક રૂપાળી છે. જોતા રહ્યા કે આવતી કોઈ–કોઈનાં ટૉપ સ્લીવલેસ છે. જતી કોઈ–કોઈનાં હિપ્સ–પૉકેટ પર ભડકીલી લાલ–પીળી ઍમ્બ્રોઇડરી છે. દરેક બ્લૉન્ડ છે. ચાલતી દરેકના હાથમાં મોબાઇલ છે. કોઇ–કોઇ ડાર્ક ગોગલ્સમાં છૅ. ટૂ–વ્હીલર પરની દરેકનું વાહન ઍક્ટિવા છે. કોઈ આલ્ટો–માં આવતી હોય છે. કોઈ સૅન્ટ્રોમાં જતી હોય છે. જોકે પણ સૂર્યમોહનને સવાલ થયો છે –છોકરીઓ જ છોકરીઓ કેમ. મરદો, બાઈઓ, ડોસીઓ, કોઈ–કોઈ તો ભલે ને કમરેથી વળી ગયેલી, ડગમગતી –શું બધાં રાતોરાત બદલાઈ ગયાં? આધેડ-પ્રૌઢ, ઘરડું કે નાન્લું –સાલું કોઈ રહ્યું જ નથી! ફેરફાર એમને ગમ્યો ખરો, પણ ગમ્યો એટલે સવાલ થયા, ને સવાલો થયા, એટલે મૂંઝવણ થઈ –આવું કેમ.. શું આ બધું..?

સૂર્યમોહન પર આ વાતની એક ચૉક્કસ અસર થઈ. અસર એ કે એઓ હવે રોડને બદલે ડાબા ગેટને જોતા થઈ ગયા. એમનું ધ્યાન સાંકડું થઈ ગયું. એમનો બધો સમય, જેટલો આપતા’તા એ બધો, ડાબા ગેટ પાછળ વપરાવા લાગ્યો.

ફેબ્રુઆરીની શરૂઆતથી એક બહુ જ મોટો ફેરફાર જોવાયો. એમણે તારવ્યું કે એ બધી છોકરીઓમાં એક તદ્દન રૂપાળી છે. તદ્દન એટલે તદ્દન. ટાવરની નથી, બ્હારની છે. રોજ આવે છે. સવાર સવારમાં આવે છે: ફૉક્સવેગન–માં આવે. કાર ગેટ–સાઇડે પાર્ક થાય, ડોર ખૂલે, હાઇ–હિલ ને ઝાંઝરવાળો પગ બ્હાર પડે, જીન્સ–ટીશર્ટ ના હોય –હૉટ-પેન્ટને સ્લીવલેસમાં સાવ અનોખી દેખાય. ખભે વૅનિટી પર્સ. હિલની ડક્ ડુક્ ડક્ ડુક્ સાથે સ્ટાઇલથી ચાલતી ફૉયરમાં થઈ ટાવરમાં પ્રવેશે. કયા માળે? જોકે એની એમને હજી નથી ખબર પડી…

એમના પર આ વાતની પણ ચૉક્કસ અસર થઈ. એમનું સાંકડું ધ્યાન વધારે સાંકડું થઈ ગયું. એઓ ડાબા ગેટને વીસરતા ચાલ્યા ને એમનો બધો સમય, જેટલો આપતા’તા એ બધો, હવે એક માત્ર એ છોકરી પાછળ વપરાવા લાગ્યો. સમજો કે એની એમને ટેવ પડી ગઈ. બાંડિયું છોડીને જુદા–જુદા રંગનાં ટીશર્ટ ઠઠાડવા લાગ્યા. રોજ બદલે. બગલમાં ડીઑડરન્ટ લગાડવાનો નવો નિયમ પણ બનાવ્યો.

સૂર્યમોહન સ્ટૉક–બ્રોકર છે. ધંધો ઘેર બેઠાં કરે છે. બીજવર છે, મતલબ, એમનાં આ બીજાં લગ્ન છે. સૂર્યાને પણ બીજવહુ ક્હૅવાય, મતલબ, એનાં પણ આ બીજાં લગ્ન છે. એ કશું કરતી નથી –સિવાય કે ફેસબુક પર ચૅટિન્ગ. કંટાળે એટલે બાલ્કનીમાં જઈને ઊભી–ઊભી આઇસ્ક્રીમ ચટવાર્યા કરે. એને આઇસ્ક્રીમ ભાવે છે બહુ. ફ્રિજમાં જાતભાતના ઠાંસી રાખ્યા છે. સૂર્યમોહનની પ્હૅલી વહુ બાઇક–ઍક્સિડન્ટમાં મરી ગયેલી –એ પોતે ચલાવતા’તા, તો પણ. ટાવરના લોકો ત્યારે એવી વાત કરતા કે પતિ બાઇક ચલાવતો હોય, પોતે ચલાવતો હોય, તો પણ, પાછળ બેઠેલી પત્ની મરી જાય, એ તો કેવું–? કોઈ પૅંતરો હશે. સૂર્યાનો પ્હેલો વર કાર–ઍક્સિડન્ટમાં મરી ગયેલો, ડ્રાઇવર ચલાવતો’તો, તો પણ. ત્યારે ત્યાંના લોકો પણ એવી વાત જરૂર કરતા કે ડ્રાઇવરે એવું કેવું ચલાવ્યું કે માલિક મરી ગયો ને માલિકની વહુ સૂર્યા બચી ગઈ. કશો પ્લાન હશે.

હવે એવું છેએએ, કે અકસ્માતો કારણો વગર નથી થતા, કારણો દેખાય આપણને. જોકે, ન દેખાય એવા પણ હોય, હોય જ. પણ લોકનું તો શું! લોક એટલે લોક. અમુક લોકો એમ પણ ક્હૅતાં કે બન્નેને ઍક્સિડન્ટ થયા એ તો જાણે હમજ્યાં, પણ આ બાજુ પતિ બચ્યો ને પેલી બાજુ પત્ની બચી –એ કેવું? આટલું ચૉક્કસ શી રીતે બન્યું? સૂર્યમોહન અને સૂર્યા –બન્નેનાં સરખાં નામો, એ પણ એક અકસ્માત છે. હા, ઉમ્મરમાં સૂર્યમોહન બાર વર્ષ મોટા છે. પણ લોકને એમાં રસ નથી. એમ કે, ગપ્પું છે એ તો. કેમકે એકલા પડેલા સૂર્યમોહન અને એકલી પડેલી સૂર્યા બન્ને ફટાફટની સરળતાથી ભેગાં થઈ ગયેલાં ને પરણી ય ગયેલાં –જાણે અગાઉનાં વરસોથી એકમેકને બહુ જ, ખૂબ જ, જાણતાં ન હોય! દાખલા તરીકે, એ વરસોમાં ઇવનિન્ગ વૉકમાં શરૂ શરૂમાં બન્નેથી સામસામે થવાયા કરતું હોય, પણ કોક વારથી જોડે–જોડે થઈ જવાયું હોય, ને જોડે-જોડે થઈ જવાયાથી શરીરોનું કદી–કદી અથડાવાનું ચાલુ થયું હોય, ને એટલે પછી બન્નેનાં મન, મનને તો ઉમ્મર–ફુમ્મર ક્યાં નડે છે –તે મળી ગયાં હોય –એકદમ! આવું બનતું હોય છે. સરખું, સરખું ઘણું હોય એટલે અણસરખું નજરે ના ચડે. આપડાંને અકસ્માત લાગે, પણ લોકને ગોઠવણ લાગે. ગોઠવણ ના હોય, તો ઇશ્વરી યોજના હોય. કદાચ પણ બનતું હોય છે. ધીમું ધીમું મલકાતાં સખત જોડાઈ જાય. ને પછી તો જે જીવવા મળે, જીવવા માંડે! જીવનભર જીવી લે સારું, નરસું –જે મળે, જેવું મળે! બનતું હોય છે.

જોકે પણ, સમય વીતતો ચાલ્યો તેમ–તેમ પેલી એક જ છોકરીમાં સાંકડી થઈ ગયેલી સૂર્યમોહનની ટેવ લપટી પડવા લાગી. ટેવોનો સ્વભાવ! રોજે રોજનો ઘસારો! ને લપટી પડે એટલે ધીમે રહીને કંટાળો આપે ને કંટાળેલા જીવને ગોદા મારે કે કશું જુદું ખૉળી કાઢ –જુદું, નવું. હા, બીજું તો શું? તે, તે ખાતર, ઍપ્રિલથી એઓ બીજો, એટલે કે જમણો ગેટ જોતા થયા છે.

એમણે જોયું કે ત્યાં જે આવન–જાવન છે તે માત્ર જુવાન છોકરાઓની છે. જતો કે આવતો એ દરેક છોકરો, જ્યાંત્યાંથી ઇરાદાપૂર્વક ફાડેલા–રાખેલા છૂંછાળા જીન્સમાં માચો છે. ચાલતા દરેકના હાથમાં મોબાઇલ છે. કોઈ–કોઈ તો મિરર ગ્લાસમાં છે. દરેકે ફ્રૅન્ચ–કટ દાઢી રાખી છે. દરેક બોલ્ડ છે. ટૂ–વ્હીલર પરના દરેક છોકરાનું વાહન હૉન્ડા છે. કોઈ મારુતિ સ્વિફ્ટ-માં આવતો હોય છે. કોઈ નિસાન માઇક્રામાં જતો હોય છે. ફેરફાર એમને ગમ્યો ખરો પણ બહુ ના ગમ્યો. બહુ ના ગમ્યો એટલે બહુ મૂંઝાયા –આ ગેટે પણ આવું? પણ કેમ….?… શું છે આ બધું…?

ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી એક બહુ મોટો ફેરફાર જોવાયો : એ બધા છોકરાઓમાં એક છોકરો તદ્દન જ હૅન્ડસમ છે. તદ્દન એટલે તદ્દન. અપર ગાર્મેન્ટ ચુસ્ત. જણાઈ આવે કે સિક્સ–પૅક છે. જિમ–બૉય. ટાવરનો નથી. બહારનો છે. રોજ આવે છે. સવાર–સવારમાં આવે છે. રેનૉ-ડસ્ટરમાં આવે. કાર ગેટ–સાઇડે પાર્ક થાય, ડોર ખૂલે, એના ચાંચિયા શૂ દેખાય, છૂંછાળું જીન્સ ગમતીલું લાગે. ખભે કમ્પ્યૂટર–બૅગ. સ્પીડી ચાલમાં ફૉયરમાં થઈ ટાવરમાં પ્રવેશે. કયા માળે? –જોકે એની એમને હજી નથી ખબર પડી…

આ વાતની પણ એમના પર ચૉક્કસ અસર થઈ. અસર એ કે, જેવો છોકરો દેખાય, એમની નજર સૂર્યાની બાલ્કની ભણી ફૅંકાય –એ તો નહીં જોતી હોય ને… સારું છે કે બાલ્કની ત્યાંથી દેખાતી નથી. બીજી અસર એ થઈ કે એમની ટેવ હવે ડાબા ગેટની ફૉક્સવેગન છોકરી અને જમણા ગેટનો રેનૉ ડસ્ટર છોકરો એવા બે ભાગમાં વ્હૅંચાઈ ગઈ. એટલું જ નહીં, જેની એમને હજી નથી ખબર પડી, એ બાબતો પણ બે થઈ ગઈ –છોકરી કયા માળે, છોકરો કયા માળે.

ગઈ કાલે સૂર્યમોહનવાળી બાલ્કનીમાં સૂર્ય–સૂર્યા જોડે જોડે ઊભાં’તાં: સૂર્ય, મને તો બહુ ફાવી રહ્યું છે જુદા રૂમમાં : કેમ? : કેમકે તમારા વગર સૂવાનું – તમારાં નસ્કોરાંનો ત્રાસ ગયો: હા, એ સારું થયું, હા, બિલકુલ: પણ ફેરફારોની વાતે મને ડર લાગે છે: કેવો?: કામવાળીઓ ને ટાવરની સ્વીપર બાઈઓ પણ જીન્સ–ટૉપમાં આવવા લાગશે, મને ગમે જોકે, પણ શું થશે: ડોન્ટ વરિ, ત્યાં લિમિટ છે: દૂધવાળાઓ, ધોબીઓ કે છાપાં નાખનારા તો ઠીક પણ આપણા આ વૉચમૅનો સિક્સ–પૅક જિમ–બૉય–માં તો નહીં ફેરવાઈ જાય ને, થાય તો જોકે મને તો સારું જ લાગે, તો પણ: ના–ના, એવું નહીં થાય, ના થવું જોઈએ. બાકી એક વસ્તુ છે સૂર્યા, જોને, સાડી તું બંગાળી ઢબે પ્હૅરવા લાગી. વાળને ડાઇ કરતી થઈ ગઈ. મેક–અપમાં, લિપસ્ટિક લગાવતી થઈ ગઈ : ને આપશ્રી ટીશર્ટ પ્હૅરતા થઈ ગયા, ને ડીઑડરન્ટ લગાવતા – ખરું કે નહીં? –કઈ બ્રાન્ડ છેએએ?: ઍક્સ ફૅક્ટર: અમે બૈરાં ખૅંચૈ આવીએ છીએ, એ? : હા: પ…ણ, સરસ ક્હૅવાય, નહીં? : કહી શકાય. જોકે એક વાત મને બિલકુલ સમજાતી નથી: શી?: કે ટાવરની આખી વસ્તી જુવાન છોકરા-છોકરીમાં શી રીતે ફેરવાઈ ગઈ: કોણ જાણે: જોકે એવું તો શ્હૅર આખામાં નહીં હોય?: હશે જ –આપણે શું! જેનું જે થવું હોય એ થાય, આપણે શું!: એમ તો કંઈ નહીં પણ એમ ઘણું: ઠીક છે: પણ, અરે ઓ, તું ચાલી ક્યાં?: મારા રૂમ ભણી : હા એ ખરું, તું ત્યાંની બાલ્કનીમાંથી જોતી હોઉં છું, બરાબર છે, બરાબર. બરાબર દેખાય છે ત્યાંથી?: હાસ્તો, ત્યાંની બાલ્કની ય રોડ પર તો પડે છે –નથી પડતી? ભૂલી ગયા: ના–ના, યાદ છે, યાદ છે ને…

એમ–ને–એમ માર્ચ ગયો. એમ–ને–એમ ઍપ્રિલ પણ ગયો. મે-ના બીજા જ અઠવાડિયે સ્ટૉક–માર્કેટ સાવ ગગડી ગયું. સૂર્યમોહનને લગભગ બાવીસથી પચીસ લાખનો ઘાટો થયો. રડવા જેવા થઈ ગયા, પણ રડ્યા નહીં. ઍપ્રિલ કરતાં મે તો કેવો કપરો! તાપ જેવો તાપ! ટીશર્ટ સૂર્યમોહનને કૈડતાં’તાં તો પણ પ્હૅર્યે રાખ્યાં.

જોકે પણ એમને કેટલાક સાદા સવાલ થવા લાગ્યા. સાદા તો સાદા પણ જોશથી સતાવવા લાગ્યા: હું મારી નવરાશોનું કરું છું શું–? રૂપિયા તો પાછા ય આવશે, પણ લગન પછી સૂર્યા જોડે બરાબરનું કશું જામ્યું નથી એનું શું? મારી પાસમાં ટકતી નથી, અતડી ર્હૅ છે, ક્હૅ છે પોતાને બીજા રૂમમાં ફાવી રહ્યું છે –એ બધું તો સાલું મને યાદ જ નથી આવતું! બાલ્કનીમાંથી દેખાયા કરતા ફેરફારિયા બનાવોમાં મને આટઆટલી દિલચસ્પી જાગી છે – પણ શું કામ? બ્હારનાંની મને આટલી બધી પડી છે –પણ શું લેવા? શું જીવી રહ્યો છું હું? અને એમણે પ્હૅરેલું કાળું ટી–શર્ટ ઝટ કાઢીને ડૂચો વાળી પલંગમાં ફંગોટ્યું, ને નક્કી કર્યું –વાતનો છેડો લાવું! નક્કી કર્યું. મારે બે બાબતો જાણવી જોઈશે –એક તો એમ કે ફૉક્સવેગન આવે છે કેમ, કોને ત્યાં, ને એ છે ક્યાંની. બીજી બાબત, રેનૉ ડસ્ટર આવે છે કેમ, કોને ત્યાં, ને એ છે ક્યાંનો.

આનો અર્થ એ કે, સૂર્યમોહનની બે ભાગમાં વ્હૅંચાઈ ગયેલી ટેવના બેઉ છેડા ભેગા થઈ ગયા ને તેની હવે એ જાતની એક ગાંઠ વળી. ટેવોનું છે જ એવું. શરૂમાં કંટાળો આપે, પછી જુદું, નવું શોધવા ગોદા મારે. પણ પછી ય બચી હોય, તો છેવટ એની ગાંઠ વળે –માણસ પાસે કંઈ–ને–કંઈ કરાવીને છોડે.

એમને થયું, બન્ને વસ્તુ સાથે ને સાથે તો નહીં જાણી શકાય, પૉસિબલ નથી. એકને જાણવાનું સાવ પૉસિબલ છે. કાં તો ફૉક્સવેગન–ને, કાં તો -રેનૉ ડસ્ટર-ને. પછી, એકનું બીજા પાસેથી જાણી લેવાય. કાલે? ના, કાલ પછી. બને કે કોઈ એક જ માળ પર કોઈ એક જ ફ્લૅટમાં બન્ને જતાં હોય, ભેગાં થતાં હોય. સાંજે ભલે જુદાં જુદાં જતાં હોય –બને. જોકે પણ રેનૉ-ડસ્ટર–ને પૂછવામાં સાચું જાણવા ના પણ મળે. છોકરાઓ હાચું ના ભણે. એને નથી પૂછવું. એને પૂછવાથી, ખબર નહીં, શું યે નીકળે…એવું નીકળે, જે બિલકુલ જ ના ગમે…હા તો, છોકરી, છોકરી જ બરાબર છે, ફૉક્સવેગન, ફૉક્સવેગન બરાબર છે.

એક–બે વાત ક્હૅવાની રહી ગઈ. સૂર્યમોહનને મરી વહુના વિમાના પંચાવન લાખ મળ્યા છે. શું કર્યું? પોતાના નામના અલગ ઍકાઉન્ટમાં રાખ્યા. સૂર્યાને પણ મર્યા વરની ઍફડીના સિત્તેર લાખ મળ્યા છે. શું કર્યું? એણે પણ પોતાના નામના અલગ ઍકાઉન્ટમાં રાખ્યા. પતિ–પત્ની બન્ને અલગ ઍકાઉન્ટ રાખે એના લાભ ઘણા, બન્નેને લાભ. કેમકે એથી, કોઈની તરફથી વાંધો નહીં, વચકો નહીં, કચકચ નહીં. કેમકે એથી, ખાસ તો, બન્નેથી બધી વાતે છુટ્ટાં ર્હૅવાય. જ્યાં જવું હોય ત્યાં જવાની બન્નેને એકદમની સગવડ ર્હૅ. જેમકે, દાખલા તરીકે –

ગયા નવેમ્બરમાં સૂર્યા માન્ડુ ઊપડી ગયેલી, રાણી રૂપમતીનો મહેલ જોવા. નાનપણની કોઈ બેનપણી સાથે પ્હૉંચ્યા પછી ફોન કરેલો –બોલેલી, સપ્રાઇઝ! પેલીના વરનો મોબાઇલ વાપરેલો –એમ પણ કહેલું કે મજાના છે, ભરતભાઈ. એમના બ્લેકબેરી પરથી બોલું છું.

હા, પરણેલાંથી એવું કેમનું થાય એ સવાલ ખરો. પણ મોટી વાત તો એ સમજવાની છે કે બન્ને ક્યારનાં પરણ્યાં છે. બને કે એમની પાસે પરણવાનો અનુભવ હતો એટલે પરણી શક્યાં. જોકે સૂર્યમોહનને આગળની વહુથી કોઈ સન્તાન નહીં. જોકે સૂર્યાને પણ આગળના વરથી કોઈ સન્તાન નહીં. હા પણ, જુઓ, પરણ્યાં હોય એટલે બન્નેને પતિ–પત્ની રૂપે સાથે ર્હૅવાનો અનુભવ તો હોય જ ને? હોય જ. સાથે ર્હૅવાનો હોય એટલે પથારીમાં જીવવાના જાતીય જીવનનો પણ હોય, હોય કે નહીં? મતલબ, કોઈએ કોઈને કશું શિખવાડવું પડે, એવું નહીં. કોઈએ કોઈ પાસેથી કશું શીખવું પડે, એવું નહીં. એટલે બને છે એવું કે સૂર્ય–સૂર્યા કોઈ–કોઈ રાતે પોતપોતાના રૂમમાંથી કોઈ એકના રૂમમાં આવે છે પણ ખરાં. સાથે–સાથે સૂવે છે પણ ખરાં. હા, નસ્કોરાં શરૂ થાય એની આસપાસ થોડું આડુતેડું થાય એ વાત જુદી. ટૂંકમાં, એવું છતાં એવું નહીં.

આજે એઓ એમ જ સૂતેલાં હતાં: સૂર્યા, તને ખબર છે, કોઈ છોકરી રોજ ટાવરમાં આવે છે…?…ક્યા માળે, નથી જાણતો, તું જાણે છે?: ના ભૈ, હું એને સાંજે-સાંજે પાછી જતી જોઉં છું: બહુ રૂપાળી છે નહીં?: હા, બહુ જ, ગમે આપણને, કોણ હશે?: પણ સૂર્ય, એક છોકરો પણ રોજ ટાવરમાં આવે છે, કયા માળે, નથી જાણતી, તમને ખબર છે?: ના ભૈ. હા પણ, એની ખબર તને, તને શી રીતે?: બહુ રૂપાળો છે નહીં?: હા, બહુ જ ગમે આપણને, કોણ હશે? થોડી વાર ચુપકીદી ચાલુ રહી…

પછી સૂર્યમોહન અડોઅડ થયા ને બોલ્યા, સૂર્યા, તને લાગે છે, આપણને બાળક હોવું જોઈએ?: લાગે છે હોવું જોઈએ પણ સાથે–સાથે એમ પણ લાગે છે કે ના હોવું જોઈએ: કેમ?: ખબર નહીં, બાકી મારે ટેસ્ટ નથી કરાવવો, હા, નથી કરાવવો એટલે નથી કરાવવો, બસ!: ઓકે ઓકે, ઠીક છે ઠીક છે: પણ તો કંઈ બીજું કરવું છે? : કંઈ નહીં: તારો કોઈ બીજો વિચાર ખરો? : કેવો?: મીન્સ કે અનધર મૅરેજ, યા કોઈ બૉયફ્રેન્ડ: ઓહ નો! ને ત્યારે તમારું શું થાય? ગાંડા જેવી વાતો શું કરતા હશો, એવી કંઈ જરૂર નથી –બોલતી સૂર્યા ઊભી થઈ ગઈ –મને તો આપણા આ ટાવરની લાઇફમાં એવી મજા પડે છે કે ન પૂછોની વાત! કેવા છોકરાઓ, કેવી છોકરીઓ: ખરી વાત છે. જોકે, બધાં કેવાં જુવાન રૂપાળાં. કેવાં અવનવીન.

હું કહું છું એ છોકરી કેટલી તો બ્યુટિફુલ છે: મારે પણ એ જ ક્હૅવાનું છે કે એ છોકરો કેટલો તો હૅન્ડસમ છે: હા પણ એની ખબર તને શી રીતે પડી?: સૂર્ય, મારો કોઈ બીજો વિચાર નથી; તમારો?  ના ભઇ ના, તારો નથી, પછી મારો શી રીતે: ખરું, તમે –તમે, હું –હું ભેગાં–ભેગાં એકલાં: ક્હૅ ને કે એટલું ય છે: એ તો જેટલું હોય, બાકી જલ્સા જ વળી!

… …

કેમ આગળ બોલી નહીં? : સૂર્ય, મને ઊંઘ આવે છે: હા તો લંબાવને! હું તો આ ચાલ્યો. બાય ધ વે, તું તારો બૅન્ક એકાઉન્ટ ચૅક કરે છે ને? મૅં તો ગયા વીકે જ ઑન–લાઇન કરાવી દીધું: મારે તો નથી કરાવવું, બૅન્કે જવાય–અવાય, પગ છૂટો ર્હૅ. તમને ક્હું સૂર્ય, હમણાં–હમણાંની તો બ્રિટીશ લાઇબ્રેરી-માં ય આંટો મારતી આવું છું: ત્યાં કેમ?: મારા કોઈ ફેસબુક–ચૅટરને ફેસ–ટુ–ફેસ થવા: એ જ હોય, કે દર વખતે કોઈ બીજો?: એની ખબર તો ફેસબુક પર ગયા પછી પડે –પણ ભલા માણસ, એ જ હોય એ કોણ?: કોઈ –કોઇ નહીં!: અને આ બધી વાતોનું અત્તારે છે શું?: આમ તો કશું નહીં: હા, તો મને ઊંઘી જવા દો, જાવ: હા…

જૂન બેઠો છે. સૂર્યમોહન આજે સવારથી જ બાલ્કનીમાં ઊભા છે. ક્યારેય નહીં ને આજે એમનાથી વારે–વારે આકાશ જોવાયા કરે છે. વરસાદી વાદળ છવાયાં છે. ભૂરા સાટીનનો નાઇટડ્રેસ પણ નથી બદલ્યો, ખસ્યા જ નથી. બધું દેખાય છે જોકે, પણ જાણે કશું જોતા નથી. મનમાં સવાલ સતાવે છે: જીવનમાં કશી ભૂલ થઈ…એકમેકને જાણ્યા વિના ઝંપલાવ્યું. ઇવનિન્ગ વૉકે દાટ વાળ્યો…એણે એવું કેમ કહ્યું –મને તો આપણા આ ટાવરની લાઇફમાં એવી મજા પડે છે કે ન પૂછોની વાત!— મને તો ખાસ મજા પડતી નથી, તો એને શી રીતે… શી રીતે પડવી જોઈએ…. ને…હા, કહૅતી નથી કે છોકરાની ખબર એને પડી, ને પડી શી રીતે. બે વાર પૂછ્યું તો ય બોલી નહીં, ગુપચાવી ગઈ. હજી ઍકાઉન્ટ ઑન–લાઇન કરાવતી નથી. પગ છૂટો… ચૅટર… કોણ…? શા માટે..? પાછી જ્યારે ને ત્યારે, એકલાં ભેગાં એકલાં ભેગાં–નું મૅંણું મારે છે. શું કરવાનું..? છોકરો ય કમ્પ્યૂટર લાવે છે…

એટલામાં, એમણે જોયું કે ફૉક્સવેગન આવી. એમણે નાઇટસૂટ પર સળ ન્હૉતા તો ય ઘસીને બધું સરખું કરી લીધું, હથેળીથી ચ્હૅરો મસળી લીધો. કાર પાર્ક થઈ, છોકરી ઊતરી. ગેટમાં થઈને ફૉયરમાં ગઈ –પણ ત્યાંથી પછી આગળ ના જોઈ શકાઈ. સૂર્યમોહન બબડ્યા: શું કરું? શું કરું શું, ઊતરું ને જોઉં ને જાણું કે કયા માળે કોને ત્યાં જાય છે… હા, એમાં શું?…અને એ ઝટ બ્હાર પડ્યા ને લિફ્ટ લીધી. બાજુની લિફ્ટ એને ઉપર લઈ જાય એ પહેલાં આ મને નીચે પ્હૉંચાડે તો સારું…

એ પ્હૉંચ્યા ત્યારે બાજુની લિફ્ટ ન્હૉતી –ઉપર ચાલી ગયેલી. છોકરીને લઈને ગઈ, કે ના? ના, તો ક્યાં ગઈ…

એમને જોઇને વૉચમૅન ચાલી આવ્યો : કેમ સેઠ કેમ, કોઇ પ્રૉબ્લેમ?: ના પણ…હમણાં આવી એ છોકરી કયા માળે?: કઈ છોકરી સેઠ?: સૂર્યમોહન કહી શક્યા નહીં કે ફૉક્સવેગનમાં આવે છે એ. બોલ્યા: હમણાં આવી છે: હમણાં? હમણાં?: એમને એ ના સૂઝ્યું કે આગળ શું ક્હૅવું. તું જા –કહીને લિફ્ટમાં જઈ ઊભા ને આંખો મીંચીને જે બટન દબાવાય એ દબાવ્યું. છઠ્ઠો ફ્લૉર હતો. જેનો સૂઝ્યો એનો ડોરબેલ દબાવ્યો: નો પ્લીઝ નો, અમને નથી ખબર એવી કોઈ છોકરીની: પાંચમા પર ગયા: એ તમારે ત્યાં આવે છે?: કોણ એ?: ફૉક્સવેગન? : સૂર્યભાઇ, કોની વાત કરો છો તમે?: આઇ મીન, તમને એ ખબર છે કે રેનૉડસ્ટર કોને મળે છે –સૉરિ સૉરિ, રૉન્ગ રૉન્ગ, રૉન્ગ. ઍનીવેઝ. થૅન્ક્સ… એમને થયું, વધારે ગૂંચવાવાય એ કરતાં પાછો જઉં…

પાછા ગયા ત્યારે સૂર્યા મેઇનડોર પર એમની રાહ જોતી’તી: સવાર-સવારમાં નીચે ને તે ય નાઇટડ્રેસમાં? : બસ એમ જ: સૂર્યા ક્હૅવા તો એમ માગતી હશે કે એમ જ શેના જાવ, એમ જ ન્હૉતા ગયા, પેલીને માટે ગયા’તા –પણ બોલી નહીં. સૂર્યમોહનને થયું, આટલું પૂછીને અટકી ગઇ કેમ, બ્હીતી હશે, ઠાવકી થઈ ગઈ છે. મૅં છોકરા અંગે પૂછેલું ત્યારે જવાબ બે વાર ગુપચાવી ગયેલી. એટલે, સૂર્યાએ જ્યારે એટલું જ કહ્યું કે –ચાલો ચા–પાણી કરીએ, ત્યારે સૂર્યમોહને મીઠા મલકાટ સાથે પડઘો પાડી આપેલો –હા ચાલો…

જૂનના બીજા–ત્રીજા અઠવાડિયે તો એમને થાય, વૉચમૅનને કહ્યા વિના તો વાતનો છેડો શી રીતે આવવાનો–? વરસાદ તો જંપતો નથી, કેમનું ફાવશે? હા, એક થાય, પ્હૅલેથી નીચે ઊભો રહું ને જેવી ફૉક્સવેગન ફૉયરમાં દાખલ થાય કે તરત પૂછું.

તે, ગઈ કાલે ઊતર્યા. મેઇનડોર સાચવીને ઠાલો વાસ્યો, આસ્તેથી લિફ્ટ ખોલી ને પ્હૉંચ્યા નીચે. લાગ્યું –પોતાને ક્યાં કોઈ જોવા–જાણવાનું છે. પણ એટલે લાગ્યું –પોતે કોઈ છે જ નહીં! –જાણે તાબૂત! એમની ધ્યાન વગરની નજર ગેટ પર ફરતી રહી. એટલાંમાં પેલી આવી. ફૉયર લગી આવી એટલે, તરત બોલાતું ન્હૉતું તો પણ બોલી નાખ્યું: તમે ફૉક્સવેગન, તમે, કોને ત્યાં– : અરે અન્કલ, ફૉક્સવેગન તો મારી કારનું નામ છે! ઇટીઝ માય કાર. તમારી કશી ભૂલ થાય છે?: એમને થયું ના, નથી થતી ક્હું. પણ આગળ શું? કેમકે એ ક્હૅ, સૉરિ અન્કલ, જ્યાં પણ જતી હોઉં, તમારો પર્પઝ શો છે, તો શું કહું? : ઍનીથિન્ગ રૉન્ગ…?: નો નો! આઇમીન, સમથિન્ગ ઇઝ રૉન્ગ: વ્હૉટ?: એને રેનૉ ડસ્ટર વિશે થોડું પુછાય…એમણે વિચારોને ઝાટકો માર્યો ને બોલ્યા: સૉરિ! યુ નો વ્હૉટ, નથિન્ગ! મિસ્ટેક –નો મિસ્ટેક, જઅઅસ્ટ: એટલે, જૂઇના નાના ફૂલ જેવું સ્મિત ફેલાવતી એ લિફ્ટમાં ગઈ. ત્યાંથી હથેળી ડાઉન કરીને તાકતી જોતી રહી –એમ કે, તમારે આવવું છે? ના ક્હૅવા સૂર્યમોહન ડોક બે વાર હલાવીને એવું જ સ્મિત મોકલવા મથેલા…

બીજી લિફ્ટ વાટે એઓ પાછા જતા’તા ત્યારે એમને થાય, ગઈ વખતની જેમ સૂર્યા જો પૂછશે, પૂછશે જ, તો એને આ વખ્તે પણ મારાથી દર વખત જેવું – બસ એમ જ– થોડું ક્હૅવાશે….? અને એવું પણ ના બને કે આ વખ્તે એ ના પણ બીવે? બને જ… ના પણ બીવે…શું કરવાનું…? જોયું જશે…એમણે ફડકથી મેઇનડોરને ધીમો હડસેલો માર્યો, અંદર ડોકિયું કર્યું – ઘૅન્ક ગૉડ, એના રૂમમાં લાગે છે…

જુલાઇ બૅઠો પણ એમનું મગજ તો સાવ તંગ. રોજે રોજે તંગથી તંગ થતું ચાલ્યું. છોકરાને મળું તો ય આ–નું– આ થવાનું. ને એ પાછો જો કંઈક એવું ક્હૅ, ના ગમે એવું –તો? ના ભૈ ના. છોકરી મળી, બરાબર, સારી હતી, પણ એને પૂરેપૂરી જાણવાનું બને શી રીતે? રસ્તો કયો? ના, રસ્તો નથી, નથી સૂઝતો, નથી સૂઝવાનો…

પછી તો રોજ બાલ્કનીમાં પગની આંટી વાળી ઊભા ર્હૅતા, રોજ ફૉક્સવેગનને જોતા, પણ અજાણ્યા જેવું. પોતે પણ જાણે કોણે ય હોય, પરાયા. કેમકે એનું-એ જ ઘુંટાયા કરે. રસ્તો કયો, ના, રસ્તો નથી. શું કરે? ખરા રસ્તાઓનું હોય છે જ એવું, ના સૂઝે એટલે ના જ સૂઝે!

એટલે એ છેલ્લી વાતની એમના પર ઘણી ચૉક્કસ અસર થઈ. અસર ધીરે-ધીરે થવા લાગી. ધીરે ધીસે એમને એમ થવા લાગ્યું કે –લોક તો બ્હાર, પણ હું તો ઘરમાં ને ઘરમાં ભટકી ગયો છું. મારી સાન ઠેકાણે નથી, મારે હતા એવા થઈ જવાની જરૂર છે. હતો એ સમયમાં પાછો ચાલી જઉં…

વરસાદ પણ રહ્યોસહ્યો થઈ ગયેલો. એમણે ટીશર્ટ છોડી દીધાં. ઉઘાડા ઊભા ર્હૅવા લાગ્યા. માથે હથેળીઓ રાખતા, પણ ગ્રિપ નહીં. બગલની વાસ સ્હૅતા થયા. ઍક્સ ફેક્ટરને ફેંકવા ગયા –પણ યાદ આવ્યું કે બહુ મૉંઘું લીધેલું– પંપાળીને બાજુ પર મૂકી દીધું…ગયા ડિસેમ્બરમાં હું કેવો સારો હતો…

આજે બાલ્કનીમાં જતાં પ્હૅલાં એમણે ગ્લાસમાં શરબત લીધું છે, આઇસક્યુબ નાખ્યા છે, સ્ટ્રૉ ખોસી છે, ને ધીમેશથી જઈ ઊભા છે: હવે એક જ ગેટ ખુલ્લો હતો, બે જ વૉચમૅન જોવાયા. મરદો બાઇઓ બધાંની રોજ–બરોજની અવરજવર હતી. કામવાળીઓ દેખાઈ. સ્વીપર બાઇઓ કચરો ઠાલવતી જોવાઈ. દફતર ટીંગાળેલાં બાળકો સ્કૂલ–બસની રાહ જોતાં ઊભાં’તાં. રોડ પર સાઇકલોની આવ–જા ભલે ઓછી, પણ હતી. રિક્શાઓ અને લોક આમતેમ કરીને પણ જતાં–આવતાં’તાં. સ્કુટરો ને કારો પણ પોતપોતાની રીતે રસ્તો કરી લેતાં’તાં. કારો એવી કંઈ વધારે ન્હૉતી. થોડી ગૅપ દેખાતાં એક કાકા હમણાં જ જલ્દી–જલ્દી સામે પાર પ્હૉંચી ગયા.

સૂર્યમોહન આઇસ–ક્યુબ ઑગાળતા રહ્યા. એમને થયું, બધું બરાબર છે, હતું એમ તો છે! તો દુખે છે શું? સમયમાં હજી પણ પાછળ જઈ શકું. સૂર્યા જોડે જોડાવાની શી જરૂર હતી. એને વેઠવી પડે છે, એ ય વેઠે છે મને, આગળ કશું થતું નથી. હા, ઘણે પાછળ જઈ શકું, પણ કેટલે પાછળ. ના, એટલે પાછળ તો નથી જવું…

એ છેલ્લી ચુસ્કી ભરતા’તા, બરાબર એ જ વખતે, ધમધમ કરતી સૂર્યા આવી ને પાછળથી ધબ્બો મારતાં બોલી:  ફૉક્સવેગનની રાહ જુઓ છો, ખરું…? સૂર્યમોહન બોલ્યા: ના, રેનૉડસ્ટરની…જોકે પણ બન્ને સામસામે થયાં ને મલકી પડાયું ને એકબીજાને તાકતાં થયાં ત્યારે જુદું જોવાયું –સૂર્યા હૉટપૅન્ટમાં હતી! છૂંછાળી ધારોવાળા ચુસ્ત ગોળાવો ને એમાંથી નીકળેલી લથપથ ગોરી સાથળો…એમનાથી જોવાઈ…ઉપર ફરફરતું સૅફાયર સ્લીવલેસ…ચૉંકેલા એ પાછા હટતાં પડી ગયા હોત, પણ ટેકા માટે સૂર્યાના એમણે ખભા પકડી લીધા…સૂર્યા એમને ખુલ્લા હોઠે જોતી રહી ગઈ…